વેવાઈ વેવાણ ભાગી ગયા..આખું ગુજરાત ચર્ચાના ચકડોળે ચડ્યું છે ,
લગભગ એકે એક વોટ્સ એપ ગ્રુપમાં પ્રહસન થઇ રહ્યા છે ,
કાગડાને હસવું થયું છે ને હાડીયાભાઈ નો જીવ જાય એવી હાલત છે..!!
આખા ગુજરાતમાં ફોટા સાથે લોકો એ “ફેમસ” કરી મુક્યા છે, છેલ્લે ક્યાંકથી આવેલા ફોન નું રેકોર્ડીંગ પણ એટલું વાઈરલ થયું , ત્યારે ખરેખર એમ થાય કે પ્રજા મારા જેમ સાવ નવરી થઇ ગઈ છે કે આવી મજા લે છે ..?
પણ થોડુક વિચારીએ તો પ્રજા તો આવી
મજા ક્યારની લઇ રહી છે ..
પૂછો કૈસે ..?
સીરીયલો નથી જોતા બપોર આખી અને રાત અડધી ?
એમાં શું આવે છે ?
કોઈક નું બૈરું કોઈક જોડે અને કોક નો ધણી ત્રીજી જોડે ..
અરે હવે તો રીયલ લાઈફમાં પણ પેલા પિકચરો જેવું થવા માંડ્યું છે,
લગ્નના ત્રણ ચાર ફન્કશન થઇ જાય પછી જુનો પ્રેમ જાગે છે..
નાલાયકો
ચોરીમાંથી ભાગવા ની વેતરણ કરતા હોય છે ..!!
છેલ્લી મિનીટ સુધી મોબાઈલમાં ચેટીંગ કરતી હોય છે પ્રજા..!!
એક લખોટો પરણ્યા ને બે મહિના થયા નોહતા અને મારી જોડે સમસ્યા લઇ ને આવ્યો , ભાઈ બહુ યાદ આવે છે નથી રેહવાતું ,
આપણી તો ફૂલ છટકી
પેહલા તો બે રસીદ જ કરી, અને પછી પૂછ્યું કે પેલી જેની જોડે વર્ષ દિવસ સગાઇ રાખી અને સપના દેખાડ્યા પછી ફેરા ફરી ને કોડભરી ને રંગેચંગે ઘરમાં લાવ્યા એનો શું વાંક ?
તો નિર્લજ્જ
મને કહે એ તો જ્યાં છે જ ત્યાં જ રેહશે , એને ઉની આંચ નહિ આવવા દઉં પણ ઓલી જોડે પાંચ વર્ષ ફર્યો છું એને પણ સાચવવી છે..!!
રામ રામ રામ … શું કરવું અને શું જવાબ આપવો એની સમજણ જ ના પડે ..!
અને બીજી બાજુ એમ પણ થાય કે આની જોડે વધારે રહ્યો તો આ મારું દિમાગ પણ ફેરવી નાખશે હમણાં બહુપત્નીત્વના ફાયદા સમજાવીને..!! ( જો કે મનમાં ગલગલીયા થાય પણ ખરા હો ..ખોટું શું બોલવું ..!)
બેક ટુ સીન ..પાછો બે ધોલ ખાધા પછી આવી લવારી કરે.. દિલના હાથે મજબુર છું ને આવું કૈક કૈક ગુજરાતી અને અંગ્રેજીમાં બબડે , છેલ્લે એક જ રસ્તો હતો ગાડી પાટે ચડાવવા નો મન મક્કમ કરી બ્રહ્માસ્ત્ર વાપર્યું..
તારી બૈરી નો નંબર આપ તો ..
લો ને ભાઈ ..
મેં કીધું તું હવે પેલી ને દિલથી સાચવ તું , હું તારી બૈરી નો નંબર પેલો છાપે ચડ્યો હતો ને જીમ નો ટ્રેઈનર એને આપું છું, તારી બૈરીના દિલમાં એને વસાવું છું, તારી ઘરવાળી પણ તને જરાય અન્યાય નહિ થવા દે , પેલા જીમ ટ્રેઈનર જોડે તારો ન્યાય કર્યા પછી જ રખડશે..
આખો લાલઘુમ તમને જરાક એ શરમ નથી આવું બોલતા ?
મેં કીધું તને કરમ કરતા શરમ આવે છે કે હું બોલતા રાખું ? ના જોઈ હોય તો દિલના હાથે મજબુર વાળી..!!
બહુ કપરું થતું જાય છે આજકાલ આ બધું ..! અને એમાં પણ મીડલાઈફ ક્રાઈસીસમાં ફસાયેલી પ્રજા માટે બહુ જ ..!!
જુવાની પુરી ઉતરી ના હોય અને ઘડપણ ડોકાચીયા કરતુ હોય ત્યાં ,
આર્થિક કે સામાજિક પરિસ્થિતિઓ એ જુવાનીમાં સાથ ના આપ્યો હોય અને દિલના મારી કુટી ને દાટી દીધેલા અરમાનો રહી રહી ને ઉભા થાય ,પછી થાય ભવાડા ..
જો કે છીંડે ચડ્યો એ ચોર બાકી બધું શાહુકાર ..
મીડલાઈફ ક્રાઈસીસમાં ચોરી કરવી એ ગુન્હો નથી બનતો ,પકડાઈ જવું ગુન્હો છે..!!
એવું કેહવાય છે કે દુનિયાભરના વેશ્યાલયો ચાલીસથી સાહીઠ વર્ષની ઉંમરના લોકો જ ચલાવે છે, ત્યાંથી બાહર નીકળતો કે અંદર જતો આ ઉંમરની વચ્ચે નો જ મળે..!!
બાકીના તો છાનેખૂણે છાંનગપતીયા કરી લ્યે..!!
દોષ કોનો કાઢવો ક્યારેક એની જ સમજણ ના પડે .. અને મારા જેવાને તો કોઈ ના મળે એટલે સીધ્ધો તૂટી પડું એની ઉપર ..હા મહાદેવ ઉપર
એનો જ વાંક છે ..એક તો કામદેવ ને બાળી ને ભસ્મ કર્યા ,પછી સૃષ્ટીનું સર્જન અટકી ગયું તો પાછા જીવતા કર્યા ,અને એ પણ સદેહે નહિ પ્રાણી માત્રના મનમાં જીવતા કર્યા..
બોલો હવે શું કરવું ? અલ્યા યાર જીવતા કરવા હતા તો સદેહે જ જીવતા કરવા હતા ને આ મનમાં જીવતા કર્યા તે પછી નખ્ખોદ જ વળે ને બીજું શું થાય ?
માંકડા જેવું મન અને એમાં જીવે કામદેવ પછી શું થાય ? તો કહે એક ડાળી થી બીજી ડાળી ..ત્યારે શું વળી..!!
બહુ અઘરી જિંદગી હોય છે પણ હો આ અધૂરા પ્રેમલા પ્રેમલીઓ ની અને એ પણ ચાલીસથી પચાસ વચ્ચેની..!!!
એક માટીડો અમદાવાદથી વડોદરે જાય તો પણ ચેકઇન નાખે ફેસબુક પર , અરે કડી કલોલના ચેક ઇન આવે, મેં બીજા એક મિત્ર ને પૂછ્યું અલ્યા આવું કેમ ? તો કહે ફેસબુક નું એક ચેક ઇન કેટલા બધા ને એક સાથે સંદેશો પોહચાડે .. આ બધા સિગ્નલ કેહવાય કે વડોદરા જવા નીકળ્યો છું એટલે કલાક રહી ને ફોન કરજે ,ભલું હોય પેલી વડોદરા જ રેહતી હોય એટલે સજીધજી ને કમાટી બાગમાં આવી જ જાય કલાકમાં તો..!!
ખરું હો , સોશિઅલ મીડિયાની દુનિયા ના અજબ ગજબ સિગ્નલો ની લેન્ગવેજ ડેવલપ કરે છે જનતા.. આપણે તો બળ્યા લેન્ડ લાઈનના જમાનાવાળા એક રીંગ વાગે ને કટ થાય ને ત્રણ રિંગે કટ થાય ..!
સાચ્ચું બોલજો મનમાં ને મનમાં કેટલી વાર અને કોની ,કોની જોડે પરણ્યા અને રાંડ્યા ? હજી પણ ફેસબુકમાં પેલીના વરના એકદમ જાડ્ડા પ્લસ નંબરવાળા ચશ્માં જોઇને એમ થાય ને કે ખરી ભરાઈ ડફોળ ,આટલા ભાવ કોલેજ માં ના ખાધા હોત તો .. નક્કામી અમેરિકા એચ-૧ જોઇને મોહી પડી, અને આવું જ ઊંધું થાય સ્કુટર નું ટાયર ટ્રેક્ટર નું થઇ ગયું હોય એટલે પેલી વિચારતી હોય ખરો ભરાયો આના કરતા હું સામેથી ગઈ ત્યારે ચુપચાપ બેસી ગયો હોત તો..
કદાચ આવા ખરો ભરાયો અને ખરી ભરાઈ ને વેવાઈ વેવાણ બનવા નો મોકો જિંદગી આપે તો પછી થાય આવું .!!
“બિચારા” કો`ક થી ઢળતી જુવાનીના તાપ ના જીરવાયા ને છડે ચોક ભાગ્યા તે આવી રીતે ફેમસ કરી મુકવાના એમ ?
નાલ્લાયક ..શૈતાન ..!!
ધર્મ, અર્થ ,કામ અને મોક્ષના ચાર પાયા ઉપર પૂર્વજો એ રચેલા આ સમાજજીવનમાં ક્યારેક ભય ,ભૂખ ,નિંદ્રા અને મૈથુન લઈને જન્મેલા જીવો ગડબડ કરી મુકે છે..
ક્યારેક અર્થ થી કામ ખરીદે છે તો ક્યારેક કામ થી અર્થ ,અને મોટેભાગે ધર્મ અને મોક્ષ ને ઘડપણ માટે રીઝર્વ રાખે છે..!!
લડખપન ખેલ મેં ખોયા ,જવાની નીંદ મેં સોયા ,બુઢાપા દેખ કર રોયા ..
ન હાથી હૈ ન ઘોડા હૈ વહાં પૈદલ હી જાના હૈ..
સજન રે જુઠ મત બોલો ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)