આજકાલ સવાર સવારમાં છાપા ખોલો અને કોણે કોને શું કીધો એવી જ વાતો આવેલી હોય છે, આ વખતની ગુજરાતની ચુંટણી “ગળાફાડ” અને “ગાલીગલોચ” થી ભરપુર રહી..કોઈક એક “ગાળ” કાઢે અને પછી સામે ગળા ફાડી ફાડીને જવાબો આપવા પડે..!
ગુજરાત નો સામાન્ય જનસાધારણ અચરજથી બધું જોયા કરે છે..છેલ્લા તબક્કાના ચુંટણી પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે પુરા થશે અને લોકોને હાશ થશે..!
ગઈકાલે અનેક લોકોની ફ્લાઈટ રેલી અને સભાના ટ્રાફિકમાં અટવાઈને છૂટી ગઈ અને આજે જો પોલીસ કમિશનરે પરમીશન આપી હોત તો અમદાવાદમાં ઘરની બાહર ના નીકળાય એવી પરિસ્થિતિ હોત..!
એની વે..આમ જુવો તો ગુજરાતનું ઈલેક્શન ૨૦૧૯ ની ક્વાર્ટર-ફાઈનલ હતી, સેમી-ફાઈનલ તો હજી પાંચ રાજ્યોની ચૂંટણી ૨૦૧૮માં રમાશે,પછી ૨૦૧૯માં ફાઈનલ આવશે,પણ થયું એવું કે ક્વાર્ટર-ફાઈનલ માં જ ભારત-પાકિસ્તાન સામ સામે આવી ગયા છે એટલે સેમી-ફાઈનલમાં તો શું થશે ? તો એના માટે તો એવુ કેહવાય કે આગાઝ યે હૈ તો અંજામ….
હાર્દિકની સભાઓ અને એ બધો જનસેલાબ મતોમાં કેટલો ફેરવાય છે એ ૧૮મી તારીખે ખબર પડશે,પણ જે ગુજરાત ૨૦૧૪ ની સાલમાં કોંગ્રેસની સામે જોવા પણ તૈયાર નોહતું એ જ ગુજરાતમાંથી લાખ લાખ માણસ હાર્દિકની સભામાં હોય છે અને પાંચ પાંચ લાખ લોકો ફેસબુક પર લાઈવ જોવે છે..!
મતલબ શું ?
દરેક સીનીયર પત્રકારને મતલબ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે,પણ એમની વધારે પડતી યાદશક્તિ એમને હેરાન કરી રહી છે,હજી ૨૦૧૪માં તો આવી સભાઓ ભાજપની જતી હતી અને અચાનક શું થયું ? ના..ના..ના હોય આ તો “આગિયા” કેહવાય હમણા ૧૮મી તારીખે ઓલવાઈ જશે..!
GMDC ઉપર “આગિયો” હતો, આજે “મશાલ” છે..!!
ઘણું બધું બાળી મુકશે..!!
ખુબ જ સમજણપૂર્વક GST અને નોટબંધી આ બે વિશે તો ફક્ત એક જ લાઈન બોલવામાં આવી રહી છે, કેમકે આ બે ના વિરોધને રાષ્ટ્રદ્રોહ સાથે જોડી દેવાયો છે માટે પાણીમાંથી પુરા કાઢી કાઢીને બીજા ફાલતુ મુદ્દા ઉપર મનોરંજક ભાષણો થઇ રહ્યા છે..!
જે કહો તે પણ એક વાત નક્કી થઇ થઇ છે કે પ્રજા નરેન્દ્ર મોદીનો વિકલ્પ માંગે છે, હવે જોવાનું એ રહ્યું કે વિકલ્પ ભાજપ પોતે પૂરો પાડે છે કે પછી કોંગ્રેસ આપે છે એ જ જોવાનું રહ્યું..ભાજપ જો આવી જ રીતે રાજ કરવાનું હોય અને બધું તારાજ કરવાનું હોય તો પ્રજાને મંજુર નથી..!
ભાજપ ઘણા મુદ્દા ચુકી ગયો છે, કોંગ્રેસની ગાલીગલોચને દરવખતની જેમ હાઈલાઈટ કરી અને મત લેવાની વ્યર્થ કોશિશ થઇ છે..આ મુદ્દે તો ફક્ત મહિલાઓ જ ભાજપને મત આપતી, અને એમાં આ વખતે જોવાનું રહ્યું કે હાર્દિકના ભાષણો અને સોગંધ મહિલાઓને કેટલી “એટ્રેક” કરી જાય છે..!!
ભારતની આજકાલની ચુંટણીઓમાં એક ફેશન થઇ ગઈ છે, હું તો ચૂંટણી લડતો જ નથી, મારે સત્તા જોડે કોઈ લેવા દેવા નહિ પણ તમે “ફલાણા” ને મત ના આપશો..!! બાબા રામદેવ,અન્ના હજારે,શ્રી શ્રી ..બધા ભારતને “કોંગ્રેસ-મુક્ત” કરાવવા નીકળ્યા હતા, અને આજે હાર્દિક પણ ચૂંટણી લડ્યા વિના ગુજરાતને “ભાજપ-મુક્ત” કરાવવા નીકળ્યો છે..!
આ ચૂંટણીમાં સામ,દામ,દંડ, અને છેલ્લે ભેદ….! બધું જ વપરાઈ ગયું..!!!
ભેદ હતો પોર્ન કલીપોનો…!! એક વિચારવા જેવી બાબત છે,આ વખતે ગુજરાતની ચૂંટણીમાં વિપક્ષની ઘણીબધી કેહવાતી પોર્ન સીડીઓ અને કલીપો બહાર પડી, અને છતાં પણ આટલી બધી લોકપ્રિયતા કેમ ?
લાગે છે ગુજરાત દંભમાંથી બહાર આવી ગયું છે..!!!
કેહવાતી પોર્ન કલીપ સાચી કે ખોટી..? એની ચર્ચા ના થઇ અને ઉપરથી પ્રજા એમ વાત કરતી થઇ ગઈ કે…યાર એ તો એનો અંગત મામલો છે એને અને ઈલેક્શન ને શું લેવાદેવા ? પર્સનલ લાઈફ છે એની..!!
જેટલી સહજતાથી બોલાયું છે એટલું સેહલુ કે સહજ આ સ્ટેટમેન્ટ નથી..!
ભારતના સદીઓથી જાહેરજીવનમાં પડેલી વ્યક્તિના ચારીત્ર્ય માટેના સેટ થયેલા ઉચ્ચ માપદંડોને તિલાંજલિ છે…!
સુરતના એક ઉમેદવારની આવી જ કેહવાતી કામક્રીડાની કલીપ બહાર આવી અને એમણે એમનો પ્રચાર ચાલુ રાખતા એમ કીધું કે મને નહિ મારા કામને જોઇને મત આપજો…!!!
પર્સનલી મને તો ગમ્યું કે સાવ ખોટા દંભ કરવાના કે ભાઈ મારી કલીપ નથી અને મને ફસાવી દીધો, એના કરતા આડકતરી રીતે કબૂલ કરી લીધું કે ભાઈ હું છું અને આ કામ મેં કર્યું છે,પણ એને અને મારા રાજકારણને કોઈ લેવાદેવા નથી..!
પરિણામ સ્વરૂપ હવે આગળ પણ પ્રજા એમના નેતાઓની પોર્ન કલીપો માટેના આવા ઠંડા પ્રતિભાવ આપશે તો “વિષકન્યા”ઓ ના ભાવ ચોક્કસ ઘટી જશે..!
ખરેખર ભારત અમેરિકન લોકશાહી તરફ ગતિ કરી રહ્યું છે..!
પ્રમુખ બિલ ક્લીન્ટનએ ઓવેલ ઓફીસમાં બેઠા બેઠા જે કાંડ કર્યા હતા એને એમની પત્ની અને અમેરિકન પ્રજાએ માફ કરી દીધા હતા એમ ભારતે આજે વિપક્ષના કાંડને માફ કરી દીધા એટલું ચોક્કસ છે..!
સત્તા પક્ષમાં પણ કોઈને ઈચ્છા થાય તો પોતે જાતે પણ કલીપ રીલીઝ કરી શકે..!! લોકો નો “છોછ” જતો રહ્યો છે..!
ખુબ ધમકીઓ અપાઈ કે તારી ઐયાશીઓના ફોટા છે,કલીપો છે.. છેવટે બધું પબ્લિકને ચરણે ધરી દીધું,તો પણ જે “સપોર્ટ” ઇન ટર્મ ઓફ “ભીડ”,મત નો સપોર્ટ મળે કે ના મળે એ તો ૧૮મી પછી નક્કી થશે પણ આજ દિન સુધીમાં જે “સપોર્ટ” મળ્યો એ કલ્પનાની બહારનો છે..!
ફરી એકવાર લખું છું કે આ “સપોર્ટ” જોતા એક વાત નક્કી થઇ ગઈ કે પોર્ન કલીપની જેટલી બીક નેતાઓને હોય છે,એટલી પોર્ન કલીપ ભયાનક સાબિત નથી થતી..ઉપરથી પોર્ન કલીપ પબ્લીસીટી માટે વધારે “ઉપયોગી” નીવડે છે…!
ભારત પાછળ જઈ રહ્યું છે..મહર્ષિ વિશ્વામિત્ર અને મેનકાના “નાજાઈઝ” સબંધોથી પેદા થયેલી શકુંતલાના પુત્ર “ભરત” ના નામ પર “ભારત” દેશ ઓળખાય છે..
ચરિત્ર અને વ્યક્તિ નિર્માણના ઠેકેદાર અને ધર્મના ઠેકેદારો એ વિચારવા જેવી બાબત છે.. ભારતીય અભિનેતાઓ ની જીત થઇ ગઈ,આજે આમ-જનતા ના મગજમાં બોલીવુડ કેનેડાના એક કામક્રિડાના નિષ્ણાત કલાકાર સાહેબાને ભારતમાં પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું છે, અને એમ જ આજે આ ચૂંટણીમાં મળતો સપોર્ટ નેતાઓની કામક્રિડાને આમ જનતાના મગજમાંથી બહાર કાઢી અને એમના રાજકીય ઉદ્દેશ પર ધ્યાન કેન્દ્રિત કરાવવામાં સફળ રહ્યા..!!
જય હો..!!
હવે આમને આમ જો ચાલશે તો ૨૦૨૫ કે ૨૦૨૭માં જે તે સરકાર મહામહિમશ્રી ને કેનેડીયન કામક્રિડાના નિષ્ણાત કલાકારને રાજ્યસભાની નોમીનેટ સીટ માટે પ્રપોઝ ચોક્કસ કરશે..!
નગરી વૈશાલીની નગરવધૂ આમ્રપાલી….!
યાદ આવે છે કઈ..???
શુભ રાત્રી
શૈશવ વોરા