એક પછી એક દિવસો આગળ ધપતા જાય છે..ક્યારેક એમ લાગે કે સાલ ૨૦૧૮ આટલી જલ્દી કેમની આવી ગઈ ..?!!
હજી તો હમણા..
એટલું વિચારીને અટકી જઈએ છીએ..
જણસાધારણનું જીવન દિવસે દિવસે દોહ્યલું થતું જાય છે અને સત્તાધીશો એમની તાનમાં ગુલતાન છે, નાના માણસને પોતાની નીતિ અને ઈમાનદારી નથી છોડવી,પણ સમય અને સંજોગ સાથ નથી આપતા અને જરૂરીયાત જયારે મોઢા ફાડીને સામે આવીને ઉભી રહે ત્યારે નાછૂટકે પેહ્લો ભોગ નીતિમત્તાનો જ લેવાય છે..
પછી એક અવધારણા બંધાય છે કે આખો દેશ “ચોર” છે..
ચારેબાજુ ઊંધાચત્તા કોઈને કોઈ ગફ્લા ચાલતા જોઇને ભગવાનની ગાય જેવા બેંકના સામાન્ય ક્લાર્કને પણ એકવાર એમ થઇ જાય છે કે “એની માં ને” એકાદવાર “દાવ” આવે તો રમી લેવું છે…
દેશનો લગભગ એકેએક નાગરિક “દાવ” ની શોધમાં ફરી રહ્યો છે..!!
જેને “દાવ” મળી ગયા છે એ લોકો પોતાના મોટા મોટા મહાલયોમાં ‘કેદ’ થઈને પોતાની જિંદગીને સામાન્ય જનસાધારણ ના પ્રવાહમાંથી અલિપ્ત કરી અને એકાદ છેડે શાંતિથી ચુપચાપ બેસી જાય છે અને બીજાને ડૂબકા ખાતા નિહાળે છે..
જનસાધારાણની બિચારાની કમબખ્તી એ છે કે એને “દાવ” પૂરો થાય પછી ખબર પડે છે કે અલ્યા આ તો આવો “દાવ” હતો અને છેવટે બિચારો હાથ ઘસતો રહી જાય છે..
દિવસના દસ ફોન લોન આપવા આવે છે, અને અઠવાડિયે એકાદ ફોન ચોક્કસ “હરામી” ફોન આવે છે કે સાહેબ તમારું એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયું છે તો …
ક્યારેક એમ થાય કે સાચા કરતા ખોટા ફોન કેમ વધારે આવતા થઇ ગયા છે ?
ઝીણી વીસીએ જોઈએ તો તરત જ સમજાય કે મેહનત કરીને રૂપિયા મળતા નથી..
કે મેળવવા નથી, “દાવ” ના મળે તો “દાવ” ઉભો કરી ને પણ રૂપિયા ખંખેરી લ્યો..!
એક બાજુ પ્લમ્બરથી લઈને સફાઈકામદાર એકવાર ઘરે આવવાના ૧૦૦ રૂપિયા વિઝીટ ફી લેતા થઇ ગયા છે,(કામ કરે એના જુદા) અને બીજી બાજુ લાખ્ખો છોકરાઓ એવા છે કે જેને એસી ઓફિસમાં બેસીને જ કામ કરવું છે પણ સેહજપણ કાયાને કષ્ટ પડે એવી જિંદગી સ્વીકાર્ય નથી..
માટે નવરા રખડી ખાય છે,
માંબાપે પણ નવી નવાઈના એક ના એક જ જણ્યા હોય એટલે નવી નવાઈના ને વિટામીન ડી-૩ ની ગોળીઓ ખવડાવવી છે,
પણ તડકો સેહજ પણ નથી લાગવા દેવો..!
ધીમે ધીમે નિર્માલ્યતા તરફ સમાજ ધસી રહ્યો છે..
આધેડ અવસ્થાએ પોહચેલો ઇન્વેસ્ટમેન્ટના નામે લોનો લઇ લઇને એક ઘરની બદલે બે ઘર અને જ્યાંને ત્યાં મિલકતો ઉભી કરી રહ્યો છે અને પછી હપ્તા ભરવામાં પીસાઈ રહ્યો છે..
દરેકને સાત પેઢી અને આવનારા ઘડપણને સેઈફ કરવાની લાહ્ય લાગી છે..
આખો દેશ દોડાદોડી કરી રહ્યો છે..
આવનારા ભવિષ્યની કોઈને પણ ખબર નથી પણ જે થઇ રહ્યું છે એ બધું સાચું અને સારું તો નથી જ એની એકે એક જણ સમજણ છે..
પોતાના ઉભા કરેલા જાળામાં કરોળિયો ફસાય અને બીજાને પણ ફસાવે છે એવી હાલત છે..
ક્યારેક કોઈક એક જાળામાંથી નીકળવા કે બધું જ છોડી દેવું છે એવા કંટાળાના ભાવથી કોઈ બાબાના પેહલા ચરણ અને પછી શરણમાં જાય પછી ત્યાં બાયડી મૂકીને આવે..
રોજ નવા અને જુના બધા ભેગા સમાચારો આવે, બળાત્કાર થયા અને આમ સજા થઈને તેમ સજા થઇ કોણ જવાબદાર ? કેવી સજા મળવી જોઈએ ?
મગજની તો પથારી ફરી જાય ..
એકવાર તો એમ થઇ જાય કે યાર આપણે તો ક્યાંક કોઈ બળાત્કાર નથી કરી નાખ્યી ને ક્યારેક નાદાનીમાં…?
પછી યાદ આવે કે લગ્ન વખતે તો પુખ્તવયના હતા..!!
અને હાશ થાય કે બચી ગયા બાપલીયા..!!
આ બધાની વચ્ચે સમાચાર આવે કે સીલ્ડેનાફીલ સાઈટ્રેટની શોધ થયે વીસ વર્ષ થયા…
સીલ્ડેનાફીલ સાઈટ્રેટ ..?? એ શું વળી ..? ડોક્ટર મિત્રો હસવા લાગશે, અને બાકી બધા ગુંચવાય.. હવે આ જ દવાનું ટ્રેડ નેઈમ લખીએ તો અચ્છા અચ્છાના ભવાં ચડી જાય..સુરુચિ નો ભંગ થાય, પણ લખવું તો પડશે ..
સીલ્ડેનાફીલ સાઈટ્રેટ એટલે વાયેગ્રા..
તમને અને મને આવતા રોજના ઓછામાં ઓછા દસ-બાર “જંક” ઈ-મેઈલમાંથી મીનીમમ એકાદ બે ઈ-મેઈલ તો આ જ પ્રોડક્ટ ને લગતા હોય છે..
શું ત્રાસ લાગે નહિ ..?
કેટલું બધું હેમરીંગ થયું છે દુનિયામાં આ પ્રોડક્ટ માટે, અને તો પણ આ પ્રોડક્ટનું સેલ્સ ચાલુ વર્ષમાં અડધું થઇ ગયું છે..અને ‘ફાઈઝર’ , સીલ્ડેનાફીલ સાઈટ્રેટની જનેતા,
હવે આ પ્રોડક્ટને ઓવર ધ કાઉન્ટર મૂકી રહી છે નવા નામથી વાયેગ્રા કનેક્ટ..!!
કન્ટેન્ટ એના એ જ રેહશે સીલ્ડેનાફીલ સાઈટ્રેટ ,પણ નામ જુદું અને પશ્ચિમ ની સરકારો આ ડ્રગને ઓવર ધ કાઉન્ટર આપશે ખાલી પાંચેક મિનીટના કાઉન્સેલીંગ પછી..
દુનિયાભરના છાપાઓ અને મેગેઝીન્સ એ સીલ્ડેનાફીલ સાઈટ્રેટ કવર સ્ટોરી કરી આ ટોપિક ઉપર અને સીલ્ડેનાફીલ સાઈટ્રેટના પાછલા વીસ વર્ષના લેખજોખા મુક્યા..
બધા પરદેસી છાપા વાંચતા આપણને એવું પણ લાગે કે ત્યાં ખરેખર કોઈક ના હૈયે હરખ હરખ થઇ રહ્યો છે કે હવે ઓવર ધ કાઉન્ટર મળશે..
આપણે ત્યાં તો લગભગ બધી જ દવાઓ ઓવર ધ કાઉન્ટર જ મળે છે, કોઈ પ્રિસ્ક્રીપ્શન માટે પૂછતું પણ નથી, પણ યુરોપ અને પશ્ચિમમાં હજી મોટાભાગ ની દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના સીધે સીધી ઓવર ધ કાઉન્ટર બિલકુલ નાં મળે, અને એમાં પણ સીલ્ડેનાફીલ સાઈટ્રેટ જેવી દવા કે જેનો મુખ્ય ઉપયોગ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં છે એ તો હરગીઝના મળે..
ઓવર ધ કાઉન્ટર એવી જ દવાઓ મળે કે જેની સાઈડ ઈફેક્ટસ લગભગ નાં બરાબર હોય….
એટલે સીલ્ડેનાફીલ સાઈટ્રેટ ને ઓવર ધ કાઉન્ટર વેચવાની પરમીશન મળી એનો મતલબ ત્યાની પ્રજાએ એવો પણ લીધો કે બિલકુલ “સેઈફ” ડ્રગ છે..
બિન્દાસ્ત ઠપ્કારો તમ તમારે..!!
ફાઈઝર ફરી એકવાર સીલ્ડેનાફીલ સાઈટ્રેટના પૂછડે વૈતરણી તરવાની ફિરાકમાં છે..
ઓગણીસમી સદીના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માની જીવની ઉપર બનેલા મુવી રંગ રસિયાનો એક ડાયલોગ છે દુનિયામાં “ધર્મ” અને “કામ”, આ બે જ વસ્તુ વેચાય છે..
ધર્મ જેવી બીજી કોઈ જ “પ્રોડક્ટ” દુનિયામાં નથી અને બીજી કામ ..
સીલ્ડેનાફીલ સાઈટ્રેટ એનું સીધ્ધું ઉદાહરણ છે..
ટનબંધ ગોળીઓ દુનિયા ચાવી ગઈ..!!
આપણે થીયરી મૂકી છે કે ધર્મ,અર્થ,કામ અને મોક્ષ સંસાર રથના ચાર પૈડા છે અને આ ચાર પૈડા ઉપર સંસારનો રથ આગળ વધી રહ્યો છે..
પણ આ ચારમાંથી એક જ વસ્તુ ફિઝીકલી આપણને હાથમાં પકડવા મળે..
અર્થ.. રૂપિયા
બાકી “ધર્મ” ..તો કહે ફિલ કરો ફિલ..પરાણે પરાણે ..
“કામ” તો કહે ગજબની ફીલિંગ આપે ..
અને “મોક્ષ” તો કહે મર્યા પછીની વાર્તા છે..
આપણે ત્યાં આદિઅનાદી કાળથી સીલ્ડેનાફીલ સાઈટ્રેટ જેવા દેશી ઓસડીયા ખુબ વેચાવામાં આવી રહ્યા છે, ઇનફેકટ સલ્તનતે હિન્દના બાદશાહ એમની વીસ પચ્ચીસ પત્નીમાંથી એક પત્ની પ્રેમમાં ચકચૂર થઇને દુનિયાનો મોંઘામાં મોંઘો મક્બરો બનવાનારા અને રાજકીય ખજાનાની પત્તરફાડી નાખનારા “મહાન પ્રેમી” શાહેજહાં ના મૃત્યુ પાછળ પણ આવી કોઈક દવાનો ઓવરડોઝ કારણભૂત મનાય છે..
આગરાના લોકલ ગાઈડની વાત માનીએ તો બાવીસ પત્ની સાથે એમને એમના પુત્રરત્ન એ કેદ કર્યા હતા અને અને સીલ્ડેનાફીલ સાઈટ્રેટ જેવી કોઈક દવાનું “વધુ પડતું” સેવન એમના મૃત્યુ માટે જવાબદાર હતું..!!
હશે ત્યારે..!!
એ તો પડ્યા છે એમની કબરમાં કયામતની રાહ જોતા પણ આપણે તો ૧૭-૧૮ ના રીટર્ન અને ઓડીટ પૂરા કરાવો એટલે એક કામ પતે .. જીએસટો તો ડર મહીને લોહી પીવે છે..
આપણી સાંજ શુભ રહે
શૈશવ વોરા