સપ્તકના પ્રોગ્રામ આગળ વધતા જાય છે અને લગભગ સમાપન તરફ આખો સમારોહ જઈ રહ્યો છે,ઘણા વર્ષોથી મનમાં એક સવાલ ઘૂંટાયા કરે છે કેમ ઉસ્તાદ કે પંડિતનો દીકરો કે દીકરી જ ઘરાનાની પરંપરા આગળ વધારે છે..?શું ગુરુજીને કે એમના બાપુજીને એકપણ કાબેલ શિષ્ય નથી મળ્યો કે જે તેમના ઘરાના ને આગળ વધારી શકે..?ગુડવિલ હમેશા કેમ પોતાના પેટના જણ્યાને જ ટ્રાન્સફર થાય છે..?
શીખવાડવામાં કમી..?કે શીખનારમાં કમી?કે પછી ગુરુજી પાસે અતિશય કાબેલ ચેલો હોય પણ જો એનો બાપ રૂપિયાવાળો છે અને જો ચેલાને બધી વિદ્યા આપી દીધી તો એ શીખીને જતો રેહશે અને મારું છાપખાનું બંધ થઇ જશે..? દીકરા કે દીકરીને વિદ્યા આપીશ તો આખી જિંદગી મારી જોડે રેહશે,અને જો પારકાને આપી દીધી તો ભવિષ્યમાં મારા જ સંતાનોની સામે એ આવીને ઉભો રેહશે..!
સવાલોમાં જ જવાબ છે,
એક પંડિતજી ખુબ મોટું નામ,એમને એક મિલમાલિકની દીકરી બાર વર્ષની હતી ત્યારની એ પંડિતજીને સોપી, પંડિતજીની પોતાની પણ એક એટલી જ સરખી ઉંમરની દીકરી,પણ મહાબેસૂરી ગળામાં “સૂર” નામે નહિ, બંને ને પંડિતજી નાનપણથી જ જોડે શીખવાડે, મિલમાલિકની દીકરીને કંઠે સરસ્વતી માં સાક્ષાત.. સમય આવ્યે સ્ટેજ પર બંનેને જોડે ઉતાર્યા..જનતાએ મિલમાલિકની દીકરીને અઢળક આશીર્વાદ આપ્યા,રાજકારણ ખેલ્યા યેન કેન પ્રકારેણ મિલમાલિકની દીકરીને સ્ટેજ ના મળે એનો પૂરો બંદોબસ્ત થયો, હજી પાશેરાની પેહલી પૂણી અને શીખવાડનારા જ વેરી બન્યા..
અત્યારે ગુમનામી મિલમાલિકની દીકરીને હાથ છે..અને બેસૂરી પણ ઘેર છે..!
મેં બહુ નાનપણથી જોયું છે દરેક ગુરુને હમેશા પોતાના સંતાનો અને ક્યાં તો એકાદો એમનો વહાલો શિષ્ય જ હૈયે વળગેલો હોય છે,અને બાકી બધા કૂતરીના બચ્ચાની પેઠે ધાવવા માટે આંચળે વળગવા જ્યાં ત્યાં ફાંફા મારતા હોય છે..!
ગમે તેવો ડોબો કે બેવકૂફ એવો માસ્તરનો છોકરો કે છોકરી હોય, પણ ગુરુ તો એના ડોબાના જ વખાણ કર્યા કરે,અને ઘણીવાર તો તમારા મોઢા પર અહોભાવના ભાવ ના આવે ત્યાં સુધી વખાણ કર્યા જ કરે,પણ એમને ભણવવાના ટોપિક પર પાછા ના આવે..યાદ કરો તમારી કોલેજ કે સ્કુલ લાઈફમાં આવો એકાદો “ગુરુ” તો ચોક્કસ ભટકાયો હશે જે તમને એના સબ્જેક્ટ બહાર જઈ જઈ ને સલાહો ઠોકતો હોય અને છેલ્લે એના છોકરાના વખાણ કરે કરે અને કરે જ..! છેક મહાભારત કાળથી ગુરુઓ એમના વાહલા શિષ્ય કે સંતાન માટે કઈ ને કઈ કાંડ કરતા આવ્યા છે..(એકલવ્યનો અંગુઠો)
મારો એક કઝીન મને નાનપણમાં હમેશા કેહતો કોઈ દિવસ જીવનમાં માસ્તર ના બનાય..! કેમ ? તો એમાં એનું લોજીક એવું હતું કે માસ્તર હમેશા પોતાની જાતને પોતાના સ્ટુડન્ટ કરતા વધારે સ્માર્ટ સમજતો હોય અને એ ફાંકામાં જ આખી દુનિયાનું નોલેજ લઈને પોતે ફરે છે એવું માની લે,અને આગળ વધવાની કે શીખવાની તમન્ના જ એનામાં મરી જાય,છેવટે સમય ગયે એ ખુબ પાછળ રહી જાય,છતાં એ એવું જ માને કે દુનિયામાં એ જ સર્વશ્રેષ્ઠ..!
બોસ દમ છે વાતમાં..એક નું એક ધોરણ અને એક નો એક સબ્જેક્ટ જિંદગી આખી ભણાવવાનો અક્કલ કટાઈ જ જાયને..!
ગુરુ શિષ્ય પરંપરામાં ઘણી શિષ્યાઓના શરીરના ભોગ લેવાયા છે,ક્યારેક કોઈકે શિષ્યાએ મને કે કમને ગુરુ સાથે કે એમના દીકરા સાથે લગ્ન કર્યા અને કોઈ વગર લગને ઉપ-પત્ની થઇને રહ્યા..! ઘણા કેસમાં તો એવું પણ બને કે “પંડિત” મામા ના જીનેટીક્સ ભાણીયામાં આવ્યા હોય કે “પંડિત” કાકાના જીનેટીક્સ ભત્રીજામાં આવ્યા હોય,પણ ધરાર પંડિતજી પોતાના છોકરા છોકરીને આગળ ધર્યા કરે અને સ્ટેજ અપાવ્યા કરે..ભૂલથી પણ પોતાની જમાવેલી ઈન્ટેલેકચ્યુઅલ ગુડવિલ “લાયક” ભાણિયો કે ભત્રીજો ના લઇ જાય એનું ખુબ જ સભાનપણે ધ્યાન રાખવામાં આવતું હોય છે..!
કોઈ નામ ના પૂછશો કે આ પંડિત કોણ અને ક્યાં ના છે..? કલા અને સાહિત્યના ફિલ્ડમાં ઠેર ઠેર અને ઘેર ઘેર આવા પંડિત અને ઉસ્તાદો જોવા મળશે,પોતાના સ્ટુડન્ટની થીસીસ આઘીપાછી કરીને પોતાના સંતાનોને પીએચડી કરાવ્યાના દાખલા પણ છે..!
મને પૂછો કે ગુરુ બનાય તો જવાબ છે..
સ્પષ્ટ “ના”..
ગુરુ ના બનાય કે ના કોઈને બનાવાય..
આ જમાનામાં કોઈના ગુરુ ના બનાય અને જે લોકો ગુરુ બની બેઠા છે એમને ચોક્કસ અંતરે થોડા દૂર અને માપમાં રખાય..!
મને આજકાલની નવી પેઢી બહુ ગમે છે,કલાસીસ કે સ્કુલોમાં બહુ જ ચોખ્ખી ના પાડે કે અમને આ સાહેબ નહિ ફાવે,બીજી કોઈ ફેકલ્ટીનો બંદોબસ્ત કરો,સેહજ પણ દયા માયા નહિ, કે ગુરુ સમજીને કોઈ જાતનો અહોભાવ નહિ..તરત જ ઉપરના લેવલ ને ટચ કરે અને ત્યાં જઈને કહી દે કે આ ફેકલ્ટીના પોનાતા ફંડા ક્લીયર નથી તો અમને શું ધૂળ કરાવશે..!
અને આ બધાની વચ્ચે જયારે એવું સંભાળીએ કે ભારત વિશ્વગુરુ બનશે..!
શું કેહવુ? જરૂર છે? વિશ્વગુરુ બનવાની..?અરે વિશ્વગુરુ તો છોડો “ગુરુ” બનવાની પણ જરૂર છે? આવા ધખારા કરવાની ક્યાં જરૂર છે..? કેવું મગજ છટકે..?
ભૂતકાળને જ આંખ સામે રાખીને જીવતી પ્રજા ભવિષ્ય સુધારવા વર્તમાનમાં મેહનત કે સંશોધન કરવા પડે એવું માનવા તૈયાર જ નથી બસ બેઠા બેઠા પડારા કર્યા કરે..મોટેભાગે જેના વર્તમાનમાં ભલીવાર ના હોય એ ભૂતકાળ યાદ કરી કરીને સુખ મેળવે અને પોતાની આવનારી પેઢીને મફતમાં શું થઇ શકાય એવા ગતકડા શીખવાડ્યા કરે..!
આ તો આખા દેશને જયારે વિશ્વગુરુ બનાવવાની વાર્તા આવે અને એવું કેહવાય કે ભારત વિશ્વનું માર્ગદર્શન કરશે..અલ્યા કઈ ચીજનું માર્ગદર્શન કરશો..?તમારા માર્ગ ના તો ઠેકાણા નથી,હજી આપડા પ્રધાનમંત્રી દેશ પરદેશમાં જઈ જઈને કહે છે કે હું ઘેર ઘેર શૌચાલય બનાવડાવીશ..!
પેલો સામેવાળો તો એમ જ કહે ને કે હંગવાના ઠેકાણા નથી અને વિશ્વગુરુ બનવા આવ્યા છે..!
હા આપણે તો હોશિયાર, ન્યુટનને એમ કહી દઈએ કે અલ્યા સફરજન માથે પડ્યું ત્યારે ગ્રેવિટીની ખબર પડી..? રોજ સવારે શું તારું છી છી..ઉપરની તરફ?
ખેંચી કાઢીએ કોઈકની પણ આપણે કઈ નવુ કરવાનું આવે તો..?
એ આવું તો ના હોય..!
મોટાભાગની પ્રજા ચાર લીટી લખ્યા પછી પાંચમી લીટી ના લખી શકે, છાપા સુધ્ધા પ્રજાને વાંચવા નથી ગમતા,ચાર ભાઈબંધો કે આજુબાજુમાં કે ટીવીમાં જે જ્ઞાન મળ્યું એ ફાઈનલ,અને ટીવીમાં પણ ફટાફટ ચેનલો બદલાય..ઘરમાં આજુબાજુમાં કોઈ નથી અને રાત થઇ ગઈ તો લાવો બીગ બોસમાં પેલા “સ્વામી” એ શું ખેલ કર્યા એ જોઈ લઈએ..!
હવે આ પ્રજાને લઈને વિશ્વગુરુ થવું છે..!
મને લાગે છે હવેના જમાનામાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ..ઘોર કલિમાં પોતાનું મહત્વ ગુમાવી ચુક્યો છે..ધાર્મિક ગુરુઓ વિષેના બખાળા ફરી કયારેક..!
ગઈકાલે જ એક વોટ્સ એપ ગ્રુપમાં જબરજસ્ત ચર્ચા ચાલી હતી ટીચર્સ માટે..કોઈ મારા વિચારો સાથે એગ્રી થયું, કોઈ ને ના ગમ્યા..પણ શિક્ષણને ખાડે લઇ જવા પાછળ અને દેશની માનસિક બદહાલી માટેની જવાબદારી આઝાદી પછીના ગુરુઓ એ લેવી જ રહી.!
ભલું થાજો ગુગલ દેવતા અને ઈન્ટરનેટ જેમણે દુનિયા જોડે આપણને જોડી દીધા નહિ તો પાકિસ્તાન અને આપણામાં કોઈ ફર ના રેહતો…
નોબેલ પ્રાઈઝ વિનર્સને ગાંધીનગર બોલાવ્યા અને એમના જ્ઞાનનો લાભ જનતાને મળે એવું કૈક ગોઠવ્યુ.. ચાલો કાળા વાદળાની રૂપેરી કોર..એમને આખા ગુજરાતની થોડીક જુદી જુદી યુનીવર્સીટીમાં લઇ જઈને સ્ટુડન્ટનો અને એમનો વાર્તાલાપ ગોઠવાયો હોત તો મજાનું રેહ્તે..
ચાલો આજે અહિયા પૂરુ કરુ છુ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા