ગુજરાતમાં નવ મહિનાથી રતનમહાલના જંગલોમાં એક વાઘ મધ્યપ્રદેશથી આવી અને રહેવા લાગ્યો છે ..!!
વાહ ભઈ વાહ .. , બિલાડી કુળના ત્રણ મોટા જાનવરો એક જ રાજ્યમાં હોય એવું પેહલી વાર થયું ..!
આપણું આજકાલ દિલ્લીમાં ચાલે ઘણું , એવું ગુજરાત બહારના લોકો માને છે.. તો સુ કઉ જરાક સાહેબને કાને વાત નાખો ને કે થોડાક ઈરાનથી એશિયન ચિત્તા પણ ઈમ્પોર્ટ કરાવી લ્યો ને .., આપણે અંબાજીની આજુબાજુ ડુંગરામાં એકાદ દસકો ઉછેરી લઈશું, આઠ દસ લાવી આપશો તો બસો ત્રણસો તો એકાદ દસકામાં થઈ જશે અને માડીની’ મે’ર રહી તો એથી ઘણાય વધારે થઈ જાય તો શું આમ ગુજરાતનું નામ થઈ જાય જગતમાં કે બિલાડી કુળના ચારેય મોટા જનાવર ગુજરાતમાં છે ..!!
હવે મુદ્દાની વાત ..
આ વાઘ ભાઈ અહીંયા એકલા શાંતિથી રહેવા આવ્યા છે , એમના ખાવાપીવાનો વહીવટ તો થઈ ગયો જાણે પણ આ તો જાનવર , ભય ,ભૂખ,નિંદ્રા,અને મૈથુન ચારેય સાથે લઈને જન્મેલો સસ્તન જીવ …!!
વેતરમાં આવ્યો અને તલબ લાગી તો સાથીની શોધમાં પાછો મધ્યપ્રદેશ જતો રહેશે..
જરાક એના માટે બે ત્રણ બેનપણીનો વહીવટ કરાવો ઝટ ઝટ ..!!
સાંભળ્યું છે કે એકદમ હણહણતો બાંકો જુવાનજોધ વાઘ છે , એને કંઇ બ્રહ્મચર્યના પાઠ ભણાવીને ઝાલી નહીં રખાય, મર્યા પછી સ્વર્ગ ,જન્નત ,હેવન મળશે એવું બધું એને નહીં સમજાવાય.. આ તો હેંડી નીકળશે પાછો..!
પ્રોજેક્ટ ટાઇગર હેઠળ છેલ્લા બે દસકામાં ઘણા વાઘનું સંવર્ધન થયું , છતાંય વાઘોની શાન એવા રોયલ બેંગાલ ટાઇગર પ્રમાણમાં ઓછા ઉછર્યા , સુંદરવનનો એક ભાગ બાંગ્લાદેશમાં છે , થોડી તકલીફ પડે છે ..
શૈશવ એ જીવનમાં ઘણી બધી ટાઇગર , લાયન સફારીઓ કરી .. જંગલમાં સવાર સાંજ એમને શોધવા અને એમના દીદાર કરવા ઘણા રૂપિયાના આંધણ કર્યા પણ નસીબે હંમેશા દિપડા સામેથી મોકલ્યા છે ..
આજ સુધીમાં મોસ્ટ હેન્ડસમ એવો વાઘ જોયો હોય તો એ બાંધવગઢમાં બી -૨ , એનું નામ બી ટુ હતું , મારી જેમ એને પણ ફોટા પડાવવાનો બહુ શોખ , આવું ત્યાંનો ગાઇડ કહેતો , દરેક ફોટોગ્રાફરને એણે પ્રોપર ટાઈમ અને પોઝ આપ્યા છે , ત્યાં બી વન, ટુ, અને થ્રી એમ ત્રણ ટાઇગર હતા દોઢ બે દસકા પેહલા , બી વન પણ ગજ્જબ રૂપાળો હતો પણ ઝાડની ડાળીએ ચડીને બેઠો રહે એટલે એના ફોટોગ્રાફ્સ બહુ સારા ના આવે બાકી બી ટુ થોડો કાળિયો પણ મસ્કયુલર, અને બી વન એકદમ ચમકતો ધોળો ધોળો સોનેરી ચમકતો .. બી થ્રી શરમાળ , જિપ્સીના અવાજે ભાગે એટલે એનું સાઈટિંગ ભાગ્યે જ થાય .!
અમે બી વન અને બી ટુ ને માણ્યા હતા.. એ પછી કોર્બેટ ,કાન્હા , રણથંભોર, પન્ના ,ગીર..ઘણી સફારીઓ કરી , છેલ્લે જવાઈ ના દીપડા પણ જોઈ લીધા ..
આપણને મજા આવે કોલ પકડી અને જંગલમાં વાઘ સિંહની જોડે સંતાકૂકડી રમવાની , જંગલમાં વાંદરા અને હરણ , સાંભર, ચિત્તલ આ બધાનો એક સહભોજીતા નો એક કુદરતી સંબંધ બંધાયેલો છે , વાંદરા ઝાડ ઉપર ચડી અને દૂર સુધી જોઈ શકે અને હરણ કુળના પ્રાણીઓ દૂરથી વાઘ સિંહ દિપડાની ગંધ પારખે …
વાંદરાને ઝાડની ઊંચી ડાળીએથી નવી નવી ઉગેલી કુણી કુણી પત્તીઓ ભાવે , વાંદરા ઊંચેથી કુમળી ડાળી તોડી અને કુમળા પત્તા ખાઇ અને નીચે ફેંકે અને નીચે પડેલા પત્તા હરણ કુળ જમે , બદલામાં હરણ કુળને મોટા જાનવરની હાજરી પરખાય એટલે તરત જ એક ચોક્કસ પ્રકારે અવાજ કરે , ભસે… જેવો કોલ આવે એટલે જંગલમાં ખેલાય જીવ સટોસટનો જંગ …
દોડા ભાગી થઈ જાય .. આખું જંગલ દોડવા લાગે જીવ બચાવવા ..!! અને મોટું જાનવર પણ દોડે એના પેટની ભૂખ ઠારવા..!
એક સુંદર અદ્દભૂત અનુભવ કાન્હા ના જંગલમાં થયો હતો અમને.. સતત બે દિવસની ચાર સફારી લીધી પણ એકેય વાઘ દેખાય નહીં , છેવટે એક સુંદર ટેકરી ઉપર જિપ્સી ઊભી કરી અને અમે ઢળતા સૂરજ ને જોતા ઊભા હતા , એટલીવારમાં આગળથી સાંભરનો કોલ આવ્યો , એકદમ પ્રોમીસિંગ કોલ હતો , શૈશવ એ બૂમ મારી ઉસ તરફ ભગાઓ પક્કા કોલ હૈ ,મિલેગા હિ મિલેગા.. જિપ્સી રમખાટ દોડી , ચારેય બાજુ ઊંચા હાથીઘાંસના મેદાન વળોટી અને જિપ્સી ભાગે , શૈશવ જીપ્સીમાં ઊભા ઊભા પગેરું શોધે..
કોલ આવ્યાને દસેક મિનિટ વીતી ગઈ હતી , જંગલ પાછું શાંત થઈ ગયું હતું , સોનેરી તડકામાં ,સોનેરી ઘાંસની વચ્ચે સોનેરી વાઘ શોધવાનો હતો , ટાસ્ક અઘરું થતું જતું ..
હરણ કુળ આરામમાં આવી ગયું હતું ,લગભગ બસ્સો ત્રણસોની સંખ્યામાં હરણા ચરે આજુબાજુ…
જરાક નિરાશા અમને .. પણ એટલામાં ઘાસમાં સેહજ હલચલ થઈ અને અમારી જીપ્સીથી દસેક ફૂટ દૂર અચાનક વાઘ પ્રગટ્યો , હરણાંમાં ભાગદોડી મચી , વાંદરા અચાનક આગમનથી બૂમાબૂમ કરતા મળ્યું એ ઝાડ ઉપર ચડવા લાગ્યા , પક્ષીઓ ઝાડ છોડીને ઉડવા લાગ્યા .. રાજાની એન્ટ્રી જબ્બર થઈ ગઈ અમારી આંખ સામે ફુલ્લી ગ્રોન મેઈલ ટાઇગર ..
ગાઇડ બોલ્યો આવાઝ નહીં ઔર ઉસકી આંખ મેં આંખ નહીં ડાલો , જાનવર ઈસે હમલે કા સંકેત માનતે હૈ.. વાઘ મહારાજ બિલકુલ રોડની વચ્ચેથી જિપ્સીની તરફ સામે આવવા લાગ્યો , રિવર્સ લેવા સિવાય છૂટકો નોહતો , ત્રણસો ચારસો મીટર જિપ્સી પાછી લીધી , ટેકરી ઊંચી હતી , જિપ્સી પાછી પડવા લાગી હતી રિવર્સ ગિયર માં પણ..
સંકટ ઊભું થયું .. સામે વાઘ , પાછળ જવાય એમ નહીં .. ગાઈડે કીધું ક્લચ મારકે એક્સિલેટર દબાઓ.. ડ્રાઈવરે જિપ્સી રેઇઝ કરી ..પણ વાઘ એની ગતમાં ચાલ્યો આવે ..બિલકુલ સામે જ ..પાંચ સાત મિનિટ ઉપર થઈ જિપ્સી લઈ જવાય એટલી પાછી લઈ ગયા ..
જે વાઘ જોવા તરસતા હતા એ વાઘ હવે ઘાસમાં વળી અને જતો રહે એની પ્રાર્થના થવા માંડી ..હવે વધુ પાછી જિપ્સી ચડતી નોહતી,
કોઈ રસ્તો બચ્યો નહીં વાઘ સામે આવતો ગયો , બધાના શ્વાસ અઘ્ધર .. નજર નીચી , જંગલની પોતાની ચિલ્લા ચિલ્લી ચાલુ હતી ..
મહાદેવ , મહાદેવ .. છેવટે જિપ્સી ઊભી કરી દેવાઈ , બધા બરાબર પકડીને બેસો , વાઘ ક્રોસ કરી જાય એટલે ભગાવી મારીશું , સબ તૈયાર .. વાઘ આવ્યો જિપ્સી પાસે ડ્રાઇવરના દરવાજે અડી અને ઘાસમાં ઉતરી ગયો અને ડ્રાઈવરે ફોર વ્હીલ ડ્રાઇવ કરી અને જિપ્સી જે ભગાવી છે… સીધા જંગલની બાહર…આઘાત બધાનો શમતો નોહતો ..!
ગેઇટ ઉપર વર્ણન થયું , ફોરેસ્ટ ઓફિસર ટેન્શનમાં .. ચાર્જ હુઆ થા કી નહીં ? ફેરવી ફેરવીને બધાને પૂછે .. ચાર્જ થવો મતલબ બે કાન ભેગા થઈ જાય અને પૂંછડી ઊંચી કરે એટલે સમજવું કે હુમલાની તૈયારી કરી રહ્યો છે , એને એ લોકો ચાર્જિંગ પકડ લીયા કહે..
ચાર્જિંગ પકડે તો જિપ્સી ભાગે ભાગે અને ભાગે જ…
ફોરેસ્ટના ઓફિસર ને ટેન્શન એ વાતનું કે જિપ્સીની સામે વાઘ આટલું બધું ચાલ્યો કેમ ? ચાતરી કેમ ના ગયો ? ક્યાંક કોઈ આદિવાસી ઉપર રાત્રે હુમલો તો નહીં કરે ને ? તાત્કાલિક વાયરલેસ ઉપર મેસેજ છૂટ્યા એ વાઘને લોકેટ કરી અને એની ઉપર વોચ ગોઠવાયો અમારા કેમેરામાંથી ફોટો અને વિડિઓ જોયા , જરાક ધરપત થઈ જંગલ ખાતાને ..
આપણા માટે આનંદ અને મજા છે , પણ એમના સ્ટ્રેસ બહુ જુદા હોય છે , અત્યંત કિંમતી જનાવર છે વાઘ…!
આખી ઇકોલોજી બેલેન્સ કરવી પડે છે વાઘ ,સિંહ માટે .. એમના ખોરાક એવા હરણ, નીલગાય અને એમનો ખોરાક જંગલના ઝાડ પાન, ઝાડપાન માટે વરસાદ, વરસાદ માટેની પળોજણ કેટલી ચાલે છે એ તો ખબર જ છે આપણને..
દુનિયા આખીમાં ઘણું ફર્યા પછી શૈશવને એટલી ખબર છે કે આ સુજલામ સુફલામ્ મારી ધરતીને હવે સાચવવી પડે એમ છે , વિકાસની લ્હાયમાં વિનાશ ના નોતરી લઈએ , ગીધડા જતા રહ્યા એમ મોટા જનાવર પણ ગયા તો પછી માણસ કેટલું ખેંચશે ?
ગટરમતીમાં નર્મદાજીના પાણી ભરી અને રૂડી રૂપાળી રાખવી એ સોલ્યુશન નથી , ગટરમતીને સાબરમતી બનાવવી હોય તો ગટરમાં આવતો સાબુ બંધ કરો , જગત આખું લિક્વિડ સોપ વાપરે છે , ડોલોમાઇટ ઓછો આવશે સાથે સાથે કોસ્ટિક પણ ઓછો ,તો ઘણો ફરક આવશે ..
બળ્યું ગરીબનું કીધું ભિખારી કરે …????
હેંડો તારે કોમ ધંધે વરગો.. પેલું ઈરાનથી ચિત્તાવાળું કો’ને નાંખજો હોં ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*