વેઈટર જોડે થતી “દાદાગીરી”..
દિવાળી આવી અને ગઈ..અમદાવાદના રોડ રસ્તાના સન્નાટા હજી આવતીકાલ સાંજ સુધીમાં ઓછા થઇ જશે અને સોમવારથી ફરી પાછું બધું એ..નું.. એ ..જ ..!!
છેલ્લા બે દિવસથી અમદાવાદ તરફ આવતા તમામ હાઈવે જબરજસ્ત જામપેક જઈ રહ્યા છે ,
બસ થી લઈને એરપોર્ટ બધુય હકડેઠઠ છે ..!!
ક્યારેક એમ થાય કે આ વિમાનવાળા પણ ઉભા ઉભા હવે લાવશે ખરા..!!
દર દિવાળીની આવી હાલત હોય છે, દરેક જગ્યાની ભીડ જોઈ ને દર વર્ષે એમ નક્કી કરીએ કે આવતા વર્ષે તો હવે દિવાળીએ ઘરની બહાર જ નથી નીકળવું ,પણ બળી આ બાપુજી એ પાડેલી આદત , શૈશવ જન્મ્યો એ વર્ષથી તે આજ સુધી ભોમિયા વિના ડુંગરા ભટક્યો છે..!!
અર્બુદાચલના તો પથરા પણ હવે એમ કહે છે અલ્યા ઘેર પડ્યો રહે ને ..શું નવરો પડ્યો એવો `હેન્ડ્યો` આવે છે અહીંયા ..?
અમે જવાબ પણ આપીએ છીએ ..`દાદા` યાર ..અમે રહ્યા સિમેન્ટ કોન્ક્રીટ જંગલના જીવ ,ક્યારેક તો બાહર નીકળીએ ને..!! , ને તમે રહ્યા સૌથી નજીક એટલે થોડાક દિવસ તમારા ખોળા ખુંદી લઈને પાછા ઘરભેગા…સસ્તું ભાડું ને સીધપુર ની જાત્રા ..!
જો કે આપણે જયારે જયારે બાહર નીકળીએ ને ત્યારે જ્યાં જઈએ ત્યાં પહાડ ,પથરા , પાણી ને પાંદડા જ હોય.. .!!
અર્બુદાચલ ને તો `દાદા` કેહવા પડે, કેમકે ધરતી ઉપર એમનું અસ્તિત્વ સૌથી જુનું છે, લાખેક વર્ષ તો પાક્કું ..!!
પણ માણસજાત એ એમના ક્રિયાકર્મની તૈયારી પુરજોશમાં ચાલુ કરી મૂકી છે, અરવલ્લી ના મેવાડ બાજુના ઇલાકામાંથી માર્બલ કાઢી કાઢી ને અમારા જેવાઓ એ ઘરમાં જડ્યા છે અને એના ફળસ્વરૂપે જ્યાં ડુંગરા હતા ત્યાં ખાઈ છે આજે..!
*રત્નગર્ભા ના ગર્ભપાત કરી રહ્યા છીએ આપણે હવે , `પ્રકૃતિનું દોહન` શબ્દ વાપરવો એ ઘૃષ્ટતા છે..!!*
ગુરુ વશિષ્ટ થી લઈને અનેક ઋષિમુનીઓની તપોભૂમિ રહી છે અર્બુદાચલની ગિરિમાળાઓ..!!
સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં મોટા થયેલા અમારા જેવા લોકો ને કુદરત નો ખોળો થોડોક ગમે ..
પણ થોડોક જ હો .. બે ચાર દિવસ અને બહુ થયું તો સાત આઠ પછી તો આપણે આપણા સિમેન્ટના જંગલમાં ભલા..
પચાસેક દિવાળીથી સતત બાહર ભટકું છું ક્યારેક ધર્મશાળા અને ક્યારેક પાંચ સિતારા..દરેક જગ્યાએ એક વાત મેં ઓબ્ઝર્વ કરી છે એકપણ વેઈટર મેં ફાંદવાળો નથી જોયો…!!
જરાક વધારે ઉંમરવાળો વેઈટર હશે તો કદાચ થોડુક શરીર ભરાવદાર હશે , તો પણ “આપણા” જેવા લોકો જેમને પોતાના ચપ્પલ અરીસામાં જોઇને પેહરવા પડે એવો વેઈટર લગભગ જોવા નહિ મળે..!
કાશ્મીરથી કોલંબો અને પાટણ થી પારો (ભૂતાન) ઉપમહાદ્વીપને લગભગ ધમરોળી નાખ્યો છે ,દરેક જગ્યા એ જુદી જુદી “પ્રોપર્ટી” માં રહ્યા છીએ .. અને અનુભવોના ભંડાર ભેગા કર્યા છે..!
આ બધા અનુભવોમાં એક વાત બહુ ખટકે છે મને ..અને એ છે `સર્વિસ` લેવાની !!
દરેક વખતે પરદેસની `ફાડતા` લોકો ને દેસમાં ટેબલ ઉપરથી ઉભા થઇ ને પાણી નો ગ્લાસ ભરવાનો આવે તો જાણે એમની જોડે હોટેલવાળાએ “કામ કરાઈ” લીધું એવું એમને લાગે છે..!!
આજે દેશના એકે એક ગિરિમથક બાંધકામોથી ઉભરાઈ ગયા છે અને એક એક દરિયા કિનારા ની પણ એ જ હાલત છે.. હજી હમણા જ બે દસકા પેહલા બહુ ઓછો વર્ગ એવો હતો કે છાશવારે ફરવા જતો બાકી તો બે કે ત્રણ વર્ષે એલટીસી મળે ત્યારે જાય અને સામાન્ય વર્ગ પણ એ જ રીતે જતો..
છેલ્લા બે દસકામાં પરિસ્થિતિ બદલાઈ છે વીસ કરોડનો મધ્યમ વર્ગ આજે પચાસ કરોડનો થયો છે અને એની ઉપર નો ક્લાસ પણ બે ટકા માંથી વધી ને સાત-આઠ ટકા સુધી ગયો છે..!
અને એના પરિણામ સ્વરૂપ લોકો છૂટથી હરતા ફરતા થયા છે ,રોજગારી વધી છે પણ માણસાઈ નેવે મુકાઈ છે..!!
આજે દિવાળી કે વિક એન્ડમાં માઉન્ટ આબુ હોય કે શિમલા કે લોનાવાલા ..હકડેઠઠ થઇ જાય છે વિક એન્ડ કન્સેપ્ટ આવી ગયો છે ,દિલ્લીની ગાડીઓ ત્રણ દિવસની રજા હોય એટલે રમરમાટ શિમલા ચડી જાય છે..મુંબઈની ગાડીઓ ટોલનાકા ભરી મુકે છે..!
હોટેલ માલિકો અને રિસોર્ટ માલિકો પણ ઓનલાઈન બુકિંગના ચક્કરમાં ડિસ્કાઉન્ટ જબરજસ્ત ઓફર કરે છે ,ઉભું કર્યું છે એટલે મેન્ટેન કરવું જ રહ્યું પણ આ બધામાં ખો નીકળે છે પેલા બિચારા વેઈટર નો..!
ઘણી બધી જગ્યા એ મેં એવું જોયું છે કે નવો નવો ટ્રાવેલર રૂપિયા ખર્ચે એટલે એ કહે એમ જ થવું જોઈએ , જો વેઈટર પાણી લાવવામાં પણ સેહજ વાર કરે તો એને ઘઘ્લાવી નાખે કોઈક થોડો સવાયો અંગ્રેજ હોય તો મેનેજરને બોલાવે અને આજકાલ સોશિઅલ મીડિયા ઉપર જવા દે ..!!
ચોક્કસ , કઈ બહુ મોટું હોય તો કન્ઝુમર કોર્ટ સુધી જવું જોઈએ ગ્રાહક તરીકે નો હક્ક છે આપણો પણ નાની નાની વાતમાં કચકચ .. રોટી કડક કર કે લાવો ,રોટી ઇતની મોટી હોતી હૈ ક્યા ? પતલી કરકે લાવો ..?
*ઘોડીના ઘેર તારું બૈરું બનાવે છે ત્યારે વર્નીયર લઈને થીક્નેસ માપે છે ?*
બહુ જ ગંદી માનસિકતા છે..
સતત મોટે મોટે થી બોલવું અને હોટેલમાં રેહતા બીજા બધા એ જે ખામી ને નજરઅંદાજ કરી અને પોતાનો આનંદ શોધી લીધો છે એમને ખામી પ્રત્યે “સભાન” કરી અને એમના મૂડ ની પત્તરફાડી મુકવાની ..!!
મોટેભાગે આખ્ખી હોટેલ ,રિસોર્ટ નો સ્ટાફ રાહ જોતો હોય કે આ ગેલસપ્પો ક્યારે જાય ..!!
બાહર હરવા ફરવા જઈએ ત્યારે `હું` ને ઘેર મૂકી ને આવવા નો હોય, પણ ઘરમાં તો પેલી `હું` ને ઉંબરા ની બાહર કચરા ટોપલીમાં ફેંકી દેતી હોય એટલે બાહર નીકળે એટલે કચરા ટોપલી નો ગંદો એંઠવાડ સહીત નો `હું` બહાર નીકળે …!!
ઈચ્છા તો આવા `હું` ના નામ લખી લખી ને ટેગ કરવાની થાય છે પણ એમ થાય કે જવા દો ..કોણ એને મોઢે લાગે..!
મને એમ થાય કે જમવાના ટેબલ ઉપર એક સાથે બધો ઓર્ડર કરી ને કેમ નથી કહી દેતા ? શા માટે તમે જમવા બેઠા છો તો પેલા વેઈટર ને દોડાય દોડાય કરો છો ?
હોટેલ માલિક તો માણસાઈ ભૂલી ચુક્યો છે પણ આપણે પણ ..!!?
નહિ યાર .. સર્વિસ ઢીલી લાગે તો બહુ બહુ તો સેહજ ફૂંફાડો મારવો પણ ડંખ તો હરગીઝ નહિ ..
ક્યારેક આવા ખૂણેખાંચરે આવેલા રિસોર્ટ ,હોટેલ અરે ખૂણેખાંચરે તો છોડો તમે જે હોટેલમાં જમવા જાવ છો એ હોટેલના વેઈટર ની આંખમાં આંખ નાખી ને જોજો .. થાક દેખાશે તમને અને મને જમાડવા નો..!!
મોટી પાંચ સિતારામાં વેઈટર ની છાતીએ નામ લખેલું હોય છે, ક્યારેક એને નામથી બોલાવજો પછી જુવો સર્વિસ ..!!
વેંકટ યાર પાની લા દો ના ..!
અરે પરબત જી કૌન સી સબ્જી આપકે યહાં કી અચ્છી હૈ..?
ભાઈ ડિસોઝા સુનો તો .. એક આલુ જીરા કરવા દેના, મેન્યુ મેં નહિ હૈ લેકિન કરવા સકતે હો ..?
સેહજ પ્રેમથી વાત કરશો ને તો વેઈટર મરી પડશે અને છેક દરવાજા સુધી મુકવા આવશે, પાક્કું..!!
પણ અહી તો મોટ્ટે થી ઘાંટો પાડવાનો બીજા ત્રીસ ને સંભળાય એમ એક્સક્યુઝ મી , વેઈટર..!!
નરી તોછડાઈ ,પોતાના હું ને પોષવા ..
*સામુદ્રિક શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ ચાલતી વખતે એના જૂતા નો અવાજ બહુ મોટો કરતો હોય એ જીવનભર પોતાનો કક્કો ખરો કરવાની કોશિશ કરતો રહે છે પણ એનો કક્કો `ખરો` થતો નથી …!!*
*બિલકુલ તેમ જ જે લોકો હોટેલમાં વેઈટર ઉપર દાદાગીરીઓ કરે છે એમનું જીવનમાં બીજે ક્યાય કશું ચાલતું નથી હોતું અને આવા લોકો થોડાક, નવા નવા બહુ મેહનત અને દુનિયાની ગાળો ખાઈ ને રૂપિયા કમાયો છે એવું જાણજો ..!!*
અહી અટકું છું
કરજો બધા ગ્રુપ માં ફોરવર્ડ કદાચ કોઈ વેઈટર બિચારો થોડીક શંતિ પામે..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*