બે દિવસથી મનનો ભાર થોડો હળવો થઇ રહ્યો છે અને ફેસબુક ઉપર ફરતાં ફરતાં જોયું કે મહારાણીના ઘરમાં ફરી ઝઘડો પડ્યો હોય એવું લાગે છે..!!
૯૩ વર્ષના રાણીમાં એ આમ તો ઘણા ઘા ખાધા છે જન્મારામાં ,પણ તો ય હવે એક નવો પ્રોબ્લેમ આવ્યો ઘરમાં ..
પ્રિન્સ હેરી અને મેગ્ન મર્કલ એ કીધું કે ભાઈ અમે જુદા રેહવા જઈએ છીએ ..
ફોડ પાડી ને કીધું નથી હજી કે ક્યાં પણ નોર્થ અમેરિકા લખ્યું છે એટલે અમેરિકા કે કેનેડા જશે એવું માની ને પશ્ચિમના અડધિયા અને આખીયા બધાય મંડાણા છે કે લગભગ કેનેડા જશે અને ઘણા તો આગળ વધી ગયા કે જસ્ટીન ટ્રુડો જોડે કૈક રાજકુમારે સેટિંગ પાડ્યું છે પણ હાલ પુરુતુ એટલું નક્કી કે એમની સીનીયર રોયલ ની પદવી નો બંને જણા ત્યાગ કરી રહ્યા છે..!!
લોકો કોમેન્ટમાં હવે જોર ચાલુ પડ્યા છે ,ગઈકાલ સુધી તો બે વર્ગ હતા એક એમ કેહતો એની જિંદગી છે એમને જેમ જીવવું હોય તેમ જીવે અને બીજા કેહતા કે ના ના જવાય હવે આવા ખોરડા મૂકી ને..!
હવે આજે બ્રિટનના રંગભેદ નો ઉમેરો થયો છે..!! એક વર્ગ સારી ભાષામાં લખી રહ્યો છે કે રાજકુમારી મેગન એ એમના દીકરા ને એના કઝીન્સ જોડે હળવા મળવા નો મોકો આપવો જોઈએ , કોઈક દેરાણી જેઠાણી ના ઝઘડા જોવે છે જે હોય તે પણ દુનિયા આખીના કેમેરા રાજ્મેહલ ઉપર તંકાઇ રહ્યા છે , બહુ રસ પણ બધાને હો ..!!
મજીયારા ની મોકાણ આ બધી..!!
છેક છઠ્ઠે નંબરે રાજકુમાર હેરી છે ગાદીએ બેસવામાં ,મોટાભાઈ ભાભી એક પછી એક ધડાધડ છોકરા થવા જ દે છે એટલે એમનો નંબર પાછળ ખસતો જ જાય છે ,
એટલે પછી શું કરવું પણ..!!
મહારાણી ને પણ જીવનભર પેટ જણ્યા એ ક્નડ્યા ..
પેહલા એમના અને પછી એમના ના એમના..!!
એક દૂરના સબંધી કાકી કાયમ છડે ચોક બોલે ભગવાન કોઈને બે દીકરાની માં ના કરે અને મને તો ભગવાને ત્રણ ત્રણ દીધા છે..!!
અને એ કાકીની વાત ઉપરથી જ મેં “પરભા બા નું મજિયારું” કરી ને વાર્તા લખી હતી .!!
પડી છે બ્લોગ ઉપર ,ના વાંચી હોય તો વાંચજો ..!!
એ કાકી બિચારા કેહતા ગમ્મે તેટલા નોકર ચાકર હોય પણ ત્રણ ત્રણ વહુઆરુના મન મોઢા સાચવવા જરાય સેહલા નથી, અને એ પણ ત્રણે ને ભેગી રાખી ને ..!!
ત્યારે હું સળી કરતો કેમ વહુઓ નો જ વાંક દેખાય છે તમને કાકી ? તમારા હીરાઓ ?
અને કાકી જોરદાર જવાબ આપતા ..
પથરા જણ્યા પથરા .., તારા કાકા આજેય કરિયાણું ભરે છે ઘરનું અને દૂધ શાકભાજી આ તારી કાકી , બોલાઈશ નહિ મને ,એમના બૈરાના ટાપટીપ પોષે છે ને એ ય ઘણું છે અમારા માટે..!!
ઘેર ઘેર માટીના ચુલા ..પછી ઘર ગાર માટીનું કે દુનિયા આખીને બસ્સો વર્ષ સુધી લુંટી ને ઉભો કરેલો મેહલ હોય બધુંય એક નું એક..!!
જો કે આ પેહલી વહુ તો છે નહિ કે જેને મેહલના કાયદા કાનૂન મંજુરના હોય ?
એમના સાસુમાં એ પણ છોકરા મેહલમાં મૂકી ને પાંજરું તોડ્યું હતું ,હવે એમની મોટી નહિ તો નાની વહુએ તોડ્યું , પણ આ વહુરાણી ડાહ્યા, ધણી અને દીકરો લઈને ઉડશે..!!
પેલા તો રંગીલા સનમ બેવફા ને એકલા મૂકી ને ઉડી ગયા..!!
જો કે કેનેડા જતા રેહવાના છે એવી બહુ સ્ટ્રોંગ વાતો આવી રહી છે…
આઈએલટીએસના બેન્ડ એમને નાં જોવાના હોય હવે .. કયો ડફોળીયો બોલ્યો ?
રઘા , તારા ને મારા માટે હોય આઇએલટીએસ ..!
કેવું કેહવાય નહિ ? દુનિયા આખી જે મેહલ જોવા તરસતી હોય એ મેહલ માં રેહવા મળે છે તો આમને નથી રેહવું ..!!
હશે ત્યારે જાવ જાવ તમે પણ જાણી લ્યો કે વીસ પંચા સો થાય..!!!
આજે મહારાણી એ ઈમરજન્સી મીટીંગ બોલાવી અને પછી એક પર્સનલ મેસેજ જાહેરમાં મુક્યો અને શુભેચ્છાઓ પાઠવી છે..!!
પણ દુનિયા નો એક નિયમ છે આજે નહિ તો કાલે જયારે મોઢું ખુલશે એ ભેગું બધું કચરું નીકળશે , સારાઈ મેહલની દેખાશે જ નહિ બદબોઈ જ થશે..!!
અમારા જેવાને એમ વિચાર આવે કે કેટલી સિક્યોર જિંદગી ને લાત મારી રહ્યા છે આ લોકો ? પણ અત્યારના સંજોગ અને દુનિયાના ગણિત જોતે એવું પણ લાગે કે કૈક મોટો ખેલ કરવાની તૈયારી તો નથી ને…???
મજીયારામાં દુખી થવા માટે ઘણા બધા ફેક્ટર હોય છે અને એમાં પેહલું ફેક્ટર અમને કોઈ ગણતરીમાં લેતું જ નથી બધા ભાઈ-ભાભુ ને જ ગણે અને પૂછે છે..
પેહલું અને દેખીતું કારણ આવું જ આવે પછી ચણભણ ચાલુ થાય..ધીમે ધીમે..!
આવનારો સમય જ કેહશે કે નિર્ણય સાચો હતો કે ખોટો પણ એક વાત નક્કી કે એક વાર ઉંબરો ઓળંગી ને બાહર ગયા પછી પાછા ફરવા માટે મેહલ ના દરવાજા ઝટ ખુલતા નથી..
રાજકુમાર હેરીના લગ્ન થયા તે દિવસના ત્યાના છાપાઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે, જબરજસ્ત રીતે મેગ્ન મર્કેલને ટ્રોલ કરી રહ્યા છે ,નાની નાની વાતો ને પણ બાહર લાવી લાવી ને છાપી રહ્યા છે કોઈ કારણ વિના ..
વચ્ચે એક આર્ટીકલ એવો હતો કે મહારાણી ની લેગસી છે તે ભવિષ્યમાં થવા વાળા મહારાણીઓ કેમિલા પાર્કર અને કેટ મિડલટન સાચવી શકશે ?
બહુ અઘરો સવાલ છે , મને તો એવો સવાલ પુછવાનું પણ મન થાય છે કે શું મહારાણીના સો વર્ષ પુરા થાય પછી મોનાર્કી ટકશે ?
સલ્તનતે બર્તાનીયામાં આજે પણ એક મોટો વર્ગ એમના ટેક્ષના રૂપિયાની બરબાદી સમજી રહ્યો છે રાજપરિવાર પાછળ થતા ખર્ચ માટે , અને એની સામે મોનાર્કીના પક્ષમાં એવી દલીલ આવે છે કે મહારાણીની પોતાની બ્રાંડ વેલ્યુ એટલી બધી છે કે એમની પાછળ થતો ખર્ચ નગણ્ય છે..!!
બળ્યું આપણે તો શું હેં એમાં ..?
એક ફોટો હમણાં એવા એન્ગલથી મહારાણી નો લેવાયો કે જેમાં મહારાણી એમના વડવડ દાદી મહારાણી વિક્ટોરિયા જેવા લાગતા હતા ..!
સાચું કહું ગભરામણ થઇ ગઈ એકવાર કે ફરી વિક્ટોરિયન એરા આવશે કે શું ?
જૂની ભૂતાવળો તાજી થઇ જાય મહારાણી વિક્ટોરિયા નું પુતળું પણ જોઈએ તો..!!
આજે તો બધા સારી સારી વાતો કરી રહ્યા છે ધીમે ધીમે મોઢા ખુલે એટલે ખબર કોને કેટલા દખ પડ્યા કે આપ્યા ..!
બાકી તો સનાતન સત્ય છે કે મજીયારામાં જેની વાત સાંભળો એ જ સાચો લાગે ,
દરેક ને એમ થાય કે મેં ઘણું કર્યું પણ મારી કે તમારા ભાઈની બા એ કદર ના કરી,આખી જિંદગી મારી જાત ને ઘસી કાઢી પણ તો ય કોઈએ અમને ગણ્યા નહિ..!!
પછી એ મજિયારું મેહલ નું હોય કે પરભા બા નું ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*