નાં કલ્પેલી પરિસ્થિતિમાં સપડાઈ જાવ એનું નામ જ જીવન..!
યુદ્ધ શરું થયું એ પેહલા ભારત આખામાં વસતી પ્રજામાંથી ગણ્યાગાંઠ્યા લોકો એવા હશે કે જેમણે યુક્રેનનું નામ પણ સાંભળ્યું હશે અને જોયું હોય એવા તો કેટલા ? પણ આજે એક એક જણ યુક્રેન અને ઝેલેન્સકીનું નામ બોલતો થઇ ગયો છે..!
પાછા આવતા છોકરા છોકરીઓના વિડીઓ મીડિયા અને સોશિઅલ મીડિયા ઉપર આવી રહ્યા છે , ઘણા ઉદ્ધત વાણી વર્તનના વિડીઓ દેખાઈ રહ્યા છે, બિલકુલ બેકદરા, બદદિમાગ ,બદતમીઝ વાણી વર્તન..!
પરંતુ સામે પક્ષે પણ અતિરેક થઇ રહ્યો છે શું કરવા મંત્રીઓ લેવા જાય છે ?
મુકોને વેહતા તમે તમારી ફરજ બજાવી છે વાત પૂરી..ધજાગરા બાંધવાની ક્યાં જરૂર છે..?!
અહિયાં વિચારવાની જરૂર એ છે કે આ છોકરા છોકરીઓના વાણી વર્તન આટલા ઉદ્ધત કેમ છે ?
તો પેહ્લો જવાબ એવો આવે કે અહિયાં બારમાં ધોરણમાં પુષ્કળ મેહનત કરી છતાય થોડાક માર્ક્સ માટે પનો ટૂંકો પડ્યો, પછી માંબાપએ ઘણી દોડાદોડી કરી મૂકી અને ફરી એકવાર એમનો રૂપિયામાં એમનો પનો ટૂંકો પડ્યો છેવટે દેશવટો ભોગવવા તૈયાર થયા ..
કેમ ?
તો કહે કેરિયર બનાવવી પડશે નહી તો માંબાપની જેમ તાણીતુંસીને ખેંચમાં ગઈ એમ આપણી પણ જશે..!
અહીંથી મન મક્કમ કરીને દેશવટો લીધા પછી ત્યાં પગ મુક્યો, બધું નવું, મુશ્કેલીના પાર નહિ , છતાંય ટકવાનું છે અને અટકવાનું નથી એવી મનમાં ગાંઠ વાળેલી હોય એટલે નાં કરેલા કામ અને કોમ્પ્રોમાઈઝ કરવાના ચાલુ થાય, ધીમે ધીમે સ્વીકાર થાય એ જીવનનો પણ અને એમાં આવી ઘટના ઘટે ..!
ડીગ્રી વિના પાછું નથી જ આવવાનું એવું માંબાપ તો છોડો આખા સમાજે ભેગા થઇ ને કહી દીધું હોય અને હવે જીવતા રેહવું કે મરી જવું એ સવાલ આવી ને ઉભો રહે એટલે તકલીફ ..!
આવી તો ગયા પણ હવે શું ? અને રહી ગયા ત્યાં એને પણ હવે શું ?
આસમાન સે ટપકે ખજુર પે લટકે …!
બરબાદીઓ કી દાસ્તાને ..
ત્યાં મોટી ઈમારતો તૂટે છે અને પાછા આવેલા છોકરા છોકરીઓના સપનાની ઈમારતો તૂટી ,
સપના તૂટે ત્યારે ક્યાં આમ પણ અવાજ આવે છે?
સરકાર કહે છે કૈક કરીશું જે છોકરા ત્યાંથી પાછા આવે એમના માટે ..
રાણી નો હજીરો ..!! એટલું કરવાને સક્ષમ હોત તો આ છોકરા છોકરી ગયા જ ના હોત..!!!
સિસ્ટમો જ એટલી ખરાબ ઉભી કરી મૂકી છે કે કોઈ બીજો રસ્તો દેખાતો નથી, ભારત દેશનો દરેક માણસ પોતાનો કાયદો ,પોતાનો ભગવાન અને પોતાનું લોજીક લઈને જીવી રહ્યો છે કોઈને ઓગળવુ નથી, સમાવું નથી.. તો પછી કશું નાં થાય..!!
ઝેલેન્સકી ભાગી ગયા એવા સમાચાર બે દિવસ પેહલા ભારતીય મીડિયા એ બ્રેકીંગમાં આપ્યા પછી કોઈ કન્ફર્મેશન આવ્યું નહિ છતાં પણ રશિયાના હવાલેથી એક ગુજરાતી અખબારે મથાળું છાપ્યું….!
યુદ્ધની કથાઓ રોચક જ હોય ..!!
કદાચ ભાગ્યા હોય કે ભગાડી મુક્યા હોય તો પણ નવાઈ નહિ એક વિડીયો એમનો આવ્યો કે હું મારી પ્રમુખની ઓફીસમાં જ બેઠો છું પણ હવે આ કોપી ,કટ પેસ્ટના જમાનામાં ગમે તે શક્ય છે અને આ તો યુદ્ધ… બધુંય ચાલે..!!
આજે ભારતનું મીડિયા અને લોકો અહીં બેઠા આખા ભારત દેશને જાણે રશિયા સગો ભાઈ હોય એમ હરખાઈ હરખાઈને વાતો કરે છે, જો કે અમુક માટે સાવકો ભાઈ હોય એમ વીણી વીણીને દોષારોપણ પણ કરે છે,
પણ જગતમાં જાત સિવાય કોઈ બીજું સગું નથી અને સમય આવ્યે જાત પણ દગો આપે છે..!!
શીખવું હોય તો દરેક ઘટના કોઈ ને કોઈ બોધપાઠ આપીને જ જાય છે પણ શીખવું હોય તો..!!!
૧૯૬૨માં ચીન દેશ આવી જ રીતે ચડી બેઠો અને તિબેટ ખાઈ ગયો અને આપણે ઘાસના તણખલા ઉગે છે કે નહી એ શોધતા રહી ગયા, પણ હવે આવું એકાદું યુદ્ધ માથે આવી પડે તો કેટલી તૈયારી આપણી ???
અત્યારે મીડિયા લખે છે એ જોતા એમ લાગે કે લગભગ આખું યુક્રેન તબાહ થઇ ગયું છે છતાં પણ લોકોના જીવ એટલા બધા નથી ગયા, કારણ શું ? તો કહે રશિયાએ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો બાંધી હતી ,અને એમાં લગભગ આખો દેશ ભરાયો છે..!!
આ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં આખું લંડન ટ્યુબ ઉર્ફે મેટ્રોના ભોંયરામાં ભરાઈને છુપાઈ ગયું હતું ..!!
હવે આપણે ત્યાં આવું થાય તો ? ભોંયરું શોધવા જ મારામારીઓ થઇ જાય ..!
ભોંયરા છે કેટલા આખા અમદાવાદમાં..?
લડવા માટે જીવતા રેહવું પડે એ પેહલી શરત છે..!! જીવતી પ્રજાના ખમીર જીવતા રહે, રીબાઈ રહેલી પ્રજામાંથી ગદ્દાર અને ગદ્દારી સૌથી પેહલી ઉભી થાય..!!
કેટલા નાગરિક હાથમાં હથિયાર પકડીને બે ચાર કિલોમીટર ચાલી શકે તેમ છે ?
ચાલીસ ઉપરના પુરુષો તો નગરી અમદાવાદમાં પરમેનેન્ટ પ્રેગનેન્સી ધારણ કરી ચુક્યા હોય એવા દેખાય.. પોતાના ચપ્પલ પણ અમુક તો જોઇને પેહરી શકતા નથી..!!
વચ્ચે ફાંદ નડે..!
આવી હાલતમાં નકરી સોશિઅલ મીડિયા ઉપર ફાંકા ફોજદારીઓ ચાલતી રહે છે..!
જે રીતે યુક્રેનને રણભૂમિ નાટો અને અમેરિકા બનાવી રહ્યું છે એ જોતા ભારત જરાક પણ મોટું થાય તો ભારતને રણભૂમિ બનાવવામાં જરાક પણ વાર ના કરે ..!
આપણે તો ચારેય બાજુ આસ્તીનમાં સાપ જ ઘાલ્યા છે ,સેહજ છમકલું થાય એની જ વાર છે, છેલ્લે ઈકોતેરમાં યુદ્ધ લડાયું હતું અને એના પછીના યુધ્ધોની આખે આખી પેટર્ન જ બદલાઈ ચુકી છે , બે ચાર દિવસમાં હોય એટલો શસ્ત્ર સરંજામ ઠાલવી દેવાની નીતિ ચાલી રહી છે અને આ યુક્રેનના યુદ્ધમાં તો પરમાણુ મથક અને પરમાણુ શસ્ત્રોનો પણ ઉપયોગ થાય એવી ધાસ્તી દુનિયા આખીને છે એવા સંજોગોમાં ભોંયરા ઘણા કામ લાગે..!
અત્યારના નવા બનતા ઘરોમાં વાસ્તુશાસ્ત્રના ચક્કરમાં ભોંયરા બહુ ઓછા થાય છે અને મોટી મોટી સ્કીમોમાં પાર્કિંગ માટે ભોંયરા રાખવામાં આવે છે, પણ યુક્રેનમાં જોઈએ તો ઉંચી અને મોટી ઈમારતોનો ખો નીકળી ગયો છે એ જોતા કમ સે કમ સરહદી રાજ્યોમાં તો અન્ડરગ્રાઉન્ડ મેટ્રો તો અન્ડર ગ્રાઉન્ડ પણ ટનલોના જાળા વધારી મુકવા જોઈએ જેથી આફતના સમયે કામ લાગે..!
થોડીક મીલીટરીની ટ્રેનીંગ પણ ફરજીયાત કરવી જોઈએ, આજકાલના એક ના એક નવી નવાઈના જણેલાને તમામ ચીજ વસ્તુઓ હાથમાં અને પુરેપુરી સગવડ જોઈએ છે ,પણ વખત આવ્યે કેમના શસ્ત્રો ઉપાડી શકે એ જરાક પ્રશ્નાર્થ છે..!
છ મહિના કમ સે કમ મીલીટરીની ટ્રેનીગ આપી હોય તો ખાલી સોશિઅલ મીડિયા નહિ પણ અસલમાં પણ રાષ્ટ્રભક્તિ બતાડવાની આવે તો રમઝટ બોલાવી જાણે જનતા જનાર્દન..!
ચાલો આજે અહિયાં અટકું છું ..ઘણું વિચાર્યું પણ
સહુનું થશે તે વહુનું થશે..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)