યુધ્ધ આપણાથી કેટલું દૂર…?
ગૂગલ મેપ ૧૬૧૫ કિલોમીટર દેખાડે છે ચાબહાર પોર્ટ ..!!
અમદાવાદથી…!!
શું થયું ……??? રિલ્સ જોઈ જોઈને મગજનો અઠ્ઠો થઈ ગયો છે ? કશું ખબર નથી પડતી ? ડોફરાઈ ગયું છે દિમાગ ?
કેમ આવું થયું ??
ભારત દેશે ઓત્તરાંદે સાયરનો ના ટેસ્ટિંગ થાય છે , આથમણે રણગાડીઓ ના ધમધમાટ છે , દખ્ખણ લે ઓફના કકળાટે ચડ્યું છે , ઉગમણે ચૂંટણીમાં આર યા પાર કરી જ લેવું છે …
આમાં આપણે શું કરવાનું ?
શૈશવભાઈ, યાર હથોડા ના મારશો યાર… !!
લગભગ ગુર્જર પ્રદેશે વસી રહેલા દરેક “કલિકાલસર્વજ્ઞ” સાડા છ કરોડ ગુજરાતીની આ હાલત છે …!!
આપણને બધ્ધી ખબર પડે બકા.. આપણે કીધું તું ને.. થઈ ગયું જોયું..! લગભગ બધાના છેડા “આ’યી” ગયા છે વિચારવાના..
અને હવે જેઠો મૂછો ચાવે છે..બીજો ઓપ્શન નથી જેઠા પાસે..
ચલો એક કામ કરીએ..
મગજનો અઠ્ઠો થયો છે ને , ચાલો ખાલી અઠ્ઠા ઉપર નવ્વો નાખું…!!
ધારો કે… ધારો કે…
અમદાવાદ ઉપર પચ્ચીસ ત્રીસ ડ્રોન કે મિસાઈલ્સ આવે તો …????
આ નવ્વો જ નાખ્યો છે , દસ્સો, ગુલામ ,રાણી ,રાજ્જા અને એક્કો બાકી રાખું છું,
એ ફરી ક્યારેક ..!!
નથી રહેવાતું …???
તો પછી ચાલો નવ્વવા ઉપર દસ્સો.. તમારા ઘરને અડીને આવેલા પેટ્રોલ પંપ ઉપર પડ્યું તો …???
હવે …..?????
અમદાવાદના આરજે શું કરશે ? રિલ્સ બનાવનારા બહેનો અને ભાઈઓ શું કરે ? હંમેશા ઉતાવળમાં બ્રેકિંગ ન્યૂઝ પત્રકારો શું કરશે ????
પેલું અર્ટિમસ છેક ચંદ્રથી એપોલો 11 ની જેમ ધરતીની તસવીર મોકલે છે અને એમ લખે છે કે આપણું ઘર પહેલા જે દેખાતું હતું 57 વર્ષ પહેલા બિલકુલ એવું જ દેખાય છે હજી પણ…!
આપણું ઘર એટલે આપણી પૃથ્વી અને ચંદ્ર ઉપર ફરી એકવાર આવતા વર્ષે પગલું ભરવા માટે માણસ જાત તૈયાર થઈ ગઈ છે,
મારા જેવા ને એવો વિચાર આવે કે હારુ કેટલી ખોટી વાતો કરે છે બદમાશીની કોઈ હદ હોય ને…!!!
ધરતી 57 વર્ષ પહેલા હતી એવી છે ખરી… ????
સાડા છસ્સો કરોડ કીડા મકોડાથી ઉભરાઈ રહી છે આ ધરતી..
અત્યારે જબરજસ્ત રીતે જે લડાઈ ચાલે છે , ધીમે ધીમે કરી અને લોકોની બચતો સાફ કરી ને ફરી પાછા એક અંધકાર યુગ તરફ એકબીજાને ખેંચી જવાની જે હોડ ચાલી રહી છે એ જોતા તમે આવું કેવી રીતે લખી શકો તમે કે આપણું ઘર પહેલા જેવું હતું એવું આજે પણ છે..નફ્ફટ..
હકીકતે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી પરપ્રાંતીય ધીમે ધીમે પલાયન કરી રહ્યા છે, કાચા માલની જબરજસ્ત શોર્ટટેજને કારણે કારખાના ઓછા થઈ રહ્યા છે,
બીજી બાજુ આઈટીના છોકરા એઆઈની બદોલત પોતાની હોશિયારી વાપરી અને દસ કલાકનું કામ ચાર કલાકમાં પતાવે છે,
પણ એને ખબર નથી કે બકરે કે એમના કબ તક ખેર મનાયેગી ??
જે કામ તું 10 કલાક નું 4 કલાકમાં પતાવી અને નવરો બેઠો વિડીયો ગેમ રમે છે એ કામ સોંપનારો તારો શેઠ કે તારો બોસ હવે તને કેટલા દિવસ નોકરીએ વધારે રાખશે???
છોકરાઓ એવી અણસમજમાં છે કે ખાલી મને જ આવડે છે , આ વસ્તુ શક્ય નથી, સુપર કોમ્પ્યુટર અને computing આ બે વસ્તુ એવી છે કે એક રાતમાં લાખો લોકોની નોકરીમાંથી છટણી કરી નાખશે , છટણી થશે એ દિવસે એમનો ભાર આ ભારતભૂમિ ઝીલી શકશે ખરી????
આપણા પુરાણોએ કથાઓએ અને ઇતિહાસે આપણને એકાદ મોરચે જ યુદ્ધ લડતા શીખવાડ્યું છે , વધારે એંગલ એડ કરવો હોય તો એમાં સામાજિક મોરચે લડાતું યુદ્ધ આપણને શીખવાડ્યું છે ,
પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતા નજર તમારી ખાડી દેશો ઉપર ભલે હોય પણ યુદ્ધ અત્યારે એઆઈ થકી સોફ્ટવેરમાં પણ એટલું જ જબરજસ્ત લડાઈ રહ્યું છે જેની સમજણ બહુ ઓછા લોકોનો છે…
રોજ સવારે મેં કંઈક નવું ડેવલોપ કરીને સબમિટ કરી દીધું એવા ઈગોને સેટિસ્ફાઇડ કરીને રૂપિયા રળી લેતા છોકરાઓને એ સમજણ નથી કે હું કયુ કામ કરું છું અને શા માટે કરું છું … કોના માટે કરું છું…!!!
જ્યાં સુધી આ સમજણ સિવાય બેઠા બેઠા કોડિંગ કર્યા કરશે તો કોડિંગ એક દિવસ બંધ થઈ જશે અને આ દિવસ બહુ દૂર નથી… ગઈસાલ સિંગાપોર ગયો હતો ત્યાં ટેક્સીવાળો સોફ્ટવેરવાળો હતો, એની લેન્ગવેજ બંધ થઈ ગઈ , રોડ ઉપર આવી ગયો હતો ટેક્સી ચલાવવા…
કોઈપણ કામ કરો તો એ કામની સમાજ ઉપર શું અસર થશે અને સમાજને હું ક્યાં ઉપયોગી થઈશ, આ સમાજ એટલે માનવજીવન અહીંયા એ ધ્યાન રાખ્યા સિવાય થતું કોઈ પણ કામ ગમે ત્યારે બંધ થઈ શકે…
ખાડી દેશોમાં કામ કરતા અને બીજા એનઆરઆઈ જે અહીંયા મબલખ રૂપિયા મોકલી રહ્યા છે એ રૂપિયા આવતા બંધ થઈ જાય તો ભારતની પરિસ્થિતિ શું હશે એની કલ્પના કરવી પડે , અને એનો ઓપ્શન વિચારી અને બીજેથી રૂપિયા રળવાના ચાલુ કરી દેવા પડે…
કપરો કાળ કહીને નથી આવતો , કળિયુગનો દ્વાપરમાં એન્ટ્રી ના મળે એના માટે કેટલા પ્રયત્ન થયા હતા ..!!
હવે ઘોર કળિયુગ આવી રહ્યો છે.. !!
કેટલા ખર્વ રૂપિયાના આંધણ થશે..!!!
અહીં અટકું છું
રવિવારની બપોર છે રસ કેરીનો પી ને આડા પડ્યા હોઉં તો ઊંઘ ઉડાડવા બદલા માફી ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*