ગુરુ શુક્ર ની યુતિ ….
આજે અનાયાસે એક સુંદર ખગોળીય ઘટનાનો હું સાક્ષી થઇ ગયો .. જીમમાં વર્ક આઉટ થોડા વેહલા પતી ગયું , હું અને ઇશાન રખડવા નીકળ્યા .. એકટીવા પર , સાંજ ઢળી ગઈ હતી , સૂર્ય નારાયણ અસ્તાચળે હતા ,અને મારી નજર એકદમ આકાશમાં પડી , આથમણે બહુ સરસ ઘટના ઘટી રહી હતી ગુરુ અને શુક્રની યુતિ ચાલતી હતી ,એકદમ તેજસ્વી શુક્ર ઉદિત થયો હતો , બાજુ માં જ નાનકડો ગુરુ દેખાયો , મેં કીધું ઇશાન ઉભો રહી જા દોસ્ત ,અમે સાઈડ પર ઉભા રહ્યા ,તરત જ ગુગલ સ્કાય એપ ખોલી અને ચેક કર્યું કે હું સાચો છું કે ખોટો … પણ એકદમ હું સાચો નીકળ્યો , પશ્ચિમ દિશામાં શુક્રનો એકદમ તેજસ્વી તારો અને એની તદ્દન જોડે જ ગુરુ સેહજ પીળાશ પડતો દેખાતો હતો …ડબલ ચેક કરવા તરત જ કુંડળીની એપ ખોલી …ગુરુની ડીગ્રી ૨૭.૩૬ હતી અને શુક્રની ડીગ્રી ૨૭.૪૩હતી …બોસ કામ થઇ ગયું , અને સપોર્ટ કર્યો ચન્દ્રએ પંદર કળાનો સુદ ચૌદસનો ચંદ્ર હતો ધન રાશીમાં .
થોડીક વાર થઇ અને બીક લાગી કે આ ચંદ્ર ખેલ ના બગાડે , એકદમ બ્રાઈટ હતો ચન્દ્ર ,જો ચન્દ્રની લાઈટ વધી તો ગુરુ નહિ દેખાય , પણ બાપુ લાજ રાખી અને ચન્દ્ર ગયો વાદળામાં અને ગુરુ શુક્ર મસ્ત રીતે એકબીજામાં એકાકાર થતા જોયા ફોટા પાડવાની બહુ મેહનત કરી પણ નકામી ગઈ ,છેવટે ગુગલ પરથી ડાઉનલોડ કરીશ એમ વિચારીને યુતિ જોવાનો આનંદ માણ્યો, ભૂતકાળમાં આવી ગુરુ શુક્રની યુતિ ચોવીસ વર્ષ પેહલા થઇ હતી …
આજની આ ગુરુ શુક્રની યુતિ કર્ક રાશીમાં થઇ, આમ તો કર્ક રાશિમાં લગભગ ગુરુ અસ્તનો થઇ ગયો છે, શુક્ર પણ ૨૭ ડીગ્રી એટલે અસ્ત નો જ કેહવાય , પણ દેવ ગુરુ બૃહસ્પતિ અને દાનવ ગુરુ શુક્રાચાર્ય આ બે ને યુતિ કુંડળીમાં મોટે ભાગે સારું ફળ આપે છે , ગુરુ માટે એવું કેહવાય કે ગુરુ સ્થાન ભ્રષ્ટ કરોતિ … એટલે જ્યાં ગુરુ મહારાજ બેઠા હોય તે જગ્યા બગાડે , પણ સાથે દાનવ ગુરુ શુક્રાચાર્ય બેઠા હોય એટલે ગુરુ બગાડે અને શુક્ર સુધારે …ગુરુ શુક્રની યુતિ હમેશા વૈભવ આપે … શુક્રની વિલાસિતા ને ગુરુ વૈભવમાં ફેરવે અને ગુરુ નો અહંકાર ને શુક્ર આત્મવિશ્વાસમાં ફેરવે …એમાં પણ આજની આ યુતિ કર્ક રાશીમાં થઇ છે અને કર્ક રાશીમાં ગુરુ ઉચ્ચનો કેહવાય એટલે ઓવર ઓલ સારું ફળ રહે આ બે યુતિ નું જ્યોતિષની ભાષામાં …
નરી આંખે આવી યુતિ જોવા મળી ,એ ખરેખર એક લાહવો છે અને મને એ લહાવો લુંટવાની તક મળી ગઈ … હા રે હા ભાઈ આજ નો લાહવો લીજીયે રે કાલ કોણ દીઠી …
શુભ રાત્રી
શૈશવ વોરા