જીંદગી ક્યારેય એક સરખી જતી નથી , આવું બધા લોકો કહે ,પણ જીંદગી જયારે જેને માથે વિતાડે ત્યારે જ તેને ખબર પડે ,
મારી જીંદગીમાં પણ અચાનક એક તોફાન આવ્યું ,૭મી ઓગસ્ટ શુક્રવારની સાંજ હતી .. હું જીમમાં મારી આદત પ્રમાણે તોફાન મસ્તી કરતો હતો , મારા ટ્રેઈનર ઇશાનને હું ખખડાવતો હતો , ચલ ચલ મોટા ડમ્બેલ લાવ ,આ ટેણીયાઓના ડમ્બેલ મારે ના ચાલે ભાઈ , મોટેથી બુમાબુમ કરતો હતો અને કલર મારતો હતો ..ત્યારે મારો ફોન પડ્યો પડ્યો એક ખૂણામાં સતત વાગ્યા કરતો હતો ..
ત્યાં એક સોળ સત્તર વર્ષનો છોકરો દોડતો અઆવ્યો મારો ફોન લઈને ..ભૈયા આપ કા ફોન કબ સે બજ રહ હૈ , જોયું તો ૯ મિસ કોલ હતા , બધા જ ફોન ઘરેથી અને પપ્પાના ડ્રાઈવરના હતા હજી સામો ફોન લગાડું ત્યાં ફોન આવ્યો મમ્મીનો , તું જલ્દી પપ્પા પાસે પોહચ .. મેં પપ્પાના ડ્રાઈવર ને ફોન લગાડ્યો શું છે સુરેશ ..? સાહેબ દાદા ને ચક્કર આવે છે હું એમને લઈને લાઈફ કેર હોસ્પિટલ પોહચુ છું , મેં ગાડી મારી મૂકી સીધી હોસ્પિટલ …
પાપા ને ICCUમાં મુક્યા જ હતા , ડોક્ટર ને મેં પૂછ્યું શું છે ? બ્રેઈન સ્ટ્રોક છે .. જવાબ આવ્યો
થોડી બીક લાગી મને પણ હિંમત ભેગી કરી ને કામે લાગ્યો , MRA થી લઈને MRI બધું પત્યું ,એટલું નક્કી થયું કે જીંદગી ને કોઈ ખતરો નથી ,પણ એક મિનીટ માટે તો ઓકસીજન માસ્ક પેહરેલા અને બધા મીટરો પર લાગેલા મારા પપ્પા ને જોઇને હું એક થડકારો ચુકી ગયો ,
પપ્પા વિનાની જીંદગી ને મેં ક્યારેય કલ્પના કરી નથી અને કરવી પણ નથી ,મેં લાચાર નજરે ડોકટરની સામે જોયું ,ડોકટરે કીધું લાઈફ ઇઝ સેઈફ ..હૈયે હામ આવી , જમણું અંગ ઝલાઈ ગયું હતું પપ્પાનું , બોલવામાં તકલીફ પપ્પા જે બોલે એ ખાલી ફક્ત હું અને મમ્મી જ સમજી શકીએ …
પપ્પાનો ડ્રાઈવર હોસ્પિટલમાં એક ખૂણામાં ઉભો ઉભો રડે , મેં પૂછ્યું સુરેશ શું થયું હતું ? જવાબ આવ્યો સાહેબ દાદા અંદર કોઈ ને બાટલો ચડાવતા હતા અને અચાનક એમને લથડિયું આવ્યું એટલે મેં ઘેર બેનને ફોન કર્યો , અને બેને લાઈફ કેરમાં ફોન કર્યો ત્યાંથી ડોક્ટર આપણા દવાખાને આવ્યા અને એ અમને લઇ ને હોસ્પિટલ આવ્યા ..
જે ડોક્ટર પપ્પાને હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા એમને હું મળ્યો મેં પૂછ્યું શું હતું ?મને કહે સાહેબ નું પ્રેશર ૧૯૦ /૧૪૦ હતું અને સેહજ ચાલવા માં તકલીફ હતી ,મેં સાહેબને કીધું કે ચાલો હોસ્પિટલ સ્ટ્રોક લાગે છે ,પણ સાહેબ મારું માનતા નોહતા સ્ટ્રોક ચાલુ હતો પણ એમણે એમના પાંચ પેશન્ટ જોયા પછી જ ગાડીમાં બેઠા …
આખા ખાનપુર અને લાઈફ કેર હોસ્પિટલમાં ખબર પડી ગઈ ધીમે ધીમે ,કે એમના ડોકટર સાહેબ ને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે,મારો ફોન સતત રણક્યા કરે અને હોસ્પિટલ અમારા સગા ,વ્હાલા મિત્રો અને મમ્મી પપ્પાના પેશન્ટો થી ઉભરાવા માંડી ,આંસુઓ રોકાતા નોહતા એમના પેશન્ટોના, અમારા સાહેબ ને કઈ થવું ના જોઈએ….
મારી અને મમ્મી ની હાલત ખરાબ હતી , પપ્પા પાસે અંદર ICCUમાં રેહવું કે બહાર બધા ને શાંત કરવા એ જ સમજાતું નોહતુ , છેવટે મમ્મી પપ્પા પાસે ICCUમાં ગયા અને હું બહાર બધાને શાંત કરું , અમારા ડોકટર તો અમારા ભગવાન છે એમને કઈ ના થાય , ફરિશ્તા છે દાકતર સા`બ ..
બાધાઓ આખડીઓ ,પ્રેયર ,નમાઝ બધું અમારી જાણ બહાર ચાલુ થઇ ગયું હતું …
પપ્પાની ઠાકોરજીની ભક્તિ અને એમના પેશન્ટોની દુવા , અમારા ડોકટર સાહેબને કઈ ના થવું જોઈએ બસ બધા પેશન્ટોની એક જ જીદ એમના ઈશ્વરની જોડે , કોઈ મંદિરમાં ગયું કોઈ મસ્જીદ તો કોઈ દેરાસર અને કોઈ ચર્ચમાં ગયું ,
અને આટલા બધા લોકો એકસામટા મચ્યા હોય એટલે ઉપર બેઠેલા ભગવાન ,અલ્લાહ ,જીસસ,મહાવીર એ બધા ને છૂટકો જ નોહતો ,વળી એમાં પાછું એમના દવાખાના ને ૧૦મી ઓગસ્ટે ૪૮ વર્ષ પુરા થયા ,
એટલે ઉપરવાળાએ અવસર જોઇને એ ત્રીજા દીવસે વાણી પાછી આપી ,સાંજે પગ અને પછીના દિવસે હાથને પણ ભગવાને છોડ્યો ..જાવ દાક્તર તમતમારે આપો ઇન્જેક્શન ..
આખી હોસ્પિટલમાં આવતા જતા બધા ડોકટરો એમના સાહેબ પાસે દિવસમાં બે વાર આંટો મારી જાય ,અને જેમ જેમ પપ્પાના ડોકટર મિત્રો ને ખબર પડી તેમ તેમ બધા ડોકટરો નો આવવાનો દોર ચાલુ થયો …નવા નવા ભણેલા અને હમણા જ ડોકટર થયેલા છોકરા છોકરી જોયા કરે આટલો બધો વિઝીટર ફલો ..!!
અને એમને જયારે ખબર પડી કે ડોકટર વોરાએ ક્યારેય જીવનમાં કન્સલ્ટેશન ફી લીધી નથી અને એક રૂપિયામાં તો બ્લડ પ્રેશર માપી આપે છે અને પ્રિસ્ક્રીપ્શન લખવાના પણ રૂપિયા નથી લેતા….!!! સખત અહોભાવ એમને પપ્પા માટે થયો અને
બિચારા છોકરાઓ પગે લાગતા રોજ પપ્પાને ,અને એક બહુજ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ રોજ સવાર સાંજ પપ્પાને જોવા આવે અને બધા જ નાના નાના ડોકટરોને ભેગા કરીને કહે જુવો કમીશન લીધા વિના અને એથીકલી પ્રેક્ટીસ કરીને મેડીકલ ફિલ્ડમાં લાઈફ ખુબ સારી રીતે જીવાય છે ,અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ વોરા સાહેબ છે …
પપ્પાની યાદશક્તિ કે મગજને કોઈ જ નુકસાન નહિ , લાઈફ કેર નો સ્ટાફ વારે વારે ચેક કરે બધું જ ચેક કરે બોલવાનું પરફેક્ટ થયું અને પેહલો જ સવાલ પપ્પાનો દવાખાને કોણ જાય છે ? મેં કીધું મમ્મી જાય છે ચિંતા ના કરો તમારું દવાખાનું ચાલુ છે ..
પણ માન્યા નહિ એટલે બે ચાર પેશન્ટ ને મેં ICCU માં જવા દીધા અને એ લોકો એ કીધું કે સાહેબ અમે દવાખાને ગયા હતા અને ત્યાએ મેડમે એ અમને દવા આપી છે ત્યારે એમને ધરપત થઇ ..
મમ્મી પણ સખત થાકી જતા એક બાજુ શેહરમાં કમળો , ડેન્ગ્યુ અને ટાઈફોડ એ માઝા મૂકી હતી અમારું દવાખાનું ઓવર લોડ જાય ……
એક પણ પેશન્ટ ના બ્લડ ટેસ્ટ નેગેટીવ ના આવે ,બધા જ કઈ ને કઈ લઈને આવતા , બીજી બાજુ પપ્પા હોસ્પિટલમાં ચારે બાજુ દોડાદોડી , પણ હા એક વાત હતી કે અમને મારા સગા મિત્રો અને પેશન્ટો એ ક્યારેય એકલા ના પડવા દીધા …
પપ્પા ઘરે આવ્યા ફીઝીયોથેરાપી ચાલુ થઇ , રમેશકાકા અમદાવાદના સીનીયર મોસ્ટ અને નંબર વન ફીઝીયોથેરાપીસ્ટ રોજ ઘરે આવતા અને એમને સામું પેશન્ટ પણ એવું મળ્યું , ઉભા થવું જ છે અને દવાખાને જવું છે રોજ ની ત્રણ કલાક ફીઝીયોથેરાપી ચાલુ થઇ પપ્પાની ફક્ત ૭૭ વર્ષ ની ઉમરે …!!!
અને પરિણામ ઉપર નો ફોટો ..
અમે સહપરિવાર પોંડીચેરી અને ચેન્નાઈ ફરીને આવ્યા દિવાળી કરીને આવ્યા અને પપ્પા એ એમના બધા જ પેશન્ટો ને કહી દીધું ચિંતા ના કરતા ૨૦૧૭માં દવાખાનાને ૫૦ વર્ષ તો મારે પુરા કરવાના જ છે …!!
અને હા અમારા એક ફેમીલી ફ્રેન્ડ ડોકટર કપલે પપ્પાને લેટેસ્ટ સમાચાર આપ્યા કાકા સરકારે હોસ્પિટલમાં ડોકટરની રીટાયરમેન્ટ ની ઉમર ૭૦ વર્ષ કરી આપી છે ,એટલે કાકા આપણે તો ૮૫ વર્ષ સુધી પ્રેક્ટીસ થાય અને કરવાની છે …!!!
સૌને સાલ મુબારક
શૈશવ વોરા