કુમકુમ ના પગલાં પડયા …
માડી ના હેત ઢળયા …
જોવા લોક ટોળે વળ્યા…
માડી તારા આવવા ના એંધાણ થયા….
કાલે જીમ માં ગરબો વાગ્યો…. પગ થી રેહવાતુ નો’ તુ … તારક મેહતા ની દયા જેવી હાલત થઇ મારી તો … ડંબેલ ને તો ફેંકવા ની ઇચ્છા થઇ ગઇ ….. પણ કેમ ના થાય ખાનપુર ના શેરી ગરબા થી પાર્ટી પ્લોટ અને ત્યાં થી કલબો…. વચ્ચે થોડાક વરસો સેપટ…. કોલેજો..અને સ્કુલ ના ગરબા….ફરયા અને હજી થાક નથી લાગ્યો …બે તાળી, ત્રણ તાળી,દોઢીયા , પોપટીયા ,ચાર ના છ, આઠ, દસ, બાર, ચૌદ, સોળ…ના દોઢીયા..હિંચ, અને છેલ્લી એન્ટ્રી સનેડા ની… આ વરસે કદાચ બેલે ગરબા આવશે ..
નાનપણ માં થોડા મોટા મિત્રો કેહતા અલ્યા આ રોજ નવરાત્રી માં નવા ઝભ્ભા અને ધોતિયા પેરી ને બાપા ની ગાડીઓ માં રાત રાત રખડો છો તો જો જો કોઇ છોકરી માં લપટાતો નહી…. આ નવ દા’ડા તો બધી રૂપાળી જ લાગે …પછી દિવસે અજવાળા માં જોઇ ને હા કે ના કરજે …. અને થતુ પણ એવુ જ …નવ દિવસ ની એ અપ્સરા દસમે દિવસે બેયાર આ શુ બબાલ છે .. ?? માં કન્વર્ટ થતી…
બાકી નશો છે .. આ નોરતા નો… લાગલગાટ ત્રીસ વરસ થી… ખરેખર માતાજી ની અસીમ કરુણા છે .. ઝભ્ભો હજી પરસેવા થી
પલળે છે પણ પગ થાકતા નથી અને મન ભરાતુ નથી …
ધ્રુબાંગ ધ્રુબાંગ કરતો રામઢોલ (સૌથી મોટા ઢોલ ને રામઢોલ કેહવાય) ની બે દાંડી પીટાય અને નાનો ઢોલ ગરજે ધીંધીંધીં કરે …ને પેલી ઢોલકી હાથ ની થપાટે નાચે તાતાતા તાક ….ને ટિંબાની ના ચમકારા તડ ટન ટન ..અને મોટા ફુલ થ્રોટેડ અવાજે હે…હે..હે.. રણુજા ના રાજા ને અજમલજી ના બેટા …રાણી હેતલ ના ભરથાર …અને રામાપીર હેલો ઉપડે અને પછી બે તાળી ના ગરબા ઉપડે તે છેક રાતે બે વાગે છેલ્લે આરતી… કે સનેડો…
મમ્મી જોડે ગરબા માં ફરવા નુ ચાલુ કર્યુ અને આજે દિકરીઓ જોડે ફરુ છુ….આજ તો મારે મારી વર્તિકા ને પોપટીયુ શિખવાડવા નું છે…અગિયાર વરસ પુરા થયા વર્તિકા ને અને રીવા ને ચૌદ વરસ …. હજી તો કાલે કેડ માં ઘાલી ને ફરતા….આજે પોપટીયા શિખતા થઇ ગયા ..
પેહલી વાર અમદાવાદ નો શેરી અને પોળો મા ફરતો ગરબો ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ધરણીધર માં ગયો…. સાલ લગભગ ૧૯૮૮ મારુ કોલેજ નુ પેહલુ વરસ …. સો રૂપિયા નો સીઝન પાસ ….અને ગરબા પતાવી દીધા પછી સીધા કામા હોટેલ ની આબો દાના માં આખુ ટોળુ…જાહેર માં કબુલ કરવુ પડે કે બહુ રૂપિયા ખરચાયા છે બાપુજી ના …..
પણ માણી છે એક એક રાત ને અને જાણી છે એક એક વાત ને … એ સૂર ,તાલ ,ઠેકો, ગીત, ગરબો , લોકગીત, લોક ગરબો, કચ્છી ભરતકામ , બાગડી, રબારી, આરી, હાથ નુ ભરત , મશીનકામ , માધુપુરા ની મારવાડી મોજડી, અને કોલહાપુરી ચંપલ, લો ગાર્ડન ના કેડીયા, રાણી ના હજીરા ના બાંધણી કે લેહરીયા ના દુપટ્ટો, ફેંટા , પાઘડી, હિમાચલી ટોપી… અને છેલ્લે …
તારી બાંકી રે પાઘલડી નુ ફુમતું રે
મને ગમતું રે આ તો કહુ છુ રે
પાતળીયા તને અમથું…..
ભાઇ ભાઇ ..
મજા કરો અને કરાવો બીજા ને
આ નોરતા ની રાતો…
જય અંબે
– શૈશવ વોરા