Page:-24
સવારના હવેલીએ દર્શન કરવા ગયેલા મલય છેક રાજભોગ કરી ને પ્રભાબા અને મલય ઘેર આવ્યા, આજે પ્રભાબા જમી અને આડા પડી ગયા ..
બીજા દિવસે ધનતેરસ આવી , આજે તો પ્રભાબા ને મજીયારાને છુટા પાડવા નો દિવસ હતો …બધા બપોરે જમી રહ્યા પ્રભાબા એ ,તનસુખભાઈજી ,જમનાભાભી અને ઓધાબાપા ને બોલાવવા કિશોરભાઈ ને મોકલ્યા અને હિંડોળો જે રૂમમાં હતો એ રૂમમાં બધા ને ભેગા કર્યા..
ત્રણે ભાઈઓ અને એમના પરિવાર , બંને દીકરીઓ અને એમના પરિવાર બધાજ હાજર હતા …રૂમ આખો ઘરના માણસોથી ભરાઈ ગયો હતો ..ઓધાબાપા , તનસુખભાઈ અને જમનાભાભી પણ આવ્યા પ્રભાબાની બાજુમાં ખુરશી નાખી અને ત્રણે ને બેસાડ્યા કિશોરભાઈ બહાર જવા લાગ્યા ત્યાં પ્રભાબા એ બુમ મારી એ ય કીસ્લા આંય મારા પગ પાહે બેસ તનેય હું કાઈક દેવાની છું …કિશોરભાઈ બે હાથ જોડી ને બોલ્યા પરભા કાકી આશીર્વાદ બસ .. તું બેસ તો ખરો .. એણે પ્રભુદાસભાઈની સામે જોયું પરભુદાસ ભાઈએ ઈશારો કર્યો બસી જા …
પ્રભાબા એ પેન અને કાગળ કિશોરભાઈ ના હાથ મુક્યા હું બોલું ઈ લખતો જા કીસ્લા ..હું પરભાબેન ..તારા કાકા નું નામ લખ પારી ..મારા ત્રણે દીકરાઓની મિલકતના પચીસ ટકા મારા નામે કરવાનો હુકમ કરું છું ,પ્રભુદાસ એ ૧૨.૫૦કરોડ અંકે બાર કરોડ પચાસ લાખ , દિલીપે ૫૮.૭૫ કરોડ અંકે અઠ્ઠાવન કરોડ પંચોતેર લાખ અને રમેશએ ૨૭૫ કરોડ અંકે બસો પંચોતેર કરોડ રૂપિયા મારા નામે કરવા ,પ્રભાબા બોલતા અટક્યા પાણી પી અને ફરી આગળ બોલ્યા …કીસ્લા બધું લખતો જાસને .. કીશોરભાઈ એ કીધું એ હા કાકી લખું છું તમેતમારે ચાલુ રાખો ..
મારી ભાડલાની હવેલી હું વાસંતી અને પ્રભુદાસને આપું છું ,વાડી દિલીપ મંજુલાને અને રોકડ અને બેંકમાં પડેલા રૂપિયા હું રમેશ માલતીને આપું છું ,
હવે તમારા ત્રણે ભાયું ના ભેગા કરેલા રૂપિયા ૩૪૬.૨૫ અંકે ત્રણસો છેંતાલીસ કરોડ અને પચીસ લાખ રૂપિયાના ના પાંચ ભાગ કરવા અને એમાંથી ત્રણભાગ તમારા ત્રણેનો એકે એક ભાગ એટલે કે દરેક ને આશરે ૭૦ કરોડ અંકે સીતેર કરોડ પુરા અને ચોથો ભાગ ૭૦ કરોડ રૂપિયા અંકે સીતેર કરોડ રેણુકાને આપવો ,પાંચમો ભાગ જે વધ્યો એના ત્રણ ભાગ કરવા અને એનો એક ભાગ ૨૩ કરોડ અંકે ત્રેવીસ કરોડ નાથા અને રમ્લી ને દેવો અનેએક ૨૩ કરોડ ભાગ ગામના વિકાસ માટે ઓધાબાપાને દેવો અને એકભાગ ૨૩ ત્રેવીસ કરોડ ભાગ ચંદનબાળાને દેવો …તમારા ત્રણે ભાયુંની મૂડીના પચીસ ટકા હું એટલે લઉં છું કે તમે બધા એ ધંધો તમારી બાપુજીની મૂડીથી જ ચાલુ કર્યો છે અને ક્યારેય કોઈએ વ્યાજ નથી ભર્યું , એ જમાનામાં તમને પચીસ લાખ મળ્યા હતા અને એ અત્યારના જમાનામાં જો સારી રીતે રોક્યા હોત તો લગભગત્રણસો કરોડ જ થાય …મને આનંદ અને ગર્વ છે કે તમે બધાએ તમારા બાપુજીનું નામ અને રૂપિયા બધું વધાર્યું ….
મારા ઘરેણામાંથી ત્રણ કિલો સોનું વાસંતીને અને બાકી ના બે કિલોમાંથી પાંચસો પાંચસો ગ્રામ મંજુલા રેણુકા માલતી અને ચંદનબાળા ને દેવું ..કોઈ બીજો સવાલ કરે ઈ પેહલા કહી દઉં મારી વાસંતીએ ચંદનબાળા ના લગન વખતે એનું પિયરનું લાવેલું પચાસ તોલા સોનું પણ ચંદનબાળાને દઈ દીધું હતું …ત્યારે મેં અને પરભુદાસે નક્કી કર્યું હતું કે ગમે ઈ થાય પણ પચીસ લાખ મૂડીમાંથી કાઈ નહિ તોડવું ..
વાસંતીના પચાસ તોલા સોનાના બદલા રૂપે હું આ ત્રણ કિલો સોનું એને દઉં છું ..બાકી બધું વઉ દીકરીઓ પાસે જે છે ઈ એમનું રેહશે …હવે છેલ્લી વાત …હું મરું પછી મને જમનાજળ વાસંતીએ જ આપવું ..વાસંતીબેન તરત જ બોલ્યા બા આ શું બોલો છો મરે તમારા દુશ્મન ..પ્રભાબા એ કીધું ..વાસંતી બટા હામભાળી લ્યો પૂરી .. અને મર્યા પછી મને વાસંતી તું જ નવડાવજે મારી બધી વિધિ વાસંતીએ જ કરાવી અને મને અગ્નિ સંસ્કાર મારો મલય કરશે …
તરત જ ચણભણ થઇ એ હક્ક તો પ્રભુદાસભાઈનો છે.. પ્રભાબા બોલ્યા શાસ્ત્રોમાં ક્યાય લખી નથી દીધું કે મોટા દીકરાએ અગની સંસ્કાર કરવા ..જો તમે ઈચ્છતા હો કે મને મુક્તિ મળે તો મારા અગ્નિ સંસ્કાર મલય પાસે કરાવજો ….અને હા આ મજીયારા ને છૂટો થતા બે ચાર મહિના થશે અને એટલા દિ` માં જો મારા અન્ન જળ ખૂટે તો મારી બદલે આ બધું સરખું વાસંતી એ કરવું..CONT….25