Page:-3
જમનાભાભી અને તનસુખભાઈજીના ચારે છોકરાઓ એ ઘરના સંડાસ સુધ્ધાના ભાગ પાડ્યા હતા અને એક નાનકડું ઘર તનસુખભાઈજી અને જમનાભાભી માટે રેહવા દીધું હતું બાકી છેક મારામારીઅને સામસામા પોલીસ કેસ સુધીની વાત આવી હતી અને આખા ગામમાં નીચા જોણું થયું હતું ..
અમદાવાદથી પ્રભુદાસ આવ્યો પછી બધું માંડ માંડ શાંત થયું હતું…એક કુવિચાર મનમાં આવ્યો મારા ઘરમાં તો આવું નહિ થાયને ..? ઘેર પોહચ્યા પણ વિચારોની હારમાળા પીછો નીહતી છોડતી ..જમ્યા અને પથારીમાં આડા પડ્યા ..
બિચારા જમનાભાભી કાયમ કે છે પરભા બોન ..ભગવાન કોઈને ચાર દીકરાની માં નો કરે ભલે સાત દીકરીઓ દે પણ બે દીકરાય કોઈને ના દે અને મેં એવા ક્યા પાપ કર્યા હશે કે મને તો ભગવાને ચાર ચાર દીધા …
પ્રભાબેન વિચાર માત્રથી થથરી ગયા મારા ઘરમાં પણ ત્રણ દીકરા છે અને પ્રભુદાસના બાપુજી તો તનસુખભાઈજી કરતા તો ક્યાય મોટો મજીયારો મુકીને ગયા છે ..મારા છોકરાવ એ એમના મુકેલા રૂપિયામાંથી અધધધ સર્જન કર્યું છે ,અને તનસુખભાઈજી તો હજી બેઠા છે અને મારે તો બધું હવે એકલપંડે ઉકેલવાનું છે ..
પણ જે થાય તે ..મારે હવે મારા જીવતે જીવ જ બધું છુટું કરવું પડશે ,જો મારા ગયા પછી માલતી કે એકાદો દીકરાનો દીકરો પણ આડો ચાલ્યો તો બધું વિખાઈ જાશે ,હું જો હવે છુટું કરું નહિ તો ના થાવાનું કઈ થાય અને એમનું નામ બગડશે તો ઉપર જઈને એમને હું શું મોઢું બતાડીશ..? ઈ તો એમાજ કેહશે કે તારાથી છુટું થતું હતું તો તે કેમ ના કર્યું ..
અને હજી તો મારા છોકરા મારો પડ્યો બોલ ઝીલે છે ,વહુઓમાં પણ વાસંતી અને મંજુલા પણ મારો બોલાના ઉથાપે તો પછી હવે આજ સમય છે … વિચારોની હારમાળા ચાલી ..
જયારે પેહલીવાર ખબર પડી કે એમને કેન્સર છે ત્યારે તો આભ તૂટી પડ્યું હતું માથે , પોકે ને પોકે ચંદનબાળા અને દિલીપ રડતા હતા ,નાની રેણુકા અને સાવ નાનકડા રમેશને તો ભાન જ નોહતું કે શું થઇ રહ્યું છે ,વીસ વર્ષનો પરભુદાસ એકલો મારી બાજુમાં આવી ને બેઠો અને બોલ્યો બા તમે હિમત નો હારી જાતા, ત્યાં મુંબઈમાં ઓલી તાતાની મોટી હોસ્પિટલ છે કેન્સરની આપણે બાપુજી ને યાં લઇ જાહું બાપાને ગમે એમ કરીને હાજા કરશું ..
તનસુખભાઈજી એ પણ ઘણો ટેકો કર્યો હતો ત્યારે ,ધંધો એકજ હતો ઘર નોખા થયા હતા , તનસુખભાઈજી અને જમના ભાભી એ તો એમને એ જ દિવસે વચન દીધું કે આજથી વિઠ્ઠલ તારા પાંચે છોકરાવની જવાબદારી અમારી અને હવેથી અમારે દસ છોકરાનો વસ્તાર છે ..
જેઠ જેઠાણી તરીકેની તમામ ફરજો એમણે પૂરી કરી પણ ખરી, એમના મનમાં ક્યારેય ક્યાય પાપ કે ખોટ નોહતી આવી અને હજી પણ નથી ,પણ એ હમેશા કેહતા તનસુખભાઈ કે જમનાભાભીના મનમાં ખોટ નથી પરભા ,પણ એમના ચારે ચાર છોકરા મનના મેલા છે તું બને એટલું જલ્દી મજિયારું છુટું કરી નાખજે પ્રભુદાસને ધંધે બેસાડજે અને બાકીના ને ચારેવને ભણાવજે, થયું પણ એવું જ ,જમ્નાભાભી એમના ભાભીની બેનની નણંદની દીકરી વાસંતીનું માંગું લઈને આવ્યા ,જોયે જ મને તો ગમી ગઈ વાસંતી , પ્રભુદાસે પણ હા ના નો કરી અને તનસુખભાઈજી એ કીધું ઘરની પેલી વહુ આવે છે આપણા દસ છોકરાવમાં મારે તો ધામધૂમથી પરણાવવો છે પરભુદાસને ..મારો ભાઈ એક પ્રસંગ તો જોઈને માણીને જાય …
બસ ત્યાં જ કંકાસનું બી વવાણું પ્રભુદાસથી એક જ વર્ષ નાનો એમનો દીકરો કકળાટ માંડી ને બેઠો કે પેઢીમાંથી પ્રભુદાસના લગન નો થાય એની મૂડી કાપો અને એના ત્રણે ભાઈઓ એક થયા દીકરી તો એમની ઘણી નાની હતી..પણ તનસુખભાઈજી ટસ ના મસ નો થ્યા …અને પરભુદાસને રંગેચંગે પરણવ્યો , જમનાભાભીએ પોંખી વાસંતીને અને..
વાસંતી ઘરમાં આવીને વરસ પછી એમના બાપુજીએ દેહ મુક્યો અને કકળાટ વધ્યો , રોજની માથાકૂટો થતી ..તનસુખભાઈજી અને જમનાભાભી એ બધામાં પીસાતા હતા , એમના બે છોકરાના સાથે લગ્ન કર્યા …એ બધા માંથી છૂટવા માટે અંતે મારે નિર્ણય લેવાનો આવ્યો મેં સામેથી જ કીધું કે આખો ને આખો મજીયારો છૂટો કરો ભાઈજી ,…CONT….4