ઉપર મુકેલા ફોટા વેહલી સવારે એરપોર્ટ થી આવતા પડેલા છે , પ્રવાસી ભારતીય દિવસ માટે આખી રાત ની રાત આ બધી લાઈટો અને સર્કલો ઝગારા મારે છે , પેલી ઝિંગ પીંગ વળી કીટલી ને ફરી કલર થયો છે , રાતે ઝપાટા બંધ સફાઈ ચાલતી હતી , ચપ્પા ચપ્પા પર પોલીસ છવાયેલી હતી ત્રણ જગ્યા એ ગાડી ચેક થઇ , એરપોર્ટ પર નો લગન નો માહોલ છે ….
પણ પણ પણ સિક્યુરીટી માટે ને ગંદી અને ગાંડી લાઈનો , અને એરપોર્ટ ની બહાર નીકળવા માટે ફક્ત બે જ ટોલ બુથ કામ કરે,દર મીનીટે ચાર ચાર ફૂટ જ ગાડી આગળ જાય , એટલે ઝખ મારી ને તમારે અડધો પોણો કલાક એરપોર્ટ પર જ ગાડી માં બેઠા બેઠા તમારે કાઢવો જ પડે અને ગમે તેટલું સરસ ડેકોરેશન કર્યું હોય તો પણ મુંબઈ થી અમદાવાદ નો જેટલો સમય ફ્લાઈટ નો છે એટલો સમય તો એરપોર્ટ પર ખાલી ગાડી ની લાઈન માં કાઢો એટલે મોઢા માં થી મસ્ત મસ્ત ગાળો તો નીકળે, નીકળે ,અને નીકળે જ ….
કાલે એક મિત્ર અને રીડર નો પરદેશ થી ફોન આવ્યો ,વાત નો ટોપિક આ પ્રવાસી ભારતીય દિવસ અને વાઈબ્રન્ટ ગુજરાત જ હતો … બહુ ચોખ્ખી ભાષામાં એણે કીધું મને … જો ભાઈ શૈશવ આજ થી વીસ વર્ષ પેહલા હું લાલ બસ માં શાહપુર દરવાજા ઉતરતો અને ત્યાંથી શંકર ભુવન થઇ ચાલતો ચાલતો વેહલી સવાર ના નદી કિનારે વસતા લોકો એ કરેલા સંડાસ ની વચ્ચે થી રસ્તો કાઢતો હું ભવન્સ કોલેજ આવતો હતો ..આવા સંજોગો માં આપડે ભણ્યા , ત્યાર પછી મેં બે વર્ષ હિન્દુસ્તાનમાં (ગાળ ) ઝુડાવી ,ત્યારે મને કે મારી ટેલેન્ટ ને તમે ના ઓળખી ,છેવટે મેં તો ભારે હૈયે દેશ ,માં બાપ ,ઘરબાર બધું છોડયું , કેટલી વાર રડ્યો પરદેશ માં એકલો એકલો , અને આજે બીજા દેશ માં મારું નામ છે પૈસા છે , મારી ટેલેન્ટ ને એક ઓળખાણ મળી છે , ત્યારે તમે મને ઉચકી ને સીધો રતન તાતા ની બાજુ માં બેસાડી દો છો ..!!! વાહ વાહ …. હું તો એનો એજ છું મારા માં કોઈ ફર્ક નથી ,
બે વર્ષ પેહલા ના વાઈબ્રન્ટ ગુજરાત માં આ મિત્ર ને રતન તાતા ની બાજુ ની જ ખુરશી માં બેસાડવા માં આવ્યો હતો ….
શૈશવ તારી સાથે કીટલી ની ચા ત્યારે પણ પીતો અને આજે પણ પીશ , મને રતન તાતા કે તારા માં કોઈ ફરક નથી લાગતો …. અમે બહાર ગયેલા ગુજરાતી ને અહી પાછા બોલાવવા ના આવા ભવાડા કરવા ને બદલે તમારે ત્યાં જ મારા જેવા કરોડો છોકરા ,છોકરીયો છે એને ઓળખો એમની ટેલેન્ટ ને ઓળખો અને એમને પુરતી તક આપો … અમારી તમને જરૂર જ નહિ પડે …!! અમારા થી કૈક ખાંટુ અને હોશિયાર લોકો હિન્દુસ્તાનમાં ભરેલા પડ્યા છે … એમને તક આપો અને એમને ઓળખો ….
જેમ મારી ટેલેન્ટ ને આ પારકા દેશે ઓળખી અને તક આપી અને હું બહાર આવ્યો એમ તમે તમારા દેશ ના માણસો ને ઓળખો અને તક આપો …..આ બધા પ્રવાસી ભારતીય દિવસ ફીવસ ના ખોટા ભવાડા બંધ કરો … અને એ રૂપિયા કઈ પ્રોડક્ટીવ કામે લગાડો … મોદી સાહેબ નું તો અમે ભવ્ય સ્વાગત પણ કરશું અને વિદાય પણ કરશું , પણ અમે કઈ તમારા ગામડા દત્તક લેવાની કડાકૂટ માં નથી પડવાના ,બહુ બહુ તો રૂપિયા આપી ને છુટ્ટા …
કેવી ચોખ્ખી ચણાક વાત કરી …!!! પ્રવાસી ભારતીય ભારતમાં પ્રવાસ માં જ આવે , અહિયાં રૂપિયા રોકવા ના આવે ….એન આર આઈ લોકોએ રૂપિયા જયારે જયારે ઇન્ડિયા માં રોક્યા છે ત્યારે ત્યારે તમે ડોલર ની સામે રૂપિયો તોડી નાખ્યો , એટલે ઇન્ડિયા માં કરેલી બધી કમાણી કરન્સી ફ્લક્ચુએશન માં પૂરી થઇ ગઈ અને મિયા ઠેર ના ઠેર રહ્યા , ઉપર થી ટીડીએસ અને ઇન્કમટેક્ષ લગાડ્યા બાકી શું બચ્યું ..? ધોતી ફાડી ને રૂમાલ જ વધ્યા ….
તદ્દન સાચી વાત છે આ ઘર ઘર ની કહાની છે ગુજરાતના ,ત્યાંથી આવેલા આપણા ભાઈ કે બંધુઓ અહિયાં જે ડોલર નાખી ને જાય છે એ બધા માં કેટલા લોકો આટલા વર્ષો પછી પાછા એ રૂપિયા ના ડોલર કરી ને પાછા અમેરિકા કે કેનેડા કે ઓસ્ટ્રેલીયા લઇ ગયા ..? બહુ જ રેર જોવા મળે બાકી તો બિચારા ભૂલી જ જાય છે … એક પ્રાઈવેટ બેન્કે મારા એક કઝીન નું ખાતું એનઆરઆઈ મેન્ટેઇન કરવા ના દસ વર્ષ ના વીસ હજાર રૂપિયા લેણા કાઢ્યા છે …હવે એ અહિયાં આવા ખોટા રૂપિયા બગાડવા એ શું કામ આવે ..? મેં એને ફોન પર વાત કરી એટલે એણે કીધું એના કરતા તો શૈશવ તને મેં રૂપિયા વાપરવા આપ્યા હોત તો સારું હોત .. કમ સે કમ મને એટલો તો સંતોષ થાત કે મારા ભાઈએ રૂપિયા વાપર્યા … આ તો ગાય નો દોહી ને અમે કુતરી ને દૂધ પીવડાવ્યું …
નરી છેતરામણી ચાલે છે આ વાઈબ્રન્ટ અને પ્રવાસી ના નામે …. કેટલા એમઓયુ થયા પછી ડોલર ના ઇન્વેસ્ટમેન્ટ થયા ..? ટકાવારી માં જોશો તો ડબલ ફિગર માં પણ આંકડો જતો નથી …ખાલી છાપા ના હેડીંગ બને છે અને વિસરાઈ જાય છે …
વાંક આપડો પણ છે ,વૈચારિક મિત્ર હરેનભાઈ શાહ ના શબ્દો માં કહું ને તો આ આખે આખો દેશ એવી રાહ માં બેઠો છે કે કોઈ આવશે અને મને જ્યાં જવું છે ત્યાં લઇ જશે … બસ પોતાને ક્યાં જવું છે એની પણ ખબર નથી , પણ ક્યાંક જવું છે અને કોઈક મને લઇ જશે ….
કઈ યાદ આવ્યું તમને ..??? આવું આખો દેશ કેમ વિચારે છે …? મને આવ્યું … ભગવદ્ ગીતા … યદા …યદા …હી ..ધર્મસ્ય … ભવતિ …ભારત …. બસ … કોઈ આવે અને મને લઇ જાય બસ ….. એ કૃષ્ણ કે નરેન્દ્ર મોદી પણ મને ક્યાંક લઇ જાય …..
પ્રવાસી ભારતીય દિવસ પણ કૈક આવી ગંદી અને ઠગારી આશા માં થાય છે કે જેમ મોહનદાસ ગાંધી ભારત પાછા આવ્યા અને અમને આઝાદી અપાવી એમ બીજો કોઈ મોહનદાસ કરમચંદ ગાંધી પાછો આવે અને અમને ક્યાંક લઇ જાય .. ક્યાં લઇ જાય એની વાત કાલે કરશું …..
આપનો બાકી નો દિવસ શુભ રહે તે આશા …
-શૈશવ વોરા