ફરતો ફરતો આ મેસેજ વોટ્સ એપ અને ફેસબુક પર આવ્યો શહીદ ભગતસિંગ નું ડેથ સર્ટીફીકેટ…..
એક વિચિત્ર ફીલિંગ આવી મન માં ..!!! કોઈ સ્વજન નું ડેથ સર્ટીફીકેટ જોતા હોઈએ ને એવું લાગ્યું… ખાલી ખાલી ફોરવર્ડ કરવાનું મન ના થયું ..તમને ક્યારે આવું થાય … આમ જોવા જઈએ તો સાલ છેક ૧૯૩૧ ની , અને ભગતસિંગ જોડે તો સ્નાન સુતક નો પણ દુર દુર સુધી નો સબંધ નહિ, નરેન્દ્ર મોદી સાહેબ ની જેમ જ્યાં ને ત્યાં સબંધ જોડવાની કોશિશ કરું ને તો પણ ના જોડી શકું શહીદ ભગતસિંગ જોડે કોઈ સબંધ…. છતાં પણ એક સ્વજન જેવી ફીલિંગ કેમ આવે ..?? ક્યાંક એમની ચિતા ના ફોટા પણ જોયા અને એક ક્ષણ અટકી જવાયું …..!!!! દેશ માં ઘણા બધા લોકો એ પોતપોતાની રીતે અંજલી આપી… અને બહુ બધા નફફટ લોકો એ નોધ સુધ્ધા ના લીધી , અને એકદમ હરામીઓ એ એને વટલાવવા ની કોશિશ કરી …દા.ત . રાજકારણીઓ …
થોડા દિવસ પેહલા મારી ગાડી ની આગળ કચ્છ ભુજ થી આવતા હાઈવે પર બીએસએફ ની બટાલિયન જતી હતી ,કોઈ જવાન પાસે સીટ નોહતી ,બહુ બધો સામાન આર્મી ની એ ટ્રકમાં ખચાખચ ભરેલો હતો , અને એ સામાન પર બધા જવાનો આડાઅવળા ગોઠવાયેલા હતા , મારી ગાડી થોડી ટ્રક ની નજીક ગઈ અને એક જવાન જોડે આંખ થી આંખ મળી ગઈ , સેહજ હલકું મારાથી એને સ્માઈલ અપાઈ ગયું ,તરત જ ખુલ્લા દિલે એ જવાન મારી સામે હસ્યો અને મને હાથ વેવ કર્યો મેં પણ હાથ હલાવ્યો સામે , અને એનું અભિવાદન કર્યું ….મારો ડ્રાઈવર ઓવર ટેક કરતો અટકી ગયો … સાહેબ કોઈ ઓળખીતા છે ..? ઉભી રાખું ગાડી ..? મેં કીધું ના એમ જ હાથ કર્યો છે …
કેવા પોતાના લાગે એ લોકો આપણને ..?? અને આ જ વસ્તુ પોલીસવાળા માટે લાગે ..?? ના ના જ લાગે .. સીધો ઠોલો શબ્દ જ મોઢામાં આવે …પોલીસ એટલે ભ્રષ્ટાચારી , અને નકામા , ચોર , જેટલી ગાળો આવડતી હોય એ બધી જ પોલીસ વાળા ને જોઈ ને નીકળે …કેમ આવું થાય છે ..? હિન્દી ફિલ્મો નો ઘણો એમાં ફાળો પણ એની સાથે પોલીસ નો પોતાનો પણ વાંક ખરો … રાજકારણીઓ ના હાથા બની અને આખે આખું પોલીસ ડીપાર્ટમેન્ટ ભ્રષ્ટાચાર માં ગળાડૂબ થયું … ટ્રાફિક પોલીસ સૌથી વધુ જવાબદાર , પોલીસ એટલે તોડબાજ એક જ ઈમ્પ્રેશન, બીજો વાંક ઢીલાઢાલા ન્યાયતંત્ર નો , પોલીસ બિચારી મેહનત કરી ને કોઈ કેસ સોલ્વ કરે અને પેલા માનનીય જજ સાહેબ એમને જામીન આપે … જોકે એમાં ઉંદર બિલાડા નો સબંધ છે પોલીસ અને ન્યાયતંત્ર નો ,પોલીસ કાયદો હાથ માં લઇ ને એન્કાઉન્ટર કરે તો પણ પોલીસ બદનામ અને છુટા ફરતા રાખે તુલસી પ્રજાપતિ ને તો પણ બદનામ …આગળ કુવો અને પાછળ ખાઈ જ છે પોલીસવાળા માટે …
બહુ વર્ષો પેહલા એક મિત્ર પોલીસ માં લાગ્યો નોકરીએ , મને કહે દોસ્ત સારી છોકરીઓ પોલીસવાળા ને પરણવા ની ચોખ્ખી ના પાડે છે …લગભગ પોલીસ ની નોકરી માં કોઈ ચાર્મ જ નથી રહ્યો…..થોડી દયા આ રાજકારણીઓ પોલીસવાળા ની ખાય અને પોલીસ પોતે પણ સમજી ને તોડ પાણી ઓછા કરે તો હજી કઈ બહુ બગડ્યું નથી ….
એક કિસ્સો યાદ આવે છે , સાલ ૧૯૮૫ અનામત ના તોફાનો ભંડેરી પોળ ,ચારે બાજુ તોફાનો એક મોટું ટોળું આખી પોળ ને પતાવવા તૈયાર …અને એક જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર નામે એમ ટી રાણા સામી છાતીએ ટોળા ની સામે બહાદુરી થી લડ્યો અને છાતી પર ગોળી ખાધી , શહીદ થયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ ટી રાણા …પણ આખે આખી પોળ ને જીવત દાન મળ્યું … વર્ષો ના વહાણા વાયા સ્વર્ગસ્થ પોલીસ ઇન્સ્પેકટર રાણા ની દીકરી ના લગ્ન લેવાયા , અને પોળમાં ઘેર ઘેર ઢોલ નગારા ને શરણાઈ વાગી આખે આખી પોળ જેવી જેની ત્રેવડ , મામેરું લઇ ને નીકળ્યું…બસો ત્રણસો માણસ તો સેહજે … એક પોલીસ ઇન્સ્પેકટર ની શહીદી નું ઋણ ફેડવા …!!!!
દોસ્તો આ છે મારું અમદાવાદ …!!!! અને ગુજરાત …!!! અને એની હુ છું પ્રજા …
માટે જ મને ભગતસિંગ નું ડેથ સર્ટીફીકેટ મારા મોટાભાઈ નું હોય એવું લાગે છે , અને એની ચિતા નો ફોટો દુઃખી કરી જાય છે મને ….ગરમી માં તપતો જવાન બસ મારી એક હલકી સ્માઈલ થી મરી પડે છે….અને એક પોલીસ ઇન્સ્પેકટર જીવ આપી ને કેટલા જીવ બચાવી લે છે….
માં અંબા ભવાની સૌને શક્તિ અર્પે ….
શુભ રાત્રી
શૈશવ વોરા