Page 11
આટલું બોલી અને ઇન્સ્પેક્ટર પુરોહિતે શુભમ ને પોલીસની પીસીઆર વાનમાં ધકેલી દીધો તરત જ બીજા કોન્સ્ટેબલે શુભમ ના મોઢામાં દારૂ પીધો છે કે નહિ એ ચેક કરવા પ્રોબ મુક્યું પણ રીપોર્ટ નેગેટીવ બતાડ્યો એટલે કોન્સ્ટેબલે બુમ મારી સાહેબ આ તો સાદામાં છે ..
પુરોહિત સાહેબે ..કીધું લઇ તો લો..
પુરોહિત સાહેબ આગળ બેઠા અને એમણે વાન મારી મૂકી ..
શુભમ ને ગાયકવાડ હવેલીમાં લઇ જવાયો અને સિધ્ધો લોક અપમાં ઘાલી દીધો..
પુરોહિત સાહેબ કન્ટ્રોલ રૂમ સાથે વળગ્યા..
એક ને પકડ્યો છે ,પણ કઈ બહુ લાગતું નથી સીસી ટીવી ના ફૂટેજ શું બોલે છે ચાવડા ..?
ચાવડા અમદાવાદ પોલીસના નવા બનેલા કન્ટ્રોલ રૂમ ના ઇન્ચાર્જ હતા અને એ કંટ્રોલ રૂમમાંથી અમદાવાદ આખામાં લાગેલા છસ્સો સીસી ટીવી ના કેમેરા મોનીટર થતા હતા, સામેથી છેડેથી ચાવડા નો જવાબ આવ્યો પુરોહિત સાહેબ સીસી ટીવી ના ફૂટેજ મળ્યા છે , મીની કુપર ગાડી છે અને સાઈડની સીટમાં એક છોકરી છે અને એક નાનો બાળક ચલાવતો હતો ગાડી ને અને પછી પીરાણા આગળ એ ટેણીયો ઉતરી ગયો અને રીક્ષામાં બેસી ગયો છે અને પેલી છોકરી રીવર ફ્રન્ટે ગાડી લઈને નીકળી ગઈ હતી પણ એ છોકરી રીવર ફ્રન્ટે દસેક મિનીટ ગાડી ચાલુ રાખી ને ઉભી રહી હતી અને બીજા છોકરા ને લઈને ગાડી ભગાવી ગઈ છે એવું સીસી ટીવીમાં લાગે છે..
પુરોહિત સાહેબ બોલ્યા એનો મતલબ અમે ઉઠાવી લાવ્યા છે એ છોકરો કોઈ કામ નો નથી..
ચાવડા એ કીધું થોડો ખંખેરો જો કઈ કામ નું બોલે તો..
પુરોહિત સાહેબે પૂછ્યું ગાડીનો નંબર ઉપર થી ગાડી કોની છે ?
ચાવડા બોલ્યો ગાડી તો સાહેબ બહુ મોટા માણસની છે નામ નથી લેતો પણ ગાંધીનગર તો છોડો દિલ્લી સુધી એના છેડા છે બહુ હાઈ પ્રોફાઈલ કેસ થવાનો છે એટલે જે કરવાનું છે એ જલ્દી કરજો..કેટલા ને કચડ્યા છે ? પુરોહિત સાહેબ બોલ્યા આઠ ને તો ઘટના સ્થળ પર જ પુરા કરી નાખ્યા છે ચાર જીવે છે બે બચશે અને બે નહિ બચે..
ચાવડા બોલ્યો મીડિયા અહિયાં કંટ્રોલ રૂમની બાહર હાજર છે..
પુરોહિત સાહેબ બોલ્યા અહિયાં હવેલીએ પણ એક પછી એક મીડિયા વાળા આવતા જાય છે ..ચાલો હું પેલા નમુના ને થોડો સરખો કરું..હજી પુરોહિત સાહેબ ફોન મુકવા જતા હતા ત્યાં જ ચાવડા બોલ્યા ..સાહેબ એક મિનીટ સાહેબ એક મિનીટ..
એ જ ગાડી અને છોકરી માણેક બુરજ પાસે અત્યારે ફરી આવી છે જોડે એક છોકરો સીસી ટીવી માં દેખાડે છે અને એણે કોઈક ની લાશ ખભે નાખી હોય એવું લાગે છે.. તમે પોહચો હું કુમક મોકલું છું અહીંથી..
પુરોહિત સાહેબે રાડ પાડી જલ્દી પીસીઆર કાઢો પેલી ગાડી અને છોકરી માણેક બુરજે આવ્યા છે , લોકઅપમાં રહેલા શુભમે બુમ સાંભળી અને એ ચિલ્લાયો સાહેબ મને લઇ જાવ એ મારો દીપ છે અને છોકરી મીશા હું ઓળખું છું બંને ..સાહેબ પ્લીઝ ..
– શૈશવ વોરા
Previous Page | Next Page