Page 18
શુભમ બોલ્યો હવે મારે જિંદગીમાં કલીપો ઉતારવાનું જ બાકી રહ્યું છે ..મે`લ બધું અને મંદિર હેન્ડ મારે બીજે ક્યાંક નથી જવું..!! શુભમે ના પાડી પીજી વાળી ને ત્યાં જવાની એટલે દીપ બોલ્યો હવે બાર વાગવામાં થોડીક જ વાર છે પેલો પુરોહિત આવ્યો જ સમજ..એ ખીલ્લા લેવા આવશે જ તું જો જે..અને દીપ નો વિશ્વાસ એકદમ સાચો પડ્યો ઇન્સ્પેકટર પુરોહિત બાર વાગે મધરાતે એકલો ડોકાબારી આવ્યો અને એક રેશમના લીલા કપડામાં ચાર ખીલ્લા ભરવા ગયો , એણે એ રેશમના કપડામાં રેતીમાંથી ઉપાડીને ચાર ખીલ્લા ભર્યા પણ ખરા ,રેશમ ના કપડા ને ગાંઠ મારી… પણ અચાનક અડધી રાત્રે એક વાંદરું ત્યાં ઉગેલા મોટ્ટા સરગવાના ઝાડ પરથી કૂદ્યું ને સરગવાનું ખુબ મોટ્ટું ડાળું તૂટી પડ્યું ..
હજી ઇન્સ્પેક્ટર પુરોહિત એ ખીલ્લા ને પોતાના ખિસ્સામાં મુકે એ પેહલા જ એ મોટ્ટું ડાળું એના માથા ઉપર પડ્યું અને એનું માથું રીતસર ફાટી ગયું એના ત્યાં ને ત્યાં જ રામ રમી ગયા..અને એ જ સમયે એક ચીબરી ચી ચીયારી કરતી ઉડી અને રીવરફ્રન્ટ ઉપર ઉડી ગઈ…!!!
શુભમ અને દીપ બંને આ ઘટના જોઈ ને સખ્ખત હેબતાઈ ગયા , પણ દીપ તરત જ પુરોહિતના ફાટેલા માથાવાળા નિશ્ચેતન શરીર પાસે દોડી ને પોહચી ગયો એણે તાત્કાલિક પેલા ખીલ્લાવાળી પોટલી લઇ લીધી ને પોટલી ખોલી અને એ ખીલ્લા બહાર કાઢી અને જ્યાં પેહલા જડેલા હતા ત્યાં જ પત્થર વડે જડી દીધા અને તરત જ ડોકાબારીએથી ભાગી ને શુભમ પાસે આવ્યો અને બોલ્યો ચલ બાઈક ભગાવ..ચારેબાજુ ફટકડા જ ફૂટી રહ્યા હતા..!!
શુભમે એની બાઈક ભગાવી એલીસબ્રીજ ક્રોસ કરી અને ફ્લાયઓવર ઉતરી બંને જણા મારતી બાઈકે લોગાર્ડનના પાછળના ભાગે આવ્યા ત્યાંથી સામે જ આવેલા સમર્થેશ્વર મહાદેવના પ્રાંગણમાં બાઈક પાર્ક કરી અને બંને મંદિરના બાંકડે બેસી ગયા..
શુભમ સખ્ખત હેબતાઈ ગયો હતો , સીજી રોડ ઉઓઅર પણ ચારેબાજુ ગજ્જબ દિવાળીના ફટકડા ગાજી રહ્યા હતા..
દીપ સંપૂર્ણપણે હોશ હવાસમાં હતો ,એ બોલ્યો શુભલા ડર નહિ મને પેલા વણઝારા કાકા એ કીધું હતું કે ક્યારેય જો આ ખીલ્લા નીકળેલા જોવે ને તો અમાસની રાત્રે પાછા લગાડી દેજે ,ભગવાન તારું રક્ષણ કરશે અને જો ખીલ્લા નીકળી જશે તો એક વર્ષ સુધી દર અમાસે એક જણ નો ભોગ લેવાશે , હું એટલે જ તને લઈને ત્યાં આવ્યો હતો ..ચલ હવે બધું ભૂલી જ કઈ નહિ થાય ..એ એના મોતે મર્યો છે ,એની લાલચે મર્યો ..!!
શુભમ ગભરાતા ગભરાતા થોડોક થોથવાઈને બોલ્યો પણ તું દીપચંદ અને હું શુભચંદ ..?
દીપ બોલ્યો હરગીઝ નહિ ,એ ખાલી ને ખાલી પેલા કાકાની વાર્તા અને ફરી કહું છું પુરોહિત એના નસીબે મર્યો ભૂલી જા , ચલ હવે આપણે તો પઢેગા ઇન્ડિયા તો બઢેગા કેનેડા.. આપણે કેનેડા જવાનું છે શુભલા … ભગવાન નું નામ લે ચલ અંદર મંદિરમાં..!
મહાદેવના મંદિરમાં અંદર જઈને દીપે સંપૂણ હોશોહવાશ માં એના ઘેરા અવાજમાં મોટેથી બોલવાનું ચાલુ કર્યું…
– શૈશવ વોરા
Previous Page | Next Page