Page 4
દીપ હંમેશા એ ડોકાબારી ની વચ્ચોવચ જઈને બેસી જતો , અને ડોકાબારીની લાકડાની બારસાખે લાગેલા ચાર મોટ્ટા ખીલ્લા બે જમણે-ડાબે એક એક અને બે નીચે પગ પાસે લાગેલા હતા એની ઉપર હાથ ઘસતો કે ત્યાં બેઠો રેહતો ..અને શુભમ નાનો હતો ત્યારે પેહલા નદી ની માટી જોડે રમતો અને રીવરફ્રન્ટ બન્યા પછી જુવાની ચડી ગઈ હતી એટલે સિગારેટ ફૂંકતો ફૂંકતો સાબરમતીના થંભી ગયેલા પાણી ને અને એમાં પડતા લાઈટ ના શેરડા જોયા કરતો..!! પણ શુભમ ડોકાબારી સુધી ક્યારેય જતો નહિ ..!!શુભમે અનેકો અનેક વાર પૂછ્યું દીપ તને અહિયાં શું મજા આવે છે બેસી રેહવાની ? પણ દીપ હમેશા એમ જ કહે મને ગમે છે બસ..!!
આજે તો રાતના સાડા બાર થઇ ચુક્યા હતા નવરાત્રી પૂરી થઇ હતી અને શરદ પૂનમ આવવા ની હજી બાકી હતી એટલે રીવરફ્રન્ટ ની લાઈટો અને જોડે ચન્દ્રમા નું અજવાળું સાબરમતી ને નીખારી રહ્યું હતું , અદ્ભુત લગતી હતી સાબરમતી .. રીવર ફ્રન્ટ ઉપર મોટેભાગે તો રાતના બે ત્રણ વાગ્યા સુધી પબલિક રખડતી હોય છે પણ નવરાત્રી હજી હમણાં જ પૂરી થઇ હતી એટલે અમદાવાદીઓ વેહલા ઘરભેગા થઇ અને નવરાત્રી નો થાક ઉતારી રહ્યા હતા એટલે રીવરફ્રન્ટ ઉપર લગભગ સન્નાટો પ્રસરેલો હતો .. પાંચ સાત મીનીટે એકલ દોકલ બાઈક કે ગાડી ની અવરજવર માંડ થતી હતી…
શુભમે એક સિગારેટ પૂરી કરી નાખી હતી અને દીપ એના રૂટીન પ્રમાણે કોટની ડોકાબારીએ જઈને બેસી અને અરિજિત ના ગીતો ગણગણતો હતો..!! અને ડોકાબારીમાં જડેલા એ ચાર ખીલ્લા ઉપર હળવે હળવે હાથ ફેરવતો હતો અને બહુ નાનપણમાં પેલા બકરીઓ ચારતા વણઝારા એ કીધેલી વાત ને યાદ કરી અને મનમાં મમળાવતો હતો..!!
લગભગ અડધા એક કલાક જેવો સમય વીત્યો એટલે શુભમ નદીનો નજરો જોવાનો છોડી અને ડોકાબારી તરફ ફર્યો હતો એનથી ડોકાબારી ખાસ્સી એવી ત્રણસો ચારસો મીટર દુર હતી એટલે હજી એ દીપ ના નામની બુમ પાડી અને એ મોઢામાંથી ગાળ કાઢવા જતો હતો .. ત્યાં એવામાં અચાનક એક જબરજસ્ત ફુલ્લ સ્પીડમાં નાનકડી ગાડી પીરાણા તરફ આવી અને શુભમ ને ફૂટપાથ ઉપર ઉભેલો જોઈ ને ભયાનક રીતે બ્રેક મારીને ઉભી રહી ગઈ ..ચી ચી ઈઇ.. કરતી એ બીએમડબ્લ્યુ મીની કુપર ગાડી આવીને ઉભી રહી ગઈ..
બીએમડબ્લ્યુ ની નાજુક નમણી મીની કુપર ને જોઈ એટલે શુભમ સમજી ગયો કે આ તો દીપ વાળી પેલી મીશા ની ગાડી ..
પણ એને સખ્ખત આશ્ચર્ય થયું કે મીશાની ગાડી એને જોઈ ને ઉભી કેમ રહી..? અને એ પણ અત્યારે અડધી રાત્રે ? મીશાની ગાડી અહિયાં રીવરફ્રન્ટ એ માણેક બુરજે અડધી રાતે કરે છે શું ?
આવા ઘણા બધા સવાલો શુભમ ને એક સાથે એના મનમાં ઘેરી વળ્યા.. શુભમ ને એટલી તો પાક્કી ખબર હતી કે મીશા એને ડામીસ જ સમજે છે , અને જે એ હતો પણ ખરો ને એનો એને અફસોસ નહિ પણ ગર્વ હતો, તો પછી મીશા ઉભી કેમ ની રહી ?
બીજી કોઈ છોકરી હોત તો શુભમ આવી રીતે ઉભે રહેલી ગાડીનું બારણું ખોલી ને સિધ્ધો અંદર બેસી જ ગયો હોત, અને એક ચાન્સ ચોક્કસ મારી લીધો હોત પણ બીજી કોઈ નહિ આ તો મીશા હતી, એટલે શુભમે એવી હિમ્મતના કરી …શુભમ ના વ્હાલા દોસ્ત દીપ ની મનથી પોતાની માનેલી મીશા હતી..!!
– શૈશવ વોરા
Previous Page | Next Page