આ નહિ હોય મારું શું થશે ..? મારા થી કેવી રીતે આગળ જવાશે ..? કેવી રીતે એકલું જીવશે ..?કોણ તો બધું કરશે ..? હું બધું કેમનું પાર પાડીશ ..? બહુ જ લગભગ ટીનએજ થી આવા પ્રશ્નો સતાવા ના ચાલુ કરે છે… કોઈ ભાઈબંધ કે બેહનપણી ની માયા થાય.. પછી કોઈ ની જોડે આંખ લડી જાય અને ચાન્સ મળે તો સ્ટેડી જાય થોડા વર્ષો અને એના માટે છોકરા કે છોકરી જોવાય , થોડા આગળ જાય એટલે જીવનસાથી ,બાળકો ,માં બાપ ,ભાઈ કે બેહન ,નોકરી માં સારો કલીગ મિત્ર ,કે સારો બોસ જે બે ત્રણ નોકરી માં જ્યાં જાય ત્યાં જોડે લઇ જાય અને નવી નોકરી પોતે પણ શોધતો હોય અને તમને પણ લઇ જાય , કે ધંધા માં ભાગીદાર …આ બધામાંથી કોઈ એક નહિ હોય તો શું થશે ..?
અમુક લોકો ખાલી આવી કલ્પના થી પણ ગભરાતા હોય છે, અથવા જે થયું નથી એવા સવાલો ઉભા કરે અને ભરાયા કરે,અને સવાલ ની ઉપર સવાલ બનાવ્યા કરે જાતે જ આવા સવાલો નો ચક્રવ્યૂહ ઉભો કરે, અને પછી મોટા ભાગ ના લોકો આવા સવાલો માં અટવાઈ અને જિંદગી ના ખોટા ડીસીશન લેતા હોય છે…અથવા એ જબરજસ્ત પ્રેશર માં એ પ્રાણી ને વશ માં થઇ ને બસ એની પાછળ ઘોડાના ડાબલા પેહરી દોડે , પ્રેમ માં પડેલું પ્રાણી એમજ વિચારતું હોય બસ આ ભાઈ કે બાઈ વિના મારી દુનિયા માં કઈ છે જ નહિ , પણ એ પ્રાણી તારી જોડે રેહવા જ નથી માંગતું તો …અથવા સંજોગો એવા છે કે પ્રાણી ને દુર થવું જ પડે તો …તો તો મારી તો દુનિયા લુટાઈ જશે બસ મારા જીવન માં બાકી શું રહે …
મોટેભાગે દરેક માણસ જીવન માં એકાદ આવું લાકડું ઝાલી જ લેતો હોય છે અને કિસ્મતની કમ્બખતી એ છે કે આ લાકડા જ તમારા પગબંધણા થઇ જાય છે ..દુનિયા નો ના જોયેલો બીજો ભાગ એ પગે બાંધેલા વજનદાર લાકડા ને જોડે લઇ ને ફરવામાં આપણાથી જોવાતા નથી …એ લાકડું તમને ઊંચકી અને પાડે , પાછા પછાડે છે …
એટલે ક્યારેક કોઈક એક લાઈન દોરીએ તો સારું રહે લાકડા ટાટીયે બાંધવા એના કરતા થોડા નાના પણ જીવતા છોડ મોટા કરવા અને જેવા એ લાકડા માં કન્વર્ટ થતા દેખાય એમને એમના વેહણ માં તરતા મૂકી દેવા … નહિ તો એ ખેંચી જશે, અને નહિ તારે નહિ ડુબાડે ….
અને બીજી એક કલ્પના કોઈ માણસ જીવનભર ક્યારેય નથી કરતો … પોતાની ગેરહાજરી ની અને પોતાના વિનાની દુનિયાની….અને જયારે કરે ત્યારે એવી રીતે કરે કે કાલે નહિ આજે જ ગુજરી જવાનો છે…
મને પણ આવું જ કઈ હતું મેં મારી જાત વિના ની દુનિયા ની કલ્પના ક્યારેય નોહતી કરી ,એક દિવસ મને એક એમએલએમ (મલ્ટી લેવલ માર્કેટિંગ ) ની મીટીંગ માં પરાણે ઢસડીને લઇ જવા માં આવ્યો…ત્યાં એક ભાઈ એ ચાલુ કર્યું …સપોઝ તમે મરી ગયા છો … એવું વિચારો … મારી છટકી ટોપા તુ મરને હું શું કામ મરું ,પણ સમસમી ને બેઠો રહ્યો …પછી ભાઈ તો આગળ વધ્યા તમે ખરેખર હવે એમ વિચારો કે તમે મરી ગયા છો તો ..તમારા પત્ની બાળકો તમારા વિના અત્યારે જેમ જીવે છે તેમ જીવી શકશે ? તમારા વિના ની એમની દુનિયા નો ખરો અનુભવ કરવો હોય તો આજે રાત્રે બે વાગ્યા નો એલાર્મ મૂકી અને ઉઠજો અને એમને સુતેલા જોજો અને વિચારજો કે તમારા વિના શું આટલી શાંતિ થી એ લોકો સુઈ શકશે..??
મારા બેટા ટોપાએ સીન ક્રિયેટ કરી નાખ્યો હું ભડક્યો આ તો વાત માં દમ છે …એટલે આપડી તો ખોપરી અને પ્રોસેસર ચાલ્યું …..
હું જયારે જયારે અટવાવું ત્યારે પેહલા જ ભગવદ્ ગીતા ખોલવી , તો ભગવદ્ ગીતા ને મગજ માં ઉપાડી પાના ફેરવ્યા.. જે તારી સાથે થયું છે એ દુનિયા માં કોઈની સાથે તો ચોક્કસ થયું હશે તો ,તેણે તે સંજોગો માં શું કર્યું હતું તે જો , અને તને યોગ્ય લાગે તો તુ તેવું કર ……..
એટલે આપણે મગજ માં વિચાર્યું કે કોઈ યુવાની માં વિધવા થયેલી સ્ત્રી નું આપણા સમાજ માં શું થાય ..? તો ભાઈ એને વર્ષ માં બીજા લગન કરી અને ફરી સંસાર વસાવી આપે છે સમાજ….અને હા માણસ ગયા નું દુખ હોય પણ તોય દુઃખ નું ઓસડ દા `ડા …….
હવે વારો હતો એ ટોપાનો આપડે તો પછી ઉભા થયા બોલવા માટે હોલમાં ચાલીસ પચાસ જણા હતા .. પેલા ભાઈ તો બધા ને નક્કી જ કરાવતા હતા કે તમારા વિના તમારા બૈરી છોકરા ને અનાથ આશ્રમ કે નારી સંરક્ષણ ગૃહ સાચવશે ……
મેં કીધું ટોપા ભાઈ તમે આવા કેટલા કેસ જોયા જેમાં ઘર નો મેઈન પુરુષ મરી જાય તો બૈરી છોકરા રાત ની રાત જાગતા પડ્યા રહે .. ? ટોપો અટવાયો ગુગલી થી …એમ નહી ભાઈ બધા ઉંધી તો જાય જ પણ રડતા રડતા ઊંઘે ..મેં કીધું એ તો કોઈ દારૂ પી ને આવ્યો હોય અને બૈરી ને બે ધોલ મારે અને છોકરા ને ચાર મારે તો પણ રડતા રડતા જ ઊંઘે ને ..! બીજો બોલ મેં બાઉન્સર માર્યો ટોપો બઘવાયો , હોલ માં હસાહસ થઇ ગઈ …એટલે ટોપાભાઈ કહે ના ના ભાઈ એવું નથી કેહતો,તમે કહો છો એ એક અસામાન્ય ઘટના છે અને અસામાન્ય વાત છે ,હું એવા કોઈ માણસો ની વાત જ નથી કરતો ….એટલે મેં કીધું તો ટોપા ભાઈ તુ જે વાત કરે છે ને એ પણ અસામાન્ય જ છે …અમદાવાદ ના સાહીઠ લાખ માંથી રોજ ૧૨૫ જણા જ મરે છે…કઈ રોજ ભૂકંપ કે કોગળ્યું નથી આવતા કે સ્મશાનો માં લાઈન લાગે …ખોટા બીવાડવો નહિ બોસ … તમારી પ્રોડક્ટ વેચવા અમને ના મારો… બિચારા ટોપાભાઈ એવા અટવાયા કે ના પૂછો ને વાત અને આખો હોલ તાળીઓ થી ગાજી ઉઠયો….
જીવન મૃત્યુ ,કે કોઈ નો સાથ ક્યારે, કેટલો ,કેમ,શા માટે ,ઘણા બધા સવાલો છે ..સદીઓ થી એની ઉપર મહાત્માઓ સંસાર છોડી ને ચિંતન કરતા આવ્યા છે …બધા લગભગ એક જ નિષ્કર્ષ પર આવ્યા છે કે આપણે બધા એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવાયેલી છે એનો એક ભાગ છીએ … હવે એ ચોક્કસ વ્યવસ્થા કોણે ગોઠવી અમે કેમ ગોઠવી અને એમાં હું કોઈ ફેરફાર કરી શકું ..? મારા ભાગે આવું કેમ અને તારા ભાગે સારું કેમ .? આવા બધા સવાલો ઘણા હોય …મને પણ જવાબ નથી મળતા .. પણ કર્મ ને બળવાન ગણી પ્રેક્ટીકલ થઇ અને દિવસો ખૂટશે….
સુખે પણ જીવવું અને દુખે પણ જીવવું તો સુખે ના જીવીએ …. ખીચડી ને સુખ પાવની કહી ને આનદ ના લઇયે……
સવાલો ને એની પાસે જ રાખીએ……
આજે દ્વાદશ અક્ષરી મંત્ર યાદ આવ્યો છે ….
સમય મળ્યે રટી લઈશું તમને પણ ઈચ્છા થાય તો રટજો..
ઓહમ નમો ભાગવતે વાસુદેવાય
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા