કાલે રેલ્વે બજેટ……
૧૮૫૩ માં પેહલી ટ્રેન ભારત માં દોડી મુંબઈ થી થાણે….ત્યાર થી ભક છુક ભક છુક કરતી દોડી રહી છે…બહુ બધા ડેટા પડેલા છે , ૧૮૫૩ થી ૧૯૫૦ ના લગભગ સો વર્ષ ના ગાળા માં લગભગ ૫૩,૦૦૦ કિલોમીટર ના રેલ્વે ના પાટા અંગ્રેજો એ બિછાવ્યા અને ૧૯૫૦ થી આજ સુધી માં લગભગ ૧૨,૦૦૦ કિલોમીટર ના પાટા આપણે બિછાવ્યા…..કેટલી જોરદાર કાર્યદક્ષતા આપણી …!!!
આજે ઝી ન્યુઝ જોતા જોતા આ લખી રહ્યો છું , બહુ પોઝીટીવ રીપોર્ટીંગ છે .. રેલ્વે નો ટોટલ નફો ફક્ત ૬ ટકા છે , એક લાખ ચાલીસ હજાર રૂપિયા ના ટર્નઓવર પછી ખાલી છસ્સો કરોડ બચે છે નફા પેટે…. બોલો કેવો મસ્ત કારભારો….!!! ખાયા પિયા કુછ નહિ અને ગિલાસ ફોડા બાર આના …જેવો ઘાટ છે ને આ રેલ્વે નો વહીવટ ..!!
પાછું એવું પણ છે કે દુનિયા ની સૌથી સસ્તી રેલ્વે ભારતીય રેલ્વે છે …. દસ પૈસે કિલોમીટર…!!! અલ્યા શું જરૂર છે આટલા બધા સસ્તા માં લોકો ને ફેરવવાની …??? પાડોશી નું કુતરું મરી જાય તોય છેક મુંબઈ થી અમદાવાદ આભડવા આવે છે … કે પુના થી મુંબઈ જાય છે જનતા…!!!! કરી નાખો તમતમારે ગુજરાત મેલ નું ભાડું સ્લીપર ક્લાસ નું બે હજાર રૂપિયા …પછી જો કેવા આમથી આમ ભટકે છે લોકો …અને રૂપિયા આપવા નહિ અને સેવા જોઈએ ઇન્ટરનેશનલ …!!!
બોસ હું ચાઈના ની મેગ્લેવ ઉર્ફે બુલેટ ટ્રેન માં બેઠો છું … તોડી ને રૂપિયા લે છે.. બસ્સો ડોલર ઠોકેલા મારી જોડેથી … મજા આવી એ વાત જુદી છે શાંઘાઈ મેગ્લેવ બહુ મજબુત વસ્તુ છે, પુ ડોંગ એરપોર્ટ સુધી જ છે….
બેક ટુ હોમ મોટો ભાર અત્યારે રેલ્વે પર એના કર્મચારીઓ છે … સોળ લાખ કર્મચારી અને એનાથી વધુ રેલ્વે ના ભૂતપૂર્વ કર્મચારી છે ,જેના પેન્શન માં રેલ્વે ની આવક નો મોટો હિસ્સો જાય છે…
આમ જોવા જૈયે તો ભારતીય રેલ્વે દુનિયા ની દુનિયા ની પાંચમી મોટી રેલ્વે છે…રોજ માં અઢી કરોડ લોકો રેલ્વે માં જાય છે આખો ઓસ્ટ્રેલિયા દેશ …
મારા જીવન માં મેં બહુ સફરો રેલ્વે માં કરી છે… લગભગ આખું હિન્દુસ્તાન હું બાળપણ થી ટ્રેન માં ફરું છું….લાંબા માં લાંબી મારી રેલ્વે ની સફર દોઢ મહીનાની હતી ..હા ….જી દોઢ મહિનો હું ટ્રેન માં રહ્યો છું , ટ્રેન માં સુતો અને સ્ટેશન પર નાહ્યો ધોયો છું …સાલ ૧૯૮૨ માં અમદાવાદ થી અમદાવાદ ..આખે આખું દક્ષીણ ભારત અને શ્રીલંકા સહીત , મારી સ્કુલ ટુર હતી એ , ખાલી શ્રીલંકા ની સાત રાત સિવાય ની દરેક એ દરેક રાત એ દોઢ મહિના ની મેં ટ્રેન અથવા પ્લેટફોર્મ પર જ કાઢી છે… સ્ટીમ એન્જીન માં પણ બેસી ને ઘણા કિલોમીટર ફર્યો છું … બહુ જ મજા કરી છે મેં ભારતીય રેલ્વે માં… પપ્પા મમ્મી સાથે પણ હજારો કિલોમીટર મેં ભારતીય રેલ્વે માં મેં સફર કરી છે ….અધધધ રેલ્વે પ્લેટફોર્મ જોયા જાણ્યા છે…એક જમાના માં જેવું એક રાજ્ય બદલાય એટલે પ્લેટફોર્મ પર ની સુગંધ પણ બદલાતી, રીઝર્વ ડબા માં ઘુસી અને મારામારી , ઝઘડા, ટીટી ની દાદાગીરી, ભ્રષ્ટાચાર, આંગડીયા ની સીટ ,કેટલું બધું ..!!!
સુરત રેલ્વે સ્ટેશન પર કર્ણાવતી પકડતા પેહલી વખત મારું ખિસ્સું કપાયું …એક પણ રૂપિયો રહ્યો નહિ મારી પાસે … કકડી ને ભૂખ લાગી હતી …પેહલી વાર ખબર પડી કે ભુખ મારવી કોને કેહવાય… મણીનગર ઉતરી ઘેર આવી ને રીક્ષા ના પૈસા આપ્યા અને રાતના સાડા દસે જમ્યો … એ દિવસ થી પાકીટ આગળ ના ખિસ્સા માં આવી ગયું …
જોઈએ કાલે સુરેશ પ્રભુ શું ઉકાળે છે …!!! પેહલી વાર મારી સમજણ માં જે પક્ષ ની સરકાર છે એનાજ રેલ્વે મંત્રી છે .. બાકી તો છેલ્લા ત્રીસ વર્ષથી બધું યુપી ,બિહાર અને બંગાળ…..
હું જર્મની થી જાપાન ની રેલ્વે યાદ કરું છું … બહુ મોજ કરી છે રેલ્વે માં….આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા