તમે ક્યારેય ગાડી સર્વિસ માં આપી હોય અને પછી સતત બે ત્રણ દિવસ સુધી તમને ફોન આવે છે ..?? કે હું ફલાણા મોટરસ માંથી બોલું છું સાહેબ તમારી ગાડી તમે સર્વિસમાં આપી હતી તે હવે કેવી ચાલે છે ..? અને એ પણ તમારા કામ ના સમયે .. કેવું મગજ જાય ..? મારી સાથે આવું દર વખતે થાય છે , આજે પણ આવો ફોન આવ્યો અને મારું મગજ ગયું એ ફોન કરનારી છોકરી ઉપર .. મેં એને સામું પૂછ્યું…. કેમ બેન તારો સ્ટાફ ઢોર છે ..?? મારી ગાડી ની સર્વિર્સ બરાબર નથી કરતો ..?? કામચોર છે તારો સ્ટાફ …?? એટલે અમને બે દિવસ થી તું પૂછ પૂછ કરે છે ..?? વાત શું છે કે તું મારું આવી રીતે લોહી પીવે છે ..?? તમારી ગાડી કેવી ચાલે છે ..?? એટલે પેલી કહે ના સર આ તો અમારે તમારો ફીડબેક લેવો છે …. બોલો આ ફીડબેક ના નામે તમારું કેટલું લોહી પીવે છે આ વાંદરીઓ ….!!!!! પેહલા તો એ બેહરી બોબડી હોય ને એમ મારું નામ ચાર વાર કન્ફર્મ કરે તમે શૈશવ ભાઈ બોલો છો ને ..??તમે શૈશવ ભાઈ બોલો છો ને ..?? અને પાછી જો એ ફોન કરનારી નોન ગુજરાતી હોય તો મને પાછું કૈક નવું નામ મળે ..સયસવ કે સેસ્વ કે સીસવ …એવા બધા નામે મને બોલાવે … પછી મારે છણકો કરવો પડે કે.. બોન કામ બોલ ને તારે કામ શું છે ..?? મારા નામની મેથી મારવાની છોડ …!!! તારું કામ નહિ મારું નામ લેવાનું …. મારું નામ લેનારી ઘેર બેઠી છે .. હેંડ આગળ વધ અને પછી હાહરી હથોડા મારે …..
એકવાર તો એક બાટા મોટર નો સર્વિસવાળો ગધેડો રીતસર મારી પાછળ પડી ગયો …દર અઠવાડિયે મને ફોન કરે સર તમારી ફલાણા નબર ની ગાડી કેવી ચાલે છે ..?? અને મારે કેહવું પડે ભાઈસાબ બાપા આ નબર અને બીજી છ નબરની ગાડીઓ જેને માટે તું મને ફોન કરે છે એ બધી ગાડીઓ મેં ક્યારની વેચી ખાધી છે ….તારો ડેટા બેઝ અપ ડેટ કર , અને મને છોડ …. બાટા મોટરમાંથી હું જે ગાડી લઉં એ બધી ગાડી લેતી વખતે સીસ્ટમ માં મારો મોબાઈલ નબર નાખે …અને પછી એ નબર અજર અમર થઇ જાય એ ગાડી જોડે ….. અને ગાડી વેચો તોય તમારી મેથી માર્યા કરે …
હવે દોસ્ત તમે મને એમ ના કેહતા કે તું ડીએનડીમાં નથી ..?? અરે છું જ ભાઈ પણ આપણી પ્રજા તો દરેક ના રસ્તા કાઢે …વચ્ચે પેલા રાજપથ ક્લબના ઈલેક્શનમાં અમારા બહુ લોહી પીધા …રોજ ના પચાસ વોટ્સ એપ, વીસ ફોન ,અને ત્રીસ એસએમએસ ….અલ્યા બાપા તમે તમારા ધંધા ધપા સેટ કરીને ગામ પટલાઈ માં લાગ્યા છો અમને તો છોડો …અમે તો ક્લબ માં પણ મહીને બે મહીને માંડ આવીએ છીએ … ….પણ … ચાલ્યું બધું સહન કર્યું …
બીજો કકળાટ પેલા ઇન્સોરંસ વાળા નો છે એમને પોલીસી પકડાવી હોય એટલે ફોન ઠોક ઠોક કરે અને બીઝનેસ લોન વાળી તો બાપરે રોજ સાંજે ચાર થી છ માં ,બેચાર ફોન તો આવે જ આવે …
એક દિવસ એક બેન નો ફોન આવ્યો સર તમારે ગાડી લેવા માટે લોન લેવી છે ..? મને કુબુધ્ધિ સુઝી મેં કીધું કેટલી લોન આપીશ ..? બસ થયું તરત ફોન એની બોસ ને ટ્રાન્સફર કર્યો ..એ એની બોસ એની માં થાય એવી હતી …મને સામે થી કહે સર ઓડિ માં તમને આટલું ડિસ્કાઉન્ટ અને ૧૦૦ % લોન આપીશું , બીએમડબલ્યુ માં આટલું અને મર્સીડીઝ માં આટલું …..મારા તો બાપા હાજા ગગડી ગયા …મારી બેટીએ મને દસ મિનીટ માટે તો બધી ગાડી માં બેસાડી દીધો અને પચાસ લાખ ની લોન માટે તૈયાર કરી નાખ્યો હતો … પણ મહાદેવજી ની અસીમ કૃપાથી એ ફોન ચાલતો હતો અને ત્યાં જ અમારા ધર્મપત્ની નો ફોન કોલ વેઇટિંગ માં દેખાયો અને અમે જમીન પર આવી ગયા .. પણ પછી એ બેન તો પીછો છોડાવતા દમ નીકળી ગયો હતો … મારે એવું કેહવું પડયું કે બેન મારું એક શીપમેન્ટ ડૂબી ગયું અને મને પચાસ લાખ નું નુકસાન ગયું છે …એટલે હવે પાંચ વર્ષ પછી વાત …..
તમે ગમે તેટલા ડીએનડી કરો પણ મોબાઈલ લીધો એટલે બસ ચાલુ તમને ફોન આવવના… હું એક એવા કાકા ને ઓળખું છું જે મોબાઈલ નથી વાપરતા …આમ તો કાકા નથી એમની ઉમર હજી અડતાલીસ વર્ષ ની જ છે , પણ મોબાઈલ નથી જ લીધો એમણે ,અને મોબાઈલ નથી વાપરવો …બસ એવું પ્રણ લીધું છે …મેં પૂછ્યું કેમ મોબાઈલ નથી વાપરવો ..?? તો કહે જો ઓફીસ માં ફોન છે ઘેર ફોન છે …અને રસ્તામાં ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરાવી ગુનો બને છે … બાકી બહાર પિક્ચર જોવા જાઉં તો મારે પિક્ચર જોવું કે મોબાઈલ સાચવવો …?? દુનિયા માં દરેક જણ સાથે આટલા બધા સંપર્ક માં રેહવાની જરૂર જ નથી …. વાત તો મને સાચી લાગી જો જીવન માં નિયમિતતા હોય તો મોબાઈલ બહુ ક્ષુલ્લક થઇ જાય છે ….. છતાં મેં વાતનો છાલ ના મુક્યો મેં કીધું રસ્તામાં તમને એક્સિડન્ટ થાય તો ..?? તો કહે મારો મોબાઈલ પેહલા કોઈ લઇ જશે અને બેટરી કાઢી નાખશે … અને આજુબાજુ વાળા એમના મોબાઈલ થી ૧૦૮ બોલાવશે જ ને …અને ખીસા માં કાર્ડ રાખ્યું છે છેવટે પોલીસ વાળા તો ફોન કરીને ઘેર ખબર આપશે જ ને ….કેવી મસ્ત બેફિકરાઈ ….
પણ જયારે આવા સવા બકવાસ ફોન તમને આવે અને તમારું લોહી પીવે દુનિયા ત્યારે લાગે કે યાર માર ગોળી આ મોબાઈલ ને અને કર મોજ ……
હજી વોટ્સ એપ અને ફેસબુક મેસેજ ની તો હું વાત જ નથી કરતો … આજકાલ એ બે નો ઉપયોગ વધારે પડતો સાચું ખોટું જ્ઞાન આપવામાં અને નાગીપુગી વાતોમાં વધારે થાય છે એમાં વોટ્સ એપ તો ખાસ …ફેસબુક તો થોડું ઠીક છે , કંટ્રોલડ છે … પણ બાપ … વોટ્સ એપ તો ..!!! અમુક ગાંડા તો એવા હોય છે કે એક સામટા દસ દસ મેસેજ ફોરવર્ડ કરે અરે બાપ જપ ને શાંતિલાલ ને ….. પણ ના ઠોકો ..બસ મેસેજ ઠોકવા એટલે ઠોકવા …
હજી બીજા બે ચાર પાના ભરાય એમાં છે આ ટોપિક પર પણ પછી હું પણ આજ કેટેગરી માં આવીશ લોહી પીતા ની …. એટલે અટકું છું ..
શુભ રાત્રી
શૈશવ વોરા