ઘર નું રીનોવેશન કે નવું ઘર….. આર્કિટેક ….?
અત્યારે આપણી આજુબાજુ માં નજર કરીએ ને તો મોટા ફ્લેટો કે સોસાયટીઓ તમને કોઈને કોઈ ઘરમાંથી ઠકાઠક ના અવાજો સંભાળતા રેહતા જ હોય છે … મિસ્ત્રી કે કડિયા કોઈ ને કોઈ ઘર માં લાગેલા જ હોય …..જુના ફ્લેટ ની સ્કીમ હોય એટલે પંદર વોસ વર્ષ થાય એટલે જુનું ઘર રીનોવેશન માંગે એ સ્વાભાવિક છે … અને હવે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે આર્કિટેકનો ,નવું કે જુનું રીનોવેટ થયેલું કોઈપણ તમે ઘર જોવો ત્યાંનો આર્કિટેક કેવો છે એ સ્પષ્ટ દેખાય… ઘર નાં માલિકે રીનોવેશન કે નવું ફરનીચર બનાવવા માં કેટલા રૂપિયા નાખ્યા એ તમે તરત ગણી શકો, પણ એનાથી એ ઘર માલિકની પર્સનાલીટી નક્કી કરવા માં થાપ ખાઈ જવાય , કેમેકે ઘરના રીનોવેશન કે નવા ઘરના ફર્નીચર બનાવવામાં ઘરમાલિક ની પોતાની ચોઈસ બહુ રેહતી નથી …હા એવું બને કે ક્યારેક કોઈ ઘર માલિક બહુ એગરેસીવ થઇ જાય અને આર્કિટેક ને બહુ પ્રેશર કરે તો પેલો કે પેલી આર્કિટેક સમજી જાય કે પાર્ટી માં બહુ ભલીવાર નથી અને એકાદી ઘર ની દીવાલ મેજેનટા કલરની થઇ જાય…
મને મોટા મેહલો જેવા ઘર થી લઇ ને નાના નાના એક રૂમ રસોડા ના ઘર જોવા ના બહુ જ મોકા મળ્યા છે, અમારા એક મિત્ર હમેશા કેહતા કે જેનું બાથરૂમ અને આંગણું ચોખ્ખું હોયને એની નાર માં ભલીવાર સમજવો , બાકી બધું ઠીક …વાત ઘણા અંશે સાચી પણ હોય છે જુના જમાના માં તમે કોઈપણ માણસના કપડા કે ઘરના સાજ સજાવટ અને ચોખ્ખાઈ પર થી એની પર્સનાલીટી નક્કી કરી શકતા…એક કિસ્સો શેર કરું ….
મારે એક વાર ફક્ત એક નાનો રૂમ અને રસોડુ ધરાવતા ઘર માં જવાનું થયું ,અમદાવાદ નો પૂર્વ વિસ્તાર , સાધારણ કક્ષા નું ઘર ઘરમાં પાંસઠ વર્ષ વિધવા માં અને ચાલીસ વર્ષ નો દીકરો બે જ જણા રહે ,દીકરાના વહુ રીસામણે પિયર ગયા હતા … ઘર માં પ્રવેશતા ની સાથે જ મને એમ થયું કે બા બહુ વ્યવસ્થિત છે …રૂમ માં ફક્ત એક સેટી હતી બેસવા માટે અને એની ઉપર એક ચાદર પાથરી હતી અને ચાદર માં એક બે થીગડા હતા … પણ શું સુંદર રીતે ચાદર ના ચારે ચાર ખૂણા દબાવ્યા હતા ગાદલા ની નીચે ….એક પણ ક્રીસ તમને સેટીની ચાદર પર જોવા ના મળે … જમવા નો સમય હતો એ બા એ મને પરાણે જમવા બેસાડ્યો અને ફક્ત દસ મિનીટ માં બાએ એક ગેસ ઉપર સુખડી એક વાડકી અને બીજા ગેસ પર ખમણ ગરમા ગરમ ઉતારી નાખ્યા , અને એટલા માં કોબી નો સંભારો અને ત્રણ અથાણા કાઢી અને મૂકી દીધા , હું વિચારતો થઇ ગયો કે મારી થાળી માત્ર દસ મિનીટ માં તો બાએ આખી ભરી નાખી અને આગ્રહપૂર્વક ગરમ ગરમ રોટલી કરીને જમાડતા ગયા … અને બધું જ પરફેક્ટ માપ થી બનાવેલું હતું … ત્રણ જણા ને થઇ રહે એટલું….
ચીવટ અને ચોખ્ખાઈ આ બે વસ્તુ દરેક માણસ માં ઇનબિલ્ટ હોય છે , ગમે તેવું નાનું ઘર હોય તો શોભી ઉઠે , અને આ બે જો ના હોય તો ગમે તેટલું સારું ઘર આર્કિટેક બનાવી ને તમને આપે બે ત્રણ વર્ષ માં ધૂળધાણી થઇ જાય ….
મોટા ભાગ ના થોડા જુના ઘરો માં પ્રવેશો ને એટલે એમની પર્સનાલીટી નો અંદાજ આવી જાય …ગમે તેવો મોંઘો આર્કિટેક રાખો પણ તમે પરખાઈ જાવ…
સારા આર્કિટેક રાખવા થી સારું ઘર થાય પણ સારું બનેલું ઘર મેન્ટેન ના થાય , બીજા શબ્દો માં કહીએ તો આર્કિટેક સારું ઘર બનાવી આપે પણ ચલાવા નું તો આપણે જ છે અને જયારે ઘર ની નાર માં વેતો ના હોય તો ધીમે ધીમે એ ઘર ખંડેર જ થાય છે….
મને પોતાને મારું ઘર કે ઓફીસ મારી રીતે જ શણગારવા નો શોખ છે , હું આર્કિટેક ની મદદ લઉં છું પણ છેવટે ધાર્યું તો મારું જ કરું છું …એનું બીજું મોટું કારણ એ છે કે મારા ઘર માંરેહતા મારા લોકો ની જરૂરિયાત અને આદતો મને જ ખબર હોય , આર્કિટેકને ના ખબર હોય માટે મારું ઇન્વોલ્વમેન્ટ વધારે જ રહે તે સ્વાભાવિક હોય છે…
અમારા એક ફેમીલી ફ્રેન્ડ હમેશા એવું કહે છે કે ઘર માં એસી નાખવું હોય તો પેહલું એસી રસોડામાં નાખો … આપણા ઘરો માં ઘરની સ્ત્રીઓ નો લગભગ સાહીઠ ટકા સમય રસોડા માં જ જતો હોય છે… આપણે ત્યાં લગભગ દરેક ઘર માં માસ્ટર બેડરૂમ સૌથી મોટા હોય છે, પણ રસોડા સૌથી નાના , બેડરૂમ માં સભાન અવસ્થા માં હાર્ડલી બે ત્રણ કલાક જાય છે, જયારે રસોડા માં દિવસના ઓછામાં ઓછા આઠ થી દસ કલાક ઘરની સ્ત્રીઓ ના જાય છે … છતાં પણ જે ઘરો માં પાંચ સાત એસી હોય તે ઘરો માં પણ રસોડા માં એસી નથી હોતા …
બીજું સૌથી વધારે કઠતી બાબત છે બાથરૂમ ના ઢાળ … શા માટે બાથરૂમ માં ઢાળ એકદમ વધારે નથી રાખતા ..? જો ઢાળ થોડા વધારે હોય તો પાણી ગ્રેવિટી થી ગટર માં જતું રહે અને સાવરણા ફેરવવા ની મજુરી થોડી ઓછી થાય …
નવા કન્સ્ટ્રકશન માં હવે ઓપન કિચન ના કન્સેપ્ટ આવ્યા છે … ચકા ચકી બે જણ માટે ના ઘર માં આ કન્સેપ્ટ ઓકે છે , પણ જયારે જોઈન્ટ ફેમીલી ની વાત આવે ત્યારે આ ઓપન કિચન બહુ કામના નથી કેમકે મોટા ઘરો માં રસોડું ઘણો બધો દિવસના સમય ચાલુ ને ચાલુ રહે છે ..
બહુ સાચી વાત કહું તો મને મોટા ઘર કરતા નાના ઘરો વધારે ગમે છે ..!!! ફાર્મ હાઉસ મને બિલકુલ પસંદ નથી , અને હજી પણ મને ઊંઘમાં સપનામાં તો ખાનપુર નું નાનકડું ઘર જ આવે છે .. જ્યાં બાળપણ વીત્યુ…
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા