આજ થી ચૈત્રી નવરાત્રી નો આરંભ …
વર્ષ ની ચાર નવરાત્રી માં ની બે મોટી નવરાત્રી આસો ની અને ચૈત્ર મહિના ની ..આ બે નવરાત્રી માં ફરી અને ગરબા ગવાતા , બાકી બેઠા બેઠા ગરબા ગવાય …અફસોસ બ્રિટીશ રાજ ની પરીક્ષા સિસ્ટમે આપણા ઋતુ ચક્ર ને અનુસાર ગોઠવાયેલા તેહવારો ની મજા ની પથારી ફેરવી નાખી …. નવરાત્રી એ જુવાની અને જોબન નો તેહવાર ..પણ બને નોરતાને સ્કુલ ,કોલેજ ની પરીક્ષા ખાઈ જાય …. આસો ના નોરતા વખતે પ્રિલીમ એક્ઝામ નો ત્રાસ અને ચૈત્ર નવરાત્રી માં તો ફાઈનલ ….
જો કે ચૈત્ર નવરાત્રી ના ગરબા નું આયોજન મોટેભાગે ક્યાય થતું નથી …. બહુ જ વર્ષો થી આ પરંપરા લુપ્ત થઇ ગઈ છે …. પણ જે મજા નું વાતાવરણ રાત્રી ના સમયે આસો નવરાત્રી નું હોય છે એ જ સુંદર મજાનું વાતાવરણ મને ચૈત્રી નવરાત્રી નું લાગે છે …આસો માં ચડતી શરદઋતુ ની ઠંડક અને ચૈત્ર નવરાત્રી માં વિદાય લેતો ઋતુરાજ વસંત ..!!! મને તો ઘણી વખત મન થઇ જાય આ ચૈત્રી નવરાત્રી માં બે ચાર દોઢીયા ફરી લેવાનું …વર્ષ માં નવ ને બદલે અઢાર દિવસ ગરબા રમવા ના ..
સાલું આપણા બાપ દાદા કેવા જલસા કરતા હતા .. દરેક તેહવાર , મેળા બધા ભેગા મળી ને મસ્તી થી ઉજવતા ..
અને આપણે …??? રમે અગિયાર દુ ને બાવીસ જણા , અને જોવે બસો કરોડ લોકો એ પણ ટીવી માં… હરામ છે એક પણ માટીડો ઉભો થાય સોફા માંથી , અને બાવીસ મીટર ની પીચ તો જીંદગી માં નરી આંખે જોઈ હોય …ભૂલ થી જો એમ કીધું કે દોડી ને ત્રણ રન લે તો… પતી ગયું …એના શ્વાસ હાર્મોનિયમ ની ધમણ ની જેમ ફૂલી જાય … અને હે હું .. હે ..નહુ …કરી ને અવાજો કાઢે એની બાયડી સીધો ૧૦૮ નબર લગાડે …ટીવી ની સામે સોફા પર બેઠો બેઠો હાથ માં મોબાઈલ રાખી અને સટર પટર કર્યા કરે અને ફેસબુક પર સ્કોર ઠોક્યા કરે ,
અલ્યા હજી હમણા તો આજ ઓસ્ટ્રેલીયા માં બધી વનડે અને ટેસ્ટ આખે આખી સીરીઝો હારી ગયા અને એકદમ વર્લ્ડ કપ માં કેમના બધું જીતો છો ..? અમારા જીમ ના છોકરા જયારે અચાનક કોઈ નું બોડી બનવા માંડે એટલે છાનામાના ખૂણા માં બોલે સ્ટીરોઇડ ખાતો લાગે છે… તમે અગિયાર કઈ એવું તો નથી ખાતા ને ..? બે મહિના માં બધું જીતવા માંડ્યા ..??? બચારો પેલો બાંગ્લાદેશી સાચું બોલી ગયો … હું પણ નાનપણ માં આવું જ કરતો …હું બહુ ઠોઠ ક્રિકેટર હતો …મારા કનુકાકા મારા માટે આખી બેટ બોલ સ્ટમ્પ પેડ ગ્લોઝ ની ક્રિકેટ કીટ લાવ્યા હતા .. અને એ કીટ લઇ ને રમવા જઉં એટલે હમેશા હું બે દાવ વધારે લેતો … એક વાર નહિ મને બે વાર આઉટ કરે પછી જ પીચ છોડવા ની …અને ફિલ્ડીંગ હમેશા છાયડે ઉભા રહી ને ભરવાની ….કેમ ?? તો ભાઈ આખી મેચ રમવાની કીટ મારી છે … બસ આવું જ કઈ ક ચાલી રહ્યું હોય એવું લાગે છે …. આઈસીસી માં અત્યારે કીટ મારી છે એટલે સેમી ફાઈનલ સુધી તો હું પોહચવાનો નો જ … પછી ભલે હું ત્રણ વર્ષ બધે હારી જાઉં ….અને સેટિંગ આવ્યું તો ફાઈનલ માં પણ …
મને તો પેલા બીસીસીઆઈ ના નવા ચેરમેન ની દાઢી મસ્ત લાગી નકલ કરવા ની કોશિશ ચાલુ છે….
આ ચૈત્ર મહિના લીમડા ની કુણી નવી કુંપળો ફૂટશે , એવું કેહવાય છે કે ડાયાબીટીસ વાળા માટે લીમડો બહુ સારો …અમારી સોસાયટી ના એક ફોઈ, એમણે એમના જીવન કાળ માં લગભગ આખે આખા ત્રણ થી ચાર લીમડા મોટા ઘટાટોપ ચાવી ગયા હશે ..!! પણ ડાયાબીટીસ ત્યાં નો ત્યાં જ હતો ….!! એટલે ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાકડો …નથી આપડે બકરી કે નથી ઊંટ … જે ખાવ તે માપ માં .. બિચારા લીમડા ને વધવા દેજો…
આદ્ય શક્તિ ના મંદિરો માં મસ્ત ભીડ થશે .. શક્તિ ની પૂજા કરવા ના દિવસો છે શરીર માં કેટલી તાકાત છે એની થોડી પરીક્ષા ક્યારેક કરી લેવી.. છેવટે બ્લડ ટેસ્ટ અને એક ઈસીજી ( કાર્ડિયોગ્રામ ) લઇ લેવો સમય સમય પર …નહી તો શરીર ગમે ત્યારે દગો આપી દેશે … એક મિત્ર બેદરકારી ને કારણે સ્વર્ગે સીધાવ્યો …અને બીજા આઈસીયુ માં છે….રોજ કસરતો કરી અને શક્તિ પરીક્ષણ કરી લેવું અને સમય સમય પર પેથોલોજી અને શેડો સાયન્સ ની મદદ પણ લેવી અને લાંબુ અને સ્વસ્થ જીવવા નો પ્રયત્ન કરવો….
મિત્રો ને ખાસ એટલું જ કેહવા નું શારીરિક પીડા તમે ભોગવો છો ,તમે મરી ગયા તો તમે તો છૂટ્યા , પણ હું ..??? માનસિક પીડા મારા ભાગે આવે છે … એટલા માટે, તમે તમારા માટે નહિ પણ મારા માટે પણ બધું કરાવજો બાપલીયા …!!! દારૂ સિગારેટ તમાકુ ….સમજી ગયા ને ..બસ ..વધુ લોડ નથી આપતો ……
માં આદ્ય શક્તિ સૌ ને સુખ શાંતિ આરોગ્ય અર્પે , ચૈત્રી નવ વર્ષ ,ગુડી પડવો ,ચેટીચાંદ, ની હાર્દિક શુભ કામના ….!!
સુ પ્રભાત
શૈશવ વોરા