દુનિયા ગોળ છે ….
આપણે દરેક જગ્યાએ આ વાત સંભાળતા આવ્યા પણ એહસાસ ક્યારે થાય…? કરેલું કામ એવું માની લઈએ કે ક્યારેક કોઈ ને ખબર નહિ પડી અને આ રાઝ તો મારી સાથે જ દફન થશે કે ભસ્મ થશે …..
પણ જીવન માં એક સમય એવો આવે કે વર્ષો ના વહાણા વાય અને ઘડપણ સામે દેખાતું હોય અને છોકરા જુવાન થયા હોય અને તમને જોઈ ને શીખતા હોય ,અને તમારું અનુકરણ કરતા હોય , તમને સવાલ કરતા થયા હોય …અને તમારે એના જવાબો આપવા ના હોય , અને એ પણ સાચા જવાબો આપવાનો સમય હોય ત્યારે અચાનક ભૂતકાળ નું કોઈ પાપ કે કોઈ લુચ્ચાઈ ,દોગાઈ ,કે ચીટીંગ સામે આવે અને એ પણ જુવાન જોધ પુત્ર ના મિત્ર રૂપે ….
ત્યારે મોઢા પર કાલિક છવાય ….અને ખરેખર ઈશ્વર યાદ આવે અને મન માં ને મન પ્રાર્થના થાય કે હેં ભગવાન આને સદબુદ્ધિ આપજે અને કેહજે કે મોઢું બંધ રાખે …..મારા છોકરા ને કઈ ના કહી દે , નહિ તો મારા અઢારે વહાણ પાણી માં ડૂબશે ….. જીવતર આખા ની ઈજ્જત આબરૂ પર પાણી ફરશે ….કોઈ બચાવાનારું નહિ રહે …..બન્યો બનાયેલો સંસાર ઉજડી જશે … એકવાર સંતાનો ની નજર માંથી ઉતરી જઈશ તો પછી ક્યાય નો નહિ રહું ……
પણ એવા કામ કરતા પેહલા કઈ વિચાર નોહતો આવ્યો ..? ના ….જુવાની નું જોશ અને પૈસા નો નશો હતો …ત્યારે તકદીર સાથ આપતું હતું ,અને ફાટફાટ થતી જુવાની હતી , અને કોઈ ની મેહનત ની મળતી સો સો ની નોટો ની પણ ગરમી અડતી હતી , તેનો તાપ અને ઠંડક બધું મજા આપતું હતું ….સરકારે હજી પાંચસો અને હજાર ની નોટો જ નોહતી છાપી ….સો ની નોટ ની ઘણી કિમત હતી અને એ કીમતે જ ઘણું બધું ના ખરીદવા નું ખરીદાવ્યું ……અને એ નોટો માટે જ મેં ના કરવા ના બધા કામ કર્યા અને સો ની નોટ ની અદમ્ય ભૂખ એ કરાવ્યા …..
અફસ્સોસ હવે એ નોટ કામમાં નથી આવતી , સો ની નોટ ની કિમત ના રહી અને મારું માઈન્ડ સેટ અને શરીર, હજાર ની નોટો કમાવા નથી દેતું ….પણ આજે સો એ નોટ કામ માં નહિ આવે …. સંતાનો નો પ્રેમ કે એમના તરફ થી મળતું માન સન્માન સો રૂપિયા પૈસા થી નહિ ખરીદાય ……દુનિયા હવે ડોલર માં કમાતી થઇ ગઈ , હું ત્યાં ની ત્યાં સો ની નોટ માં રહ્યો , અધૂરા માં પૂરું છોકરા ને પણ … બેટા નથી ભણવું ચાલશે કરી ને પોતા ની જોડે જ ધંધે પકડી ને બેસાડ્યો ..
બીક તો એ છે કે મેં જે કર્યું એ જ મારો છોકરો કરશે અને મારી જેમ એ જતી જીંદગી એ કે એ પેહલા ઉંધો પડશે કે ઝલાઈ જશે તો શું ..? મારું આખું ઘડપણ બાકી છે …ગાલ અંદર બેસી ગયા છે બાવડા ઉતરી ગયા છે …હાથ પગ દોરડી ને પેટ ગાગરડી થઇ ગયું છે …..
કોઈ વિચાર નથી આવતો શું કરવું ,આ પરીસ્થિતિ કેમ નું નીપટવું એ જમાના ના બધા સલાહકારો ,મિત્રો જેની બુદ્ધિ નો સહારો લઇ ને મેં મારા ઉંધા કામ પાર પાડ્યા હતા , અને પછી મારી પોતાની સડેલી બુદ્ધિ નું ઉપર ટોપિંગ નાખ્યું હતું , એ બધા તો હવે મારા થી જોજનો દુર છે , એમને મળવા કે કેમ છો પણ કરીશ તો પણ સમજી જશે કે આ ઘેટી ક્યાંક બરાબર ની ફીટ થઇ છે …. ગરજ ની મારી આ આઈટમ મારી પાસે આવી છે તરત જ સમજી જશે ….
મેં તો માન્યું હતું કે દુનિયા એક જ લાઈન પર ચાલે છે ….. અને એ સીધી લીટી ફરી ને ગોળ થાય ..સાલું આવું તો સપના માં નોહતું વિચાર્યું … જે એવું કેહતો કે દુનિયા ગોળ છે ખોટા કામ ના કરો , ઉપરવાળા થી ડરો , એને તો મેં જીવનભર મુરખો ,બેવકૂફ એવા બધા , કેટલા વિશેષણો થી નવાજ્યો ….
પૈસો મારો પરમેશ્વર ને ,હું પૈસા નો દાસ
બૈરી મારી ગુરુ ,છૈયા છોકરા શાલીગ્રામ ,
કરું તો કરું કોની સેવા …?
હશે ત્યારે કર્યા ભોગવવા દો … આપણે તો દુનિયા ગોળ નહિ પૂરી ૩૬૦ ડીગ્રી ની છે … અને મને તો એનો છેડો મારું ઘર ..બાવીસ વર્ષ ની ધંધાકીય જીંદગી મારી ,આવા કેટલાય વાલિયા લુંટારા જોયા , અને જેમને ખરે સમયે તદ્દન એકલા , બે ચાર ચમચા એમની ગાડી બંગલા માં પડી રહે કે જોડે વાહ વાહ કરે , બાકી તો ડોસી એની છણકા કરતી હોય ,અને છોકરો વહુ એઈ મજા ની પોતાની જીંદગી જીવતા હોય…
પણ જુવાની તો મદ્દ ચડેલો ,વાલિયા લુંટારા ક્યારેય વાલ્મીકી ઋષિ ના બની શક્યા …
મને ખરેખર ખબર નથી કે હું ક્યાં છું આમાં….. પણ હા વાલિયા લુંટારા ચારે બાજુ મારી ભરેલા પડયા છે….
શુભ રાત્રી
શૈશવ વોરા