પૈસો બોલે છે …?
હા ચોક્કસ બોલે છે ,ખાલી બોલતો નથી, ગાય છે ,વગાડે છે ,બીજું ઘણું બધું પૈસો જ કરે છે… મોટા માણસો અને શાસ્ત્રો એવું કહે કે પૈસા ને વધારે જીવન માં મહત્વ ના આપવું…સાચી વાત કે ખોટી વાત…? પણ પૈસા વિના ની જીંદગી કેવી ..? ફકીર જેવી ? જો કે ફકીરો માં પણ હવે પૈસા હોય તો જ તમે મોટા સંત કે મહારાજ બની શકો .. બાકી બધું રામ રામ …
આજ ના જમાના માં પૈસા થી જિંદગી ખરીદી પણ શકાય છે ,લાંબી પણ કરાય છે અને એક નવો શબ્દ ઉમેરાયો છે ક્વોલીટી લાઈફ .. એ પણ જો તમારા નસીબ માં હોય ને તો મેળવી શકાય છે… હોસ્પિટલો માં જયારે એમ કેહવા માં આવે છે ફલાણી ટ્રીટમેન્ટ કરો ,ખર્ચો દસ લાખ છે…પણ લાઈફ બચી જશે અને ક્વોલીટી લાઈફ મળશે …અને ખરેખર ઘણા કેસ માં એ વાત સાચી પણ થાય છે …ત્યારે ખાલી એમ બોલીએ કે એ તો એના નસીબ માં જીવવા નું લખ્યું હશે એટલે એને મળ્યું .. આવું બોલવાનો મતલબ નથી પૈસા હતા ખર્ચ્યા અને જીંદગી મળી ……
એક માલેતુજાર સાથે હું ગપાટા મારવા બેઠો હતો , એમની પ્રોપર્ટી ઓછા માં ઓછી સવાસો કરોડ ઉપરની પાક્કી …!!
પણ નમ્રતા નો દોરો પડ્યો હતો મારી આગળ એમને …!! છે લગભગ મારી ઉમર ના જ ,હવે એ ભાઈ મર્સિડીઝ એસ ક્લાસ વાપરે ,એમની ફેકટરી નો એરિયા ફક્ત ચાલીસ હજાર વાર છે ….પણ જેમ લોકો ને ગાંડપણ ના દોંરા પડે ને એમ ઘણા ને નમ્રતા ,પોલાઇટ છું એવું બતાડવા ના દોરા પડે ..મને ઉદાહરણ આપે તું તારી ઈન્ડીકા માં પણ તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે અને હું આ મર્સિડીઝ માં , ફેર શું પડે વાહન નો ઉપયોગ કેટલો ..? એક જગ્યા એ થી બીજી જગ્યાએ જવા પુરતો ..પછી એનું કામ પતી જાય….!!!
બોલો શેઠિયા ને કઈ ફેર જ ના લાગે.. ઈન્ડીકા માં અને મર્સીડીઝ માં …. મન માં કીધું અદલાબદલી કરી નાખીએ , બે દાડા માટે લઇ જા મારી ઈન્ડીકા અને મુક તારી મર્સિડીઝ એસ ક્લાસ મારે ઘેર, પછી જોઉં છું કે કેવો તું ઘર ની બહાર નીકળે છે ...!! બે દા
ડા નું મર્સીડીઝ નું પેટ્રોલ મને પોસાશે…ખાલી એની સર્વિસ ,ઓઈલ ચેન્જ નહિ થાય મારા થી …
બાવા સાધુ એમ કહે કે પૈસો શું છે હાથ નો મેલ …તગારું તારા બાપ નું નાખી જા થોડો મેલ મારે ત્યાં તો.. કોઈ નાખી જાય હાથ નો મેલ ..? હાથ નો મેલ ને મેળવવા માટે કેટલો પરસેવો હથેળી એ ઝીલવો પડે અને કેટલે છાલા પડે હથેળી માં ત્યારે એ હાથ માં મેલ જામે …. એમનેમ હાથ માં મેલ થોડા જામે..!!!
હા એટલું ચોક્કસ કરી શકો કે અમુક તમુક પ્રકારે મારે પૈસો નથી કમાવો ..કે આ કામ મારા થી થાય તેમ નથી એટલે એમાં પ્રયત્ન મારે નથી કરવો….કે પછી ક્વોલિફિકેશન ઓછું પડે કે કોઈ ઐયાશી ના રસ્તે ચડી ગયો હોય તો વાત જુદી છે….
મેં એવા ઘણા લોકો ને જોયા છે કોણ જાણે ક્યા નશા માં હોય છે …! પણ સાલા કમાવા માટે ઘર ની બહાર જ ના નીકળે …એક તરફ આવા લોકો નો ઈગો ભયંકર હાઈ હોય છે અમને કોઈ કઈ કહી ના જવું જોઈએ અને બીજી તરફ સેલ કોન્ફીડંસ બિલકુલ મરી પરવાર્યો હોય …અંદર થી સખત તૂટી ગયા હોય…કોઈ પણ કામ કે ચેલેન્જ લેવા ની તાકાત જ ના રહી હોય ..જાણે પૈસા જોડે દુશ્મની …અને ધીમે ધીમે સમય ની સાથે લાઈફ ને ડીટોરીયેટ કરતા જાય ..અને છેવટે કોઈ નજીક ના સગા ના માથે પડે અને જન્મારો પૂરો કરે..
લખવા માટે તો શબ્દો અને વર્ષો ઓછા પડે એટલા ઉદાહરણો છે… પૈસા માટે અત્યારે મુંબઈ એરપોર્ટ ના નવા ટર્મિનલ પર બેઠો છું ..છોળો ઉડે છે ,ધનની અને ઐશ્વર્યની …અફલાતુન ટર્મિનલ બનાવ્યું છે …સિંગાપોર ના ચાંગી ની નજીક આવી ને ઉભું રહે તેવું …દિલ્લી નું ટર્મિનલ પાછુ પડે…
બોર્ડીંગ એનાઉન્સ થયું છે… હું ભાગું …
Wish you happy evening
– શૈશવ વોરા