આજે ધરણીધર પાસે થી પસાર થતા એક હાથી જોયો …. ચાર પાંચ જણા હાથી ને ભાજી પાંવ ના પાંવ ના આખા પેકેટ ખવડાવતા હતા … લગભગ છ પેકેટ પાંવ હાથી ને ખવડાવી દીધા …આ જોઈ ને મને એક વાત યાદ આવી….. થોડાક વર્ષો પેહલા કાન્હા ના જંગલ માં રખડવા ગયા હતા ત્યારે મારી દીકરી દોઢ એક વર્ષ ની હતી…. અમારી જીપ્સી ની એક દમ એક ચિત્તલ આવી ગયું … બેબી એ બાળસહજ વૃતિ થી એક ક્રીમ બિસ્કીટ ચિત્તલ ને ખાવા ધર્યું .. ગાઈડે એકદમ ત્વરા થી ઝપટ મારી ને બિસ્કીટ બેબી ના હાથ માં થી લઇ લીધું … મેં કીધું ખીલાને દો ના યાર . પેલા અભણ પણ જંગલ અને કુદરત ને ભણેલ ગાઈડે કીધું સરજી .. યે જાનવર હૈ … ઇસે એકબાર ઇસ ટેસ્ટ કી આદત લગેગી તો યે જાનવર ફિર મર જાયેગા પર ઘાસ નહિ ખાયેગા ઇસમે અકલ નહિ હોતી .. ક્યા આપ ચાહતે હો કી યે મર જાય … ??? અમે બિસ્કીટ નું પેકેટ તરત બેબી ના હાથ માં થી લઇ ને થેલી માં મૂકી દીધું ..
લોકો શું કામ હાથી ને આવી પ્રોસેસ ફૂડ ખવડાવતા હશે ?? ગાય ને વધેલી રોટલી કે એઠવાડ … કુતરા ને પાર્લે ના બિસ્કીટ .. માછલી ને મમરા… કયું પુણ્ય કમાઈ લેવાના ??
પ્રોસેસ ફૂડ ની મારી વ્યાખ્યા જુદી છે .. ઉદાહરણ આપું તો ઘઉં માંથી લોટ પેહલી પ્રોસેસ, લોટ માંથી રોટલી બીજી પ્રોસેસ, આજ રીતે પીઝા નું ઉદાહરણ ઘઉં માંથી લોટ .. લોટ માંથી મેંદો … મેંદા માંથી રોટલો … રોટલા ઉપર ટામેટા ની મસાલેદાર ગ્રેવી … એની ઉપર કાંદા, કેપ્સીકમ , અને દૂધ માંથી પ્રોસેસ કરેલી ચીઝ … અને છેલ્લી પ્રોસેસ બેકિંગ …મારો ટોટલ કેટલી પ્રોસેસ થઇ ….???
પ્રાણી જગત નું પેટ કાચું ખાવા જ ટેવાયેલું છે આપણે બે ઉપર ત્રીજી પ્રોસેસ વધુ માં વધુ ચાર પ્રોસેસ થી વધારા નું ફૂડ ખાવા ટેવાયેલા નથી … જેટલી પ્રોસેસ વધારે એટલું જ પચવા માં જટિલ …. અને ત્રીસ વર્ષ પછી ડાયાબીટીસ , બ્લડ પ્રેશર , વગેરે ની ગેરેંટી . … મારું આ બધું ડહાપણ રાંડ્યા પછી નું છે .. ગોલ બ્લેડર કાઢ્યું … અને બાકી ના તમામ મારા રીપોર્ટ બોર્ડર લાઈન છે … એટલે જખ મારી ને જીમ માં જાઉં છુ … આટલી સ્પષ્ટતા …. પ્રોસેસ ઉપર થી સ્ટોરે જ … હવે આખી ફૂડ ની નવી કેટેગરી આવું સ્ટોરેજ, પેકેટ, ચીલ્લ ડ, કોલ્ડ, ઓવન, ફ્રોઝન, સ્ટેલ.
સાંભળ્યું છે કે દોઢસો રૂપિયા નો એક ઢોસો વેચતી એક સાઉથ ઇન્ડિયન હોટેલ ની ચેઈન સંભાર નો બરફ બનાવી તેની પાટો દરેક બ્રાંચ પર મોકલે છે ..ચણા પુરી વાળા ચણા ની પાટો મોકલે છે … બધા રેસ્તોરાં પોતપોતાની રીતે પ્રોસેસ , ફ્રીઝ , ઓવન કરી ને મને પીરસે છે … અને મારું આંતરડું એને ક્લીયર કરતા અટવાય છે … પણ શું થાય એક તો આંતરડું એક વીસ ફૂટ લાંબુ અને એને જીભ નહિ .. એટલે મૂંગા મોઢે સહન કરે જાય છે … વાત હાથી થી ચાલુ થઇ તો પૂરી પણ એના થી કરું .. હાથી ની પાચન શક્તિ ખુબ નબળી છે ..પોતે ખાધેલું એશી થી નેવું ટકા ફૂડ પચ્યા વિના બહાર પાછુ કાઢે છે … એટલે કેહવત છે .. હાથી ખાય પણ મણ અને કાઢે પણ મણ …
વિચારજો કેટલી પ્રોસેસ માં થી પસાર થયેલું ફૂડ આજે ભાણા માં આવ્યું હતું …
શુભ રાત્રી
– શૈશવ વોરા