ભજન ….
એક એવી સુંદર રચના કે જેને સંભાળતા જ , મન હ્રદય ખુશ ખુશ થઇ જાય … જયારે એકાંત હોય અને મન શાંત હોય અને આવી કોઈ સુંદર રચના સંભાળવા મળે અદ્વિતીય શાંતિ નો અનુભવ આપે …
ભજન પરંપરા માં અત્યાર ના ગાયકો માં કોઈ એવો મોટો ઈશ્વર પ્રત્યે નો ભાવ પ્રદર્શિત થતો નથી અને એનું મોટું કારણ એ છે કે ભજન કોઈ રાગ રાગીણી નું મોહતાજ નથી, ભજન એ ખુલ્લા દિલે ઈશ્વર ની ભક્તિ નો પ્રકાર છે ,અને એમાં ગમે તે રાગ, રાગીણી , લાગી શકે સ્થળ કે સમય ના બંધન સિવાય , બીજું ભજન દિલ થી ના ગવાતું હોય તો એની અસર મારી જાય અને જો ભાવ અને દિલ થી ગાનારો માણસ હોય તો સુર તાલ ગમે ત્યાં હોય, એ ભજન કાન ને અને મન ને વાહલું લાગે …..
ભજન ને આમ તો બહુધા સમાજ માં જોઈએ તો લગભગ લોકો ગાળો જ આપે … વર્ષો પેહલા કોઈ ને કહીએ કે ફલાણા ને ત્યાં ભજન રાખ્યા છે અને મારે જવાનું છે …એટલે તરત કહે, હશે ત્યારે જતા આવો … અથવા કોઈ નો ફોન આવે કે અમારે ત્યાં ભજન નો કાર્યક્રમ છે … એટલે ચાલુ કેટલા વાગે થશે એની બદલે પતશે કેટલા વાગે એ જાણવા ની વધારે ઉત્કંઠા રેહતી …. અમેરિકા માં ભજન અને ભોજન નો કાર્યક્રમ જોડે જ હોય એટલે સ્વાભાવિક રીતે ભોજન માં જ રસ વધે …. ઘણા વર્ષો થયા હવે તો ,ભજન ના કાર્યક્રમો એકદમ આઉટ ડેટ છે … સુગમ સંગીત ,કે ગરબા કે ગઝલ ,ડાયરા ના કાર્યક્રમ ક્યાંક જોવા મળે છે ..જયારે સારા ભજન ગાયક ને બોલાવી અને ભજન નો આનંદ લેવો એવું તો બહુ જવલ્લેજ બને … થોડો વાંક ભજન ગાયકો નો પણ ખરો એમાં, ભજન ને મારી નાખવા માં … પિક્ચર ના ગીતો ની ટયુન પર ઘેર આવી ને ભજન ગાય , અને એ પણ એવો બેસુરો હોય ,અથવા તો કોઈ બાપુ કે સંત એમનું ભાષણ ઠોકતા જાય વચ્ચે ભજન ગવાતા જાય , અને ભજન પતે પછી પાછો સંત કે બાપુ , કોઈ ના બૈરા જોડે લળી લળી ને વાતો કરે .. એટલે મારા તમારા જેવો તો ફરી કોઈ બાવા સાધુ ને ઘર માં ઘુસવા જ ના દે, અને પોતાના જીનેટીક્સ નાખી દે કે આપણા ઘર માં કોઈ બાવો ના જોઈએ,અને સાત પેઢી સુધી બાવા ઘર માં ના આવે ……અને એની જોડે પેલો ભજન વાળો પણ બિચારો પ્રતિબંધિત થઈ જાય…સુકા ભેગું લીલું પણ બળી ગયું …..
નાના ભજન ગાયકો ની દુકાન અત્યારે લગભગ બંધ થઇ ગઈ છે …કોઈ ને મોટો કામ ધંધો મળતો નથી , એટલે ધીમે ધીમે સુગમ સંગીત અને ગઝલો ગાવા પર પર ચડી ગયા છે અને ભજન પતી ગયા …. કે નવરાત્રી માં ગરબા ગાઈ ને બાર મહિના નો ખર્ચો કાઢી લે ….કકળાટ અહિયાં પૂરો .
ભજન નો ઉદભવ કે ભજન ની પરંપરા ક્યાં થી શરુ થઇ એનું મૂળ પકડતું નથી પણ કદાચ લોક ગીતો માં ધીમે ધીમે ભક્તિ રસ ભળતો ગયો અને ભજન ની શરૂઆત કદાચ થઇ હશે .. આવું મારું મંતવ્ય છે ..પણ કોઈ પણ પ્રકાર ના ભજન માં હોટ ફેવરીટ તો એક જ પાત્ર રહ્યું , મારો કાળિયો …દુનિયા ના એશી ટકા ભજનો એ કાળિયા માટે લખાયા અને ગવાયા … બીજો નબર શિવ શમ્ભુ નો આવે ….પછી બીજા દેવી દેવતા નો વારો આવે . પ્રાચીન ભજનો નું અસ્તિત્વ નામશેષ છે એમ છેલ્લા તુલસીદાસજી અને મધ્ય યુગ ની રચના ઓ માં મોગલ કાળ માં સ્વામી હરિદાસ અને કબીર , સદારંગ , અદારંગ અને બીજા ભજનીકો નો નંબર આવે.. અર્વાચીન યુગ સંપૂર્ણ પણે મીરાબાઈ અને નરસિહ મેહતા ને સમર્પિત છે …..
એ પછી ક્યાંક જ સારા ભજનો જવલ્લે બન્યા છે , જે મજા મીરાં અને નરસિહ માં આવે એવી નવા બનેલા ભજનો માં નથી … મારો થોડો પક્ષપાત ખરો નરસિહ અને મીરાં માટે …
અત્યારે યાદ આવે છે ગાંધીજી ના અંતેવાસી મધુરી બેન ખરે ના ઘાટા અવાજ માં ગવાતું દુરદર્શન પર મારા બાળપણ માં જોયેલું અને સાંભળેલું વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ……
લીંક શોધવા નો પ્રયત્ન કર્યો પણ કદાચ કાળ ની ગર્તા માં રેકોર્ડીંગ ખોવાઈ ગયું હશે …. શુભ રાત્રી
– શૈશવ વોરા