
માઉન્ટ આબુ અને યાદો…
બે દિવસના બ્રેક પર માઉન્ટ આબુ આવ્યો છું , એક મિત્ર લંડનથી આવ્યો છે અને એક અમેરિકા જાય છે,એટલે જુના લંગોટિયા યાર જોડે જૂની યાદો તાજી કરવા અને નવી યાદો ઉભી કરવા …!!!
હવે કોઈ એમ ના પૂછશો કે કેટલામી વાર આવ્યો છું ..?? અમદાવાદમાં રેહતા લોકો ને એમ પૂછીએ કે માઉન્ટ આબુ કેટલી વાર ગયા ..?? ચોક્કસ ગણી ના શકાય હું યાદ કરું તો બે ત્રણ વર્ષનો હતો ત્યારથી માઉન્ટ આબુ આવું છું ,બે ત્રણ વર્ષનો હતો ત્યારની વાતો યાદ નથી પણ જુના ફોટા સાક્ષી પૂરે છે , પેલી ચાચા મ્યુઝીયમ ચાલો એવું લખેલું હોય એ વાળી બાબાગાડીમાં અમારા ત્રણે ભાઈ બેહનના ફોટા છે ,
માઉન્ટ આબુમાં પેહલા પોલો ગ્રાઉન્ડથી આગળ આવીએ એટલે કાર પાર્કિંગ આવે , એમાં અમારી ફિયાટ GJH ૧૭૬૪ અને GJA ૪૧૨૬ પોંટીઆક અમેરિકન મેઇક ૧૯૪૭નું મોડેલ લઈને આવતા ,
પેહલો હોલ્ટ આવતો ખેડબ્રહ્મા , પછી મોટા અંબાજી , આગળ આબુરોડના કાકડી ટામેટા , મસ્ત ખીરા કાકડી મળતી , આબુ રોડ પર અમારી ગાડીના ઓઈલ પાણી અમારા ડ્રાઈવર અલી મહમદ કાકા ચેક કરતા અને આગળ માઉન્ટ ચડવાનું ચાલુ થતું , લગભગ અડધે હોલ્ટ આવે ત્યાં પુષ્કળ વાંદરા આવતા ,બધી ગાડીઓ ત્યાં રોકાતી , ફરી એક વાર રેડીએટર ખોલી અને પાણી ભરતા , લગભગ અડધા કલાક ના હોલ્ટ પછી બધી ગાડીઓ આગળ વધતી , ત્યારે અમે દિવાળી પછી મોટે ભાગે આબુ જતા એટલે વનરાજી ખીલેલી રેહતી અને નાના નાના ઝરણા પણ રસ્તામાં દેખાતા …
એક મારા જીવનની ખતરનાક ઘટના માઉન્ટ આબુ ચડતા રોડ સાથે સંકળાયેલી છે , એકવાર અમે ત્રણે ભાઈ બહેન મમ્મી પાપા સાથે માઉન્ટ ચડતા હતા , મારી ઉમર લગભગ સાત કે આઠ વર્ષની , અને ભાઈ બહેન બંને મારાથી નાના , મારા મમ્મી આગળની સીટ પર પાપા સાથે બેઠા હતા ,અલી મહમદ કાકા કોઈ કારણસર અમારી સાથે આવ્યા નોહતા , અને પાપા ફિયાટ ડ્રાઈવ કરતા હતા … , માઉન્ટ ચડતા અડધા રસ્તાવાળો પેલો હોલ્ટ પસાર કર્યો હતો , દિવાળીનો સમય હતો , બહુ ટ્રાફિક હતો ગાડીઓ એક પછી એક લાઈનસર ઢાળ ચડતી હતી .. મને શી ખબર શું અટકચાળું સૂઝયું અને મેં રમત રમતમાં ફિયાટના પાછળના બારણાનું હેન્ડલ ઊંચું કરી અને ખોલી નાખ્યું ,અને એક એક્યુટ વળાંક હતો ત્યાં ગાડીનું બારણું ખુલી ગયું અને હું ચાલુ ગાડીએ બહાર ગબડયો અને એ સમયે રોડને ફરતે પાળીઓ બહુ નોહતી અને હું સીધો ગબડતો ગબડતો ગયો ઝાડીમાં , એક પત્થર વચ્ચે આવ્યો અને હું ગબડતો અટકી ગયો અને હું પત્થર પકડી અને લટકી રહ્યો …મારા નાના ભાઈ બેહને ચીસાચીસ કરી મૂકી પાપાએ અચાનક બ્રેક મારી અને મમ્મી પાપા બંને ગાડીમાંથી ઉતરી અને દોડ્યા , પાછળ આવતી બધી ગાડીઓ ઉભી રહી ગઈ અને ફટાફટ બધી ગાડીના બારણા ખુલી ગયા અને બધા લોકો ને જેને જે મળ્યું તે લઇ અને બધા મારા સુધી પોહચવાનો પ્રયત્ન કર્યો , ચાર પાંચ જણાએ રિસ્ક લઇ ઉતરી અને મને ઊંચકીને બહાર આવ્યા મમ્મીએ પોક મૂકી , પાપા એ તરત જ ડેકીમાંથી ઈમરજન્સી કીટ કાઢી , મને પાપાએ પ્રાથમિક સારવાર આપી, બીજા પાછળ મમ્મી પાપા સાથે ભણતા એવા ઓળખીતા ડોકટરો પણ હતા .. બધાએ ચેક કર્યો ..કઈ વાંધો નથી ડોકટર વોરા તમારો દીકરો સલામત છે , એવું એશ્યોરન્સ બધા બીજા ડોકટરો એ આપ્યું , અને કઈ થાય તો તમે બંને ડોકટર છો અને અમે બધા જ માઉન્ટ પર જ છીએ ચાલો નીકળો આગળ , યાત્રા આગળ વધી … આબુમાં મારું થરલી ચેક અપ થયું ….માતાજીની કૃપાએ બચી ગયો …નાના મોટા છરકા હતા શરીરે અને એક મોટો ઘા હતો .. રોજ ડ્રેસિંગ થતું …
પણ આ ઘટના પછી મમ્મીએ એક નિયમ કર્યો , ગાડીમાં હમેશા પાછલી સીટ પર અમારી સાથે જ મમ્મી બેસતા….
હવે તો આ બધા પ્રોબ્લેમ થાય એવું નથી આજકાલની ગાડીઓમાં ચાઈલ્ડ લોક સારા આવી ગયા છે .. એટલે છોકરો ગમે તેટલી વાંદરા પટ્ટી કરે તો પણ બારણું ખુલે જ નહિ ….!!!!
બહુ બધી યાદો છે મારી આબુ સાથે …. આબુ ક્યારેય મને નવું કે જુનું લાગ્યું નથી .. થોડા ઘણા ફેરફારો થયા છે …પણ મોટેભાગે આબુ એ જ છે કે જે પેહલા હતું … એનું એજ નખી લેક અને એને ફરતો ટ્રેક , દેલવાડા , ટ્રેવર ટેંક , અધ્ધર દેવી ,ગુરુ શિખર , અચલ ગઢ , ભીમના ત્રણ પાડા , આ બાજુ ગુરુ વશિષ્ટનો આશ્રમ , પેલો ડેમ ..અને એનું એજ ચાચા મ્યુઝીયમ ,રાજસ્થાન જવેલર્સ અને ઢાળ પરની જૂની દુકાનો નવામાં શંકર મઠ અને બ્રહમાકુમારી …
હા હોટલો ઘણી બદલાઈ ,ઓનેસ્ટ આવી ગઈ હેવમોર ,ડોમિનોઝ ,સીસીડી . નખી ના ઢાળ પર આવી ગઈ પણ હજુ જૂનામાં અર્બુદાવાળા હોટેલવાળા દયારામકાકા અને પોલો ગ્રાઉન્ડની પાછળ સરસ્વતી હોટેલ તો છે જ .. પેલી દુલેશ્વર મહાદેવની ધર્મશાળા પણ ખરી….
મને તો માઉન્ટ આબુ જયારે હું આવું ત્યારે એનું રૂપ જુદું જ દેખાય છે .. આમ તો કઈ જોવા જેવું છે જ નહિ એવું હમેશા લાગે પણ છતાં પણ બસ .. કુદરત ખેંચે અને એનાથી વધારે કુટુંબ સાથે કે મિત્રો સાથે વિતાવવાનો સમય …. બસ એનાથી વધારે કઈ જ નહિ , કોઈ કાળે કે કીમતે એ દિવસો પાછા નહિ આવે આબુ માં વિતાવેલા … એકલી મોજ અને મોજ ….બસ બીજું કઈ જ નહિ …!!!!!
આજે અગિયાર વર્ષે અમે સાતે મિત્રો સાથે આજે છીએ હવે કોણ જાણે નસીબ ક્યારે અમને બધાને ફરી ભેગા કરશે …!!!! કોલેજના જમાનામાં ગાડીઓ અમે અમારી મુકતા અને આબુ આવતા … દિવસ હોય કે રાત કોઈની ચડ્ડી ખેંચવામાં કોઈ બાકી રાખતા નોહતા …જીવનમાં આગળ વધ્યા સાતના અમે ત્રેવીસ થયા …પણ આજે ફરી સાત છીએ કાલે પણ રહીશું … પણ ફરી કેટલા વર્ષે સાત સાથે …!!!!
ચાલો બી પોઝીટીવ …. થઈશું ..જીવનમાં અડધે પોહચ્યા છીએ કઈ છેડે થોડી પોહચ્યા છીએ અને દોસ્ત ની ચડ્ડી ખેંચવા માટે ઉંમર થોડી જોવાય એ તો અઢારે પણ ખેંચતા અને ચાલીસે પણ ખેંચી તો સાહીઠે પણ ખેંચી કાઢશું ….પણ હજી તો એક આખે આખી આડી રાત પડી છે બકા …!!!!! રાતના બે તો ચોક્કસ વગાડ્શું … ગાળોનો વરસાદ ચાલુ છે મારી પર લેપટોપ છોડ શૈશવ્યા ..!!!
ચાલો સૌને
શુભ રાત્રી
એક સ્પષ્ટતા જરૂરી છે .. હું દારૂ સિગારેટ પીતો નથી …..!!! ક્યારેય નહિ …!!!