બાળ દીક્ષા વાળી પોસ્ટ ઉપર ઘણી પ્રતિક્રિયા આવી … કોઈ કે ખુલ્લે આમ વિરોધ કર્યો કોઈકે દબાતા સ્વરે … અને કોઈ કે એવું પણ કીધું જેને જે કરવું હોય તે કરે …. આપણે શું … કોઈ એ એવું કહ્યું કે ધર્મ ની બાબત માં વિચારી ને લખો …એક અભિપ્રાય એવો આવ્યો કે આ બધા ઝમેલા માં શું કામ પડો છો ધર્મ સિવાય લખવા માટે ઘણું છે …
મારો મત એવો છે .. કોઈ ને ગમે કે ના ગમે મને જે મન મા આવશે તે લખીશ…
ત્રણ દિવસ થી પ્રમુખ સ્વામી નો પ્રાઇવેટ જેટ વાળો ફોટો વાઇરલ થયો છે…ફેસબુક અને વોટસ એપ પર ફરે છે..
નશો ચડયો છે લોકો ને … ધર્મ નો અને દેખાડા નો .. ..હુ માનુ છુ કોઇ મોટા ધનકુબેર નુ જેટ હશે …. ફલાણા સાધુ જોડે કે બાપુ જોડે ઘર જેવો સબંધ ..આવુ બોલતા અડધા અડધા થઇ જાય છે આવા લોકો … અને મોટા સંત ની પાછળ નાના લેભાગુ પણ ચાલી જાય ..
આજે એક બહુ જુની વાત શેર કરુ છુ …બધા પાત્રો અત્યારે સ્વર્ગે છે…
વાત છે આઝાદ હિદ ના ભૂતપૂર્વ રાજવીઓ ની…. સાહીઠ અને સિતેર ના દાયકા મા એક બહુ મોટા તાંત્રિક આપડા દેશ મા થઇ ગયા છેક ૧ સફદરજંગ રોડ સુધી ની ..
કાઠીયાવાડ ના ભૂતપૂર્વ રાજવી પાસે એક રાજમાતા એ તે તાંત્રિક ની વાત ખોલી.. બહુ જ પોહ્ચેલા … છે… મારો તમામ ભુતકાળ અને મહારાણા ની તમામ વાતો એમણે જણાવી.. એના થી વધારે સ્વામી એ અમારી અંગત વાતો જણાવી … અને સૌથી મોટી વાત કે એમણે મને જમીન પર થી ચાર ફુટ અધ્ધર હવા મા ઉભી રાખી…
બાપુ સાહેબે કહ્યું કાલે અમારા ગામ ના એક મોટા ભુવા તમને જમીન થી પાચ ફુટ ઉપર તમને સુવાડશે …. રાજમાતા તૈયાર … ભલે..
બીજે દિવસે બાપુ એ ભુવા ને તેડાવ્યો .. ગઢ ના છેડે..નદી કાઠે સ્મશાન ની બાજુ મા એક અવાવરુ ઓરડી મા ખેલ ગોઠવાયો …રાત ના અંધારા …એકાંતે રાજમાતા ને લઇ બાપુ સાહેબ પોચયા ..ભુવા એ વચ્ચે ધુણી ધખાવી….રાજમાતા ને સામે સુવડાયા .. પલંગ પર… …લોબાન ની ધુણી … મશાલ ના અજવાળે … ભુવો આહુતી આપે ભડકા કરે …ધુમાડા કરે ..થોડા સમય પછી હવન કુંડ માથી થોડા જલતા કોલસા ભુવા એ કાઢયા અને એક પાત્ર મા લિધા …કઇક અંદર નાખ્યું …. ધુમાડો ધુમાડો થયો ચારે બાજુ … રાજમાતા ઉપર ધુમાડો ફેરવાયો …રાજમાતા તંદ્રા માં … તેમની નીચે થી પલગ હટાવાયો …. રાજમાતા હવા મા સુતા …ચમત્કાર … થયો ….
બીજે દિવસે સાજે બાપુ ,બા સાહેબ અને રાજમાતા … બધા બેઠા … બે મોઢે રાજમાતા ભુવા ના વખાણ કરે… બોલાવો ભુવા ને … એક સાદા કપડા મા એક માળી આવયો …રાજમાતા એ ઓળખયો… હા આ તો કાલ રાત વાળો …. ભુવો … બાપુ બોલ્યા … આ અમારો માળી છે તમને જે ધુણી સુંઘાડી કાલે રાતે .. એ ગાંજા ની હતી … અને સતત એક કલાક તમારા શ્વાસ માં એ જવા થી તમને નશો ચડ્યો હતો રાજમાતા…. અને અમે કોઇ પલંગ તમારી નીચે થી ખસેડયો નો હતો … ખાલી એવો અવાજ કરવા મા આવ્યો હતો.. તમે ગાંજા ના નશા માં હતા … રહી વાત પેલા સ્વામી એ તમને ભુતકાળ ની જે વાત કીધી…. તો એ તો આખા હિન્દુસ્તાન ના બધા રાજા રજવાડા ને તમારી ખબર છે…..
આ વાત એટલે કરી કે રાજમાતા એ જમાના મા બ્રિટન જઇ અને ગ્રેજુએટ થયા હતા … પાછળ થી તેમણે ભારત ની રાજનીતિ મા એક મોટો ભાગ ભજવ્યો હતો…છતા પણ બાવા સાધુ માં ઘુસી જતા.. સૌથી મોટો નશો ધર્મ નો છે… અને એની આદત લાગે એને પછી કોઇ રોકી શકતુ નથી…
સાચા ગુરુ બે અને ખોટા બે લાખ…
સાચા ચેલા ચાર અને ખોટા ચાર કરોડ ….
સંસાર છે … ચાલવા દો …કોઇ ને પ્રાઇવેટ જેટ અને કોઇ ને બે ટંક જમવા ના ફાફા… ભગવાન ને છપ્પન ભોગ અને નોકર ને બે રોટલી….
સાલુ ફરી એક વાર ભગવાન ને વિનંતી … યાર એક વાર તું મોઢુ બતાડી જા … અને કોણ છે તારો એજન્ટ .. ઓથોરાઇઝ કરી નાખ … એટલે મારે કોઇ ને ગાળો ના દેવી….
શુભ રાત્રી
– શૈશવ વોરા