ઙઅષાઢ સુદ બીજ રથયાત્રા …ગુજરાતના મુખ્યમંત્રીની વાર્ષિક પરીક્ષા ..!!
પ્રભુ નગરચર્યા એ નીકળે અને ગાંધીનગર બેઠેલા મુખ્યમત્રીના ધબકારા વધતા જાય … સાલ ૧૯૮૨ પછી તો લગભગ એવું ખરું જ ..ચપ્પા ચપ્પા પર પોલીસ અને આરએએફ ના જવાનો , પોલીસ તંત્રની ઊંઘ હરામ થઇ જાય અઠવાડિયાથી, કોમ્બિંગ ચાલુ થઇ જાય … જ્યાં સુધી નિજ મંદિરે ભગવાન જગન્નાથજી ના પોહચે ત્યાં સુધી બધા ખડે પગે , મીનીટે મિનીટ ના રીપોર્ટ ગાંધીનગર જાય અને સૂચનાઓ આવે …
આજે યાદ નથી પણ કેટલા વર્ષે હું રથયાત્રા જોવા ગયો ..
અમદાવાદી ભાષામાં રથયાત્રા નહિ રથજાત્રા …!! અને એ જ અસલી અમદાવાદી ભાષામાં ચાલવું આગળ તો ..
અલ્યા જોરદાર મજા પડી ગઈ ,બે એની માને હાથી તો ઓછામાં ઓછા વીસ પચીસ ( ખરેખર ૧૪ હાથી હતા )અને ખટારા તો બે સુ યાર આ..યે ..જ જાય …આ..યે જ જાય .. દિમાગ કામ ના કરે ( ૧૨૦ હતા ) અને , બે જનતા તો ખટારામાંથી તો કઈ ચોકલેટો ફેંકે ચોકલેટો ફેંકે ..ખિસ્સા નાના પડે … બોલ એક કાકા તો ઘેરથી થેલી લઇ ને આયા તા .. ખટારે ખટારે ફરે અને મગ ભેગા કર્યા , આખી થેલી ભરી અને મગ ઘેર લઇ ગયા , હાંજે કાકીને કેશે હેંડ લી મગનું શાક બનાઈ કાઢ ..( સાચી વાત છે ) બે પછી તો શું થયું ખબર છે તને લ્યા ..!! અમે તો છે ને ચોકલેટો હામી મારવાની ચાલુ કરી ..ખટારામાં ચડી બેઠા હતા ને એ બધા ટોપાઓને ..બે તું જ કે સુ કરવાનું ખીસા ભરાઈ ગયા , ખઈ ખઇને કેટલી ખાવાની ..?? બોલ તું જ કે …બે પણ એકદમ ઝન્નાટ ખટારા હતા બોસ પગ દુખી ગ્યા ઉભા રહી રહી ને … અને બે પછી તો ખટારા પત્ય ને આખાડા નો વારો આયો … બે ગજબ ના અખાડા હતા, આ ફેરના તો …ઓછામાં ઓછા તીસ ચાલીસ હશે ..( પચીસ એક તો ખરા જ ) અને બે સુ બોડી બિલ્ડરો જોરદાર ..!! કલાક તો ઓછા માં ઓછો અખાડા ની લાઈનો ચાલી ..અને પછી તો બે પેલી ભજન મંડળીઓ , ડોશીઓ નાચે લ્યા કઈ નાચે ….બે ત્રણ તો પેલા માસીબા હતા , અને પછી તો પોલીસો એ સિસોટીઓ મારવાની ચાલુ કરી એની માં ને … અને આપણને તરત જ તો બત્તી થઇ ગઈ કે હવે તો રથ આયા … બે પોલીસ જ પોલીસ ..પેલું જામર વારી ગાડી આઈ પેલા તો , અને પછી બે પેલા ખાલાસીયા આયા દોરડું ખેંચતા ખેંચતા … બકા આપણે તો દોરડું ખેંચી લીધું .. બા કેતા તા કે રથ ખેંચીએ ને તો બધા પાપ ધોવાઈ જાય …ગમે એટલી ભીડ હોત તો સુ થયું હે .. છેકે છેક જઈને હું તો દર્શન કરી આયો લ્યા … બોલ જોરદાર હતી લ્યા … મોજ પડી ગઈ ..!!!
હવે મારી વાત કરું તો ખરેખર આનદ આવ્યો પણ , દુઃખ પણ થયું કે આ શેહર વિસ્તાર મારે છોડી દેવો પડ્યો , કોટની રાંગ પર રમી રમીને મોટા થયા અને આજે એ કોટ પારકો લાગે … કેવી વિડંબના છે …જે રથયાત્રા માટે કલાકો ઉભા રેહતા એ રથયાત્રા અમને બીવડાવતી અને અમે ડરતા થઇ ગયા ,ના નથી જવાનું ગમે તે થાય હો .રથયાત્રા માં …સલામ છે એ લોકો ને જેણે , હજારો વિઘ્નો આવ્યા પણ રથયાત્રા ને ચાલુ રાખી , આજે મને અમદાવાદની એકસો આડત્રીસમી રથયાત્રા જોવા નો મોકો મળ્યો …એક વિચાર એવો આવ્યો શું રથયાત્રા ને ટકાવી રાખવા નો ઠેકો ખાલી શેહરમાં રેહતા લોકો નો જ છે ..?? અમારા જેવા ૮૫ % લોકો તો શેહર ખાલી કરીને ગયા છે …કદાચ હવે સમય આવ્યો છે , જો ભગવાન જગન્નાથ તૈયાર થાય તો શાહપુર દરવાજાથી રથોને બહાર કાઢી અને ગાંધીબ્રીજ પરથી ઇન્કમટેક્ષ અને ત્યાંથી સીજી રોડ સમર્થેશ્વર મહાદેવ થઇ લો ગાર્ડન થઇને સરદાર બ્રીજ પરથી જમાલપુર લઇ જાવ … જાન આવી જશે રથયાત્રામાં … ટણી અને ટસલ તો કરી લીધી આપડે લોહી પણ રેડી લીધું … કડવા દિવસો યાદ નથી કરવા .. પણ સુખ ના દિવસો આવ્યા છે તો ભેગા થઈને અમદાવાદ માણે બસ .. સામૈયા કરવા છે નદીની પાર જગન્નાથજીના .
અને જો આ શક્ય ના બને તો થોડોક ઉભરો કાઢું … શું બધા અખાડા વાળા અને ટ્રાન્સપોર્ટ ના ધંધા વાળા સિવાય કોઈ ના ટેબ્લો કેમ નથી ..?? ક્લબો માં રામકથા કરવાની પણ શેહર ના ઓળખ સામન ઉત્સવ માં પોતાના ટેબ્લો મુકતા એસ જી હાઈવે પરની કલબો નાના બાપની થઇ જશે ..?? નવા પશ્ચિમ ઝોનના જીમવાળાઓ ખાલી રૂપિયા ઘેર જ લઇ જવાના છે તમારે ..?? કોઈ સામાજિક જવાબદારી તમારી કેમ નહિ ..?? જો દેસી અખાડા જો ખર્ચો કરી અને એમના છોકરાઓને પ્રમોટ કરતા હોય રથયાત્રામાં તો એસી જીમવાળા કેમ ખર્ચો ના કરે ..?? બીજું અમદાવાદના કેહવાતા કોર્પોરેટ હાઉસ … હલકટો મુંબઈમાં ગણેશ ઉત્સવમાં કેમ જખ મારીને રૂપિયા આપો છો ..?? કેમ ..?? બાપ બેઠો છે ત્યાં અને અહોયા રથયાત્રા કેમ નોધારી મુકો છે ..?? અમદાવાદ ના સાહીઠ લાખ લોકો માંથી પાંચ સાત લાખ જ કેમ જોડાય છે ..??
સમય છે ફરી પાછું શેહર માં જવાનો , આપણી ઓળખ ને કાયમ કરવાનો , હવે હોશિયારી માં એમ ના કેહતો કે ભગવાન તો મન માં છે .. ટોપા આવું બધું બીજા ને શિખવાડવાનું .. ૩૧મી ડિસેમ્બરે કેવો દારૂ ઢીંચે છે ..!!! હું ત્યારે તને કહું છું નશો તો મન માં છે .. નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ…
ખોટા બહાના છે રથયાત્રા માં ના જવાના અને એક અંદર નો ડર … કઈ થશે તો ..?
ઉતરાયણ અને રથયાત્રા આ બે તેહવારો ફક્ત અને ફક્ત અમદાવાદ ના પોતાના તેહવારો છે … જેનાથી અમદાવાદ ની એક અલગ ઓળખ ઉભી થઇ છે , ટેકનોલોજી ઉમેરાવી જોઈએ …
હું મારી ભૂલ કબુલ કરું છું …!!! આટલા વર્ષો રથયાત્રામા ના ગયા નો ભરપુર અફસોસ …!!!
ફોટા મુકું છું , ઝૂમ કરીને જોજો , મજાના છે ,ફોટા પડાવાની લાહ્યમાં હાથીની સુંઢમાં ભરાતા રહી ગયો .. પોલીસવાળાના ટેન્સ ફોટા , સાધુઓના મસ્ત નફીકારા ચેહરા , પોતાનામાં મસ્ત ભજન મંડળીના બૈરા … ખુલ્લા પગે રથ ખેંચતા ખલાસના છોકરાઓ …એ … ખમા ખમા ..!!!
છેલ્લા સમાચાર પ્રમાણે ગજરાજ નિજમંદિર પોહચી ગયા છે , લક્ષ્મીજી નારાજ છે , મને મૂકીને એકલા તમારા ભાઈબેન જોડે કેમ નગરચર્યાએ જઈ આવ્યા ..?? આજની રાત બહાર રહો … મંદિરના બારણા નહિ ખુલે …ભગવાન જગન્નાથજી મંદિરની બહાર રેહશે આજ ની રાત ….
મોરલ ઓફ સ્ટોરી ઘરવાળીને મૂકીને રખડવા ના જવાય … નહિ તો રાત આખી ઘરની બહાર રેહવું પડે …!!!!!!!!!!!
શુભ રાત્રી