રવિવાર ની સવાર અને છાપા ખોલી ને બેઠા હોઈએ ચા અને ગાંઠિયા કે , કોફી અને ખારી , છાપા માં નજર ફરતી જાય પણ કઈ નવું કે એક્સાઈટેડ વાંચવા ના મળે …. છેલ્લે પેલું જુના જમાના માં ધોતીટોપી વાળા કાકા ની પોળ માં લોકો મશ્કરી કરતા એવું થાય ….
એક ધોતીટોપી વાળા કાકા પોળ માં બહાર ઘર ના ઓટલે બેસી ને રોજ સવારે છાપું વાંચે અને સૌથી પેહલા બીજું પાનું ખોલે ત્યારે છાપા ના બીજા પત્તે શેર બજાર અને બુલિયન માર્કેટ આવતુ પછી છેલ્લે બેસણા વાંચવા નું ચાલુ કરે ..જો કોઈ ઓળખીતું ગયું હોય તો એમને હાશ થાય ચાલો આજે કોઈક તો ઓળખીતું ગયું ….અને તરત જ કાકી ને મોટેથી બુમ મારે … આખી પોળ સાંભળે એમ…..અલી જલ્દી પાણી ગરમ મૂકજે નહાવા માટે ફલાણા ના બેસણા માં જવાનું છે …. અને ના ગયું હોય તો પણ હાશ થાય ….કે આજે કોઈ નથી હાશ ભગવાન ….બસ કઈ ના હોય છાપા માં તો બેસણા ના ફોટા જોઈ ને સંતોષ હાશ કોઈ નથી ….એટલે મારા જેવો ટીખળી ત્યાં થી ચાલતો પસાર થાય અને કાકા ને ટીખળ કરતો જાય કેમ કાકા શાંતિ છે ને …આજે તો કોઈ નથી ને.. બસ ત્યારે આરામ થી નાહજો ધોજો …એમાં ધોજો શબ્દ પર ભાર મૂકી ને મોટે થી બોલે પોળ માં બધા ને સંભળાય એમ ….અને કાકા અડધા ખુલ્લા મોઢે અને થોડી ગુસ્સા વાળી આંખે ટીખળી ની સામે જોવે અને કતરતા ,કતરાતા બોલે …હવે જતો હોય તો જા ને હવે આગળ ….
અમદાવાદી ને છાપા માં મરી મસાલો જોઈએ ….કૈક એવું જોઈએ કે જેના થી એમ લાગે કે હા આમાં મારું કઈ છે ….રેહતો હોય નારણપુરા માં દુકાન હોય ખાડિયા અને સમાચાર છપાય કે રૂપાલી થીયેટર તૂટયું તો એને મજા આવે ….આખો દિવસ રૂપાલી માં ક્યા પિકચર જોયા ત્યાં થી યાદ કરવા માં કાઢી નાખે ….છેક સંતુ રંગીલી થી ચાલુ કરે અને દુકાને આવતા ઘરાકો સાથે પણ આજ ટોપિક સાંજ સુધી ચલાવે …. પેલો ગુમાસ્તો કંટાળે આને તો યાર રોજ કઈ નવું મળી જાય છે ………
પણ આજ કાલ ના ગુજરાતી છાપા માં રવિવાર ની પૂર્તિ એટલી બધી એક્સાઈટ નથી કરતી લેખકો અને વિવેચકો તમને એવું લાગે કે ચવાયેલા ટોપિક ને વાગોળે છે…કદાચ બધા લેખકો ની ઉમર ઘણી વધી ગઈ છે અને નવું સ્વીકારવા ની એમની તૈયારી જતી રહી છે …
નવી ટેકનોલોજી ના આર્ટીકલ તદ્દન અંગ્રેજી છાપા માં થી ઉઠાવેલા અને ભાષાંતર જ હોય તેવું દેખાય અને રતીભાર બુદ્ધિ નો ઉપયોગ ના દેખાય ……
નવા ગુજરાતી ભાષા ના લેખકો ની અછત વર્તાય છે …બક્ષી સાહેબ અને વાસુદેવ મેહતા ખૂટે છે ….તેજ ધાર વાળી કલમ નથી વાગતી …
સરકાર ની વિરૃધ્ધ માં કે લોક નાડ પારખી અને હોબાળો મચાવતા સમાચારો નથી દેખાતા …જોકે મોબાઈલ થી દુનિયા બદલાઈ છે બધું હાથ માં જ ..દર દસ મિનટે એક વોટ્સ એપ આવે સારો કે ખોટો …તમામ સારા ખોટા સમાચાર તરત જ આવે ,જ્ઞાન નો ભંડાર જાણે ગુગલ અને વીકીપીડીયા , જાહેરાતો વાંચવા નો શોખ હોય તો મજા આવે છાપું જોવની , રવિ પૂર્તિ માં નકરી જાહેરાતો અંગ્રેજી છાપા માં મજા પડે જાહેરાતો વાંચવાની …
મને તો ઓનલાઈન છાપા વાંચવા પણ ગમે છે … એ પણ પરદેશ ના … જેને આપણા મોદી સાહેબ કેહે છે ને આઉટ ઓફ બોક્સ જઈને વિચારો … એમ આઉટ ઓફ બોક્સ જઈ ને વાંચો …એમાં પણ રીયલ એસ્ટેટ ની જાહેરાતો જોઈએ તો મગજ ચકરાવે ચડે …સીગપોર ,દુબઈ,કે લંડન માં મકાનો આપણ ને સસ્તા લાગે… …. રાણી એલીઝાબેથ શું કરે છે કે ઓબામા ની લોકપ્રિયતા બહુ ઘટી …આ ડેમોક્રેટ ને અમેરિકા માં બરાક ઓબામા ડુબાડશે આવતા ઈલેક્શન માં …
આવું બધું વાંચવા નું અને આપણે પણ જો ઘરાકો જોડે ચાલુ પડીએ રૂપાલી થીયેટર ની જેમ તો બોસ વટ પડી જાય … અને કલબ માં મોર્નીગ વોક લેતા કાકા ઓ ના ટોળામાં જઈ ને આવા ઓનલાઈન છાપા ના જ્ઞાન વેરતા ફરીએ તો તો … ઓહો…. ઓહો…. ઓહો …. બાપુ…. જોરદાર આઈટમ માં તમારો નંબર લાગે જાય …. જ્ઞાની કેહવાવ તમે ……અને કમિટી માં નબર લાગે પણ શરત એમાં બીજી લાગુ પડે ચમચાગીરી અને ગાડી ચાલીસ પચાસ લાખ ની જોઈએ …
ટૂંક માં કહું તો ગુજરાતી છાપા પાછા થયા છે …
ચાલો નાહવા ધોવા જઈએ … થોડા નાના મોટા બાકી પેન્ડીંગ કામો રવિવાર ના પતાવવા ના છે …
– શૈશવ વોરા