આ જોક વાંચ્યો અને એક સીરીયસ વિચાર આવ્યો … એક જાજરૂ કેટલા લીટર પાણી વાપરે..?સામાન્ય રીતે એક ફ્લશ ટેંક દસ લીટર પાણી બગાડે એક વાર માં , અને એક દિવસ માં એક વાર જાજરૂ સફાઈ માટે ધોવાય એટલે ૨૦૦ મિલીલીટર એસીડ વપરાય અને બે ડોલ પાણી એટલે બીજું ત્રીસ લીટર પાણી વપરાય …અને શેહરો માં પેલું ટોયલેટ ક્લીનર વપરાય …એક જાજરૂ એવરેજ દિવસ માં ચાર વખત વપરાય એવું માની લઈએ…
હવે ગણિત માંડીએ છ કરોડ જાજરૂ વધશે ,કેટલા લીટર પાણી જોઇશે ..? 420કરોડ લીટર ચોખ્ખું પાણી જોઈએ રોજ નું અને ત્રણ લાખ લીટર એસીડ ,એ જાજરૂ ધોવા માં વપરાશે , રોજ નો આખા દેશ માં … પછી એ જાજરૂ વાળું ગંદુ પાણી રોજ નું ક્યાં નાખવાનું ..? એ 420 કરોડ લીટર પાણી અને ૬ કરોડ શૌચાલય માટે ની ગટર ની પાઈપલાઈન કોણ નાખશે ..?? બરાક ઓબામાં …?? ગટર ની પાઈપલાઈન નહિ નાખો તો એ ગંદુ ક્યાં પાણી ખાળ કુવા માં નાખશો …??જમીન બગાડશો ..?? જો સુએઝ ફાર્મ લઇ જઈ ને ટ્રીટમેન્ટ કરો એ પાણી ની તો ..? કેટલો ખર્ચો આવે ..?? ખર્ચો નથી કરવો તો પાણી નાખો નદી માં કે નાળા માં …..પછી ગંગા શુદ્ધિકરણ નું મંત્રાલય બનાવો …અને સાલ ૨૦૩૦ માં શૌચાલય પાણી શુદ્ધિકરણ મંત્રાલય બનાવવું પડશે …
!!!!
જોક માં તો ખાવાની વાત છે , હું તો ખાલી એટલું પૂછું છું કે ભાઈ ભારત દેશ માં રોજ નું 420 કરોડ લીટર પાણી પીવા માટે વધારાનું છે ખરી..? તો ધોવા માટે ક્યાંથી પાણી કાઢશો …? બસ ફીતુર ચડ્યું છે …. છેક મેડીસન સ્ક્વેર સુધી જઈને બોલીયાવ્યા….
સાહેબ અમેરિકા એ નવો બનેલો દેશ છે …! ! તમારો અને મારો દેશ લગભગ ૧૦ હજાર વર્ષ જુનો દેશ છે , અને ઘણી બધી સિસ્ટમો સેટ છે … , તમારે ખાલી મેહસાણીયા અંગ્રેજીમાં બોલવું છે .કમ ..લેટ્સ મેક ઇન ઇન્ડિયા … તગારું મેક ઇન ઇન્ડિયા …. ભૂગર્ભ ના પાણી ખલાસ છે ,એક પછી એક ચોમાસા નબળા જાય છે ..અને નદીઓ સુકાતી જાય છે ..તમારું પર્યાવરણ મંત્રાલય એમ કહે છે કે સરફેસ વોટર વાપરો તો જ નવા ઉદ્યોગો ને પરમીશન મળશે ..!!!! બોલો સરફેસ વોટર લાવવું ક્યાંથી ..?? તમારા છ કરોડ શૌચાલય માટે પણ પાણી નથી મળવાનું , તો ઉદ્યોગો નું પાણી..??
અને પાછા દાઝયા ઉપર ડામ આપો છો છેક પેરીસથી કે , ૬ ન્યુક્લિયર પ્લાન્ટ ફ્રાંસના મહારાષ્ટ્ર માં ઉભા થશે …એક ન્યુક્લિયર પ્લાન્ટ કેટલું પાણી પીવે રોજનું કઈ અંદાજ ખરો કે પછી …. બસ ખાલી બોલ્યા કરવાનું …મિત્રો આપણી હરીફાઈ હવે ચીન અને જાપાન જોડે છે …કેવી રીતે ..?? રાણી નો હજીરો થોડો બનાવવા નો છે ..???એમાં હરીફાઈ કરો ..!!! તો ચાલશો ….
હવે કેનેડા માં પણ સાહેબ માપ રહે છે કે નહિ એ જોવાનું …
શ્રી અટલ બિહારી વાજપાઈ સોરી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાઈ કદાચ સાચા ઠરશે .. ત્રીજું વિશ્વ યુધ્ધ પાણી માટે થશે ….
સાહેબ તમારી વાત સાથે હું એગ્રી કે ભારત ની ૪૦ ટકા વસ્તી ગંગા જમના ના મેદાન માં વસે છે ,અને જો ગંગા ચોખ્ખી થાય અને કલકતા થી ગંગા નદી માં જહાજ તરતા તરતા પટના સુધી પણ આવે તો બહુ ડીઝલ બચે અને નવા ઉદ્યોગો નું સર્જન થાય … અને એ ૪૦ ટકા વસ્તી નો ઉદ્ધાર થાય ,તો દેશ ની જીડીપી ૧૦ ટકા ઉપર એની મેળે આવી જાય … પણ સાહેબ એના માટે ગંગા જમના માં પાણી જોઇશે …!!!! પાણી ત્યારે હશે જયારે હિમાલય પર બરફ હશે …!!!!
આજે ભર ચૈત્ર માં ધોધમાર વરસાદ આવે છે … અને ભાદરવા કોરા જાય છે …
ન્યુકિલયર એનર્જી વિના છૂટકો નથી ,પણ જે કરો તે સમજી વિચારી ને કરજો … આ સુજલામ સુફલામ ધરતી જો સુજલામ ના રહી ને તો સુફલામ પણ નહિ રહે ….
પાણી લક્ઝરી નથી , તમે એની ઉપર ટેક્ષ નહિ લઇ શકો , જનતા મફત જ માંગશે … અને જો તમે એમ માનતા હો કે ભગવાનએ દાંત આપ્યા છે તો ચાવણું પણ આપશે …એમ જાજરૂ આપશું તો પાણી પણ મળશે ….તો તો બોસ્સ લોચો પડી જશે ..!!!!!
કેડ માં અને માથે પીવાના પાણી એકાદ કિલોમીટર દુર થી બેડા પાણી ઘેર ભરી લાવતી સ્ત્રી નો વિચાર કરજો છ કરોડ જાજરૂ બનાવતા પેહલા …!!
પૂરું કરતા પેહલા એટલું ચોક્કસ કહું કે મુંબઈ ના રેલ્વે ના પાટે ચાલતી શૌચ ક્રિયા માટે ની વાત હોય તો શૌચાલય બનાવો એ વાત બરાબર છે .. બાકી દેશના દુર અંતરિયાળ વિસ્તાર માં પેહલા પીવાના પાણી પાઈપ લાઈન થી પોહચાડો , પછી ધોવાનું પાણી ( શૌચાલય ) ,પછી ખેતી ના અને પછી ઉદ્યોગો ના ..
ફાંકા ફોજદારી માપ માં સારી હે બોસ …અને ઘરની વાત ઘરમાં સારી … મેડીસન સ્ક્વેર પર નહિ ..લાલ કિલ્લા સુધી બધું બરાબર ..!!!!
શુભ રાત્રી
શૈશવ વોરા