


આજે રાત્રે ઘણા દિવસે મને સપનું આવ્યું .. મોટે ભાગે મને સપના આવતા જ નથી , રોજ દોઢ બે કલાક જીમમાં તોડાવે ટ્રેનર , એટલે રાત પડે એક ઊંઘે સવાર થાય પણ ક્યારેક સપના આવી જાય …. આજ સુધી જેટલા સપના આવ્યા એ બધામાં એકે યાદ નથી , કોશિશ ઘણી કરી પણ કોઈ જ યાદ નથી રેહતા …પણ આ વાળું તાજું તાજું છે એટલે યાદ છે …
સપનામાં એક મસ્ત જુનો રાજ્મેહલ હતો હું મેહલમાં ફરતો હતો … લગભગ મને ઉમેદભવન પેલેસ હોય એવું લાગે છે ,પણ કાળ સમય કઈ પાછળનો હતો રાજા રજવાડાનો …હું કદાચ કોઈક રાજકુમાર જ હતો ,બીજી કોઈ કલેરીટી નોહતી થતી ….એક સરસ મજાની … મારી જોડે હતી , હા હવે શરમ આવે હો ભાઈ બહુ ના લખાય એના માટે …એનું મોઢું બરાબર ક્લીયર ના દેખાય … પણ હતી ચકાચક .. અમે બને જણા ગાર્ડનમાં ફરતા હતા … હજી હાથ પકડવા જ જતો હતો અને ખબર નહિ શું થયું … આજુ બાજુથી બધા દોડવા માંડ્યા અને બાગ ઉજડી ગયો હું વેરાન રણમાં આવી ગયો …સાવ ચીંથરેહાલ …પેલી ક્યાં ગઈ … એ વિચારું એ પેહલા તો …આ બધું શું થયું ..? મારા છોકરા ક્યાં ગયા ..? મમ્મી પપ્પા ..? ઘરવાળી ..? ક્યાં ગયા બધા ..?? બધાને બહાવરો બનીને શોધું … કોઈ જ ના મળે ત્યાં તો બાજુમાં એક ડાયનાસોર દોડતું આવ્યું અને મને લગભગ ખાવા જતું હતું અને બુમ પડી ….ઉઠ હવે … મોડું થશે પછી ….સાડા સાત થયા ..
બસ સપનાની આજ કમબખ્તી કઈક સારું થવાનું હોય અને ત્યાં જ પછી ધમાલ મચે … અને ધી એન્ડ તો એવો હોય .. !!! ઓ બાપા રે …
એકવાર બધા મિત્રો સાથે બેઠા બેઠા ચર્ચા કરી કે અલ્યા કોઈને સપનાનો મસ્ત એન્ડ આવ્યો ક્યારેય ..??? એક અવાજે ના આવી … આવું કેમ થાય …??દરેક સપનામાં ધી એન્ડ સેડ કેમ હોય છે ..? મોટેભાગે હો ….ક્યારેક માંડ કોઈને હેપી એન્ડ મળી જાય ,પણ મોટે ભાગે તો કઈક ડરાવણું થાય અને આંખ ખુલી જાય …એનાલીસીસ કરું થોડું ..
ભરઊંઘમાં આવતા સપના પર કોઈ જ કંટ્રોલ હોતો નથી બસ થીયેટરમાં બેઠા હોય એમ એક પછી એક ઘટનાઓ બન્યા કરે અને ઇન્વોલ્વ થતા જ જાવ ,પણ તંદ્રા અવસ્થાના સપના પર થોડો ઘણો કંટ્રોલ આવે ,જયારે ભરઊંઘના સપના પર ગમે તેટલી મેહનત કરીએ , પરસેવે રેબઝેબ થઇ જઈએ તો પણ કંટ્રોલ નથી થતો …
એક ફિલ્મી સપનાની વાત કરું છું તો એક સપનું મને બહુ ગમે છે રાજ કપૂરનું સપનું… આવારા પિકચરનું … હિન્દુસ્તાનનું પેહલું ડ્રીમ સોંગ … ઘર આયા મોરા પરદેસી ..પેહલું હિન્દી સિનેમા જગતનું પડદા પરનું ગીત જે સપનામાં ગવાયું .. શૈલેન્દ્રનું લખેલું , પણ એમાં આવું જ છે …નરગીસ રાહ જોતી ઉભી હોય રાજ કપૂર આવે , હજી મળ્યા ના મળ્યા ત્યાતો જુદા , માંડ કરીને જ્યાં નરગીસ પાછી આવે ત્યાં પેલો મોટો રાક્ષસ મારી નાખવા આવી જાય …અને બને છુટા પડી જાય ..!!
એટલે મને લાગે છે રાજ કપૂરને પણ સપનામાં તો છેલ્લે સેડ એન્ડ જ આવતો હશે …..ચાલો માન્યું કે ભરઊંઘના સપનાના ધી એન્ડ મોટેભાગે સેડ હોય પણ જાગતી આંખે જોયેલા સપના ..??
ક્યારેક એ જાગતી આંખે જોયેલા સપના ,બહું જ મનભાવન હોય છે , જયારે એને પામવાની બધી જ મથામણ કરો ,અને છેલ્લે તો ઠેર ના ઠેર આવો … અને એ જાગતી આંખના સપના તૂટે ત્યારે ..???
જાગતી આંખના સપના ટીનએજ અને એનાથી થોડા આગળ લગભગ પચ્ચીસ છવ્વીસના થાય કે હણહણતો ઘોડો ખીલે ના બંધાય ત્યાં સુધી બહુ ઇન્ટેન્સીટીથી દરેક ઘોડો જોતો હોય છે , મારા એક નાના જીમના ટેણીયા મિત્ર ,આમતો ટેણીયો ના કેહવાય એ બાવીસ વર્ષનો છે ,પણ મને એક દિવસ કઈક વાત નીકળી તો મારો બેટો મને કહે અરે શૈશવભાઈ તમે શું જાણો ખાલી પડેલી બાજુની પથારીનું દર્દ ….બોલો હવે મારે એને શું કેહવું ..?? બકા એ દર્દ તો ખરેખર….લખું આગળ …ના ના ચાલશે … મને લાગે છે મોટાભાગના મારા જેવા બધાજ , જે એક જમાનામાં જે હણહણતા ઘોડા હતા અને પછી એક દિવસ એવો આવ્યો અને ચડી બેઠા ઘોડી પર અને પાછા ગધેડા થઈને આવે એ બધે જ બધા લોકો … આ વિષય પર પાને પાના ભરીને લખી શકે …એટલે હું માંડવાલી કરું છું..
બેક ટુ પોઈન્ટ … એ સત્તરથી પચ્ચીસ વર્ષની ઉમરે ઊંઘતા ,જાગતા ઘણા સપના આવે ,પણ તકલીફની શરૂઆત ત્યારે જ થાય જયારે જાગતા જોયેલા સપના નજર સામે ચૂરચૂર થાય , અને પછી જે અભાવ આવે દુનિયા પ્રત્યે કે ના પૂછો ને વાત … બહુ પ્રેક્ટીકલ કે થોડો બે ચાર વખતનો રીઢો અનુભવી હોય તો જાગતા સપનામાંથી વેહલો બહાર આવે બાકી ઈમોશનલ હોય તો થયું.. બિચારો કે બિચારી રડી રડીને અડધા ..અને કોઈ કવિ થઇ જાય …કોઈ લેખક થાય .. ઘણા કેસમાં આખી કેરિયરની પથારી ફરે…મારા જેવો પાછો સાંત્વના આપવા જાય અને પછી પાર્ટી જે લોહી પીવે .. જિસ કે લી સબ કો છોડા ઉસીને મેરે દિલ કો તોડા …
પછી મારાથી બહુ સહન ના થાય તો હું તો એને મુકેશના રવાડે ચડાવું … એટલે જાગતા સપના જોવાની દિશા જ આખી બદલાઈ જાય ..મુકેશ કે દર્દ ભારે નગ્મે.. સોરી ,મુકેશ કે દર્દ ભરે નગ્મે .. આમ તો મુકેશના ગીતોમાં દર્દ બહુ ભારે જ હોય છે …જબ દિલ હી તૂટ ગયા ..આ.આ.આ.અ.આ… બસ પછી તે જાય આગળ ને આગળ , ગાયા જ કરે અને જોયા કરે સપના .. તેરી યાદ દિલ સે ભુલાને ચલા હું .. કે ખુદ અપની હસ્તી મિટાને …જ્યાં સુધી કોઈ નવું સેટ ના થાય ત્યાં સુધી .. નવું આવે એટલે બદલાય હમ તો તેરે આશિક હૈ સદીઓ પુરાને ….ત્યાંથી પેહલા પેહલા પ્યાર હૈ ..પેહલી પેહલી બાર હૈ … હું પાછો સળી કરું .. તો બકા આની પેહલા હતું તે એ શું હતું … અરે એ તો એક સપનું હતું ભૂલી જવાનું દોસ્ત … હકીકત તો આ છે , આજ વાળી …!!! લે બસ થયું ત્યારે … આવા દિવસો હોય છે જાગતી આંખના સપનાના …
બાકી ક્યારેક એવું લાગે છે કે જીંદગી આખી એક સપનું છે અને સપનાની જેમ ફટાફટ જાય છે ,ક્યારેક સુખ ના દા`ડા ટૂંકા લાગે અને દુઃખ ના લાંબા .. પણ જતા રહે છે.. !!!!
અને જયારે પેલી સ્મશાનની ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું શટર ઘડધડ કરતુ બંધ થાય , મરઘટીયો બુમ મારે ચાલો બધા પાછળ હટી જાવ ,અને ચીમની ધુમાડો ઓકવાનું ચાલુ કરે ..ત્યારે ખરેખર લાગે કે એક સપનું હકીકતનો આકાર લઈને પાછું સપનું થઇ ગયું ….!!!!!
સુપ્રભાત
શૈશવ વોરા