સીતા રામ કે રામ સીતા …??? મને ક્યાંક આવો સવાલ પૂછવા માં આવ્યો હતો …..એટલે મેં કીધું ભાઈ ફોડ પાડો વાત નો…. શી વાત કેહવા માંગો છો ? એટલે એ ભાઈ એ મને પૂછ્યું તમારા પત્ની નોકરી કરે છે ..? મેં કીધું હા …એમની આવક વધારે કે તમારી ..? મેં કીધું મારી … તો તો પછી તમે રામ સીતા કેહવાવ….. હવે સીતા રામ કોને કેહવાય એ સમજવા ની મારે જરૂર ના રહી …..
પણ ઘણા બધા કેસ માં મેં સીતા રામ જોયા છે … સીતાજી લગન વખતે ચોથા ફેરા માં આગળ થાય પછી બિચારા સીતાજી છેક લાકડા ભેગા ના થાય ત્યાં સુધી આગળ ને આગળ રેહતા હોય છે ….એમના રામજી કમાવા થી લઇ ને ઘર ચાલવા ની કોઈ જ જવાબદારી લેતા નથી હોતા ..શાંતિ થી સીતાજી ની પાછળ પાછળ ટેહલતા હોય…….તમારી આજુ બાજુ નજર કરજો ….બે ચાર સીતા રામ તમને પણ મળશે ….અને ખરેખર સીતા ની તમને દયા આવશે ….પાછો રામલો એવો ટણીબાજ હોય ….ને ઘેર બેઠો કેન્ડી ક્રશ રમે પણ નોકરી ધંધો ના કરે … અને ઉપર થી સીતા પર ધોંસ જમાવે ….
હું ક્યારેક મજાક માં એક શબ્દ નો પ્રયોગ કરતો હોઉં છું ….બૈરા બે પ્રકાર ના હોય છે … એક રાંધી ને ખવરાવે અને બીજો પ્રકાર કમાઈ ને રાંધી ખવરાવે ….સીતા રામ માટે આ શબ્દ પ્રયોગ બરાબર છે …પણ સાચું કહું દિલ માં કઠે છે …જયારે સ્ત્રી પુષ્કળ મેહનત કરતી હોય સવારે પાંચ વાગે ઉઠે પોતાનું અને વર છોકરા નું જમવાનું બનાવે …ટીફીન લઇ ને આઠ વાગે નોકરી જાય પાંચ વાગે ઘરે પછી આવે અને રાત નું જમવાનું બનાવે …છોકરા ના હોમવર્ક અને ભણવા નું જોવે અને રાતે દસ વાગે રસોડું આટોપે અને પથારી માં પડતા પેહલા એલાર્મ મુકાયો કે નહિ તેની ચોકસાઈ કરી લે …આવી એકલે હાથે ઝઝુમતી સીતા નો રામ જો ખભે ખભા મિલાવી ને સીતા જોડે ના ઉભો રેહતો હોય ……આર્થિક ,સામાજિક ,શારીરિક ,અને માનસિક રીતે તો એવા રામ ને શું કેહવું …. એકજ શબ્દ લાગુ પડે ” હરામી” …અને એની આ વૃત્તિ ને “હરામખોરી “ કેહવાય ….. નાનપણ થી જ પેલી ચકા અને ચકી ની વાર્તા આવે ચકો લાવે ચોખા નો દાણો અને ચકી મગ નો દાણો ..અને ચકી એ બનાવી ખીચડી…જોકે પ્રાણી સૃષ્ટિ માં મુખ્યત્વે નર આળસુ હોય છે …પણ જયારે કોઈ પણ સંકટ આવે ત્યારે કમ્પ્લીટ જવાબદારી નર ઉપાડે અને લઢે અને માદા, બાળકો ને સુરક્ષા પૂરી પડે છે …..
પાશ્ચાત્ય જગત માં સીતારામ કે રામસીતા નું મહત્વ થોડું ઓછુ છે કેમકે ત્યાં રામસીતા બંને ને ઘણા બધા ચાન્સ રેહતા હોય છે ….તમને નથી ફાવતું તો સહન નહિ કરવા નું કાલ થી નહિ આજ થી જ છુટ્ટા …. પણ આપણે એ વસ્તુ હજી બહુ ઓછી જોવા મળે છે …. અને એમાં પણ જો છોકરા થઇ જાય તો તો બસ પત્યું ….. પડ્યું પાનું નિભાવે જ છૂટકો … કોઈ જ ઓપ્શન નહિ …. સિંગલ પેરેન્ટિંગ બિલકુલ રેર …. અને પાછો સામાજિક સપોર્ટ તો સિંગલ પેરેન્ટ ને બિલકુલ નહિ ….પણ શું વાંક કે ગુન્હો બિચારી સીતા નો ..? એની પોતાની સ્માર્ટનેસ થી આગળ આવી અને પોતાની કેરિયર બનાવી આવક વધી એટલે રામ ઢીલા પડયા ટણી વધતી ગઈ અને ધીમેધીમે ઘેર બેઠા ….કામ ના કરવા ની વૃત્તિ વધતી ગઈ …અને પાછો રામજી હોય કેવો..? તો કહે ……રંગે રૂડો રૂપે પૂરો દીસંતો કોડીલો કોડામણો ….બાપડી સીતા ગીત પૂરું કૈક આવી રીતે કરે પછી …તારી માતા એ કેટલા જન્મ્યા …. મારે માથે કેમ તુ આવીયો …..
ગઈ કાલે એક સુંદર કિસ્સો સંભાળ્યો ….. એક પંચાલ કાકા હતા … નરોડા ચાલી માં રેહતા …ખુબ નાનપણ થી લેથ મશીન ચલાવે … કાકી ઘર ચલાવે … કસર કરી પેટે પાટા બાંધી ને કાકા કાકી એ દીકરા ને ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો કાકા એ તનતોડ મેહનત કરી અને કાકી એ કરકસર કરી ….દીકરો મહીને લાખ કમાતો થયો …સારા ભાવ અને અર્થ માં દીકરા એ બાપ ની નોકરી છોડાવી … તમે બહુ કામ કર્યું અમારા માટે જીવન માં ઘણો ભોગ આપ્યો હવે તમે રીટાયર ….શાંતિ થી ભોગાવો …પણ પંચાલ કાકા …દીકરો નોકરી જાય પછી દીકરા થી છાનામાના પોતે પણ નોકરી જાય લેથ મશીન ચલાવે ….શેઠ ને કીધું રોજ કલાક મોડો આવીશ અને વેહલો ઘેર જઈશ …..મારો દીકરો નોકરી જાય પછી હું આવીશ અને એ ઘેર આવે તે પેહલા હું પાછો ઘેર …..કાકી ને એકલા ને ખબર ઘર માં કે કાકા નોકરી એ જાય છે …. દીકરા ને ખબર પડે તો નોકરી છોડાવી જાય ,એટલે પગાર તો છોકરા ને અપાય નહિ… નહિ તો પાછી છોકરા ને ખબર પડી જાય કે બાપા નોકરીએ જાય છે ….એટલે પગાર માંથી સોનું લઇ ને દીકરા થી સંતાડી ને કાકી ને આપે … કામ ના કરું તો હાડકા હરામ ના થાય ….મર્યા ત્યાં સુધી છાનામાના કામ કર્યું … અને પચાસ તોલા સોનું ભેગું કર્યું …દીકરા ને આપતા ગયા અને કેહતા ગયા ગમે તેટલા પૈસા કામજે પણ કામ ના છોડીશ બેટા …. ચોધાર આંસુડે દીકરો રડતો રહ્યો અને બાપ ની વાત સંભાળતો રહ્યો ….અને કાકા ની પાછળ બે મહીંના માં કાકી પણ પરધામ જતા રહ્યા ….સીતા રામ કે રામ સીતા ….??
દોસ્તો કઈ જ નહિ એક બીજા માં એકાકાર જીવન તકલીફો અને મુસીબતો સાથે વેઠી ….તમે કમાવી લાવો હું બચાવી જાણીશ ……ખૂટશે તો નાનું મોટું હું કરીશ અને બે પૈસા હું પણ જોડીશ …..તુ થાકીશ ત્યાં હું ખેચીશ….થાકી છું તો રસોઈ ના બનાવતી .. હુ મેગી બનાવી કાઢીશ …ચલ તને પૂરી તળાવી દઉં …આજે મેહમાન વધારે છે ..નહિ પોહચી વળે તુ એકલી… અને એકમેક માટે જીવવા નું ….કોઈ લક્ષ ને સાધવાનું છે….સામનો કરવા નો છે જીવન નો ……પાર ઉતારવા નું છે …
બસ આવી એક ભાવના જાગે પછી બધું એકાકાર થાય અને વગર કીધે કે બોલે એકબીજા ની વાતો સંભળાય અને સમજાય…..
અને પછી આવા દામ્પત્ય જીવન ને જોઈ ને જગત આખું બોલી ઉઠે અને બુમ પાડે બોલ સિયા વર રામચંદ્ર કી જય …..
ના સીતા ના તો રામ કોઈ આગળ નહિ અને કોઈ પાછળ નહિ ….બધુજ એક ….
તુ ને હું ..હું ને તુ …
બસ જન્મારો સફળ …
– શૈશવ વોરા