ઇન્ડસટ્રીયલ સેફટી
દોસ્તો ભયાનક ફોટા છે આ .. મેં જાણી કરીને બ્લર કર્યા છે … બ્લોગ પર અસલી ફોટા છે …એક જીવન કેટલા દર્દ સાથે સમાપ્ત થયું .!!! પ્રભુ તને પ્રાર્થના કે આવું દર્દનાક મોત કોઈ ને ના આપ ..!!! એક અંકલેશ્વર ની ફેક્ટરી માં બ્લાસ્ટ થયો અને ત્રણ જીવ ગયા એની આ તસવીરો છે ..મહાદેવ આ જીવ ને શાંતિ અર્પે …
મારા એક વોટ્સ એપ ના ગ્રુપમાં ચર્ચા ચાલી … ગુનેગાર ને ફાંસી આપો .. પણ ગુનેગાર કોણ ..? ઇન્ડસટ્રીયલ સેફટી નું શું ..? અકસ્માત થાય ત્યારે કોને ગુનેગાર ગણવો ..? મોટી ફેક્ટરી ના માલિકને ..? મેનેજર ને ? કે સુપરવાઈઝર ને ..? કે ઓપરેટર ને ..? કે પછી કામદાર ને ..?આટલા બધા નામ એક સાથે લીધા …
હવે એક એક જણ ની જવાબદારી અને મળતા ફાયદા અને હક્કો જોઈએ ..અને ઇન્ડસટ્રીયલ સેફટી આમાં ક્યાં છે ..એ શોધીએ ..
માલિક .. એક દોરી લોટા સાથે આવ્યો હતો ,અને કરોડો કમાયા …મેં તો ઇન્ડસટ્રીયલ સેફટી ના બધા જ સાધનો લાવી ને આપ્યા ,પણ માણસો ધ્યાન ના રાખે હું શું કરું ..?મારી ફેક્ટરી બંધ થશે તો મને ફેર નહિ પડે આ પાંચસો માણસો નું ઘર કોણ ચલાવશે ..? મારી દવા વિના ખેતરો માં આટલો પાક નહિ ઉતરે .. આ સવાસો કરોડ ની વસ્તી ને ખવડાવશો શું .. ? મારી જેમ એક પછી એક, તમે બધા કારખાના બંધ કરાવશો તો આ તંત્ર કેમ નું ચલાવશો..?
મેનેજર .. મને જે બજેટ મળે એમાં બધું સેટ કરું .. મારો પગાર સુપરવાઈઝર નો અને કામ મેનેજર નું જેટલી ઇન્ડસટ્રીયલ સેફટી રખાય એટલી બધી જ છે .. પણ મારી નીચેના માણસો સમજતા નથી …પગાર વધારો માર્કેટિંગ વાળા લઇ જાય ..સાંજે છ વાગે આખી ફેક્ટરી ઘેર જાય, મારે સવારે આઠ વાગે આવવા નું અને રાતે આઠ વાગે જવાનું …..દુનિયાભર ના પ્રેશર મારે માથે જ આવે .. ઇન્ડસટ્રીયલ સેફટી ના દર વર્ષે ઓડીટ આવે અને મેથી મારીને જતા રહ્યે છે …
સુપરવાઈઝર … ઉપર નું મેનેજમેન્ટ કઈ સમજતું જ નથી બસ કામ કામ ને કામ બીજી કોઈ વાત જ નહિ માણસો પુરતા આપતા નથી, ઓપરેટર આવે તો કારીગર ના આવે ,અને કારીગર આવે તો ઓપરેટર ના આવે , બસ એક જ વાત પ્રોડક્શન કાઢો .. ઇન્ડસટ્રીયલ સેફટી ..?? એટલે શું ? આ હેલ્મેટો પેહરીયે છીએ ને .. અને માસ્ક બાસ્ક પેહરી ને કામ કરવું ના ફાવે આ ગરમી માં … એ સ્ટોર રૂમ માં બધી કીટો પડી …ઘણી ઈમરજન્સી આવી અને ગઈ ,કઈ ના થાય ….
ઓપરેટર ….ભાઈ અમે તો બારમું ધોરણ પાસ છીએ આ ઇન્ડસટ્રીયલ સેફટી ના મોટા મોટા સેમિનારો માં અમને લઇ જાય પણ અમને કઈ ના ખબર પડે, પ્લાન્ટ ના ફ્લોર પર આ ગરમીમાં કામ કરવા આવો તો ખબર પડે ….,કારીગર ની જાત જોડે કામ કેમનું લેવું ..? ઉપરવાળા બધાને તો એસી માં બેસીને હુકમો છોડવા છે …આઠ ની બદલે બાર બાર કલાક અમારે કામ કરવા ના …પુછ્ડા માં પેઠા આ ઓવર ટાઈમ ના પૈશા ….
કારીગર … અમારી હામું સુ જોવો છો ..?આખી ફેક્ટરી ના બધા જ મીટરો અમારે જ હાચવવા ના ..નહિ તો થાય ધડાકો , અને મરીએ અમે જ …, અમારા માં અને ઢોર માં ફેર શું ..? દાંડ વેડા ના કરીએ તો શેઠિયા અમને ચૂસી લે .. મોટા મોટા સાધનો લાવે પણ એ પેહરી ને કામ કરતા ના ફાવે , એકવાર એ બધું પેહરી ને કામ કરો તો તમને ખબર પડે …
છેલ્લે ફરી ફેક્ટરી માલિક ….. આ ઇન્ડસટ્રીયલ સેફટી ના સાધનો કટાઈ ગયા ત્યાં સુધી વાપર્યા નહિ અને હવે સરકારી નિયમ પ્રમાણે હું નવા લાવીશ તો .,બધો આખા વર્ષ નો નફો એમા જ જશે … જેમ ચાલે છે એમ ચાલવાદો .. આજ માલ મને પચીસ ટકા સસ્તો ચાઈના આપે છે , ઈમ્પોર્ટ કરીને વેચીશ તો વધારે કમાઇશ અને આ બધી માથાકુટો નહિ રહે….
જોયું જયારે કોઈપણ ફેક્ટરી માં અકસ્માત થાય ત્યારે એકપણ માણસ આ લીસ્ટ માનો જવાબદારી લેવા તૈયાર થતો નથી ..!! ભોપાલ કાંડ માં હજી કોઈ ને સજા થઇ નથી …
ફેક્ટરી ચલાવવા માટે તમારે જરૂર પડી તેમ તેમ નવા માણસો નવા હોદ્દા ઉભા કર્યા , લાયેઝન ઓફિસર ,એચ આર ઓફિસર ,લેબર ઓફિસર … વગેરે વગેરે પણ આટલી મોટી ફેકટરીઓ ઉભી થઇ પણ કોઈ પણ ફેક્ટરી માં તમે સેફટી ઓફિસર જોયો ..? ચોકીદાર વાળો નહિ … જે ફેકટરી ની અને એના માણસોની અને પબ્લિક સેફટી નું ધ્યાન રાખે એવો …કેમ ..????? સરકાર ઇન્ડસટ્રીયલ સેફટી ઓફિસર રાખવો ફરજિયાત નથી કરતી ..? જરૂર છે અત્યારે કોઈ જવાબદાર ઇન્ડસટ્રીયલ સેફટી ઓફિસર ની ….. કોઈ પણ અકસ્માત માટે એ ઇન્ડસટ્રીયલ સેફટી ઓફિસર જવાબદાર રેહશે …સેફટી ઓફિસર નું કીધેલું ,જો કોઈ ફેકટરી નું મેનજમેન્ટ કે માણસો એને ના ગાંઠે તો સીધો સક્ષમ સરકારી અધિકારી ને રીપોર્ટીંગ કરે…. થોડું ધાક અને જબરજસ્તી જરૂરી છે.. અકસ્માત એ અકસ્માત છે ,પણ એને સમયસર ધ્યાન આપવા માં આવે તો ચોક્કસ રોકી શકાય છે ..
હું ફેક્ટરી બધ કરી દઈશ એવી પોકળ ધમકી ને વશ થવું એના કરતા થોડું કડક થવું સારું છે… આ એકવીસમી સદી ચાલુ થઇ ગઈ છે … માણસ ની કિંમત વધારે છે આ જમાના માં …અને એ સારી વાત છે .. જુના જમાનામાં એક એક યુદ્ધ હજારો જીવ લઇ ને જતા … નકરી મમત હતી એક ઈગો હતો અને લડાઈઓ લડાતી .. એક જીદ માટે લાખો માણસો કુરબાન થતા ..હવે અત્યારે કઈ જીદ છે .. ?? ફેક્ટરી માલિક ની ..? એક હદ થી વધારે કોઈની પણ જીદ , માલિક ની કે કોઈ માણસ ની જીદ ચાલી શકે તેમ નથી…
દરેક સવાલ નો જવાબ એક જ છે જવાબદારી નક્કી કરો …અને જવાબ આપવો પડે એનું નામ જવાબદારી … છટકબારી બંધ કરો બધી બાજુની …..
ઇન્ડસટ્રીયલ સેફટી રાખવી પડશે … સાધનો વાપરવા પડશે … જુના થાય તો નવા લાવવા પડશે …ખાલી નામ ના સેફટી ઓડીટ નહિ ચાલે ….
અસ્તુ
શૈશવ વોરા