ઉપર નો મેસેજ મિત્ર કુમાર પંડ્યા પાસે થી આવ્યો ….
મારું મગજ વિચારે ચડ્યું , આ પાણી નો ધંધો તો મારે પણ કરવો હતો … એશી ના દાયકા ના છેલ્લા સમય માં એક આખો પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કર્યો હતો , મિનરલ વોટર ની બાટલી ભરી ને વેચવાનો …
એકલી બિસ્લેરી માર્કેટ માં હતી અને જનતા હજી વોટર બેગ જોડે બાંધી ને ફરતી હતી …. લગભગ બધું ફાઈનલ હતું અને મગજ હજી તૈયાર નોહતું થતું કે દસ રૂપિયા નું લીટર પાણી લેશે કોણ ..?? બસ ત્યાં આવી ને અટકી જતો …. પીઈટી ની બોટલ , રીવર્સ ઓસ્મોસીસ પદ્ધતિ થી શુદ્ધ પાણી કેમ બને , એ બધું તૈયાર હતું ખાલી માર્કેટ શોધવાનું હતું , એના માટે … મારી પિસ્તાલીસ વર્ષ ની જિંદગી માં આખો ભારત દેશ હું એક ટુરિસ્ટ તરીકે ચાર વખત રખડ્યો છું, પાણી ના જગ થી લઇ ને માટલા ના ચકલી ના,નળ ના ,કેટલા પાણી પીધા …કેહવત વાપરવી હોય તો ચોક્કસ કહું કે ઘાટ ઘાટ ના પાણી પીધા …પણ કશું ના થયું ..
મિનરલ વોટર ની બાટલી વેચવા માટે રેલ્વે ના બે ચાર અધિકારી ને પટાવવા ની કોશિશ કરી .. ત્યારે … એવું મગજ ચાલ્યું કે ભારતીય રેલ્વે માં ઘૂસ મારીએ અને ત્યાં મિનરલ વોટર ની બાટલી વેચતા થઇ જઈએ ,બસ સાત પેઢી તરી જાય ….પણ એક રોજ ગુજરાત એક્સપ્રેસ માં અપ ડાઉન કરતા ફેમીલી ફ્રેન્ડે કીધું ગાંડો થયો છું તારી દસ રૂપિયા ની બાટલી લેશે કોણ ટ્રેન માં ..?? સ્ટેશને સ્ટેશને ઠંડા પાણી ની પરબો છે .. અને પેલી પાણી પીવડાવવા વાળી દસ પૈસા માં પાણી પીવડાવે છે …હા ભાઈ ત્યારે દસ પૈસા જીવતા હતા ……
અને એ સલાહ ખરેખર મગજ માં ઉતરી ગઈ… નાના માં નાના સ્ટેશને પાણી ની પરબો હતી,અને યાદ કરું તો દરેક જગ્યા એ પીવાનું પાણી મફત મળતું અને એનાથી મોટી વાત એ હતી કે લોકો સંપૂર્ણ વિશ્વાસ થી મફત મળતું એ પાણી પીતા હતા … અત્યાર ના જેવું અવિશ્વાસ નું વાતાવરણ નોહતું પાણી માટે …..
મને તો એવું લાગે છે કે માણસ નો માણસ પર વધતા અવિશ્વાસ નું મોટું કારણ પાણી છે… કુદરતી રીતે મળતા પાણી ઉપર ભરોસો જ નથી .. એ કુદરતી રીતે મળતું પાણી પીએ તો માંદા પડી જઈએ ,વચ્ચે ફિલ્ટર કે આરઓ ઘુસાડ્યું … પ્રોસેસ થાય પછી જ પાણી પીવાનું …..
કદાચ વિચારો નું પણ એવુ જ છે , કુદરતી રીતે આવતા વિચારો ને પેહલા ફિલ્ટર કરીએ અને પછી એને આર ઓ કરીએ … બસ પત્યું …પાણી ની જેમ દરેક વિચાર નું કુદરતી તત્વ આપણે ખતમ કરી નાખ્યું …પછી શું પરિણામ આવે ….????
પાછો પાણી અને પરબ પર આવું ….હજારો વર્ષો થી પાણી ઉપર આપણા દેશે પૃથ્વી પર વસતા તમામ જીવો નો પાણી પરનો એક સરખો અધિકાર સ્વીકાર્યો છે …પશુ પક્ષી બધા નો પાણી પર એક સરખો અધિકારછે એ વાત આપણે ખુબ સહજતા થી સ્વીકારી લીધી છે ….પાણી માટે કોઈ પણ પ્રકાર નું કોઈએ પેમેન્ટ નથી કરવા નું …કોઈએ .. તો પછી આ મિનરલ વોટર ની જધામણ ઘુસી ક્યાંથી …???
વાર્તા ની શરૂઆત થાય છે કોકા કોલા ના ભારત માં આગમન થી …યાદ કરો પાર્લે પ્રોડક્ટ્સ ત્રણસો કરોડ માં વેચાઈ …થમ્સ અપ ને કોકા કોલા ગળી ગઈ …અને પાર્લે વાળા ચૌહાણ નવરા પડ્યા .. એમણે બિસ્લેરી નામ ની ઘો ઘાલી …બીજું કોકા કોલા ની પાછળ પેપ્સી આવી …અને નખ્ખોદ વળ્યું …
કોક અને પેપ્સી વાળા ને એમના ડ્રીંક વેચવા હતા … પાંચ રૂપિયા માં… પણ એમને નડતી હતી પેલી પાણી પીવડાવવા વાળી બાઈ .. જે દસિયા માં પાણી પીવડાવતી હતી અને પોતાનું પેટીયું રળતી અને લોકો ની આંતરડી ઠારતી … .અને ચૌહાણ ને પણ …જાહેરાતો નો મારો ચાલ્યો .. શુદ્ધ પાણી ..નો બોટલ નું પાણી શુદ્ધ … બહુ જ સમજણ અને ધ્યાનપૂર્વક આખું કેમ્પેઈન ચાલ્યું …આપણે ત્યારે જે પીતા હતા એ પાણી ને અશુદ્ધ નોહતા કેહતા એ લોકો … ખાલી એમના પાણી ને એમણે શુદ્ધ કીધું …ભારતીય માનસિકતા ને એકદમ સમજી ને કેમ્પેઈન ચાલ્યું .. જો એ લોકો એ ભૂલ કરી હોત અને એવું કીધું હોત કે તમે ભારતીયો ગંદુ પાણી પીવો છો , એમ કેહવાની ભૂલ થઇ હોત ,તો તો તમે અને મેં એમને ઉખાડી ને ફેંકી દીધા હોત .. પણ હોશિયાર નીકળ્યા એ લોકો , તમને અને મને કશું કીધા વિના મગજ માં ઘાલ્યું કે એમનું પાણી શુદ્ધ …..બસ .. બાટલી ઘુસી .. અને પછી એક ની પાછળ આખું ગામ દોડયું … ફેશન ચાલી ઘરો માં આર ઓ નાખવાની …અને બાટલા અને બાટલી ઘુસી …હકીકત એ છે કે સારા માં સારો રસ્તો પાણી ઊકાળી ને પીવા નો છે … જૈન બનો કાચું પાણી નહિ પીવાનું … કશું આર ઓ ની જરૂર નથી..!!!
બીજી એક વાત કરું … મારા ઘર ની બાજુ માં એક હોટેલ છે,બહુ મોટી ચેઈન છે … થોડાક વર્ષો પેહલા એમાં એક ભયાનક આગ લાગી હતી ત્યાં … ચાર ફાયર ફાઈટર કામે લાગ્યા હતા … પેહલો સગો પાડોશી .. એ ન્યાયે મેં ફાયર બ્રિગેડ ને ફોન કરી અને બોલાવ્યું ..દસ્તુર સાહેબે લોકલ માણસ કોણ એમ બુમ મારી ..? હું એમની સાથે ફાયર બ્રિગેડ પર ચડ્યો અને ભૂગોળ સમજાવી થોડીક સેકંડ માં અને લગભગ કલાક ની જદ્દોજહ્દ પછી બધું ઠર્યું …હોટેલ ચેઈન ના માલિક આવી ગયા ..ફાયર બ્રિગેડ નો સ્ટાફ પણ થાકી ગયો તમાશો જોવા આવેલા લોકોને પોલીસ એ મારી અને હટાવ્યા ..રાતના એક વાગ્યો … મારા સોસાયટી ના ઘરો માંથી થી ફાયરબ્રિગેડ અને બીજા થાકેલા લોકો માટે ચા નાસ્તો મંગાવ્યા….. થાળીઓ ભરી ને ચા નાસ્તા આવ્યા …આખી હોટલ બરબાદ થઇ ગઈ હતી ..મારો જોઇને જીવ બળતો હતો …મેં એ મોટી ચેઈન ના માલિક ને સાંત્વના આપવાની કોશિશ કરી ….
પણ હોટેલ માલિકે કીધું ,સાહેબ અમારો આજ અંજામ આવે … કુદરત અમને મોત પણ સારું નહિ આપે , મેં કીધું ભાઈ એવું ના બોલો ભાઈ બધું સરખું થઇ રેહશે …. જવાબ વાળ્યો એમણે ના સાહેબ ના અમારી હોટલ વાળા ઉપર તો ઈશ્વર હમેશા નારાજ જ હોય …અમે તો ખાવા ના પૈસા લઈએ છીએ …જગતમાં ખાવાનું વેચવા થી મોટું પાપ બીજું કોઈ નથી … તમે કોઈ સુખી હોટલવાળો સાત પેઢી સુધી રૂપિયા વાળો જોયો ..? ખાવા નું વેચો ને તો નર્ક માં જ જવું પડે .. અમે તો આ દોજખ ના જ હક્કદાર છીએ … હું અને દસ્તુર સાહેબ સંભાળતા રહ્યા …..
દોસ્તો ખાવાનું વેચો તો દોજખ મળે તો પાણી વેચીએ તો ક્યાં નર્ક માં જગ્યા મળે ..??
પ્રભુ તારો આભાર મને બચાવી લીધો ….
સુપ્રભાત
શૈશવ વોરા