આજ ની વાત થોડી લાંબી લાગશે .
સાલ ઓગણીસો એકાણું આવો જ એપ્રિલ નો મહિનો સમય બપોર ના અગિયાર
આજુબાજુ નો , રાગ કેદાર .. સ્વર્ગસ્થ ગુરુજી શશીકાંત ભાઈ ગુંદાણી વાયોલીન પર કેદાર ની તાનો વગાડે અને મારે ગાવા ની .. ગુરુજી હમેશા કહે બેટા મેહનત કર શૈશવ દીકરા સંગીત માં પણ તું સારી રીતે આગળ વધી શકીશ ..!!! ઉપાનત્ય વિશારદ ની પરીક્ષા ની તૈયારીઓ સાથે એમ સી ના પાર્ટ વન ની પણ તૈયારીઓ રોજ ના ચાર કલાક નો રીયાઝ….!!! સવારે બે કલાક ગુરુજી સાથે અને સાંજે બે કલાક ..!!!
એક દિવસ મુફલીસ જેવો લાગતો એક માણસ રૂમ માં આવ્યો તેના હાથ માં બે વાયોલીન અને ખભા પર ત્રીજું લટકાવ્યું હતું. ..આવી ને તેને પોતાની ઓળખાણ આપી, જુના સંગીત ના વાદ્યો નો ધંધો કરતા હતા તે ભાઈ મુંબઈ થી આવ્યા હતા. ..એક વાયોલીન બહાર કાઢ્યું ગુરુજી ને આપ્યું વગાડો. . કૈક મોડીફીકેશન કર્યા હતા વાયોલીન માં. . ગુરુજી વાયોલીન વગાડતા હતા… ત્યારે મારું અસ્તિત્વ બતાડવા કૈક બોલવું જરૂરી હતું એટલે આપણે કીમત પૂછી …બારસો રૂપિયા… બીજું વાયોલીન બહાર કાઢી બતાવ્યું આશરે સો વર્ષ જુનું. … ફરી પછી કીમત પૂછી ફક્ત દસ હજાર રૂપિયા, એકાણું ની સાલ માં, દસ હજાર રૂપિયા, અને તે પણ વાયોલીન ના, મને લાગ્યું કે આ ભાઈ ની છટકી છે ક્યાં તો ફ્રોડ છે. .. ત્રીજું વાયોલીન તેમને બતાવ્યું આશરે ત્રણસો વર્ષ જુનું … ગુરુજી એ તેને પણ વગાડ્યું…. મને પૂછ્યું કેવું લાગે છે? મેં કહ્યું સરસ. .બીજો કોઈ જવાબ ત્યારે નોતો આવડતો, ગુરુજી હસી પડયા કહે બેટા સોના ના કાન જોઈએ આને સંભાળવા દીકરા હજી વાર છે તારે. . ફરી પાછુ મેં ડાહપણ
ડોહળયુ. … કીમત પૂછી ફક્ત સવા લાખ તે પણ કોઈ સંગીત નો જાણકાર હોય તો જ તેને વેચું. …. …… !!
પછી તેમને પોતાના અમદાવાદ આવવા નું કારણ બતાવ્યું. . એક પીન વાયોલીન તેમને ખરીદવું હતું અને તેવા લગભગ પાંચ સાત જ વાયોલીન વિશ્વ માં બચ્યા છે. .. જેમાનું એક અમદાવાદ માં છે.. જેના તે મુંબઈ વાળા મુફલીસ ,ફ્રોડ લાગતા ભાઈ એક લાખ રૂપિયા આપવા તૈયાર હતા…!!! જેમની પાસે આ વાયોલીન છે તે વય્ક્તિ નું સરનામું પૂછ્યું ગુરુજી ને .. ગુરુજી એ તેને કહ્યું કે તે માણસ બાર નંબર ના રેલ્વે પ્લેટફોર્મ પર ભીખ માંગતો હશે … વાયોલીન લઇ ને ..
લાખ રૂપિયા નું વાયોલીન લઇ ને કોઈ ભીખ માંગે ?? લગભગ મારા મોઢા માંથી ચીસ નીકળી ગઈ….. બંને જણા ખડખડાટ હસી પડ્યા … ગુરુજી કહે બેટા આ તો રાજા ના સાજ છે …રીઝે તો રાજા નહિ તો રંક … આ બધા ચીથરે વીંટયા રતન કેહવાય .. ભૂખ્યો મરી જશે પણ પોતાનું સાઝ નહિ વેચે … !!
બુદ્ધિ બેહર મારી ગયી …!! મારી અંદર નો કલાકાર હિમત હારી ગયો … !!વિશારદ થયો પણ કેમિકલ ના ધંધે લાગી ગયો …!! તાનસેન નથી થવું કાનસેન જ થવું છે … રસ્તો પકડાઈ ગયો …. હવે નથી રસ્તો ખૂટતો કે છૂટતો …વચ્ચે સંગીત સાંભળી અને સંતોષ … સાત સુર ની ઓળખાણ રાખું છુ, ઘડપણ નું ભાથું ..બસ આટલું જ …
મને નિરાશ થયેલો જોયો ત્યારે ગુરુવર્ય શશીકાંત ભાઈએ મારી ઉપાનત્ય વિશારદ ની ચોપડી ના પૂંઠા ઉપર પોતાના હાથે લખ્યું
રાગ હરે સબ રોગ કો ..!!
કાયર કો દે શૂર ….!!
સુખી કો સાધન બને ..!!
દુખી કો દુખ દુર ….!!
આજે ત્રેવીસ વર્ષે ચોપડી અને પૂંઠું સચવાયેલા છે ….!!
– શૈશવ વોરા