હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં..
પગલા પાડો ને બિરદાળી માં…!
ડોશી નોમનું શ્રાદ્ધ ગયું અને કાલે સર્વપિત્રી અમાસ એટલે “સરાધીયા” પૂરા..
આજે યુટ્યુબ એ એક નોટીફીકેશન મોકલ્યું..નવો ગરબો અપલોડ થયો છે, અને સવારે છાપું ખોલ્યું તો કમિશ્નર પોલીસ અમદાવાદે પણ એક નોટિફિકેશન બહાર પાડયું છે..નોટિફિકેશન નું ગુજરાતી થાય જાહેરનામું..!
“ હિન્દ કે શેહનશાહ ઝીલ્લે ઇલાહી મુઘલીયા સલ્તનત કે ચશ્મો ચિરાગ બાદશાહ ઔરંગઝેબ કે ફરમાન સે મૈ સિપા-સાલાર “ઓફ” અમદાવાદ તાઝેરાતે હિન્દ દફા xxx કી તેહત કિસી હરેક આમો ખાસ કો રાત બારહ બજે કે બાદ ઢોલ ઔર માઈક્રોફોન સે ગરબા ગાને કી ઈઝાઝત નહિ દેતા હું..હુકમ કી નાફાર્માની “રાજદ્રોહ” હોગી..!! ”
બિચારો હિંદુ..!!!!!!!!!
સંઘ કહે કે હિંદુ ધર્મ જ નથી, જીવન જીવવાની એક રીત છે..!!
સીધો પાયામાં જ કુઠારાઘાત, મને હિંદુ જ ના રાખ્યો..!
પછી વાર્તા આવે આખું વિશ્વ મારું કુટુંબ છે અમે તો એવી “ભાવના” રાખીએ છીએ..!
અરે ઓ,
મરી ગઈ તમારી “ભાવના” આમાં ને આમાં અને મરિયમ થઇને દફન થઇ..!!!!
હજી શબ્દોની રમત રમાય છે અને સોનું નિગમ જેવો કોઈક બોલે તો બિચારાને ટકલુ કરાવવું પડે..!
છેલ્લા ત્રેવીસ ત્રેવીસ વર્ષથી હિન્દુત્વના નામે વોટ ભેગા કરતી સરકાર હવે “સેક્યુલર” થઇ ગઈ છે, ફરી એકવાર ટ્રાય કરો તો કદાચ આ ફે`રી ટોપી પેહરી લેશે..!
“રાત્રી બીફોર નવરાત્રી” માં રોજ ફેસબુક પર અમેરિકા,કેનેડા ,યુકે અને ઓસ્ટ્રેલીયાના હિંદુઓ ને ગરબે ઘૂમતા જોઈએ ત્યારે એમ થાય કે પારકા પરદેસમાં આપણા છોકરાઓ કેવી મજા કરે છે,અને અહિયાં “ફરમાન” જાહેર થાય છે..!
હવે ખરેખર મને શંકા જાય છે કે ચૂંટણી પૂરી થાય પછી નવા ચૂંટાયેલા લોકો ઉપર કોઈ “પ્રક્રિયા” કરવામાં આવે છે ..?
આ પ્રક્રિયા ને કોઈએ એ મ્યુનિસિપાલીટી દ્વારા શ્વાનની ખસીકરણ “પ્રક્રિયા” સાથે જોડવી નહિ..
સાલું સવાર થી સાંજ, અને સોમ થી શનિ, પેહલી થી ત્રીસમી, અને ૩૧ માર્ચથી પેહલી એપ્રિલ, આખુ વર્ષ ક્યાં ગયું..? અને ક્યા જાય છે એની કોઈને ખબર જ નથી રેહતી..અને એમાં પણ દિવાળી થી દિવાળી નું વર્ષ ગણો તો આ દિવાળી તો જાણે કોઈ કારણ વિનાની આવી રહી હોય એવું લાગે છે,વેપારીઓ ને તો ચોરોની જેમ સરકારે દોડાવી દોડાવીને વર્ષ પૂરું કરાવ્યું..બજારોમાં કારમી મંદી છે..!
સરકાર પોતે પણ અટવાયેલી રહી અને લોકોને પણ રાખ્યા..!
જવા દો એ વાતો બધી, હા એટલું નક્કી થઇ ગયું કે રાજ ગમે તેનું આવે વેપારીને તો દરેક સરકાર “ચોર” ગણવાની..!
આ બધી વિટંબણાઓ ની વચ્ચે ક્યાંક થોડું રીલેકશેશન એટલે તેહવાર..અને નો`રતા જેવો તેહવાર જે ગુજરાતનો પોતીકો તેહવાર કેહવાય એને બંધનોમાં બાંધવો એ ખરેખર દુઃખદાયી છે, જનસાધારણને ધર્મ સાથે જોડી રાખતી એક મહત્વની કડી એ આ તેહવારો છે અને ત્યાં જ જો અડચણો ઉભી કરીએ તો ધર્મ એક “ચીજ” કે “વસ્તુ” બની જાય અને પછી ધર્મ “બોરિંગ” થઇ જાય..!
તમે નો`રતા ને ઉજવવામાં નિતનવા ફતવા મુકો તો પછી જુવાનીયો રાત પડ્યે ક્રિસમસ ઉજવવા જાય અને ત્યારે પાછું તમારા તંત્રને સેક્યુલર થવું પડે અને હિદુવાદી ડોસા ડગરા કકળાટ માંડે સંસ્કૃતિ ઉપર આક્રમણ..
તે હે ડોહા અત્યારે આ જાહેરનામું આવ્યું ત્યારે તમે ક્યા ગયા છો ..? મસાણે ..?
તેહવારોની સીઝન જતી જાય છે,વર્ષ નો છેલ્લો તેહવાર એટલે દિવાળી ,અધિક મહિનો હવે આવતીસાલ આવશે એટલે આ દિવાળી ઓક્ટોબરમાં આવી છે અને ભાદરવો સપ્ટેમ્બરમાં..!
ભાદરવો સવારથી બપોર સુધી તપે છે,પણ સાંજ પડ્યે શ્રાવણ ની જેમ એકાદું સરવરયુ આવી જાય છે, આમ તો રોજ આવતા ઝાપટા ને સરવરયુ કેહવાય પણ આ વખતે એમ નથી હોતુ.. અડધા કલાકનું ઝાપટું પડે પણ પોણો ઇંચ પાણી ફેંકી દે છે.. દે` માર વરસે છે..!
છોકરાઓ પરીક્ષા આપવામાં મશગુલ છે, સેહજ નવરા પડે એટલે નવરાત્રીના પ્લાનીગ ચાલુ થઇ જાય છે, પણ આ વર્ષે પણ વા` અને વાદળ પીછો છોડે એમ લાગતું નથી..ગઈસાલ તો પેહલા નોરતે લાજ રહી ગઈ હતી,હજી પરસેવે ઝભ્ભો પલળ્યો જ હતો ને વા` વાયા ને વાદળ ઉમટયા હતા,,ચારે બાજુથી કડાકા અને ભડાકા થયા અને મેઘો મંડાણો તો..
આપણી આજકાલની ઈલેક્ટ્રોનિક નવરાત્રીની એક કમબખ્તી તો ખરી, કે કી બોર્ડ હોય કે સાઉન્ડ સીસ્ટમ દરેક ઇન્સટ્રૂમેન્ટ ને વરસાદ થી તો કોઈપણ સંજોગોમાં બચાવવા પડે, નહિ તો એક ઝાટકે ઓર્ગેનાઈઝર પચીસ ત્રીસમાં ઉતરી જાય..!(લાખ)
ગઈસાલ તો છેલ્લા ત્રણ દિવસ વરસાદે વિરામ આપી અને રમવા દીધા હતા, આ વર્ષે હવે જે થાય તે મા`ડી મે`ર કરે..!
ગુગલો તો હજી કઈ કેહતો નથી..!
બહુ જ તાયફા આટલા વર્ષોમાં સરકારો એ કર્યા, હવે થોડા પ્રજાને પણ કરવા દો ઝીલ્લે ઇલાહી..! મુંબઈમાં અનંત ચતુર્દશીએ ગણપતિ વિસર્જનમાં ફરમાન બહાર પાડો તો..રાત્રે બાર પછી વિસર્જન નહિ..!
ગુજરાત જ ગરીબ કી જોરુ છે..
રીતસરના છાજીયા લેવાઈ જાય મુંબઈમાં..!
કોણ જાણે કેમ પણ ગુજરાતના શાસકો કેમ નપાણીયા થઇ જાય છે એની ખબર નથી પડતી, રાણી રાણકે ભોગાવોના કાંઠે સતી થતા પેહલા ગુર્જર નરેશ પાટણના અધિપતિ ને નિર્વંશ જવા નો શ્રાપ આપ્યો હતો નહિ કે નપુંસકતા નો..!
કાલે ભરબપોરે લોગાર્ડન ઉપર ચણીયાચોળી લેવા આવેલી નાની નાની દીકરીઓના એકટીવા ટ્રાફિકવાળા નરબહાદુરો ઉપાડી જતા હતા..!!
ઈદની પેહલા ત્રણ દરવાજે જાવ તો બહાદુર અને ઉપાડો તો ત્યાંથી વેહિકલ..!!
કાંકરિયા કાર્નિવલ કરીને સેક્યુલર થવું છે પણ હિંદુ પ્રજાને કનડવા નો એકેય મોકો ચૂકવો નથી..
કોઈ વર્ગ વિગ્રહ કરાવવાની ઈચ્છા નથી પણ નાની નાની વાતે તેહવારોમાં થતી કનડગતને દુર થાય એવી આશા છે..
નોકરી ધંધેથી થાકીને આઠ વાગ્યે ઘરભેગો થયેલો બાપ હાથ મોઢું ધોવે જમે કરે અને તૈયાર થાય અને ગરબાના સ્થળે પોહ્ચે ત્યાં સુધીમાં લગભગ રાતના દસ સાડા દસ વાગી જાય, એક બે ગરબા કર્યા કે ના કર્યા ત્યાં તો બાર વાગી જાય અને ભૂંગળા ઓલવી નાખવા પડે..
શા માટે આવા મુઘલાઈ ફરમાનો ..?
હવે તો એમ થાય છે કે કોઈ બીજા સ્વરૂપે જજીયા વેરો આવે તો નવાઈના પામતા..
સંઘ તો એમની આદત પ્રમાણે મૌન રેહશે કેમકે આ સંઘના વિષયમાં ના આવે.. એક વાર તેહવાર નામશેષ થાય પછી એને રીવાઈવ કરવનો હોય તો જ સંઘના વિષય માં આ વસ્તુ આવે..!
ખોટું જોર ના કરતા કમિશ્નર સાહેબ, નવરાત્રીએ ગરબાના ગ્રાઉન્ડમાં હજાર બે હજારનું ઉખળતું જુવાન જોધ લોહી હોય છે, આ તમારા ટેસ્ટોસ્ટીરોન વિના ના નેતાઓ નથી..
નહિ પોહચી વળો..!
બોલ મારી અંબે ..
જય જય અંબે ..
સાચી રે મારી સત રે ભવાની માં
અંબા ભવાની માં ..
આપનો દિવસ શુભ રહે..
શૈશવ વોરા