આજે એક એવી સમસ્યાની વાત કરવી છે કે જેના વિષે બહુ લખાયું કે ચર્ચા થતી નથી અને થાય છે તો દબાતા સ્વરે થાય છે..
૨૮ થી ૩૨ વર્ષની ઉંમરે કે એનાથી વધારે અપરણિત રહી ગયેલી દીકરીઓની વાત કરવી છે..!
મારા બોલકા અને કોઈની પણ સાથે સહજતાથી મિક્ષ થઇ જવાના સ્વભાવને લીધે આ ઉંમરની ઘણી બધી દીકરીઓ મારી સાથે એકદમ ખુલીને વાત કરે છે, અને ત્યારે એકબાજુ મને ખુબ દર્દ થાય છે,અને બીજી બાજુ આનંદ પણ થાય છે કે આ દીકરીએ એનું હૈયુ હળવું કરી નાખ્યુ..!
આપણા સમાજમાં છેલ્લા બે ત્રણ દસકાથી દીકરી કે દીકરાનો બહુ ફર્ક નથી રહ્યો એમ સમજીને ઘણા બધા પરિવારોમાં ફક્ત એક,બે કે ત્રણ દીકરીઓ જ જોવા મળે છે અને મોટેભાગે ગુજરાતી પરિવારોમાં જો ક્યાય પ્રેમ ન થયો હોય કે પછી પ્રેમ થઇને બધું પૂરું થઇ ગયું હોય તો ૨૩ વર્ષ પછી એરેન્જ મેરેજ કરાવવાના ભરપુર પ્રયત્નો થતા હોય છે, પણ ક્યાંક કોઈક કારણસર બધું લંબાતું જાય અને દીકરી જેને આપણે “મેરેજેબલ એઈજ” કહીએ છીએ એ ક્રોસ કરી જાય છે..!
અને એ પછીનું ફ્રસ્ટેશન દીકરી માટે બહુ જ ખતરનાક હોય છે..! લગ્ન ના થવાનું દર્દ માંબાપથી છુપાવવાનું,અને જે સહેલી હોય કે જેની સાથે પાક્કા બેહનપણા હોય એ પરણીને ઠરીઠામ થઇ ગઈ હોય..! ખરેખર વાત કરવાના ઠેકાણા પણ નથી રેહતા હોતા..!
આજકાલ ખુબ ભણવાના અને કેરિયર સેટ કરીને પછી પરણાવવાના જમાનામાં દીકરી સેહજે ત્રેવીસ ચોવીસ વર્ષની થઇ જાય છે, અને માંબાપને અણસાર સુધ્ધા નથી રેહતો..ચોવીસ વર્ષની ઉંમર વટાવેલી દીકરી ઘણા બધા જીવનના કડવા મીઠા અનુભવોમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ પસાર થઇ ચુકી હોય છે,અને પોતાને કેવી જિંદગી જોઈએ છે અથવા કેવી જિંદગી હોવી જોઈએ એની એક નક્કર કલ્પના પણ મગજમાં ગોઠવાયેલી હોય છે, અને પછી ઘણીવાર અદ્દલો અદ્દલ એ કલ્પના હકીકત બનતી ના દેખાય ત્યાં સુધી એ કોઈને પરણવા માટે હા નથી પાડતી હોતી,
ઘણા કેસમાં એકની એક દીકરી ને એક બીજી સમસ્યા પણ સતાવતી હોય છે કે હું પરણી અને સાસરે જતી રહીશ તો મારા માંબાપનું કોણ ? અને એવા કેસમાં એ પોતાના ઘરની આજુબાજુમાં જ સાસરું મળે એવો હઠાગ્રહ રાખતી હોય છે અને એટલે ફરી પાછી ચોઈસ બહુ જ લીમીટેડ થતી જાય છે ,અને આવા સમયે એ દીકરી ટોટલી ભાગ્યને હવાલે થઇ જાય છે..!
એમાં પણ માં કે બાપને કોઈ અસાધ્ય બીમારી કે સેહજ ધ્યાન રાખવું પડે એવી પરિસ્થિતિ જયારે આવે ત્યારે માંબાપ રીતસરના દીકરીના પગબંધણા થઇ જાય છે,અને પછી દિવસો ખેંચતા જાય અને ઉંમર વધતી જાય..
દીકરીની વધતી ઉમરની સાથે સાથે જો ઘરમાં કોઈ બહુ પૈસાની ખેંચ ના હોય અને બે બેહનો કે ત્રણ બેહનો હોય, નાનપણથી અને એકબીજા સાથે મેળ સારો હોય અને પછી સમયની સાથે એમનુ બોન્ડીંગ વધતું જાય ત્યારે તો આમ જુવો તો ઉપર ઉપરથી બધું એકદમ બરાબર દેખાય પણ દીકરીના લગ્ન ના થવાની કાળી બળતરા ઘરના દરેક સભ્યના હૈયે બળતી હોય છે..
એક આવી જ દીકરીની વાત, માતાપિતા ગામડામાં રહે ત્રણે બેહનો વારાફરથી ભણવા અમદાવાદ આવી ખુબ સારું ભણી, મોટી બેહનને નોકરી સરસ મળી એ ભેગા તરત જ એક ફ્લેટ ભાડે લીધો અને એના પગારમાંથી અને થોડા ગામડેથી આવતા રૂપિયાથી બાકીની બંને નાની બેહનો ફ્લેટમાં સાથે રહીને ભણી..!
કોઈ કારણસર માબાપ ગામડું છોડી ના શક્યા ત્રણે બેહનો પોસ્ટ ગ્રેજ્યુએટ થઇ અને આજે લગભગ એકે એક છોકરી પચાસ પચાસ હજારનો સેલેરી ડ્રો કરે છે..!
સૌથી નાની બેન પણ બત્રીસ વર્ષ ક્રોસ કરી ગઈ છે અને મોટી તો ચાલીસે પોહચવા આવી..!
ચિંતા કરી કરીને માંબાપ અડધા અને ઘરડા થયા, ત્રણે માટે થઈને ઓછામાં ઓછા બસ્સો છોકરા માબાપે જોયા અને બતાડ્યા પણ વાત છેક સુધી આવીને અટકી પડે..!
સૌથી નાની દીકરીએ એક વખત એનું ફ્રસ્ટેશન મારી સામે કાઢ્યું એની કુંડળી કાઢીને બેઠી, કયો ગ્રહ અમારા કોઈના લગ્ન નથી થવા દેતુ..? મેં એની કુંડળી જોયા વિના જ કીધું કે તમારી કેરિયર, છેલ્લા દસ વર્ષથી તમે ત્રણે બેહનોએ સ્વતંત્રતાનો સ્વાદ ચાખી લીધો છે,અને તમને ત્રણેને જયારે જયારે હુંફની જરૂર પડે છે ત્યારે તમે એકબીજાને સંભાળી લો છો..સાજે-માંદે તમે એકબીજાનું ધ્યાન રાખો છો, વારતેહવારે તમારા માંબાપ અહિયાં આવે છે અને તમને ભરપુર પ્રેમ આપે છે તમે પાંચે જણા એક કમ્પ્લીટ હેપી ફેમીલી લાઈફ જીવો છો, અને બેક ઓફ માઈન્ડમાં તમે નક્કી કરી લીધું છે કે તમારે કોઈને એકબીજા થી છુટા નથી પડવું..
મને કહે ના શૈશવભાઈ એવું નથી અમારે છુટા ના જ પડવું હોત તો અમે છોકરા શા માટે જોતા હોત..?
મેં કીધું તારે ખરેખર પરણવું જ હોય તો તારી જોબમાં બોમ્બે ટ્રાન્સફર લઇ લે પેહલા તારી બેહનોથી છૂટી પડી જા,તારા દિલમાં પેહલા કોઈના માટે જગ્યા કર પછી જ તું કોઈને દિલમાં વસાવી શકીશ..તારા અને તારી બેહનો ના અફેર પણ આ જ રીઝનથી તૂટ્યા છે..!
એકદમ ભરેલુ મન કેવી રીતે કોઈ વધારાની વ્યક્તિનો સ્વીકાર કરે ? અને એ પણ ટીનેજ પત્યા પછી..?
મારા એક ફેમીલી ફ્રેન્ડ અંકલે આજથી સત્યાવીસ વર્ષ પેહલા એમની દીકરી દુબઈ પરણાવી અને આંટી લગ્ન થયા પછી એસટીડી પર જઈને રોજ રાત્રે પાંચ મિનીટ દુબઈ ફોન કરી આવે..! મહિનો દિવસ આવું ચાલ્યુ અને એક દિવસ કાકાનું મગજ ફર્યું, જોરદાર ઘઘલાવી માર્યા કાકીને તું રોજ ફોન કેમ કરે છે દુબઈ..? આપણું જાણીતું ઠેકાણું છે, સગાઇ આપણે વર્ષ રાખી હતી, અને એ વર્ષ દરમ્યાન કુંવારા જમાઈ લગભગ દોઢ બે મહિના આપડા ઘરે આપડી સાથે રહ્યો છે, પછી તને શેની બીક છે..? કેમ ફોન રોજ કરે છે તું..? કાકી એ ડરતા ડરતા જવાબ આપ્યો એ ત્યાં એકલી છે, ફરી કાકાનું બોઈલર ફાટ્યું એ ત્યાં એકલી નથી એની જોડે એનો વર છે.. તું રોજ રોજ ફોન કરીને એનો જીવ ત્યાં ચોંટવા નથી દેતી..હવે અઠવાડિયે એક જ ફોન અને એને જો તારી સાથે વાત કરવી હોય તો એ ફોન કરશે..આપણો જમાઈ અઢળક કમાય છે..
સાચી વાત નીકળી દીકરી પણ અઠવાડિયે એક ફોન કરતી અને પછી માં પણ સમજી ગઈ..અને દર ચાર પાંચ મહીને એકવાર બંને દુબઈથી અમદાવાદ આવી જતા..!
ક્યારેક બંધન બાંધવા માટે બંધન તોડવા કે ઓછા કરવા ખુબ જરૂરી હોય છે અને એ વાતને દીકરીઓના માંબાપ નથી સમજતા હોતા..
દીકરી એટલે વ્હાલનો દરિયો એ વાત સાચી પણ એક લીમીટ સુધી જ..
ઘણા કુટુંબોમાં દીકરી ને જોવા માટે આવે ત્યારથી જ દીકરીને અનુકુળ છે કે નહિ એ જાણ્યા પેહલા જ છોકરાવાળાના સાચા ખોટા એનાલીસીસ ચાલુ થઇ જાય, અને હમેશા કોઈને કોઈ ખોડખાંપણ છોકરામાં કે એના ખાનદાનમાં શોધી કાઢે અને ના કેહાવડાવી દેવામાં આવે..!
બાંધછોડ કરવાની વાત કે પછી જરાક દીકરીને અનુકુળ લાગે તો બીજી મીટીંગ કે ત્રીજીવારની મીટીંગ કરો,છોકરો છોકરી પોતની રીતે વાત કરી લે એ લેવલ સુધી વાત પોહચે જ નહિ..
લગભગ પચ્ચીસ કે છવ્વીસ વર્ષની ઉંમર વટાવી ગયા પછી ઘણીવાર કુટુંબે એક કુદરતી વાતાવરણના અભાવમાં કૃત્રિમ વાતાવરણ પણ ઉભું કરવું પડે જેથી દીકરીને પરણવાની ઈચ્છા ટકી રહે એના માટે,આવુ વાતાવરણ ઉભું કરવામાં માબાપ નિષ્ફળ જાય અને જો દીકરીના લગ્ન બહુ જ મોટી ઉંમર સુધી લંબાઈ જાય છે અને છેવટે લાકડે માકડા વળગે..!
એ કેહવત હવે જૂની થઇ ગઈ કે ડોશી કુંવારી ના મરે
મોટાભાગના કિસ્સામાં કુટુંબ પોતે જ જવાબદાર હોય છે અને ખાલી સેહજ સમજણ અને એક આપણા સમાજની ચાલી આવતી રૂઢી થી કામ લઈએ તો બધું સમયસર પૂરું થઇ જતું હોય છે.
એકની એક દીકરી કે બે દીકરી કે ત્રણ દીકરી જે કાઈ સંતાન હોય તે એમને ઉછેરતી વખતે જ થોડી સમજણ આપવી પડે અને માંબાપ એ પણ ખુદ્દારી બતાડવી પડે કે તમારા વિના અમે ખુબ સારી રીતે અને શાંતિથી જીવીશું અને છતાં પણ અમારી જરૂરીયાતના સમયે જો તારા લગ્ન થયેલા હશે તો તું એકલી નહિ તારું આખું સાસરિયું અમારા પડખે ઉભું રેહશે..
આપણા દેશમાં લગ્ન ક્યારેય બે વ્યક્તિના થતા જ નથી લગ્નો બે પરિવારના થાય છે એકબીજામાં બે પરિવારો આખે આખા મર્જ થઇ જાય છે ..
ખાલી અને ખાલી આટલી સમજણ પણ દાખવે તો સમસ્યા ઘણી હળવી થાય તેમ છે..!
વિચારી જોજો તમારી આજુબાજુ પણ આવું કોઈક પાત્ર હશે અને લાકડે માંકડું તો માંકડું પણ સંસાર મંડાવી દેજો..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા