
ટ્રમ્પકાકા એ છુટ્ટો દોર આપ્યો ..કાઢી મુકો ગેરકાયદેસર રેહતા લોકોને..!
અને આપણા વોટ્સ એપિયા મિત્રો એ એક કલીપ ફેરવી જેમાં ઈમિગ્રેશનની રેડ પડેલી દેખાડાઈ,દસબાર ઊંચા પોહળા રાક્ષસ જેવા પોલીસવાળા સબ-વેમાં લોકોને ઝાલે છે,અને જેને જે સ્ટેશનના નામ આવડતા હતા એ લખ્યા, કોઈએ બ્રિટનના સ્ટેશનના નામ લખ્યા કોઈએ અમેરિકાના તો કોઈએ ફ્રાંસના અને હકીકતમાં એ કલીપ જેમાં “સોર્તે” લખેલું છે લાલ સાઈન બોર્ડમાં, એ કેનેડા મોન્ટ્રીયલની કલીપ નીકળી,”સોર્તે” એ ફ્રેંચ શબ્દ છે અને જેનો મતલબ “એક્ઝીટ” થાય છે (પત્નીજી પાસેથી ઉધાર લીધેલું જ્ઞાન છે તેમની ફેંચ ભાષા પર સારી એવી પકડ છે..) અને કેનેડાની બીજી ઓફિશિઅલ ભાષા ફ્રેંચ છે..!
હવે મુદ્દો એ છે કે આવા મેસેજ ફેરવી અને આપણે ગેરકાયદેસર વસતા લોકોને શા માટે બચાવીએ છીએ..? શું કોઈપણ દેશમાં ગેરકાયદેસર રેહતા ભારતીય ને ભારત પાછા બોલાવી અને એમને એક સન્માનની જીંદગી આપી શકાય એવી પરિસ્થિતિ ખરેખર નથી…? અને આવા નિર્ણયની કેવી અસર પડશે ભારતીય સમાજને? આખા ભારતને મુકો બાજુ પર ખાલી ગુજરાતની વાત કરો ને..!
જો ખરેખર ટ્રમ્પકાકા બધાને કાઢી મુકશે તો એવા કેટલાય લોકો છે કે જે પાંચ-સાત દસ-બાર કે ચૌદ વર્ષે ફરીવાર અમદાવાદની ધરતી જોશે, અને જેટલો વેહલો ત્યાં ગેરકાયદેસર રેહવા ગયેલો હશે એ હવે નુ અમદાવાદ જોવે એટલે પેટ ભરીને પસ્તાશે શું કરવા ત્યાં વૈતરાં કર્યા આટઆટલા વર્ષ..?
ગેરકાયદેસર રીતે અમેરિકા કે બીજા ગમે તે દેશમાં ગયેલા અને ત્યાં ટકી ગયેલાની કમબખ્તી એ હોય છે કે એકવાર ગયા તે ગયા પછી ભારત એમને જોવા ના મળે અને જો એ પાછો આવે તો એને ફરી અમેરિકા જીવનમાં જોવા ના મળે..!
આમ જોવા જઈએ અને રાજકીય ટીકાટિપ્પણ ને બાજુ પર મુકીએ તો ઓવરઓલ છેલ્લા બે અઢી દસકા ભારતના ખુબ સારા ગયા છે,પ્રજાના જીવન ધોરણ સારા એવા ઊંચા આવ્યા છે, અને એમાં જે ફક્ત વિઝીટર વિઝા પર અમેરિકા જઈને વસ્યો છે અને જયારે દસ ડોલર કલાકના મીનીમમ ચાલતા હતા ત્યારે એનો જ સગો એને આઠ કે છ ડોલર આપતો (તારું ઈમિગ્રેશન સ્ટેટ્સ ક્લીયર નથી માટે) અને લુંટતો, છતાં પણ ગેરકાયદેસર વસતો એનઆરજી તમાચો મારીને ગાલ રાખતો હતો કે હું અમેરિકામાં છું..અને એવા દરેક લોકો માટે જો ખરેખર માનો તો એક તક છે ફરીથી ભારત પાછા આવી અને પોતાની જાતને સેટ કરવાની..!
પણ એવું તો શું અહિયાં ના મળ્યું અને એવું શું ત્યાં મળ્યું કે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જઈને વસી પડ્યા..?
પાને પાના ભરી ને લખાય એમ છે, ગુજરાતના એક એક ઘરમાં એકથી એક ચડે એવી કહાનીઓ પડી છે, અને જો ખરેખર સાચું બોલનાર મળી જાયને તો એટલી બધી દર્દનાક કહાનીઓ મળે કે સામેવાળાની વાત સાંભળતા તમે રડી પડો..!
કેટલી બધી કહાનીઓ મારી આજુબાજુમાં પણ વેરાયેલી છે..
નામ રાખો રાજુભાઈ અટક પટેલ જ રાખું છુ..
વીસ વર્ષ પેહલાની વાત, રાજુભાઈની ફેક્ટરી મારી ફેક્ટરીથી ચાર ફેક્ટરી દુર, સરખી ઉમરના અમે, આવતા જતા હાય હેલો થયું અને દોસ્તી થઇ લગભગ બપોરના ટીફીન સાથે ખુલે…ફાર્મા કેમિકલની ફેક્ટરી હતી એમની,નુકસાની આવી માણસ હિંમત હારી ગયો, બધુ વેચતા પણ ચાલીસ લાખનું દેવું માથે રહ્યુ..પછી નાનુ નાનું ટ્રેડીંગ કરે,ક્યારેક આપણે ત્યાં માલ ઉતારી દે બેચાર દિવસ માટે વેરહાઉસના ભાડા બચાવે,કોઈ પાર્ટી જોડે મીટીંગ કરવી હોય તો આપડી ઓફીસ વાપરી લે..એક દિવસ બપોર પડ્યે સાવ નખાઇ ગયેલી હાલતમાં રાજુભાઈ પટેલ મારે ત્યાં ફેક્ટરી પર આવ્યા..
શૈશવભાઈ નિર્ણય લઇ લીધો છે અમને બંનેને અમેરિકાના “વીજા” મળી ગયા છે અમે જઈએ છીએ..મેં પૂછ્યુ છોકરા..? અહિયાં જ રેહશે મમ્મી પપ્પા જોડે..! મારાથી પુછાઈ ગયું બીજો કોઈ રસ્તો નહિ..? શૈશવભાઈ ચાલીસ લાખ રૂપિયા છે માથે, નજીકના સગા ને વ્યાજ નથી ચુકવતા,પણ દુરના સગા-સબંધી તો વ્યાજ માંગેને ..? અને આપડે રૂપિયા લીધા છે..ચુકવવા તો પડે જ ને, ઘર સિવાય બધું વેચ્યું મંગળસૂત્ર પણ નકલી પેહરે છે..પાંચ વર્ષ કલાકના આઠ ડોલર અમે બંને બાજુ પર મુકીએ તો બાર કલાકનો સરવાળો મારો,ચાલીસ ચૂકવાય અને વીસ બીજા લઈને આવું..હું કલ્પના કરતા ધ્રુજી ગયો પાંચ અને આઠ વર્ષના બાળકોને પંચાવન સાહીઠ વર્ષે પોહ્ચેલા માબાપ પાસે મૂકી અને પાંચ વર્ષ પાછા નહિ આવવાનું અને આ પાંચ વર્ષ બોલે છે પણ દસ વર્ષ પેહલા પાછો નહિ આવે..
અને એમાં જો ઈમિગ્રેશનની રેડ પડી,અને પકડાયા તો કાળી મજુરી કરીને કમાયેલા બધા ડોલર પેલો વકીલ લઇ જશે, અને પછી કેસ ચાલુ રાખવામાં એની ઘરવાળી ની કમાણી જશે વકીલની ફી ભરવામાં અને સરવાળે ભાગાકાર થઇ જશે ..
મેં ધ્રુજતા અવાજે કીધું રાજુભાઈ બધું વિચારી લેજો અહિયા રહી ને પણ..કૈક બીજું વિચારી જોજો.. ના શેઠ ના મેળ બેસે, માથે દેવાનો પહાડ છે,વ્યાજના ઘોડાને શનિરવિ ની રજા ના હોય..હવે તો એક જ રસ્તો દેખાય છે અમેરિકા..અને મોટેલ, મારા સાળાના સાઢુભાઈની મોટેલ છે રેહવા ખાવાની વ્યવસ્થા થઇ ગઈ છે..નેટ આઠ ડોલર કલાકના બચે એમ છે..
રાજુભાઈ મનથી મક્કમ થઇને આવ્યા હતા નિર્ણય લઈને, મારે વધુ કેહવા કે સમજાવવાની જગ્યા જ નોહતી એ જમાનામાં ત્રણ લાખમાં ત્રણ બેડરૂમના ફ્લેટ મળતા હતા અને ચાલીસ લાખ રૂપિયા એ નાની એમાઉન્ટ નોહતી..
રાજુભાઈ અને એમના પત્ની ઉડી ગયા અમેરિકા, હું ભૂલી ગયો એમને..પંદર વર્ષે અચાનક એ ચેહરો ફેક્ટરી પર સામો આવ્યો..આવો આવો રાજુભાઈ..સમય નો માર મોઢા પર, વાળ બધા જ સફેદ શરીરે થોડા ભર્યા થયા હતા..મેં કીધું અમેરિકા સદી ગયું તમને તો ભાઈ, આ વજન તો વધારીને આવ્યા..મને કહે વધે જ ને લોકો ના એંઠા અને ફેંકી દીધેલા ખાધા,બેકરીના એક્સ્પાયર થયેલા “પીજા” અને કેક ખાધા તે વજન તો વધે જ ને..વાતો ચાલી પારાવાર અફસોસ પાછા એટલે આવ્યા કે એમના ફાધર ગુજરી ગયા અને હવે છોકરા બહુ મોટા થઇ ગયા એમના મમ્મી સાચવી શકે તેમ નોહતા..એટલે પાછા આવવું પડ્યું..મેં બાપને ખોયો અને તમારા ભાભીએ એમના મમ્મી અને પંદર વર્ષમાં કેટલાય બીજા સગા જતા રહ્યા..દેવું ચુકવવામાં છોકરા “કેડે” હતા એવડા મૂકીને ગયો હતો, આજે માથાથી ઉપર છે મારું મન સ્વીકારતુ જ નથી કે આ મારા જ છોકરા છે.. એ તો માં છે છોકરાને ચોંટી ચોંટીને રડી પણ મારે ક્યાં જવુ..!!?? બસ આટલુ બોલ્યા અને ચશ્મામાંથી બે આંસુડા બહાર પાડ્યા મેં તરત જ મારી સીટ પરથી ઉભા થઇને એમને બાથમાં લીધા અને બધાય બંધનો છૂટી પડ્યા,બહારથી જુનો સ્ટાફ જે એમને ઓળખતો એ પણ આવી ગયો અને બધાની હાજરીમાં પંદર વર્ષને આંસુડે ઓગાળવાની રાજુભાઈએ કોશિશ કરી પણ બધું નિરર્થક હતુ..
પંદર વર્ષ..!! શું ના થાય પંદર વર્ષમાં તો અને તમે લગભગ પાંત્રીસના હો ત્યારે ગયા હો અને પાછા આવો ત્યારે પચાસે પોહચી ગયા હોવ..! રામચન્દ્રજી નો વનવાસ પણ ચૌદ વર્ષનો હતો આ તો એના કરતા પણ એક વર્ષ વધી ગયુ..!
બીજો કિસ્સો જોડે ભણતો મિત્ર બારમું ધોરણ ભણીને ભણતર છોડ્યુ..પપ્પાના ટ્રેડીશનલ કાપડના ધંધે લાગ્યો..સારું હતું ત્યાં સુધી ચાલ્યુ..બે ચાર વર્ષમાં મગજમાં ભૂત ભરાયું લંડન જવાનુ ક્રિકેટના બેઇઝ પર વિઝા લઇ આવ્યો અને પોહચી ગયો..બાર વર્ષે ઈમિગ્રેશનની રેડમાં ઝાલ્યો અને ડીપોર્ટ બાર વર્ષનું સરવૈયું ..એકલી મજુરી અને વકીલોની ફી ભરી લાલ પાસપોર્ટ કરવા માટે છેક કોન્ટ્રકટ મેરેજ સુધીની તૈયારી..અત્યારનું સ્ટેટ્સ શું ? અપરણિત અને બેકાર જીવનના ૪૩માં વર્ષે..લાલ પાસપોર્ટ (બ્રિટનનો પાસપોર્ટ લાલ કલરનો હોય છે) ના હજી સપના અને એને અત્યારે જુવો તો લાગે ૫૮ વર્ષનો “ડોહો”..
ત્રીજો કિસ્સો બાયડી છોકરા મૂકીને એક પાર્ટી નેવાર્ક એરપોર્ટ ઉતરી, અહીંથી સરદાર પટેલ હવાઈ મથકે શેતરંજીઓ પથરાઈ અને લગભગ એમનું આખું ગામ એરપોર્ટ મુકવા આવેલુ..ઓછામાં ઓછા સવાસો જણ અમદાવાદ એરપોર્ટ પર “આવજો” કેહવા આવેલા..!
અને જેના ભરોસે ગયો ત્યાં હતો એણે ચોવીસ જ કલાકમાં લાત મારી..પાછો આવું છુ, એના ભાઈ નો ફોન આવ્યો કે તું સમજાવ ગમે તે કર એને કહીએ પણ પાછો ના આવીશ આખા ગામમાં આબરૂ ધૂળધાણી થઇ જશે..મેં કીધું મારું કામ નહિ એ તું જ ટેકલ કર ..હું તો કહું છું ભલે પાછો આવતો ઈમિગ્રેશન સ્ટેટ્સ ક્લીયર ના હોય તો પછી કોઈ દિવસ અમેરિકા કેનેડા કે ઓસ્ટ્રેલિયા ક્યાય રેહવાય નહિ જેવો છે એવો આપડો દેશ અને ઘર ભલુ..!
પરાણે પકડીને પેલાને ત્યાં ટકાવ્યો, અને પછી તો પેલા ભાઈને મજા પડી ગઈ બૈરી છોકરા વિનાની બેચલર લાઈફ મળી અને એ પણ જર્સીની, પાંચ વર્ષ થયા પેલો પાછો આવવાનું નામ ના લ્યે..એનો ભાઈ અને ઘરવાળી મારો જીવ ખાય તમે વાત કરો હવે તો બહુ થયું એમને કહોને પાછા આવે..જયારે આવતો હતો ત્યારે કહે રોકાઈ જા આબરૂ જશે, અને હવે આવતો નથી ત્યારે કહે હવે બોલાવી લ્યો.! માંડ માંડ સમજાવ્યો પણ દર વખતે પેહલો સવાલ આવે હું ઇન્ડિયા આવીને શું કરીશ..? બોલ તારા ધંધામાં મને લઇ લઈશ..? બધા જોડે એક જ વાત કરે મારો બેટો.. પાંચ વર્ષે પાછો આવ્યો કેટલા લઈને આવ્યો..? વીસ પેટી..!
અરે ભાઈ અહિયાં કૈક ઢંગનો ધંધો કર્યો હોત અરે છેવટે પાણીપૂરીની લારી કરી હોત તોય આટલા તો ભેગા થઇ ગયા હોત..!
તું સમજતો નથી શૈશવ ..અહિયાં પાણીપૂરીની લારી ના થાય,સમાજ ફોલી ખાય ત્યાં જઈને મોટેલોના જાજરૂ અને ગંદી ચાદરો ધોવાય કોઈ પૂછનાર કે જોનાર નથી..! અને ત્યાં રૂપિયા ખર્ચવાનો સમય નથી, શનિરવિના દોઢા મળે એટલે જે દિવસથી વૈતરે લાગ્યો તે દિવસથી ડીપોર્ટ થયો તે દિવસ સુધી ડોલર કમાઈ કમાઈને ભેગા જ કર્યા છે.. મેં જર્સી અને ન્યુયોર્ક એનાથી આગળ કઈ નથી જોયુ ..વેગાસ આપણે નથી ગયા..!
સાચી વાત છે ગેરકાયદેસર વસતા લોકો બિચારા કોસ્ટારિકા,માયામી કે વેગાસ થોડા ભાળે, એના માટે તો ડોલર ભેગા કરી અને એના રૂપિયા કરી અને દેશમાં જ મોકલો એ એક જ ટાર્ગેટ હોય ,અમેરિકન ડ્રીમ એટલે શું એ એને ખબર સુધ્ધા ના હોય..!!
એક આડવાત..એક ભત્રીજાના ફેસબુક સ્ટેટ્સ પર સરસ કોમેન્ટ આવી. મારો ભત્રીજાએ ફેસબુક પર લાસ વેગાસનું ચેક ઇન નાખ્યુ, યુરોપથી વેગાસ ગયો હતો અને એના એક મિત્રએ વેગસ વાળા સ્ટેટ્સ પર કોમેન્ટ “નાખી તુજ સે ના હો પાયેગા” અને એ કોમેન્ટ ને પછી સાત લાઈક આવી, દિલ ખુશ થઇ ગયું શાબાશ..! મને તો તારા પર ભરોસો હતો પણ તારા મિત્રોને પણ ભરોસો છે તારી ઉપર..!
આવા અસંખ્ય કેસ અને કિસ્સા સાંભળ્યા અને જોયા પછી સો વાતની એક વાત ગમે તે સંજોગો હોય, ભારતમાં જ રહીને લડી લેવુ, દેશમાં નાના નાના ધંધાની વણઝાર ફૂટી નીકળી છે એકવાર સ્ટેટસ નામનું પુંછડું જો છોડી દઈએ અને મનમાંથી ફાંકો કાઢી નાખીએ કે “આ કામ ? અને હું ?” અરે ગમે તે કામ અને હું જ કરીશ તો કોઈ વાંધો નથી હજી પણ ભારત નામના દેશમાં વિપુલ તકો પડી છે ,ધોળિયા અહિયાં તકો શોધે છે અને આપણે એમના દેશમાં
અને ગમે તેવા દેવા થઇ ગયા હોય તો પણ આ દેશમાં આર્થિક અપરાધમાં કોઈને આજ સુધી ફાંસી નથી થઇ, એટલે આપડું ઈમિગ્રેશન સ્ટેટ્સ બગાડીને એક દિવસ પણ પરદેશમાં ના રેહવુ,, ઈમિગ્રેશનની રેડ માં પકડાઈને ત્યાની જેલમાં રેહવુ એના કરતા દેશમાં રહેલું બાપનું ઝુપડુ કરોડ ગણુ સારુ..!
દરેકને કદાચ ડોલરિયા દેશની હકીકતો ખબર છે કશું જ અજાણ્યું નથી પણ ખરેખર કોણ જાણે કયો મોહ છે કે લોકો જિંદગીના રિસ્ક લઇ લઇને દેવા કરીને અમેરિકા જાય છે..
ટ્રમ્પકાકા તમતમારે ધકેલી દો, વીણી વીણીને મોકલજો એકસો ત્રીસ કરોડમાં ત્રણ ચાર લાખ તો ક્યાય ભળી જશે..!
દીકરા-દીકરી વિના ઝૂરતા માબાપ અને માબાપ વિના ઝૂરતા કૈક છોકરા એમના માંબાપ ને ભાળશે અને કૈક માંબાપ છોકરા ને..!
છેલ્લા દસકામાં ચાલીસ પચાસ લાખ લઈને કબુતરબાજી કરતા ઘણા એજન્ટો ઝલાયા છે અને કબુતરબાજી ઉપર ખુબ કન્ટ્રોલ આવ્યો છે તો પણ હવે એટલું આપણે સ્વીકારી લઈએ કે જે છે આ છે મારો દેશ છે અને મારી ધરતી છે,તો કોઈ જ તકલીફ નથી, અને તકલીફ છે તો એની સામે લડી લઈશુ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા