ઈતિહાસ જે તે પ્રજા ના જીવનકાળમાં રચાઈ રહ્યો હોય છે તે પ્રજા ને તેનું ભાન જ નથી હોતું કે તેઓ એક મહાન ઈતિહાસના સાક્ષી છે..!
આવું હું ઘણી બધી વાર લખી ચુક્યો છું ,પણ આજે ફેરવી તોળવું પડે એમ છે ,
એક એક ભારતીય ને આજે ભાન છે કે કયો ઈતિહાસ આજે કરવટ લઇ ને કઈ તરફ આગળ વધી રહ્યો છે, થેન્ક્સ ટુ મીડિયા અને સોશિઅલ મીડિયા..!!
આજે એક એક ભારતીય ૫ ઓગસ્ટ બપોરની ૧૨:૪૪ ની ઘડીથી વાકેફ છે અને આ દિવસ માટે કેટલી બધી પેઢીઓથી ભારત વર્ષ રીતસર ઝૂરી રહ્યું હતું..!
મેં મારા લખાણોમાં કેટલીયવાર કચ્ચી કચ્ચી ને મેહણા માર્યા છે કે મારો રામ હજી ઝુંપડી એ બેઠો છે, કે ઝુંપડીમાં બેઠેલો મારો રામ જાણે..!! કાળી બળતરા હતી કાળજે મારા..!!
મને જ કેમ ? મારા જેવા એક એક જણ ને કે જે ભારતભર ના પથ્થરો જોડે વાત કરી શકે છે એ દરેક ને કાળજે બળતરા ઉપડે..!!
માણસ જુઠ્ઠું બોલે પણ પથરો કેમ નું જુઠ્ઠું બોલે ..?
જરાક ઝીણવટથી જુવો તો ભારતભરમાં ફેલાયેલા આપણા બાપદાદાઓ એ કંડારેલા એક એક પથ્થર બોલશે જો એની વાત સાંભળવાની અને સમજવાની તૈયારી હોય તો..!!
કેટલા પ્રયત્નો થયા આ ભારત ભૂમિ ને વાંઝણી કરી મુકવાના ?
ગણ્યા ગણાય નહિ એટલા, સતત યુધ્ધો જ યુધ્ધો .. ખૈબર ઉતરીને આક્રાંતાઓ ના ધાડેધાડા ઉતરી આવતા ..!
આઝાદી પછી ભારત ના માથે એક આળ પણ ખરું કે ભારત ઉપર શાસન કરનારી દરેક વ્યક્તિ કોઈને કોઈ સ્થાપત્ય આ ભૂમિ ઉપર ઉભું કરી ને ગયો છે, અને જો શાસક જાતે સ્થાપત્ય પાયે થી ઉભું કરવા ને સક્ષમ ના હોય તો બીજા નું તોડી થોડાક નજીવા ફેરફાર કરી ને જે તે સ્થાપત્ય ને પોતાને નામે કરી મુકવાનું પણ ઈતિહાસમાં કોઈક સ્થાપત્ય જોડે પોતાનું નામ જોડી દેવાનું..!
આજે એ કલંક પણ ભુસાઈ ગયું ..!!
ભવ્ય રામ મંદિર આવનારી પેઢીઓ યાદ રાખી શકે એવું સ્થાપત્ય આ પેઢી મૂકી ને જશે..!! એ પણ સંપૂર્ણ લોકતાંત્રિક પ્રકિયા દ્વારા ..!!
અનંત કાળથી ચાલ્યા આવતા ભારત ના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત જેના નાયકો રામ અને કૃષ્ણ , અનંતકાળ જ લખવું પડે તેમ છે , કેમકે હું તો રામ ના અસ્તિત્વ ને નીએન્ડરથલ મેન અને હોમો ઇરેકટસના સમય સાથે જોડી ને જોઉં છું , કલી અઢી હજાર ,એ પેહલા ના અઢી હજાર વર્ષ દ્વાપર અને એ પેહલા ના અઢી હજાર વર્ષ ત્રેતાયુગના આ થીયરી સાથે હું સહમત નથી..!!
રામ કોઈ એક વ્યક્તિ જરૂર હતા ,પણ પછી ક્યાંક એવું વાંચ્યું હતું કે રામચન્દ્રજી એ ૨૫,૦૦૦ વર્ષ રાજ કર્યું હતું એટલે હું લાગણીઓ અને ભાવનાને સેહજ બાજુ ઉપર મુકું તો જેમ મુની વશિષ્ટ રામાયણમાં પણ હતા ,અને મહાભારતમાં પણ હતા,
મુની વશિષ્ટ એક પરંપરા હતા ,એમ રામ એક પરંપરા પણ હોઈ શકે જેણે હજ્જારો વર્ષ સુધી આદર્શ શાસકીય વ્યવસ્થા આપી હોય..!!
ભારત ની સૌથી મોટી કમબખ્તી તક્ષશિલા અને નાલંદા ને સળગાવી મારી એ છે ,જેટલું લિખિત સાહિત્ય હતું એને જડભરતો એ સળગાવી માર્યું એટલે આજે અનુમાનો સિવાય કઈ જ હાથમાં નથી ,એના કારણે ટાઈમ લાઈન ને આપણે પ્રોપર સેટ કરી શકતા નથી, પણ રામ સેતુના કાર્બન ટેસ્ટીંગ ના રીઝલ્ટ છેક હોમો ઈરેક્ટસના કાળ સુધી જવા મજબુર કરે છે, એટલે રામ નું અસ્તિત્વ હજ્જારો નહિ પણ લાખ્ખો વર્ષ પેહલાનું સાબિત થાય તેમ છે જો પ્રમાણિક પ્રયત્ન થાય તો..!!
ભારત ને કુદરત સાથેના તાદ્મ્ય કેળવી ને પોતાની જીવન જીવવાની પદ્ધતિથી જુદા કરવાના અસંખ્ય પ્રયત્નો થયા ને હજી પ્રયત્ન ચાલુ જ છે..અને એ પ્રયત્નના ભાગ રૂપે રામાયણ અને મહાભારત ઉપર સવાલો ઉભા કરવામાં આવ્યા ,
ભારતવર્ષના જીવનમાંથી જો રામાયણ અને મહાભારત ને લઇ લેવામાં આવે તો લગભગ કશું એવું બચતું જ નથી કે જેનો રેફરન્સ લઈને સામાન્ય માણસ જીવી શકે..!
આ વાત ની સુપેરે આતતાયીઓ ને જાણ હતી અને એટલે આસ્થા ના કેન્દ્રો ને આહત કરવામાં આવ્યા..!!
પણ કોઈક “અગમ્ય” કારણોસર બંને મહાકાવ્યો “બચી ગયા” અને એના નાયકો “જીવી ગયા”..!!
૫ મી ઓગસ્ટ ની ઘટના એ આજે પણ રામ “જીવતા” હોવાનું પ્રમાણ આપે છે..!!!
રામ ને “મારવા” એકલો રાવણ થોડો મચ્યો હતો ? છેલ્લા બારસો વર્ષમાં કેટલા પ્રયત્નો થયા રામ ને “મારવા”ના ? એક બહુ જ આછા અડસટ્ટા પ્રમાણે ભારતવર્ષમાં ચાલીસ લાખથી વધુ મંદિરો નો વિનાશ થયો છે છેલ્લા બારસો વર્ષ દરમ્યાન..!!
અહિયાં ભારત વર્ષ એટલે ભારત ના બે નદ્ય
સિંધુ અને બ્રહ્મપુત્રની ભુજાઓની વચ્ચે ફેલાયેલો પ્રદેશ , હિમાલય થી શ્રીલંકા અને ગંધારથી રંગુન બધુય ગણી લેવું..!!
વિનાશ નહિ અનેક મહાવિનાશ આ ભારતભૂમિએ જોયા, અનુભવ્યા ,પણ રામાયણ મહાભારત ને બચાવી રાખ્યા..!!
ભારતવર્ષના ઈતિહાસ અને મહાનાયકો ને પરાણે પોતાનાથી દૂર કરી ને જીવી રહેલા ભારતમાંથી છુટા પડેલા દેશો લગભગ અત્યારે “ફેલીયર સ્ટેટ” ગણાઈ રહ્યા છે..!!
પૂર્વજ નું નામ જ પોતાની પાછળથી કાઢી નાખો અને પછી કહો કે અમે અધ્ધરથી આવ્યા છીએ હવે અમે કહીએ
તેમ તમે કરો…! તો કોણ માને તમને..?
ક્યાંક હમણાં જ વાંચ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય પ્રદેશ
માં ઉત્ખનન દરમ્યાન બુદ્ધની મૂર્તિ નીકળી અને ત્યાના કોઈક “ધર્મગુરુ” એ એને માથે ઉભા રહી ને તોડી નખાવી..!
સદીઓ જુના સર્જન નો વિનાશ કરવો અથવા તો સર્જન ની ઉપર કૈક આઘુપાછું કરીને પોતનું નામ જડી દેવું આજે એ પરંપરા નો અંત આવ્યો..!!
વિસર્જન ઉપર સર્જન થશે..!!
નરેન્દ્ર મોદી સરકારના આવ્યા પછી એકપણ લોહીનું ટીપું રેડ્યા વિના સંપૂર્ણ લોકતાંત્રિક પદ્ધતિથી અદાલતોમાં કેસ લડી ને ન્યાયિક પ્રણાલી નું સન્માન કરતા મંદિર નું નિર્માણ..!!
બહુ મોટી સિદ્ધિ છે આ..!!!
સદીઓ જુનું સપનું પૂરું થયું તો ગઈકાલે દિવાળી હોવી જોઈતી હતી પણ સપનામાં અને તંદ્રા અવસ્થામાં જીવવા ટેવાયેલી પ્રજા ઉજવણી ચુકી ગઈ , મોબાઈલ અને ટીવીમાં ચોંટી રહી..!
જાગો… સપના પુરા કરવા નો સમય છે..!!
આગળના રોડ મેપમાં રામરાજ્ય ની કલ્પના છે,
રામ રાજ્ય માટે શાસક રામ હોય એટલું ના ચાલે પ્રજામાં પણ “રામ” જોઈએ , દારૂબંધી કરી ને દારૂડિયા ને નાથવા એ રામ રાજ્ય નથી, દારૂ ની બાટલીઓના ડુંગર ઉપર રહી ને દારૂ ના પીવાય ત્યારે રામ રાજ્ય આવે..!!
માંહ્યલામાં રામ
હોવો જોઈએ જન જન ના ..ત્યારે રામ રાજ્ય આવે..!!
રામ રાજ્ય એટલે અશ્વમેઘ યજ્ઞ ..!!
આજુબાજુના દેશના “ઘોડા” આવી જાય છે વારે વારે આપણે ત્યાં ,એમ આપણે પણ હવે ઘોડો છુટ્ટો મુકો,
વિસ્તારવાદી નીતિ અપનાવો..!
એક ભૂતપૂર્વ ભારતીય ભૂભાગ
ના “રાષ્ટ્રપિતા” ક્યાંક બોલ્યા હતા કે એક સ્ટેટ તરીકે જો અમે ફેઈલ્યર સાબિત થઈએ તો અમારી ભૂમિ ઉપર પેહલો હક્ક ઇન્ડિયા નો રેહશે..!
ભૂતપૂર્વ ભારતીય ભૂભાગ ના કેટલા સ્ટેટ અત્યારે સકસેસ છે ?
હક્ક વાપરવાનો સમય નથી આવ્યો ?
સમય “આવે” તો ક્યારેક જ ,બાકી “લાવવો” પડે છે..!
રામ મંદિર નો અનુભવ એવું કહે છે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)