આજે કોઈ કારણ વિના સવારે સાડા પાંચ વાગ્યે ઊંઘ ઉડી ગઈ હતી, મોટેભાગે સવારે વેહલા ઊઠવાનું હું ટાળું છું મને સતત ક્યાંક એવું લાગે છે કે બહુ વેહલા ઉઠી જઈએ તો દિવસ બહુ લાંબો થઇ જાય છે..!!
પણ આજે ખરેખર દિવસ ટૂંકો લાગ્યો..!!
સૌથી પેહલું કામ કર્યું કરાગ્રે વોટસ એપ ..!
પણ વેહલી સવારે ફ્રેન્ડશીપ ડે ના મેસેજીસ નોહતા ..!!
એકપણ નહિ..!
મને એમ લાગ્યું કે ભારતીય સંસ્કૃતિ હાવી થઇ બાપુ ,ફ્રેન્ડશીપ ડે ઉપર..!!
ધીમે ધીમે દિવસ ચડતો ગયો તેમ તેમ ફ્રેન્ડશીપ ડે ચડતો ગયો અને સંદેશા આવ્યા..!
છેલ્લે એક સંદેશો આવ્યો લગભગ ૭૩ વર્ષના એક ધંધાકીય મિત્ર નો પછી મને લાગ્યું કે હવે લેપટોપ ખોલવું પડશે .!
મજા નો મેસેજ હતો ફ્રેન્ડશીપ નો..!
જીવન એ મને આવી “અન-નેચરલ” દોસ્તી બહુ આપી છે, સાવ નાનકડા લબરમૂછિયા થી લઈને એશી પંચ્યાસી વર્ષના મિત્રો..!! સમવયસ્કની દોસ્તી તો સહજ હોય પણ પોતાની ઉંમરથી વીસ ત્રીસ વર્ષ મોટા કે નાના ની દોસ્તી બહુ મજા ની હોય છે..!
સખ્ખત મોટ્ટી રેંજ આપણી…!
એક મારા મિત્રના દાદી જોડે આપડી જોર દોસ્તી કોલેજના જમાનામાં,
બા જોડે “બધ્ધી” જ વાતો થાય..! અને બા પણ આપણને ફુલ્લ સપોર્ટીવ ..!
એક દિવસ બા મને ઝાલ્યો ..તું નેળિયામાં અંબુડાની છોડી જોડે કેમ ઉભો હતો..? જોરદાર ધારદાર નજરે દાદી મને જોઈ રહ્યા હતા, હું થોડો તતત..પપપ.. થયો , મને એમ થયું કે બા ધોઈ નાખશે મને.. “એવું કઈ” નોહતું મારે એ “અંબુડાની છોડી” જોડે, પણ બા
જોઈગયા એટલે પછી વઢ તો ખાવી રહી ..! પણ એની બદલે બા મને કહે..આ અંબુડાની નાની છો
ડી થોડી હાજાગાંડા
જેવી છે, એની માં ઉપર પડી છે, એની જોડે સેટિંગ
ના પાડતો મોટી હારી છે , એમાં પડજે, અને છે ને આમ નેળિયામાં નહિ ઉભું રેહવાનું, બાજુવાળા ની વંડી ઠેકી ને આપડા બંગલા ની ગોરસઆંબલી છે ને ત્યાં નિરાંતે બેસજે, હું આગળથી કોઈને નહિ આવવા દઉં..!! પછી બે ચાર દિવસે બા પાછા ફોલો અપ લે .. કેમ અલ્યા મોટીમાં મેળ પડ્યો ? પછી એકવાર ખુલી ને વાત કરી કે..બા મોટી કે નાની બધી હરખી છે, એક ને ઉઠાડો અને બીજી ને બેહાડો એવું જ છે અને એ દિવસે કઈ એને “લઈને” હું નોહતો ઉભો એને કૈક કામ હતું તે મને પૂછતી હતી..! હવે મોટી ઉંમરના દોસ્ત હોય ને એની પાસે અનુભવ ની આંખ હોય, એટલે બા એ જવાબ વાળ્યો ..હેંડ હેંડ આખો દિવસ તારી મોટર સાયકલ નો અવાજ જેવો આવે ને એ ભેગી બારીએ આઈ ને ઉભી રે છે ,તારે કઈ ના હોય પણ એને તો બહુ છે, ધ્યાન રાખજે..!! સોશિઅલ મીડિયા જન્મ્યું જ નોહતું એટલે પંચાતો ફૂટવા સિવાય બીજો કોઈ રસ્તો જ નોહતો..! એ જમાનો હતો ..! જો કે એ દાદી આઝાદીના આંદોલનમાં સખ્ખત આગળ પડતા હતા અને મારે એક “રેપો” સેટ થઇ ગયો પછી તો એમની જોડે , રાજકીય ચર્ચાઓ થતી એમની સાથે ,અને બહુ મોટા મોટા આજ ના અત્યંત પૂજનીય કેહવાય છે એવા એવા રાષ્ટ્ર નેતાઓના કબાટના હાડપિંજરો એમની પાસેથી જાણ્યા..!! અહિયાં લખાય તેમ નથી કોઈ ઓથેન્ટિક આધાર નથી એટલે..! પણ પંચાત એટલે જોર પંચાતો કુટીએ બા જોડે..! લેનિન થી લઈને મુસોલિન અને ગાંધી, સરદાર થી લઈને બા ના શબ્દોમાં “ઇન્દિરા” સુધીની..!! એટલું તો ચોક્કસ કે આજ નો એકેય મહામાનવ જયારે માનવ હતો ત્યારે માટી નો જ હતો..!! બાળપણથી આપણને પંચાત કુટવી બહુ ગમે અને એને લીધે દોસ્તી ઝટ થાય , કેટલાય ડોસા ડોસીઓ જોડે દોસ્તી થઇ અને જીવનમાં અડધે પોહચ્યા પછી ટેણીયા મેણીયા જોડે..!! સમવયસ્ક જોડે દોસ્તી ઘણી ,પણ ક્યાંક છુપી સ્પર્ધા કે ઈર્ષ્યા એ સમયે રેહતી .. આજે ચોક્કસ નથી, પણ પેલો નિયમ તો દરેક ને ચોક્કસ લાગુ પડે કે દોસ્ત નાપાસ થાય બહુ દુઃખ થાય પણ જો દોસ્ત પેહલે નંબરે આવે ને ત્યારે તો ભયંકર દુઃખ થાય..!! દુઃખ કોઈ સીમા ના રહે..!! જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ સમવયસ્ક મિત્રો જિંદગી ને સ્વીકારતા ગયા , જોડે જોડે મેં પણ જિંદગી ને સ્વીકારી લીધી..અને સ્પર્ધા નું તત્વ જતું રહ્યું એટલે જોડે જોડે ઈર્ષ્યા પણ આપો આપ ગાયબ થઇ ગઈ..! સ્ત્રી મિત્રોના રૂપ જતા રહ્યા અને ઠસ્સા આવ્યા ,અને પુરુષ મિત્રોની ટણી જતી રહી અને રૂપિયા આવ્યા..!! મારા જીવનના પચાસમાં વર્ષે મારા ઘણા બધા વડીલ મિત્રો આજે જો જીવિત હોત તો સો ઉપર જતા રહ્યા હોત, ઘણા બધા આજે હયાત નથી પણ એમની વાતો અને વાત પાછળ નો વિચાર હયાત છે..! હવે વાત બીજી “અન-નેચરલ” દોસ્તીની ટેણીયા મેણીયા.. અઢાર થી લઈને પાંત્રીસના..! બદમાશો.. ટીંડર જનરેશન..!! માન સન્માન અથવા દોસ્તી, બેમાંથી એક જ વસ્તુ મળે ..!! દોસ્તી કર્યા પછી જો માન સન્માન મેળળવા જાવ તો કચરાની ટોપલી પણ તમને નસીબના થાય , એક લાત મારી ને ફેંકે સીધ્ધાં જઈ પડો પીરાણાના કચરા ના ડુંગરે..!! પણ ગઈકાલે એક અજબ ઘટના ઘટી..!! એક ટેણીયો આઈટીમાં કામ કરે, આ ઘોર મંદીમાં કમાયો અને નવી નક્કોર ગાડી લાવ્યો સાંઢ..! ગઈકાલે મને ફોન આવ્યો , બાહર આવ ડોહા.. સાંજે પાંચ વાગ્યે ..!! દુનિયા આખી બજારમાં બાહર રોડ ઉપર..અમે મુખ લંગોટ પેહરી ને બાહર ગયા ,નવી ચમચમાતી નવીનક્કોર લાંબી ,ઉંચી ,ગાડી લઈને આવ્યો હતો..! ડ્રાઈવર સીટ ઉપરથી ઉતર્યો સાંઢ ને એકદમ ભરી દુનિયાની સામે સવા છ ફૂટ નો સાંઢ મને પગે લાગ્યો અને ચાવી હાથમાં આપી.. લે ડોહા ..ઓટોમેટીક છે તમને ગીયરવાળી નથી ગમતી ને એટલે આ લીધી..!! બટન દાબી ને ગાડી ઉપાડી મેં સનનન કરતી છૂટી ગાડી એસ જી ઉપર .. મને નવાઈ લાગી હતી કે આ સાંઢ આજે પગમાં કેમ પડ્યો..? કોફું પીતા પીતા મેં પૂછ્યું તારા બાપા ને ગમી આ ગાડી ? સાંઢ બોલ્યો ..રડી પડવા જેવા થઇ ગયા બાપા તો, તમને યાદ છે.. તમે મને કીધું હતું કે જે દિવસે બાપા કરતા વધારે કમાય ને એ દિવસે બાપાની સામે ના ઉભો રેહતો નીચો નમી ને રેહજે .. તમે પેલું મને શીખવાડ્યું હતું ને પેરેન્ટ્સ આર ઓલ્વેઝ પુઅર ધેન ચિલ્ડ્રન ..! (મેં પણ એક ડોહા પાસેથી જ આ શીખ્યું હતું..અને એક્ચ્યુલી મારી લીધેલી બધ્ધી જ ગાડીઓ લઈને પાપા ને પેહલા પગે લાગતો હું..) એટલે ગાડી છોડાવી ને એમની પાસે ગયો ને એમને પગે લાગ્યો તો એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા હતા..!! તાળો મળી ગયો એના પગે લાગવા નો, જીવનની પેહલી સફળતા સાંઢ પચાવી ગયો..!! બિલકુલ એમ જ જેમ પેલા મિત્રની દાદીએ મને કીધું હતું કે અંબુડા ની નાની નહિ મોટી ને લઈને આવજે ,અને મેં કીધું ના બે માંથી એકેય નહિ ..! આજે સમજાય છે કે બા એ દિવસે મને “માપી” લીધો હતો કે છોકરો આડી લઈને નહિ જાય..અને પછી મારી જોડે દોસ્તી કરી લીધી હતી..! જીવનમાં સૌથી વધારે કદાચ “આપી ને જાય છે” તો એ આ
અન-નેચરલ` મિત્રતા ..!
પચ્ચીસ ત્રીસ વર્ષ મોટા અથવા તો પચ્ચીસ ત્રીસ વર્ષ નાના..!!
બંને સાથે મિત્રતા કેળવવામાં ધીરજ અને સાંભળવા નો ગુણ રાખવો પડે છે,
પણ બંને જીવનમાં ખુબ આપે છે ,જે સમવયસ્ક મિત્ર નથી આપતો અને હા મિત્રતા એટલે જેન્ડર ન્યુટ્રલ ..!!
જો જીવનમાં પચ્ચીસ ત્રીસ વર્ષ મોટો કે મોટી વ્યક્તિ મિત્ર નથી બની કે નાની મિત્ર નથી બની તો ફેરો ફોગટ છે ..!
તમારાથી પચ્ચીસ ત્રીસ વર્ષ મોટા મિત્ર જોડે તમારા જીવનની કિતાબના પન્ના ખુલ્લા રાખવાના ને પચ્ચીસ ત્રીસ વર્ષ નાના મિત્ર જોડે તમારા મોબાઈલ નો પાસવર્ડ હોવો જોઈએ, વોટસ મેસેજીસ ને ગેલેરી નો એક્સેસ એની પાસે હોવો જ જોઈએ..!!
કરી શકો છો આવું ?
તો મારી જેમ દુનિયાના તમે પણ સૌથી વધારે નસીબવાળા માણસ છો..!!
સૌ ને હેપી ફ્રેન્ડશીપ ડે ..
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)