પીએનબી મહાઘોટાલા..
જ્યારથી પીએનબીમાં સ્કેમ બાહર આવ્યું છે ત્યારથી પીએનબીના કર્મચારીઓ થોડા આઘાપાછા થઇ ગયા છે..!!
કોઈકે પોતાના વોટ્સ એપ ડીપીમાં મુક્યું છે I AM WITH PNB ,કોઈકે ફેસબુક પર પીએનબીના ૧૨૦ વર્ષના ઈતિહાસની દુહાઈ આપી કે આઝાદી વખતે પીએનબી પોતાનો ૬૦ % ધંધો પાકિસ્તાનમાં મૂકી અને ભારત આવી ગઈ હતી તો પણ પીએનબી ટકી ગઈ, ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ પીએનબી ટકી શકે તેમ છે..
કોઈક એમ લખે છે કે અમારી બેંક નો કુલ ધંધો વર્ષે દા`ડે અગિયાર લાખ કરોડનો છે અને આ સ્કેમ ફક્ત અગિયાર હજાર કરોડનું જ છે..!!
“ બિચ્ચારા ” મારા પીએનબીના મધ્યમવર્ગીય કર્મચારી મિત્રો..!!!
આપણા મધ્યમ વર્ગનો સ્વભાવ છે, ખાય એનું ક્યારેય ના ખોદીએ…એ ન્યાયે પીએનબીના મોટાભાગના કર્મચારીઓ પોતાની બેંકની ફેવરમાં ખુલી ને આવી ચુક્યા છે..!
મારા વડીલ નિવૃત પીએનબી કર્મચારી મિત્રો પણ એમની પીએનબી પ્રત્યેની વફાદારી સોશિઅલ મીડિયા ઉપર અને પર્સનલી બતાડી રહ્યા છે..!!
પણ હકીકત કૈક જુદી છે..!!
મૂડી તૂટી છે..પીએનબી ની..!!
જો પીએનબી વચન પાળે તો.!!
વચન પાળે તો..!!!
બહુ જ ધ્યાનથી વાંચો “જો પીએનબી વચન પાળે તો..”
એક બેંક મેનેજર મિત્ર જોડે વાત થઇ આ કૌભાંડ માટે, બહુ ઝીણું અવલોકન છે એમનું..
મને કહે “શૈશવ અત્યાર સુધી પીએનબી એ LOU ઈશ્યુ કર્યા છે અને એ બધા ખોટા છે, ફ્રોડ છે , અને એ LOU ઉપર SWIFT મેસેજ પીએનબી એ મોકલી દીધા છે, (LOU અને SWIFT આ બે શું છે એની તમને હવે તો ખબર પડી ચુકી હશે..) હવે પીએનબી ના LOU અને SWIFT ઉપર બીજી બધી બેંકો એ રૂપિયા ધીર્યા છે પીએનબી એ નહિ..!!”
ફરી એકવાર વાંચો..“પીએનબી ના LOU અને SWIFT ઉપર બીજી બધી બેંકો એ રૂપિયા ધીર્યા છે પીએનબી એ નહિ..!!”
હવે આ સંજોગોમાં પીએનબી પાટલુન ઉતારી અને ખંભે નાખે તો પીએનબી ને કોઈ નુકસાનના આવે..અને બીજી બધી બેંકો ઠંડા પાણીએ ન્હાય..!!
પીએનબી ફક્ત કોર્ટમાં કેસ દાખલ કરે કે અમારી સાથે ફ્રોડ થયો છે અને એ LOU તથા SWIFT ખોટા છે, અને કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઇ લ્યે એટલે પીએનબી છુટ્ટી અને બીજી બધી બેંકો ડબામાં…!!
પીએનબી એ ખાલી આટલી જ “નાગાઈ” કરવાની રહે…!!
હજી સુધી એક પણ રીપોર્ટ એવો આવ્યો નથી કે ૧૧,૪૦૦ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ પેમેન્ટ પીએનબી એ નિરવ મોદી કે મેહુલ ચોકસીના એકપણ ખાતામાં કર્યું હોય..!!
અને ઇડી તથા બીજી સરકારી એજન્સીઓની ચીલ ઝડપે થઇ રહેલી કાર્યવાહી દેખાડી રહી છે કે એકલી પીએનબી નહિ પણ બીજી ઘણીબધી નેશનલાઈઝ બેંકો ઉપર જોખમ ઘણું છે, જો પીએનબી ની જોડે બીજી ચારપાંચ બેંકો પણ “હાલે” તો તો જેટલી સાહેબ ને ભોં ભારે પડે..!
શંખણી ના સાદે ધરતી ફાટે નહિ અને જનતા આ ધરતી પર તો જેટલી સાહેબને જીવવા ના દયે..!!
એક જબરજસ્ત મોટા કમઠાણમાં ભારતીય બેંકિંગ સીસ્ટમ ફસાઈ ચુકી છે..!!
કેટલી મૂડીને “ઘાલખાધ” ખાતે લઇ જવી પડશે એનો અંદાજ પણ જેટલી સાહેબને નથી આવી રહ્યો, આરબીઆઈ “સુન્ન” થઇ ચુકી છે..!
નોટબંધી થી મોટા મગરમચ્છ પકડવા હતા, પણ ત્યારે તો નાની નાની માછલીઓ હાથ લાગી, જયારે આ પીએનબી કૌભાંડે તો એક સાથે દર ચોમાસે વડોદરામાં વિશ્વામિત્રીમાં જેમ મોટા દૈત્ મગરમચ્છ તણાઈને કાંઠે આવે છે એમ અત્યારે મોટા મોટા મગરમચ્છ હાથ લાગી ચુક્યા છે..!!
એક દાવો એવો આવ્યો કે ૫૧૦૦ કરોડની સંપતિ સીઝ કરી ચુકી છે સરકાર..!
હવે ભાઈ એ તો જંગલમેં મોર નાચા કિસને દેખા..??
માલ્યા સાહેબની જપ્ત કરેલી સંપતી ની હરાજી ત્રણ ત્રણ વાર ગોઠવી પણ કોઈ અડતું સુધ્ધા નથી..!
૫૧૦૦ કરોડના હીરા જવેરાત જપ્ત કર્યા છે, હવે આ “કલાકારો” એ એક જ નેકલેસમાં કેટલા “હીરા” અને કેટલા “પથરા” ભર્યા હોય એ કોણ જોવા ગયું છે..?
હા ૫૧૦૦ કરોડની જપ્તીમાં નક્કર સોનાની પાટો પકડાઈ હોય તો જુદી વાત છે, બાકી આવડો મોટો “ચોર” એના માલમાં ચોરી ના કરે તો “હેરાફેરી” તો ચોક્કસ કરે..
પેલી કેહવત છે ને કે “ચોર ચોરી થી જાય પણ હેરાફેરીથી ના જાય..!!”
એટલે એના ઘરેણા કેટલા સાચા અને કેટલા ખોટા એ તો એ જાણે અને એનો ભગવાન..!
બાકી નીતિથી ધંધા કરવાવાળો આવા ખોટા કામ કરે જ નહિ..!
પીએનબીના કર્મચારીઓ અત્યારે જે સોશિઅલ મીડિયા અને પર્સનલ લેવલે ઝુંબેશ ચલાવી રહ્યા છે એ કાબિલે તારીફ છે, પણ દોસ્તો એકલી ઝુંબેશથી નહિ ચાલે, તમે લોકો બેન્કિંગ સેક્ટર જોડે સંકળાયેલા છો, રોજ નો પનારો છે તમારો આ સીસ્ટમ જોડે, તો એક દેશસેવા કરશો તો ઘણો ઉપકાર થશે દેશ પર..
હજી પણ ઘણા લુઝ પોઈન્ટ બેન્કિંગ સીસ્ટમમાં છે, અને લુ ફોલ્ટ રહી ગયા છે જયારે જ્યારે આવા બાકોરા છીંડા તમને દેખાય ત્યારે તરત જ ઉપર જાણ કરો અને બાકોરા પૂરી દ્યો..દુનિયાની કોઇપણ બેંક જોડે ફ્રોડ થાય જ છે પણ ફક્ત અને ફક્ત બેંકના કર્મચારીઓની સતર્કતા અને ઈમાનદારી જ બેંક ને જીવાડી શકે છે..
છેક ૨૦૧૧માં ૨૮૦ કરોડ રૂપિયાથી પડેલું બાકોરું આજે ક્યાં નું ક્યાં પોહ્ચ્યું છે, ઉપરી અધિકારી નાં સાંભળે તો ટૂંકસાર બનાવીને સોશિઅલ મીડિયા પર ફેરવો પણ ધ્યાન દોરો..
છેલ્લા બે દિવસમાં મજાક મસ્તીમાં મેં ઘણા પીએનબી ઓફિસરોને મેહણું માર્યું છે “અલ્યા તમને હું નથી દેખાતો ..? મારી પાંચ-પચ્ચીસ લાખની એલસી ખોલવી હોય છે તો દુનિયાભરની સહીઓ કરાવો છો, અને ઈમ્પોર્ટમાં ટીટી મોકલું ત્યાંથી લઈને બીલ ઓફ એન્ટ્રી જમા ના કરાવું ત્યાં સુધી તો મારું લોહી પી જાવ છો અને આ નીરવો તમને દેખાઈ ગયો, બે ચાર મીંડા મારી એલસીમાં વધારીને SWIFT મોકલી દો ને..!”
અને ખરેખર સામે જવાબ એવો આવે છે “યાર શૈશવ એસે હરામ કે રૂપિયે લેકે ક્યા કરેગા ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..”
અને અમે હસતા હસતા છુટા પડીએ..!!
કમબખ્ત મિડલક્લાસ મેન્ટાલીટી..!!
ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..!!
અત્યારે બાહરથી રોડ ઉપર થી ભૂ ભૂ કરતી એક કન્વર્ટીબલ ગઈ,
યાર શૈશવ એસે હરામ કે રૂપિયે લેકે ક્યા કરેગા ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..
એરક્રાફ્ટમાં બીઝનેસ ક્લાસ કે ફર્સ્ટક્લાસમાં હજી બેઠો નથી..
યાર શૈશવ એસે હરામ કે રૂપિયે લેકે ક્યા કરેગા ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..
દર વર્ષે પીપીએફ અને એલઆઈસીના પ્રીમીયમ ભરતા ફીણ નીકળી જાય છે,અને પ્રીમીયમ ભર્યા પછી કશું બીજું બચતું નથી..
યાર શૈશવ એસે હરામ કે રૂપિયે લેકે ક્યા કરેગા ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..
ગાડીઓ ની લોનો ના ઈએમઆઈ સાતમી તારીખે શૂળ ની જેમ બેંક ખાતામાં ભોંકાય છે..
ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..!!
મેડીકલેઇમ ના પ્રીમીયમ ભરતા ચક્કર આવે છે..
ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..!!
અને જેટલી સાહેબ મિડલક્લાસમાંથી “ચોરો” શોધે છે..!!
હશે ત્યારે આપણે તો લીસ્ટ બહુ લાંબુ છે તો`ય ..
યાર શૈશવ એસે હરામ કે રૂપિયે લેકે ક્યા કરેગા ઇતના કુછ તો દિયા હૈ ઉપરવાલે ને..
શુભ રાત્રી
શૈશવ વોરા