મોબાઈલ એ ઉગાડ્યા શીંગડા..!!
એક રીસર્ચ પેપર પ્રમાણે અઢાર થી ત્રીસ વર્ષના છોકરા છોકરીઓ ઉપર એક સર્વે કર્યો તો એમાંથી ચાલીસ ટકા ને ખોપરીના પાછળના ભાગે નાનકડું લગભગ `શીંગડા` જેવું કૈક એક્સ-રે માં ડેવલપ થયેલું દેખાયું..!!
કેટલાકમાં આ `શીંગડું` લગભગ એક ઇંચ જેવડું મોટું ડેવલપ થયું છે …!!
પેહલા તો વૈજ્ઞાનિકો ને લાગ્યું કે ના ના શીંગડા આપણે માણસજાતને નાં `ઉગે`, કોઈક જીનેટિક ડીસઓર્ડર હશે પણ પછી જુદા જુદા ગ્રુપના બારસો છોકરા છોકરી ઉપર સર્વે ચાલુ કર્યું તો લગભગ ચાલીસ ટકા માં શીંગડા જેવું દેખાયું..!!
પછી ચર્ચા ચાલી કે એકલા મોબાઈલ નહિ લેપટોપ પણ ખરા, આખો દિવસ લેપટોપની સામે ચોંટી અને એક જ પોશ્ચરમાં બેઠા રહેલાને પણ શીંગડું નીકળ્યું છે..!!
હવે ભાઈ મોબાઈલની માં લેપટોપ અને બાપ ડેસ્કટોપ ..
ત્યારે શું વળી હે ..!
મોબાઈલમાં વાત થાય, બાકી તો જે કામ લેપટોપ ડેસ્કટોપ કરે છે એ જ કામ મોબાઈલ કરે છે ને ..અને છોકરું માંબાપ કરતા થોડું આગળ તો વધે ને ..!
“આખો દિવસ મોબાઈલમાં એકધારું મોઢું ઘાલી રાખ્યું એટલે બિચારી કુદરત ને થયું કે આ “જણ” ઘરડો થશે એ પેહલા જ વાંકો વળી જશે એના કરતા એની ખોપરી ને સેહજ ટેકો કરી દઉં તો મારી વાંકો વળેલો માણસમાંથી સીધા કરવાની ત્રીસ ચાલીસ હજાર વર્ષની મેહનત ઉપર પાણીના ફરી વળે..એટલે લાગે છે કુદરતે ખોપરીમાં પાછળના ભાગે ખોપરીને બેલેન્સ કરવા એક શીંગડું ઉગાડી આપ્યું..!”
ઉપરની થીયરી આપણી પોત્તાની છે હોં એટલે કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી વાળા ને કેહવાનું કે છાપીના મારતા નહિ તો સલવાઈ જશો..!!
😉
દુનિયાના છ અબજ લોકોમાં ખાલી બારસો માણસોનો સેમ્પલ સર્વે છે આ , અને એમાં ચાલીસ ટકાને નાની મોટી સાઈઝનું શીંગડું દેખાયું છે એટલે આપણે એવું ડરી જવાની જરૂર નહિ કે બે ચાર વર્ષમાં આપણને પણ બોચીના પાછળના ભાગે શીંગડું આવી જશે પણ એક વાત તો ખરી કે કુદરત પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરી રહી છે..!
ઉત્ક્રાંતિ એના રસ્તે આગળ વધી રહી છે ,કદાચ એણે નક્કી કર્યું છે કે માણસ નામનું પ્રાણી વાંકું વળી ના જવું જોઈએ મેં માંડ માંડ એની કરોડરજ્જુ ને સીધી કરી છે તો ફરી પાછી એ મોબાઈલ કે લેપટોપ ના રવાડે ચડીને વાંકી ના કરી મુકવો જોઈએ એટલે બેલેન્સ કરી નાખવું પડશે અને એકવાર કુદરત નક્કી કરે તો કામે તરત જ લાગી જાય છે, કુદરત છે ભાઈ..!!
આ `પણ` આપણું પોત્તાનું અનુમાન છે હો ભાઈ..!
આવું વારેવારે કેહવું પડે છે… આપણો જ માલ જુદા પેકિંગમાં પેક થઇ ને આપણી પાસે આવે તો શું કરવાનું ?
શૈશવના જ બ્લોગ બીજા ના નામે શૈશવ પાસે આવે છે અને ક્યાં તો કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી વાળા થોડાઘણા ફેરફાર કરીને ફેરવે છે , ભાઈ આઈડિયા લઇ લ્યો ને પછી થોડીક પોતાની વાપરો અને લખો ને ..!!
શૈશવે પણ ક્યાં પોતે રીસર્ચ કર્યું છે ? કે ખોપરીમાં બોચીના ભાગે હાડકું વધ્યું અને શીંગડા જેવું કૈક આવ્યું… ટાઈમ ,ટેલીગ્રાફ ,મિરર ,બધા એ સ્ટોરી કરી છે, એ વાંચીને મારી ખોપરી દોડી રહી છે..!!
ફાંટાબાજ કુદરત ઘણું બધું નવું નવું કરતી હોય છે પર્સનલ બ્લોગ છે એટલે પર્સનલ વાત પણ હોય જ ..
મારા ઘરમાં મારા પપ્પાને છાતીના પાંજરામાં એક પાંસળી જોડ કુદરતે વધારાની આપી છે..અને એના કારણે એમના બંને હાથનું બ્લડ પ્રેશર અલગ અલગ આવે છે..!
મમ્મી પપ્પાની બાવન વર્ષની મેડીકલ પ્રેક્ટીસમાં એક પેશન્ટ જમણી બાજુ હ્રદય લઈને આવ્યો હતો..!!
રાજસ્થાનથી આવેલું પેશન્ટ હતું અને લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પેહલાની વાત છે , પેશન્ટ ને તપાસતા મારા પપ્પા એને ડાબી બાજુ સ્થેટોસ્કોપ મુકે અને કઈ ના સંભળાય , જમણીબાજુ ધડધડ જાય ..
કોઈપણ ડોકટરની જિંદગીમાં ચમત્કારથી વિશેષ આ બીજું કઈ ના કેહવાય ,પપ્પા એ કન્ફર્મ કરવા મમ્મીને સ્થેટો પકડાવ્યું અને કહી દીધું કે ડેક્સ્ટ્રોકાર્ડિયા લાગે છે એકવાર જો તો ..
મમ્મી એ પણ કીધું હા,પણ એક એક્સ-રે લેવડાવો ..પેશન્ટને એક્સરે માટે મોકલી અને પાપા એ ફોન કર્યો રેડિયોલોજીસ્ટ ને કે ડેક્સ્ટ્રોકાર્ડિયા છે કન્ફર્મ કરો..
પેલા રેડિયોલોજીસ્ટ ડેક્સ્ટ્રોકાર્ડિયા સાંભળીને એટલા એક્સાઈટ થઇ ગયા કે બીજા બધા પેશન્ટ ને બાજુમાં મૂકી અને એનો એક્સરે લીધો અને ફિલ્મ ડેવલપ જાતે કરી પંખામાં સુકવી અને વીસ મિનીટમાં તો જાત્તે એક્સ રે ફિલ્મ અને રીપોર્ટ લઈને આવ્યા …
વોરા સાહેબ તમે સો ટકા સાચા છો .. ડેક્સ્ટ્રોકાર્ડિયા છે, અને મારા જીવનમાં કદાચ પેહલો અને છેલ્લો રીપોર્ટ છે કે જેમાં હું આ ડેક્સ્ટ્રોકાર્ડિયા વર્ડ વાપરી રહ્યો છું..!
પછી પેશન્ટ નું કાઉન્સેલિંગ થયું અને સમજાવ્યો કે ભાઈ ડરવાની જરૂર નથી, પણ તું છે કરોડોમાં એક, આ રીપોર્ટ હંમેશા તારી જોડે રાખજે અને એના ઘરવાળાઓ ને પણ સમજાવાયા કે તમારા માણસને હ્રદય ડાબી ને બદલે જમણી બાજુ છે ,ખરેખર કરોડોમાં એક છે આ ભાઈ..!!
એ બધું પત્યું પછી બીજા ઓળખીતા ડોકટર્સને ફોન લાગ્યા બોલાવાયા અને એમને પણ ડેક્સ્ટ્રોકાર્ડિયાવાળા પેશન્ટ ના હાર્ટ બીટ સાંભળવાનો “લ્હાવો” અપાયો..!
લગભગ ઉત્સવનું વાતાવરણ થઇ ગયું હતું દવાખાને કે વોરા સાહેબને ત્યાં જમણી બાજુ “હાર્ડ” વાળો માણસ આ`યો છે..!
બે વર્ષ પેહલા દીકરીનું મેડીકલમાં એડમીશન થયું ત્યારે બોન સેટ લેવા ગયો હતો એક મેડીકલની બુકસ વેચતી દુકાને હું મોંઘા માનો નકલી બોન-સેટ ખરીદવામાં જ હતો અને ત્યાં એક ઓર્થોપેડિક મિત્ર આવી ચડ્યો મેં કીધું અલ્યા આ બોન-સેટ લઇ લઉં ને..? પેલો ઓર્થો તરત બોલ્યો શૈશાવ્યા તારી ફરી ગઈ છે? અસલી જેવું આ પ્લાસ્ટિક હોય ? કોલેજોમાં દરેક જગ્યાએ મુક્યા છે અસલી, ત્યાં જઈને જોઈ લેશે તારી છોકરી .. નકલી આપી ને કન્ફયુઝ ના કર..!!
આપડી ખોપરી ચાલી,
વાત તો સાચી અસલી એ અસલી નકલી એ નકલી..!!
કુદરતનું અસલી નવું ઉગાડે ,અને નકલી છેવટે કુદરત ને બગાડે..!!
કોઈ ને બોચીમાં શીંગડું ફીલ થતું હોય તો કેહજો..!!
😉
અને હા મારો વાંક તો કાઢતા જ નહિ કે તમારો બ્લોગ મોબાઈલ માં વાંચી વાંચીને શીંગડું નીકળ્યું..!
હાથ ફેરવ્યોને બોચીમાં હેં ને ..? મને ખબર જ હતી કે આ “વાંદરો” પોતાનું શીંગડું ચેક કર્યા વિના નો નહિ રહે.. હા હા હા ..!
મેં પણ ફેરવ્યો હતો..!
હે હે હે ..
આપનો દિન શુભ રહેશૈશવ વોરા