Kumpni sarkar ni jay ho
કુંપની સરકારની જય હો ..
કંપની સરકારની જય હો ..
સરકાર બનાવનારી કંપનીની જય હો ..
હજી ૨૦૨૪ની શપથવિધિ થઇ નથી અને ૨૦૨૮માં “સરકાર” ધવલાલયમાં ઘૂસવા માટે થનગની રહ્યા છે ,
એવા સમાચારો આવવા લાગ્યા..!
કેવા કેવા ગજ્જબ પ્લાનિંગ થયા હશે એ વિચારો ..
પેલા સુનિતા વિલિયમ્સ ઉપર લટકી ગયા છે ,હવે ધરતી ઉપર પાછા કેમના લાવવા એના માટે કોઈ વાત જ નથી કરતુ ,
તમારા કરતા તો અમારું મીડિયા નહિ સારું ?
પેલું બોરવેલમાં એક મજુરનું છોકરું પડી ગયું હતું તો મીડિયાએ આખો દેશ માથે લઇ લીધો ,અને છોકરું બાહર લાવ્યા ,
અને એ પણ જીવતું ..!!
પાછા આપણને ગાળો દે .. તમારે ત્યાં આમ અને તમારે ત્યાં તેમ…!
ધવલાલયમાં રેહવા માટેનો ઈતિહાસ સર્જાઈ ગયો એક વાર જીત્યા ,બીજી વાર હાર્યા , પછી જેણે જેણે માર ખાધો એ હવે માલ ખાશે..!
જગત આખું ઊંચુંનીચું છે, આવું કેમનું થાય ?
પણ થાય ,
આજે સમજી લેવાની જરૂર છે કે લોકતંત્રો આવતા સૈકામાં ફરી એકવાર ભૂતકાળ થતા જોવા મળશે,
અથવા તો કેહવાતા લોકતંત્ર રેહશે જગતમાં..!
દુનિયા આખ્ખીમાં કોઇપણ પક્ષ અને એનો વિપક્ષ વચ્ચેની ખાઈ બહુ જ પોહળી થતી જાય છે , બે વિરોધી વિચારવાળાની એકબીજા પ્રત્યેની સહિષ્ણુતા ખત્મ થઇ જાય ત્યારે લોકતંત્રનો વિનાશ થાય ,
એવે વેળાએ સત્તાના સૂત્રો દેખીતા જેના હાથમાં શસ્ત્રો હોય એ સંભાળે પણ પાછલા બારણેથી જેની પાસે ખણખણતા રૂપિયા હોય એ સંભાળે..
પરંતુ એક વાતની દાદ દેવી પડે કે કંપની સ્ટ્રક્ચર ઉભું કરી અને દેશો દુનિયા ઉપર આજે પણ રાજ કરી શકાય છે એવું ચોક્કસ માનવું પડે ,
ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી લઈને અને સ્પેસ એક્સ,
દેશોના દેશો અને એક એક જણને કંપનીઓ ભેગી થઈને કાબૂમાં રાખે છે..
હવે અહિયાં પિત્તળબંબો અક્કરમી એમ કહે કે હું સ્વતંત્ર છું..
તો ભૂલી જા..
સિઝેરિયન અને આઈવીએફથી જન્મેલાઓ તમારી જણનારીમાં જોર નથી અને જણના સ્પર્મ કાઉન્ટ ઘટી ગયા છે ..
આગળ લખતો નથી સમજી જાવ..
જન્મથી મૃત્યુ સુધી દરેક જગ્યાએ કોઇપણ કંપનીના માલ વાપર્યા સિવાય જીવન શક્ય જ નથી , અને સ્વાવલંબન જેવી જે વાત કરતો હતો એની ગજ્જબ હાંસી થઈ રહી છે..!
દુનિયા આખ્ખી અત્યારે એક જુદા પ્રકારના નશામાં રાચી રહી છે જેનું નામ સુધ્ધાં કોઈ પાડી શક્યું નથી..
જે નશો અત્યારે દુનિયાના છસ્સો કરોડ લોકો કરી રહ્યા છે એના કરતા આગળનો એટલે કે નેક્સ્ટ લેવલનો કયો નશો કરાવવો એની પણ તૈયારીઓ દુનિયાના બે-પાંચ લોકોએ કરી મૂકી છે..
સમય બદલાવ કે ક્રાંતિનો બિલકુલ નથી ,
પરપીડન જે લોકો જગતમાં કરી રહ્યા છે એ જ લોકો સ્વપીડનમાં પણ એટલા જ રાચેલા રહે છે , દુનિયાની નેવું ટકા વસ્તી આ બે પ્રકારના પીડનમાં જ રાચે છે..
જેમ ભારતમાં ચૂંટણીઓ થઇ પછી સીટો કેમ ઓછી થઇ, અને છતાય એની એ જ સરકાર કેમ બિરાજી એની બંધ બારણે ચર્ચાઓ થઇ અને બે મોટી કંપનીઓના અતિનમ્ર એવા લોકોના નામ પણ બહાર ના આવ્યા ,
એમ ધવલાલયમાં ૨૦૨૮ પછી રેહવા માટેનો તખ્તો તૈયાર કરવા જેવા કુંપનીના માલિક હવે સરકારનો એક ભાગ ૨૦મી જાન્યુઆરી ૨૦૨૫એ બની જશે..ખુલ્લેઆમ
અમેરિકામાં એક શાંતિ ખરી કે બે ટર્મથી વધારે કોઈ ધવલાલયમાં રહી ના શકે એટલે જખ મારીને પાછળવાળાને તૈયાર કરીને બજારમાં લાવવો જ પડે..
આપણે ત્યાં કમબખ્તી છે,
જે ચોંટી ગયા એ ચોંટી ગયા ,પછી ઝાડ પડે ને જગ્યા થાય..!
અને ક્યાં તો પછી ચોંટે એ પેહલા જ ઉખાડી ફેંકો ,
માપમાં કશું જ નહિ..!
લોકતંત્રના પ્રયોગો જગતના ઈતિહાસમાં પેહલા પણ ઘણા થયા છે ,
આપણે ઈતિહાસમાંથી કેટલું શીખ્યા એની આપણને રત્તીભાર ખબર નથી ખાલી ગૌરવ લઈને ફાંકા ફોજદારી કરી જાણીએ, પણ હકીકતે દુનિયાના ઈતિહાસમાં લોકતંત્રો પાયાના લેવલેમાંથી ક્યારેય ગયા નથી અને ઉપરના લેવલે ક્યારેય ટક્યા નથી ..!
યુધ્ધો લઢવાની રીતરસમો બદલાઈ ગઈ છે, લેટેસ્ટ ટેકનોલોજીએ ઘણા બધા પરિમાણ બદલી નાખ્યા છે ,
જગતના ચાલી રહેલા બે મોટ્ટા કુરુક્ષેત્રો ઈઝરાઈલ અને યુક્રેનમાં હવે આગળ ક્યા પ્રકારના શસ્ત્ર વપરાશે એના માટે જનસાધારણ અજાણ છે પણ વિચારશીલ લોકો , કોઈ કારણ વિના જગતની ચિંતા કરી ખાતા અને પછી પોતાની ચિંતાને કોઈ `વાદ` નું સ્વરૂપ આપીને લોકોને લડાવતાને ઘણી તકલીફ છે ..
આર્થિક સામ્રાજ્યવાદ હજી એની ચરમસીમાએ આવી ગયો કે હજી આગળ ધપી રહ્યો છે ત્યાં પણ પ્રશ્નાર્થ છે ,
હું બહુ ચોક્કસ માનું છું કે ઈતિહાસ જેની આંખ સામે રચાઈ રહ્યો હોય છે એ પ્રજાને તો બિલકુલ ભાન જ નથી હોતું કે એમની સાથે શું થઇ રહ્યું છે ,
ફક્ત અને ફક્ત ઉન્માદ અને વિચિત્ર નશામાં જીવતી હોય છે ઈતિહાસ રચનારી પ્રજા..
પાછળથી એનાલીસીસ કરવું સેહલું છે પણ ભવિષ્યની આગાહી અસંભવ છે..!
એક સમયે એવું લાગતું હતું કે ઇલેક્ટ્રિકસીટીનું સ્ટોરેજ એક બહુ મોટ્ટી સમસ્યા છે અને એનો ઉકેલ મળે તો ફોસિલ ફયુલની ઉપરની ડીપેન્ડીબીલીટી ઘટે અને દુનિયાના રાજકારણના સાટાપાટા ઉકેલાઈ જાય અને જગત ગોળ નહિ પણ અમુક લોકોને જેમ સીધું અને સપાટ લાગતું હતું એમ સીધું અને સરળ થઇ જાય..
પણ ના એવું નથી ..
રોજ સવારે છાપું ખોલો કે હવે વોટ્સ એપ ખોલો અને તમને એડ્રીનાલિન બુસ્ટ કરે એવા સમાચાર ના મળે તો જીવનમાં અધુરપ વર્તાય છે ..
બસ આ વાતને પેલા ચાર-પાંચ ,દસ-બાર ને ખબર છે એટલે જો જીતા વહી સિકંદર બાકી બચે બંદર..!
બીજી રીતે પણ કહી શકાય અને લઇ પણ શકાય
બંદર બના સિકંદર..!
મદારી અને બંદરોની કંપનીઓ ચાલતી રેહશે , તમારે અને મારે દિવસભર મેહનત મજુરી કરીને ભેગા કરેલા રૂપિયા કોઈને કોઈ કંપનીને બીલ પેટે કે ઇન્વેસ્ટમેન્ટ પેટે કે હપ્તા રૂપે આપતા જ રેહવું પડશે..!
વિચારો માણસજાત સિવાય જગતમાં જીવતી કેટલી બધી જીવજંતુ અને પ્રાણીઓની સૃષ્ટિ છે જે કોઇપણ પ્રકારના બીલ ,હપ્તા ,કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા વિના પેટ ભરી રહી છે પ્રજનન કરી રહી અને જીવી રહી છે..
માણસ જાત એટલે હોમો સેપીયંસ સેપીયંસ ..
હોમો સેપીયંસ સેપીયંસ સિવાય કેટલા બધાંનું આ રત્નગર્ભા ઉપર જીવન છે ..!!?
વિચારવું એ ખુબ અઘરી પ્રક્રિયા છે , ટપ્પોના પડે તો છેકથી બે ચાર વખત વાંચી અને ફોરવર્ડ કરી દેવો ..
ચાલો તમારો દિવસ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*