Aadedhad parking
*આડેધડ થતા પાર્કિંગ માટે હંમેશા પ્રજાને જ દંડિત કરવામાં આવી છે ક્યારેય કોઈ વ્યક્તિ શા માટે આડેધડ પાર્કિંગ કરી રહ્યું છે એનો વિચાર કરવામાં જ નથી આવતો..*
એસ જી હાઈવે ઉપર ટ્રાફિક જામ ના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તડી બોલાવી અને તંત્ર દોડતું થઇ ગયું…
વાહ વાહ..
હવે એક બીજી વાત…
ગુજરાત હાઈકોર્ટની બુદ્ધિમત્તા કે નિયત ઉપર આપણે સવાલ કરી ના શકીએ , ખુબ જ વિદ્વાનો ત્યાં બેઠા હોય છે,
પણ એવું ખરું કે ન્યાયની દેવીને આંખે પાટા બાંધ્યા છે એટલે કદાચ આખી હાઈકોર્ટને પણ બીજું કશું ક્યાંય દેખાતું નહિ હોય..?
આ તો એક સવાલ થાય આપણ ને..
કેમ કે ટ્રાફિક અને આડેધડ પાર્કિંગ તો આખા ગુજરાતના એકે એક શેહર અમદાવાદ, રાજકોટ, ભાવનગર,વડોદરા ,સુરત ,જામનગર આ એકે એક શેહરની ગલીએ ગલીએ આડેધડ પાર્કિંગ થાય છે, તો પછી એકલો અમદાવાદનો એસ.જી. હાઈવે ને કેમ ઝાલ્યો ..?
હજી પણ એક આડવાત..
અમદાવાદમાં આશ્રમ રોડની ઉપર એક ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે ,જગ્યા નામે ગુજરાત કોલેજ..લો ગાર્ડન વિસ્તારમાં આવેલા જુના જજીસ બંગલોથી ફ્લાયઓવર બનાવી અને આશ્રમ રોડ પર ખોલવાને બદલે સીધો એલીસબ્રીજ ઉપર ઉતાર્યો..
વક્ર દ્રષ્ટિથી જોઈએ તો એવું લાગે કે મ્યુનીસીપલ કમિશ્નર સાહેબને અને મેયર સાહેબને એમના બંગલેથી એમની ઓફીસ મ્યુનીસીપલ કોઠા સુધી જવા માટે વચ્ચે “તકલીફ” બિલકુલ ના પડે એવું કૈક થયું હોય એમ લાગે છે..!!
હવે આ જ ફ્લાયઓવરને આશ્રમ રોડ પર ખોલ્યો હોત તો માદલપુરના ગરનાળાનો ટ્રાફિક ને કેટલો હળવો કરી શકાત ?
પણ હવે આપણે એવું સીધું અનુમાન લગાડીએ કે કમિશ્નર સાહેબની કે મેયરની સગવડ સાચવવા આ બ્રીજ ને છેક એલીસબ્રીજ ઉપર ખોલવામાં આવ્યો તો આપણને કોઈ અંદર ઘાલી દે..
એટલે આપણે એવું બોલવાનો મતલબ નથી..એવું કઈ નથી થયું એવું માની લઈએ છીએ..
છતાં ય એક શંકા થઇ જાય , મોટેભાગે આપણે એવું માનીએ છીએ કે બ્યુરોક્રેટ્સ અને રાજકારણીઓ આ બધા જાહેર જનતાની સેવાર્થે કાર્ય કરતા હોય છે, એમ જ કોર્ટના જજ સાહેબો પણ જાહેર જનતાની સેવાર્થે કાર્યરત હોય છે પણ ક્યારેક એમની સગવડમાં અગવડ પડે તો આવા પુલ બની જાય કે ટ્રાફિક અને દબાણોને હટાવવા માટે ના “દબાણ” તંત્ર ઉપર વધારે થઇ જતા હોય છે એવું કશું તો નથી થતું ને ..??
ભારતભરમાં આ પરિસ્થિતિ છે…
એસજી હાઈવે તો હજી હમણાં જ બન્યો છે, એ કઈ માણેકચોક જેવું તો નથી કે છસ્સો વર્ષ પેહલા બન્યો હોય ,
તો પછી જયારે આ બધા દબાણો ઉભા થતા હતા ત્યારે શું અમદાવાદથી ગાંધીનગર આવતા જતા રાજકારણીઓ ,સરકારી અધિકારીઓ અને ન્યાયપાલિકાના માનનીય જજ સાહેબોને નહિ દેખાતા હોય ..?
દબાણો ઉભા કેમ થવા દીધા ??
શું લુટિયન્સ દિલ્લીમાં યુપીનો એક પણ માણસ પાનનો ગલ્લો રોડ પર ઉભો કરી શકે ..?
એક નવતર વિચાર ચાલો…
*આપણા દેશની દરેક વિધાનસભા કે સંસદ અરે કોર્ટ ના પ્રાંગણ પણ લઇ લ્યો,આ બધી જ જગ્યાઓ રાત પડ્યે તો બિલકુલ ખાલી જ હોય છે તો ત્યાં સાંજે સાત વાગ્યા પછી ફૂડટ્રક પાર્ક ચાલુ થઇ જાય છે ખરા ..?*
તો પછી આપણા શેહરોમાં સારી મોટી ક્લબો કે મોટા પ્રાઈવેટ કોર્પોરેટ હાઉસની બહાર ખુલ્લા પ્લોટોમાં ફૂડટ્રક પાર્ક કેવી રીતે ઉભા થઇ જાય છે..??
દરેક કોમ્લેક્સ બનતી વખતે ટીપી સ્કીમ ઉર્ફે ટાઉનપ્લાનીગ સ્કીમમાં જે તે ઓથોરીટી પાસે પાસ કરાવવું જરૂરી હોય છે,
*હવે આ કોમ્લેક્ષ બનવતા પેહલા “પાસ” કરાવાયેલા પ્લાન માં મુકાયેલી પાર્કિંગ માટેની ઓપન જગ્યામાં મોટા ઉચા ઓટલા ઉભા કરી અને દુકાનદારો ગેરકાયદેસર એટલી જગ્યા ઉપર કબજો કરી અને એમના “માનનીય ગ્રાહકો” ને રોડ ઉપર પાર્કિંગ કરવા મજબુર કરે છે ત્યારે તંત્ર (તંત્ર =રાજકારણી +સરકારી અધિકારીઓ + કોર્ટ ) કેમ કશું નથી કરતુ ?*
છેક ગળા સુધી સમસ્યા આવે ત્યારે જ આનનફાનન માં જાગી બેચાર રાતના ઉજાગરા કરી અને ફરી પાછું તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘી જાય છે ..?
*તોડો એ દુકાનોના ઊંચા ઊંચા ઓટલા આખા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ના ..એની માં ને..!!*
*બંધ કરાવો પેલા ફક્ત બસ્સો સ્ક્વેર ફૂટની એક દુકાન લઈને ભાજીપાંવ બનાવી અને આખા કોમ્લેક્સના પાર્કિંગમાં ખુરશી ટેબલો ગોઠવીને રોડ પર પાર્કિંગ કરાવતા દાદાગીરીથી ધંધા કરતા હોટેલો વાળા ને..*
અને જો ના બંધ કરાવી શકતા હો તો પછી દરેક જીલ્લા પંચાયત,વિધાસભા ,કોર્ટ આ બધાના રાત્રે ખાલી પડી રહેલા પ્રાંગણઓ માં જ આ બધાને શિફ્ટ કરી દયો..તો પણ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે..
લારીઓ લઇ લઈને રોજ સાંજે સાત વાગ્યે વિધાનસભાના આટલા મોટા ખુલ્લા પડેલા પ્રાંગણમાં કે પછી હાઈકોર્ટના ખુલ્લા પડેલા પ્રાંગણમાં ,જીલ્લા પંચાયતના ખાલી પડેલા પ્રાંગણમાં બધું ય આવશે અને રાતના બાર સુધી તમારી જગ્યામાં ધંધા કરશે અને પછી ઘેર, સવારે સરકાર પોતાનું કામ એ જ બિલ્ડીંગમાં બેસીને કરે..
બિલકુલ માણેકચોકની જેમ,
સવારે જવેરી બજાર અને રાત્રે ખાણીપીણી બજાર..સવારે સરકારી ઓફીસ અને રાત્રે ખાણીપીણી બજાર..!
*આડેધડ થતા પાર્કિંગ માટે હંમેશા પ્રજાને જ દંડિત કરવામાં આવી છે ક્યારેય કોઈ વ્યક્તિ શા માટે આડેધડ પાર્કિંગ કરી રહ્યું છે એનો વિચાર કરવામાં જ નથી આવતો..*
ટીપી સ્કીમો માં હમેશા પાર્કિંગ ની જગ્યાઓ મુકાવવામાં આવે છે અને પછી બિલ્ડર નામનું પ્રાણી એ પાર્કિંગ ની જગ્યામાં ઊંચા ઓટલા બનાવે અને ભોયરામાં દુકાનો ઉતારી અને વેચી ખાય, પછી આખા કોમ્લેક્ષમાં આવતા જતા “નોન-સેન્સ” લોકો ને બહાર રોડ પર આડેધડ પાર્કિંગ કરવા માટે મજબુર થવું પડે છે..
એસ.જી હાઈવેથી પાર્કિંગની સમસ્યા ફૂડ સ્ટોલ અને ફૂડટ્રક પાર્કે વકરાવી છે ,
*એશી ટકા રેસ્ટોરન્ટમાં જેટલા ટેબલ હોય એટલી ગાડીના પાર્કિંગની જગ્યા હોતી નથી..*
*એક ટેબલ ઉપર ચાર જણ બેસે એ ચાર જણ ક્યાં તો બે ટુ વ્હીલર લઈને આવે કે પછી એક ફોર વ્હીલર , તો પછી છસ્સો સ્ક્વેર ફૂટની જગ્યામાં દસ ટેબલ લઈને હોટેલ ખોલનારો શું એના ગ્રાહકો માટે દસ ગાડી ના પાર્કિંગ ખરીદે છે ..? જગ્યા રાખે છે ?*
*હોટેલ ખોલવાના લાયસન્સમાં જ એક પ્રાવધાન હોવું જોઈએ કે તમારી પાસે પાર્કિંગ સ્પેસ કેટલી છે એ જ પ્રમાણે તમને હોટેલમાં ટેબલ રાખવાની પરમીશન મળશે..*
અહી તો દલા તરવાડીની વાડી છે ..
હોટેલ ખોલવી છે …
ખોલી નાખ ખોલી નાખ…
એક ટેબલ મુકું કે બે ..?
અરે મુક ને “દલા” દસ બાર..
જે નિયમ હોટેલોને લાગે તે જ નિયમ સાડી ની દુકાન ને પણ લાગવો જોઈએ અને હોસ્પિટલને પણ..
*આ તો આપણે નસીબ ના બળિયા છીએ કે હિન્દુસ્તાનમાં રહેલા વાહનો ફક્ત અને ફક્ત દસ જ ટકા સમય રોડ ઉપર હોય છે બાકી નો સમય તો બધા વાહનો એમના તબેલામાં પડી રહે છે..*
*જો આ વાહનો દસની બદલે બાર ટકા સમય માટે પણ જો રોડ પર આવી ગયા ને તો પછી ગમે તેટલી પોલીસ મુકશો કે કેમેરા મુકશો કઈ જ મેળ નહિ પડે..*
*જરૂર છે ગેરકાયદેસર રીતે ઉભા થયેલા લારી ગલ્લા અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષના દબાણો હટાવી અને જે તે કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ની પાર્કિંગ સ્પેસ ખોલવાની..અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ફૂડટ્રક પાર્ક હોટેલો અને લારીઓને કન્ટ્રોલ કરવાની..*
બાકી તો બે દિવસમાં તો આખું તંત્ર પાછું ઊંઘી જશે અને બધુય ઠેર નું ઠેર..
જગાડવું છે તંત્ર ને ..?
તો કરો ત્યારે ફોરવર્ડ બીજું શું ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા