આ “ભારતીય વિમાન પતન પ્રાધિકરણ” ને કોઈ પૂછનાર છે કે નહિ..?
આજે સવારે છાપું ખોલ્યું તો કહે છે કે અમદાવાદ એરપોર્ટ નો રન-વે ફરી રીપેર કરવાનો છે..?
કેમ અલ્યા..? આ તે કઈ પશાકાકાનું ખેતર છે કે દર વર્ષે ખેડવું પડે ?
એક વર્ષ પેહલા અમારા અમદાવાદની મુન્સીટાપલીની સ્ટેન્ડિંગ કમિટી ની અન્ડરમાં રહી ને તમે રનવે રી-સર્ફેસ કર્યો હતો ..?
હજી ગઈસાલ ૨૦૧૬માં તો ચાર પાંચ મહિના લોહી પીધા હતા,આખ્ખી બપોર રન-વે બંધ રાખી અને લોકો ને હડે હડે કર્યા હતા,અને હવે ફરી પાછું ..?
એરપોર્ટ નો રન-વે છે કે અમદાવાદ ના રોડ..?
આ તમારા રન-વે રીસર્ફેસ કરનારા અને અમદાવાદ ના રોડ કોન્ટ્રકટર બધા સરખા જ હોય છે..? કે પછી એક જ હોય છે..? હજી એક જ વખત ચાલીસ ઇંચ વરસાદ એકવાર આખી સીઝન નો માંડ થયો, ત્યાં તો અમદાવાદના રોડ રસ્તા ભેગા એરપોર્ટનો રન-વે પણ તૂટી પડ્યો ..?
અલ્યા ભ`ઈ અમદાવાદ ના રોડ કે રનવે કોઈ ફર્ક જ નહિ ?
ભાઈઓ બેહનો ચાલીસ ઇંચ જ વરસાદ પડ્યો હતો ને ..? કે પછી ચારસો ઇંચ ..?
ભારતીય વિમાન પતન પ્રાધિકરણ ના “મહારથી” ઓ તમારી માહિતી આપેલી પ્રમાણે હજી સાલ ૨૦૧૬માં “ફક્ત” રૂપિયા ૨૫ કરોડ ખર્ચીને આપ લોકોએ સાડા ત્રણ કિલોમીટર લાંબો અને પિસ્તાલીસ મીટર પોહળો અમદાવાદ નો રનવે રીસર્ફેસ કર્યો હતો..
પચ્ચીસ કરોડ રૂપિયા ના ખર્ચે “રી-સર્ફેસ” હોં.. નવો નહિ..!!!! અને હજી વર્ષ પૂરું નથી થયું ત્યાં તો ફરી વાર..?
અલ્યા તમારા કરતા તો પેલા યુ.પી. ના આગ્રાના એક્સપ્રેસ હાઈવે સારા, ત્યાં તો હાઈવે ઉપર ફાઈટર પ્લેન ઉતારે છે..અરે પાકિસ્તાનના હાઈવે પણ સારા,ત્યાં પણ એફ-૧૬ ઉતારે છે..હવે ન કરે નારાયણ અને કોઈ ઈમરજન્સીમાં અમદાવાદ એરપોર્ટ પર થોડાક મીગ કે સુખોઈ ઉતારવાના આવ્યા તો શું થાય ?માત્ર એક જ વર્ષમાં રી-સર્ફેસ કરવા પડતા રન-વે તો ફાઈટર પ્લેનની ગરમી થી જ મીણ ના બન્યા હોય એમ ઓગળી જાય..!
અત્યારે તો છાપું લખે કે રોજની ૯૦ ફલાઈટો આવે છે,અને જાય છે અમદાવાદથી, એમાંથી ૩૦ કેન્સલ અને બાકીની ૬૦ રીશેડ્યુઅલ થશે..
ઓહ..ત્રાહિમામ..ત્રાહિમામ…
આપણે ૨૦૧૬ ના પેલા રનવે રીસર્ફેસના દિવસોમાં અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક પર ભરાયેલા છીએ..બપોરે જેવો રનવે બંધ થાય કે આખું ટર્મિનલ ખાલી ભૂતિયું ભાસે, અને સાંજે પાંચ વાગે એટલે પેસેન્જરો ને ઘેટાં-બકરાની જેમ એક બાજુ ભેગા કરીને ગ્રાઉન્ડ સ્ટાફ તૈયાર રાખે,સાંજના છ વાગ્યે એક પછી એક ચીચીયારા કરતા ધડાધડ એરક્રાફ્ટ આવે,એટલે એમાં આવેલા ઘેટાં-બકરાને લાકડીઓ મારી મારીને ફટાફટ બહાર ઉતારે, અને ટર્મિનલ પર પૂરી રાખેલા ઘેટા-બકરાને ચડાવે..!
મને તો પેલા માલધારીઓ ખટારામાં એમના ઘેટાં-બકરા કેવા ચડાવતા હોય છે?? બસ એવો જ સીન લાગતો હતો..!
આખા ટર્મિનલ ઉપર ચારેબાજુ “કેઓસ” હોય,દરેક એરલાઈનો ને જલ્દીમાં જલદી લેન્ડીગ અને ટેઈક ઓફ કરાવવા હોય..પણ અમદાવાદમાં એક અજબગજબની વાત થઇ છે એસ.ટી. સ્ટેન્ડ એરપોર્ટ જેવા થયા છે,અને એરપોર્ટ એસ.ટી. સ્ટેન્ડ જેવું..!
બસ ખાલી એરક્રાફ્ટની બારીમાંથી શેરડીના રસવાળા રસ પીવડાવી જાય તો બધું સરખું થઇ જાય..!
ઘણીબધી વાર પગમાં ચપ્પલ પણ ના પેહર્યાં હોય એવા પેસેન્જર એરક્રાફ્ટમાં હોય છે..કોઈ વિરોધ નથી, દરેક નો હક્ક છે હવામાં ઉડવા નો પણ એવું ચોક્કસ લાગે કે ભારત આગળ નીકળી ગયું છે.. જો કે આવા “ક્લાસ” ને એરક્રાફ્ટ સુધી ખેંચી લાવવાનો યશ આપવો હોય તો કેપ્ટન ગોપીનાથની એર ડેક્કનને આપવો રહ્યો.!
સાડા સાતસો રૂપિયાની ટીકીટમાં મુંબઈ આપડે પણ ગયેલા છીએ એમની એર ડેક્કનમાં..!
પેલા શશી થરુર સાહેબ ઈકોનોમીને કેટલ ક્લાસ કહે છે..આપણા જેવાને થોડુક અપમાનજનક લાગે, પણ ખોટું નથી એ ઉપનામ..ખરેખર ઘેટાં-બકરાની જેમ જ ભરાય છે આપણને..!!
હવે જરા પુછવાનું મન ચોક્કસ થાય “ભારતીય વિમાન પતન પ્રાધિકરણ” ના સાહેબોને કે મુંબઈનું શું હાલત છે..? ત્યાં પણ આવો જ ખેલ કરવાના છો ? મુંબઈના રન-વે ને પણ રીપેરીંગ માટે વચ્ચે બંધ કર્યો હતો, ત્યાં પણ અમદાવાદની જેમ ડામરની બદલે ઓઈલ નાખી ને કાંકરા ચોટાડી દીધા છે કે શું?
ખરેખર ક્યારેક એવું લાગે કે કોઈ જ રણીધણી નથી આ દેશમાં..!
પચ્ચીસ કરોડ રૂપિયા,અને એ પણ સાડા ત્રણ કિલોમીટર બાય પિસ્તાલીસ મીટરમાં નાખ્યા અને વર્ષમાં બધું પાણીમાં ..?
ગજબ…!
બ`ચારી જનતાને ઈમાનદારી અને નીતિમત્તાના પાઠ પઢાવવાના અને સરકારી સાંઢો આખો રન-વે નો રન-વે ચરી જાય..!
છાપું લખે છે અમદાવાદ થી બેંગકોકની સીધી ફ્લાઈટ ચાલુ કરી રહી છે સ્પાઈસ જેટ..! સ્પાઈસ જેટ છે એટલે સસ્તું ભાડું અને…જાત્રા..હા હા હા..!
જો કે સાવ એવું નથી થાઈલેન્ડના અંતરિયાળ વિસ્તારના બીચ અને દરિયો સખ્ખત બ્યુટીફૂલ છે, અને દિવસે પણ બેંગકોક જોવા જેવું છે શાંઘાઈની મીની આવૃત્તિ છે બેંગકોક..!!
છેલ્લે છાપું લખે છે કે અમદાવાદ અને જયપુર આ બંને એરપોર્ટ ને ઓપરેશન્સ અને મેન્ટેન્સ માટે પ્રાઈવેટ પાર્ટીને સોપી દેવાની હિલચાલ ચાલી રહી છે..!
ટૂંકમાં ભારતીય વિમાન પતન પ્રાધિકરણ પાટલુન કાઢીને ખંભે મુકવાની તૈયારી કરી રહ્યું છે..!
ઘીસ બે લાલિયા બાપ કા ચંદન..!
મોટા મોટા એકમો સરકાર ઉભા કરે,પેહલા નફો,પછી ખોટ..છેવટે ધીમે`ક થી પ્રાઈવેટ ને સોપી દેવાના અને પ્રાઈવેટ પેટ ભરીને કમાય..!
ક્યારેક એવું પણ બનશે કે આખે આખું વિમાન પતન પ્રાધિકરણ એટલે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા નું પણ પ્રાઇવેટાઈઝેશન થઇ જશે..!
ભાઈ ઇન્ડિયન આર્મીનું પ્રાઇવેટાઈઝેશન ના કરશો હો..
છેલ્લા ઘણા સમયથી હવાઈ યાત્રાઓમાં કોઈ ચાર્મ રહ્યો નથી, હવાઈ યાત્રા એ યાત્રાનું એક સાધન જ રહી છે, હવાઈ યાત્રાઓમાં મોટાભાગની એરલાઈનો એ ડોમેસ્ટિકમાં ફર્સ્ટ કે બીઝનેસ ક્લાસને કાઢી નાખ્યો છે, દિવસે દિવસે રૂટ્સ ઓછા થતા જાય છે,સ્પાઈસ જેટ તો ઉઠી જતા જતા માંડ બચી છે,તાણીતુંસી ને એરલાઈનો એમના પેટીયા રળે છે, ગયા અઠવાડિયે બેંગ્લોર એરપોર્ટ હતો એક સમય હતો કે બેંગ્લોરના પાર્કિંગમાં ચારે બાજુ ડાર્ક બ્લ્યુ કલર દેખાતો હતો જેટ એરવેઝ અને ડેક્કનનાં એરક્રાફ્ટ નો,પછી વારો આવ્યો લાલ લાલ એરક્રાફ્ટનો કિંગફિશર અને સ્પાઈસ જેટના,આજે ફરીવાર રંગ બદલાઈ ગયો ઈન્ડીગો બ્લ્યુ કલર આવી ગયો છે ગો એરવેઝ અને ઈન્ડીગોના એરક્રાફ્ટ મેક્સીમમ દેખાતા હતા..!
બહુ ઝડપથી ડોમેસ્ટિક એરલાઈનો જન્મે છે, અને મરે છે, અને મરતી નથી તો માંદી તો ચોક્કસ થાય છે..!!!
ક્યાંક આવા રન-વે ના પ્રોબ્લેમ એરલાઈનોની ખોટમાં વધારો કરવાનું એક કારણ હોય છે, મુંબઈ એરપોર્ટ ઉપર પીક અવર્સમાં ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ દોઢ દોઢ કલાક રન-વે પ્રોબ્લેમ ને લીધે અમે કેટલી બધીવાર હવામાં ઝૂલ્યા છીએ..!
સીધો લોસ છે, આવા ડિપાર્ચર કે લેન્ડીંગના વેઈટીંગ એરલાઈન્સ માટે..!
વર્ષ થી ઓછા સમયમાં રીસર્ફેસ કરવો પડતો અમદાવાદના એરપોર્ટ નો રન-વે ફક્ત પચ્ચીસ કરોડનું નુકસાન નથી કરાવતો,પણ બીજું એટલું કે એનાથી વધારે નુકસાન બધી એરલાઈન્સ અને પેસેન્જર્સ ને પણ કરાવશે..!!
ચાલો દુરાંતો અને રાજધાની શોધો ભાઈ..!
આપડે તો ભારત ભ્રમણ કર્યા વિના છુટકા થોડા હૈ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા