ગઈકાલે ફેસબુક મિત્ર વૈદરાજ ગૌરાંગભાઈ દરજી એ મિલિન્દ સોમણનો એમની લેટેસ્ટ નવી નક્કોર ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો મુક્યો અને લખ્યું કે ચ્યવનપ્રાશ ખાઓ..!!
એક વસ્તુ મેં માર્ક કરી છે, “કુંવારો” સારું કમાતો હોય અને હામ,દામ ને નામ મળ્યા હોય તો મારો બેટો બાવન વર્ષે પણ “હણહણતો” હોય અને “સંસારી” બિચારો પીપીએફ અને એલઆઈસીના પ્રીમીયમ ભરી ભરીને બેન્તાલીસે તો મંદિરે-દેરાસરે જઈને શાંતિ લેતો થઇ જાય..!
આપડે તો બાવન વર્ષનો મિલિન્દ સોમણ અને એની અઢાર વર્ષની ગર્લફ્રેન્ડ અંકિતાનો ફોટો જોયો એટલે દિલ બાગ બાગ થઇ ગયું..મારું બેટું પ્રેમ ખરેખર આંધળો હોય છે,
વચ્ચે કૈક ફ્લીપબોર્ડ પર મેસેજ હતો કે એક બાવીસ વર્ષનો અમેરિકન નેવું વર્ષના માજી ને પરણ્યો હતો..અને મા`ડી પરણ્યાના છ મહિનામાં ઢબી પડ્યા..પછી તો મા`ડી ની મિલકત માટે એમના છોકરા અને છોકરાના છોકરા અને એમનો નવો નક્કોર “વર” બધુય કોર્ટે ચડ્યું હતું..!
દુનિયામાં પણ અજબગજબના જોણા થાય છે..!
આવા મિલિન્દ સોમણ જેવા અને સલમાન જેવાને જોઈએ ને ત્યારે મને ઘણીવાર એમ થાય કે આ ખોટા પરણ્યા..!! જો કે તમને ય થતું હશે કે, હા હો સાચી વાત છે..પણ પછી દસેક મિનીટમાં તો પાછી સા`ન ઠેકાણે આવી જાય..!
હમણાં દિવાળી પેહલા મારી જોડે એક “ઘટના” ઘટી..પુષ્ય નક્ષત્રને દિવસે પરંપરા નિભાવવા ચોપડા લેવા અમે સારા મુર્હતમાં ચોપડા લેવા ફર્નાન્ડીઝ બ્રીજની નીચે ગયા,અને ત્યાં ભીડમાં ચૌદ પંદર વર્ષના ત્રણ મોરલા મારી ઉપર કળા કરી ગયા, એકે મને ધક્કો માર્યો બીજાએ મારા શર્ટના ઉપલા ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ત્રીજાને સરકાવી દીધો અને આપણો મોબાઈલ ગયો..! દસ મીનીટે તો મને સાંધો મળ્યો કે મારો મોબાઈલ ગયો..ચોપડાવાળાના સીસી ટીવી ફૂટેજમાં જોયું ત્યારે ખબર પડી કે ત્રણ મોરલા આવી રીતે મોબાઈલ કાઢી ગયો..! પછી પોલીસ સ્ટેશન તો જવું જ પડે અને ત્યાં ખાડીયા પોલીસ સ્ટેશન લાગે, આપડે પોહચ્યા ખાડીયા પોલીસ સ્ટેશન..
બયાન લખાવો..
નામ..?
મેં કીધું શૈશવ હર્ષદભાઈ વોરા ,
ઉંમર..? સુડતાલીસ વર્ષ ..
બયાન લખનારાની પેન અટકી ગઈ,મારી સામે જોવા લાગ્યા અને ફરી પૂછ્યું ઉંમર તમારી ..???
મેં કીધું સુડતાલીસ વર્ષ, પેલા પોલીસવાળા ભાઈ થોડા અકળાયા
અરે ભાઈ તમારી હા`ચી ઉમર ક`યો ને..!!??
મેં કીધું યાર સુડતાલીસ પુરા અને અડતાલીસમુ ચાલુ બસ, અડતાલીસ લખો..
પોલીસવાળા ભાઈ જે લગભગ ત્રીસની આજુબાજુના હશે,એમણે પેન બાજુ પર મૂકી દીધી અને બોલ્યા ભાઈ નિશાળે વેહલા બેસાડવા જે ઉંમર લખાવી હોય એ નહિ તમારી સાચી ઉંમર બોલો..
મેં કીધું ભૈ`લા સીધી વાત કરો કે તમને હું સુડતાલીસનો નથી લાગતો તો પંચાવનનો લાગુ છું કે .. ?
એ પોલીસવાળા એ મને અટકાવી દીધો, ભાઈ તમે પાંત્રીસના માંડ લાગો છો..! એટલે આપણે ખીસામાંથી લાયસન્સ કાઢ્યું અને આપ્યું ભાઈ કોઈ પાંત્રીસ બાત્રીસ નો હું નથી સુડતાલીસ પુરા થયા અને મારી દીકરી કોલેજમાં છે..!
હવે એ બયાન લખનારા ભાઈ મારાથી અભિભૂત થઇ ગયા,અને બીજા બે ને બોલાવ્યા આ ભાઈની ઉંમર કેટલી..?
પછી ચાલ્યું બધું, અને બયાન લખવાનું બાજુ પર રહી ગયું ..એક પોલીસવાળા ભાઈ કહે તમે તો યાર સલમાનખાન જેવું કર્યું, ઉંમર દેખાતી જ નથી..બીજા ભાઈ બોલે હવે જા`વા દે સલમાનની તો દેખાય છે હવે આમ`ની તો જરાય નથી દેખાતી..! આહા..હા..હા એવી દિલમાં ટાઢક થઇ ગઈને સલમાનની ઉંમર દેખાય છે અને આપણી નથી દેખાતી..આપણને બારેય કોઠે દીવા થઇ ગ્યા..!
પણ તરત યાદ આવ્યું કે આપણું શરીરનું એક અંગ કોઈક કાઢી ગયું છે એટલે મોબાઈલ અને ડેટા ગયાનું દુઃખ અને ચચરાટી પાછી આવી ગઈ ,અને એ બધા બયાન લઈને આગળ કાર્યવાહી કરવાને બદલે મારી ઉંમર ઉપર અટકી ગયા હતા..મેં કીધું ભાઈ હવે છોડો આ બધું સલમાનને તો સોમીઅલી થી લઈને લુલીયા વાયા ઐશ્વર્યા મળી છે,મારે તો ઘેર એક જ છે અને એ એક બહુ છે બાપલીયા..મને ખરેખર સુડતાલીસ થયા છે..!
પણ પાર્ટી હજી બયાન લખવાના મૂડમાં આવતી જ નોહતી અને પુરક સવાલ આવ્યો તમે શું ખાવ છો ?
મને લાગ્યું કે હવે નાનું ભાષણ આપ્યે જ છૂટકો છે એટલે ખાવાનું ,વ્યસનથી દુર રહીને રોજ રેગ્યુલર થોડીક કસરતનો મહિમામંડન કર્યો અને બયાન લખાવ્યું..!
હવે એ બધામાં એક નાનકડો પચ્ચીસએક વર્ષનો પોલીસવાળો થોડોક ચબરાક હતો, એટલે મારા ભાષણને અંતે બોલ્યો તે તમે જે ખાવ ઈ ભાભીને પણ ખવડાવતા હશો ને..ન`કર તો તમારે બા`રે “શોધવા” જાવું પડે..!
આપડે કપાળ કુટયે અને શરણાગતિ લીધે જ છૂટકો હતો એટલે મેં કીધું હા ભાઈ હો.. ખવડાવું છું હો.. ત્યારે એ બધાને ધરપત થઇ..
પણ મને લાગે છે કે ઘડપણ ની પેહલી નિશાની એ જ છે કે તમને કોઈ તમારી ઉંમરથી નાના કહે અને તમને એ વાત અત્યંત પ્રિય લાગે..કાનને વારંવાર સાંભળવું ગમે કે તમે તો છો એના કરતા દસ વર્ષ નાના લાગો છો..સમજવું કે સમય થઇ ગયો છે પેલું ગીત ગાવાનો “કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘર ઘડપણનું મારું આવી ગયું..”
આજે મિલિન્દ સોમણનો ફોટો જોઇને એકવાર તો થઇ ગયું કે ચ્યવનપ્રાશની જોડે જોડે થોડી સુવર્ણ વસંત માલતી કે વસંત ઉષ્માકર પણ ઠોકી લેવાય હો..!
પણ યાર લાલચ બુરી બલા હૈ..
જુવાની રોકે રોકાતી નથી અને પકડે પકડાતી નથી..આવા જોડા-કજોડા જોઇને પુરુષ માણસને ગલગલીયા થાય અને મહાપુરુષોને નફરત..
આ જગતમાં શારીરિક અને માનસિક બંને ફિટનેસ ધરાવતા લોકોની એક અલગ જ દુનિયા છે,અને જેમ જેમ ઉંમર વધતી જાય અને ફિટનેસ પકડી રાખો તેમ તેમ એ દુનિયા વધારે અને વધારે સુંદર થતી જાય છે..
સ્ત્રી અને પુરુષના સબંધ ઉપર તો અધધ..થવાય એટલું લખાયું છે..અને એમાં પણ ઉંમરના ફર્ક વાળા જોડા ઉપર પણ અઢળક સાહિત્ય મળે, અને દરેક વાર્તાનો સાર એક જ આવે રાજા ને ગમી તે રાણી ને છાણા વીણતી આણી..!
એમાં બહુ બુદ્ધિ વાપરવાનો મતલબ નથી..
એક ઉંમર પછી પોતાની ઉંમર વધી રહી છે એ સ્વીકાર્યતા ખુબ અઘરી છે..કારણ એટલું જ છે કે જીવન સૌથી વધારે “વસ્તુઓ” પચ્ચીસ થી પચાસ વર્ષ સુધી ની ઉંમરમાં આપે છે,અને પછી પચાસ વર્ષ પછી એ જ જિંદગી એની આપેલી “વસ્તુઓ” આપડી પાસેથી એક પછી એક પાછી લેવાની ચાલુ કરે છે..
ગધ્ધાપચ્ચીસી પૂરી થાય એટલે જિંદગી જીવનસાથી આપે, સંતાનસુખ આપે પોતાની કમાણી અને ઘરબાર આપે,રૂપિયો કમાઈને વાપરતા આવડે,માંબાપ અને સાસુ સસરા આપે..
અને જેવો વનપ્રવેશ થાય એટલે માંબાપ એમના રસ્તે જાય, સંતાનો એમના જીવનસાથી જોડે જાય, જેના એ તેના અને ડોશી ફાંફા મારે એના..અને શરીર સાથ આપવાનો છોડે બ્લડ પ્રેશર,ડાયાબીટીસ અને કામ કરવાની ક્ષમતા ઘટાડે..!
જો કે કુદરત વધતી ઉંમરનો સૌથી પેહલો અણસાર તો જિંદગી બેતાલીસમા વર્ષે બેતાળાં આપીને કરાવી દે છે,પછી જિંદગી ધીમે ધીમે બધું ઓછું કરાવે..!
પણ ખરેખર તો આ એ જ ઉંમર છે માહ્યલો જગાડવાની ઉંમર..!
સંસારી માણસ વધતી ઉંમર જોડે સંસાર ની ધીમી ધીમી ઠોકર ખાતો ખાતો “ઇનર લાઈફ” ડેવલપ કરતો જાય,સ્વજનનો જોડે જીવતો માણસ “સ્વ” જોડે જીવતો થાય અને એક સમય એવો આવે કે પોતાની જાત કરતા ઈશ્વર પર ભરોસો વધારે રાખતો થઇ જાય..!
બાવન વર્ષ અને અઢાર વર્ષ…ના બિલકુલ નહિ..!
ગમે તેટલા “ફીટ” હો..પણ ક્યાંક તો જવાબ આપવાનો છે..!!!
ફેસબુક,ઈન્સ્ટાગ્રામ ,સ્નેપચેટ સુધી બરાબર છે..પણ “ટીંડર” બિલકુલ નહિ..!!
ચ્યવનપ્રાશ જરૂર ખાઓ, પણ સજોડે..અને ફીટ રહો..!
શુભ રાત્રી
શૈશવ વોરા