જામી રમતનું ઋતુ જામી.. તુ તુ.. હું ..તું .. આંકડાની રમત જામી ..!
આજે એક જાણીતા અંગપ્રત્યાર્પણ કરતા સર્જન જોડે વાત થઇ , મેં એમને કીધું કે એક બિલ્ડીંગનો એક કોલમ
સેહજ આડો ભરાઈ ગયો છે ,”સરખો” કરવાનો છે તમારે..!
મને કહે ..કેમ સવાર સવારમાં બીજું કોઈ મળ્યું નથી આજે કે મારો વારો
લે છે..?
મેં કીધું એવું કેમ બોલો છો યાર ? તમે તો એક એન્જીનીયર કરતા આગળ ગણાવ યાર, જીવતા માણસ ના અંગો બદલી નાખો ને ખૂબી તો એ વાત ની કે અંગો બદલ્યા પછી પણ માણસ જીવતો રહે ,તો પછી આ તો એક નાનકડો બિલ્ડીંગ નો કોલમ
છે તમે સીધો કેમ ના કરો..?
સર્જન સાહેબ થોડા અકળાયા મને કહે સીધી વાત કર શૈશવ..!!
મેં કીધું અમુક લાખ કેસ થઇ જવાના હતા અને અમુક કરોડ લોકો ધરતી ઉપરથી ગાયબ થઇ જવા ના હતા તે એ બધું શું થયું..!!
સર્જન સાહેબ હસી પડ્યા મને કહે જવા દે હવે એ વિશે મારે કઈ નથી બોલવું..બીજું કઈ હોય તો બોલ .. મેં કીધું તો પછી જેશ્રીક્રષ્ણ..
ફોન કાપ્યો..!
હવે આવડા મોટા સર્જન ના બોલતા હોય તો આપણે થોડું બોલાય ..?
મને તો એટલી ખબર પડે કે જો તમારે દાકતર બનવું હોય તો દસમા ધોરણ પછી ગણિત નો ત્યાગ કરવો પડે અને બાયોલોજી ,કેમેસ્ટ્રી અને ફીઝીક્સ ભણવા પડે..!
અને દાકતર બનવા માટે અગિયારમુ બારમું પછી બીજા સાડા ચાર વર્ષ અને ઉપરથી એક વર્ષની ઇન્ટર્નશિપ ત્યારે તમારી આગળ ડોકટરનું લેબલ લાગે..!! અને એમાં ગણિત નામનો વિષય ના હોય ..
મેં આજ સુધી એકેય ડોકટર ને કોઇપણ રોગ માટે આંકડા બોલતા સાંભળ્યા નથી…!
કોઈ કહી શકશે કે થોડા સમય પેહલા ચીકનગુનિયા નો બાઉટ આવ્યો હતો ત્યારે કેટલા કેસ હતા ? ટાઈફોડ ના કેટલા કેસ હોય છે દર વર્ષે ? ઝાડા ઉલટી ?
ક્યા કારણ થી આ આંકડા દુનિયા ગણી રહી છે એની ખબર નથી પડતી મને..!
અમારા દવાખાને એક ચીકણો ગુંદર હોય એવા એક પેશન્ટ કાકા
આવે ..એમને રોગ કરતા એના વર્ણન કરવામાં ને આંકડા બોલવામાં વધારે મજા આવે..અને ડાયગ્નોસિસ પણ લઈને જ આવ્યા હોય જોડે..!
સાહેબ આમ તો રોજ સવારે એકઝેટ સાડા છ
વાગ્યે મારે “જવા” જોઈએ અને જેવું બેસું કે તરત પેટ સાફ આવે ,પણ હું એકદમ ખુલાસાથી આવે એના માટે લગભગ વીસેક
મિનીટ અંદર બેસું ને એટલીવારમાં ત્રણેક
વાર એકદમ જોરથી ગેસ પાસ થાય અને પાંચેક
વાર ધીમે ધીમે પાસ થાય પછી સેહજ અમથું જોર કરવું પડે પછી જ એકદમ ખુલાસાથી પેટ સાફ આવે..!
આટલું પૂરું કરી ને ચીકણા કાકા અટકે.. પછી પપ્પા પૂછે તો અત્યારે શું થાય છે..? એટલે ચીકણા કાકા પેટ ઉપર હાથ મૂકી ને કહે આખું પેટ ભમે છે, સાહેબ હરણિયું હોય એવું લાગે છે ,એ નહિ હોય તો પથરી થઇ હશે ..કદાચ પેલું એપેન્ડિક્સ પણ હોય.. હે સાહેબ કેન્સર તો નહિ હોય ને..?? !!
હવે એમને શું ખાધું હતું એવી પૂછવાની ભૂલ ના કરાય નહિ તો ત્રણ દિવસ પેહ્લાથી ચાલુ કરે..અને જે ખાધું હોય એના ગ્રામ સહીત નો કમ્પ્લીટ હિસાબ આપે..!
પપ્પા એમના પેટ ઉપર હાથ મુકે …અને કહે આજે સંડાસ ખુલાસા બંધ આવ્યું છે..?
ચીકણા કાકા હથેળી ધરે અને બોલે સેહજ દોઢસો
બસ્સો
ગ્રામ જેટલું આવ્યું હતું..
એટલે પપ્પા એમને કહે ગેસ નો ગોળો ચડ્યો છે ,બીજું કાઈ નથી ..
અને પપ્પા એમને એકપણ દવા ના આપે ને કહે જાવ અઢીસો ગ્રામ ભજીયા ખાઈ લો દવાની જરૂર નથી..
ચીકણા કાકા ખુશ કેમકે વોરા સાહેબ તપાસવાના રૂપિયા તો લેતા નથી ,અને દવા આપી નથી એટલે મફતમાં નિદાન થયું એટલે દવા ના રૂપિયા બચ્યા ,તેના ભજીયા ખાઈ લેવાશે..!!
સાંજે ચીકણાકાકા પાછા આવીને કહી જાય.. દાકતર સાહેબ એકદમ ખુલાસાબંધ થઇ ગયું હોં ..જરાય દુખાવો નથી હવે…અને જો જરાક નવરાશ હોય તો પપ્પા પૂછે પૂરેપૂરું સાડા ત્રણસો
ગ્રામ પૂરું થયું કે પચાસ
ગ્રામ “રહી” ગયું ?
ચીકણો કાકો પૂછે કેમ દાકતર સાડા ત્રણસો
ગ્રામ ? એટલે અમારા કમ્પાઉન્ડર હસતા હસતા કહે અઢીસો
ગ્રામ ભજીયા અને ગઈકાલનું રહી ગયેલું સો
ગ્રામ ટોટલ થાય ને સાડા ત્રણસો
ગ્રામ અને ચીકણો કાકો અટવાય..!
કેટલીય આવી નોટો હોય છે કે વજનકાંટો લઈને હંગવા જતી હોય છે..!!
આંકડા ક્યાં સુધી ગણવાના હોય મેડીકલ સાયન્સમાં ..?
સાદું ગણિત કે જટિલ ગણિત મેડીકલ સાયન્સમાં ક્યાં સુધી સાચું ?
મેડીકલ સાયન્સ પોતાની પાસે પણ જવાબ નથી તો પછી જુદી જુદી થીયરીઓ મૂકી અને દુનિયામાં ભય ફેલાવવાનો શો મતલબ છે ?
સદીના સૌથી “મોટા” આંકડાશાસ્ત્રી અમેરિકન પ્રમુખ સાવ ખોટ્ટા પડ્યા છે..પણ એટલું ખરું કે ઈકોનોમી ને ઉભી રાખી છે..!
હવે એવું લાગે છે કે દુનિયાભર ની સરકારો ,મીડિયા ને સોશિઅલ મીડિયા ચીકણાકાકા ની ભૂમિકા દુનિયાભરમાં સુપેરે ભજવી રહ્યા છે,
હું તો પાકિસ્તાન નું ઉદાહરણ લઉં ..
આજે પાકિસ્તાનની વસ્તી એકવીસ કરોડ
અને જે રીતે પાકિસ્તાન વૈશ્વિક મહામારી હેન્ડલ કરી રહ્યું છે એ જોતા ઓછામાં ઓછા દસ ટકા
પાકિસ્તાનીઓ તો કોવિડ-૧૯ ના શિકાર થઇ જવા જોઈએ ,
આંકડાની રમત માંડું છું હો ..
એટલે કે બે કરોડ ને દસ લાખ
પાકિસ્તાનીઓ ને કોવિડ-૧૯ થઇ જવો જોઈએ અને મોર્ટાલીટી રશિયો એક
ટકો મુકીએ તો ઓછામાં ઓછા બે લાખ
લોકો તો જમીનમાં ૯
ફૂટ નીચે જતા જ રહ્યા હોય..!!!
ક્યાંક વાંચ્યું હતું કે કોવિડ-૧૯ થી મરેલા લોકો ની જો દફનવિધિ કરવી હોય તો ૯ ફૂટ નીચે તો કરવી જ પડે ,એટલે ૯ ફૂટ લખું છું..
પણ એવું થયું છે ખરું ?
ત્યાં નથી એવી હોસ્પિટલ કે નથી દવા કે ડોક્ટર એમની પાસે તો પછી એવું શું થયું કે હજી બે લાખ માણસો ત્યાં મર્યા નથી ?
આંકડાશાસ્ત્રી ખોટા બીજું કઈ જ નહિ..!!
આંકડાની જરૂર વ્યવસ્થા ગોઠવવા ચોક્કસ પડે , પણ એમાં અડસટ્ટો મળે નહિ કે ચોક્કસ આંકડા..અને એના આધારે ભવિષ્યવાણીઓ તો હરગીઝ નહિ..!
દુનિયા આખી એ હવે આ આંકડાની રમત બંધ કરી અને જેમનું જે કામ છે તેમને તે કરવા દેવા ની જરૂર છે..!
કોવિડ-૧૯ હવે ઘણો જાણીતો થઇ ગયો છે દુનિયાભરના ડોક્ટર્સ માટે ,એટલે વ્યવસ્થાપન સરકારો ને અધિકારીઓ એ હાથમાં રાખી ને ટ્રીટમેન્ટ પાર્ટ વત્તા ભવિષ્યમાં કેટલા કેસ થશે અને એને કેવી રીતે હેન્ડલ કરશું એ ડોક્ટર્સ પૂછી અને સપોર્ટમાં આવવા ની જરૂર છે..
જેના કામ જે કરે ..!
અને હા પપ્પા હમેશા કેહતા મેડીકલ સાયન્સ માં પણ એક વત્તા એક બે ક્યારેય થતા નથી માટે જ ગણિત ને સાવ બાજુ ઉપર મૂકી ને મેડીકલ સાયન્સ ભણાવાય છે..!!
ન પડશો આંકડા ના ચક્કરમાં ..!
બોલો બોસ કેટલા ગ્રામ “થાય” છે સવારે…?
કેમ હસો છો ?
કેટલા ગ્રામ ખાધું અને કેટલા ગ્રામ નીકળ્યું એનો તાળો તો મેળવવો જ રહ્યો ને ..
ખોટું કહું છું ..? ….ચીકણેશ ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)